ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨) તાત્પર્યબાધ
લક્ષણામાં રહેલા મુખ્યાર્થબાધ વિશે હિંદીના પ્રસિદ્ધ વિવેચક આચાર્ય રામચન્દ્ર શુક્લ લખે છે: “‘બાધ’ના અર્થ પરત્વે સંદિગ્ધતા નહિ રહેવી જોઈએ. ખરી રીતે એને ‘યોગ્યતા’ના અભાવ (વાક્યના શબ્દોમાં તાર્કિક અન્વયના અભાવ) પૂરતો મર્યાદિત રાખવો જોઈએ, પણ ‘આપનો બહુ ઉપકાર થયો’ (કશુંક અનિષ્ટ કરનાર પ્રત્યે બોલાયેલ ઉક્તિ) જેવા દાખલામાંથી દેખાય છે તેમ વિશિષ્ટ પરિસ્થિતિની સાથે વાક્યની અસંગતિ-વાક્ય તો તાર્કિક રીતે શુદ્ધ હોય છે - ના અર્થમાં એ સંજ્ઞાને સમજવામાં આવે છે, અને એને વાક્યગત લક્ષણાનું ઉદાહરણ ગણવામાં આવે છે. પણ મારે મતે વાક્યગત હોય ત્યારે લક્ષણા નહિ, વ્યંજના ગણાવી જોઈએ. પ્રસ્તુત ઉદાહરણ લક્ષણાનું ગણાય, જો એ વાક્યની આગળ ‘આપે મારું ઘર લઈ લીધું’ જેવી કોઈ ઉક્તિ આવી હોય તો.” ટૂંકમાં, આચાર્ય રામચન્દ્ર શુક્લ પ્રસંગના તાત્પર્યને—અકથિત સંદર્ભને—કારણે બાધ થાય એમ માનતા નથી. બાધ કાં તો વાક્યના શબ્દોને કારણે ઊભો થાય અથવા બે વાક્યોને કારણે ઊભો થાય. પણ એમનું દૃષ્ટિબિન્દુ સ્વીકાર્ય બને એમ નથી લાગતું. ઉપાદાનલક્ષણામાં, એક રીતે જોઈએ તો, વાક્ય અન્વયની દૃષ્ટિએ તર્કશુદ્ધ જ હોય છે— દા.ત. ‘क्षत्रिणः यान्ति ।’, ‘काकेभ्यो दधि रक्ष्यताम् ।’, ‘कुन्ताः श्रविशन्ति ।’માં. પણ તાત્પર્યની દૃષ્ટિએ અર્થ અધૂરો રહે છે, તેથી આપણે લક્ષ્યાર્થ લઈએ છે. ‘આપનો બહુ ઉપકાર થયો’ જેવું વાક્ય કોઈક પ્રસંગના સંદર્ભમાં જોઈએ ત્યારે બીજો અર્થ લેવાનું પ્રાપ્ત થાય છે. પછી એ જ વક્તાની આ વાક્યની સાથે અસંગત એવી કોઈ ઉક્તિ હોય કે ન હોય, એના પર લક્ષણા કે વ્યંજના ગણવાનું ધોરણ નક્કી કરવું ઈષ્ટ નથી લાગતું. પ્રસંગના સંદર્ભ સાથે વાક્ય અસંગત હોય એટલે બસ.