ભારેલો અગ્નિ/૧૧ : જખમનાં કારણો

૧૧ : જખમનાં કારણો

કમળ ભોળું, કુમુદ ભોળું,
ભ્રમર ભોળો! દીવનો છે!
જે જેવું ન તે તેનું,
      પ્રેમી પ્રેમી જુદાનાં.
કલાપી

અને ખરે ત્ર્યંબક મિશન આગળ પહોંચ્યો ત્યારે લ્યૂસી મિશનના કમ્પાઉન્ડમાં ઉપર ઝઝૂમી રહેલા એક વિશાળ વડ નીચે કમ્પાઉન્ડના તારને ઝાલી ઊભી હતી. જોવા ઇચ્છતી આંખને અંધારું નડતું નથી.

‘ત્ર્યંબક!’ લ્યૂસીનો ઝીણો અવાજ સંભળાયો. ત્ર્યંબકે તે બાજુએ પગ દોર્યો. લ્યૂસી સામે તારની બીજી બાજુએ ત્ર્યંબક ઊભો. લ્યૂસીની આખમાં રાત્રિના આકારની ભૂરાશ પ્રતિબિંબત થતી ત્ર્યંબકે પાછી નિહાળી. દર્શનોના અભ્યાસી ત્ર્યંબકને વિચાર આવ્યો : પંચમહાભૂતનો બનેલો દેહ! લ્યૂસીની આંખના ઘડતરમાં આકાશતત્ત્વ વધારે વપરાયું હશે શું?’

‘ક્યારની રાહ જોઉં છું.’ લ્યૂસી બોલી, ત્ર્યંબક ઊભો જ હતો.

‘મારા મનમાં કે તું આવીશ જ નહિ.’ લ્યૂસીથી બોલ્યા વગર રહેવાતું નહોતું.

‘આવ્યા વગર રહું જ નહિ. મેં કહ્યું હતું ને?’ ત્ર્યંબક બોલ્યો, શુદ્ધ મર્દાનગીભર્યા રણકતા પુરુષઅવાજે લ્યૂસીના હૃદયને ઝણઝણાવી મૂક્યું. ત્ર્યંબકનો સ્વર તેને ગમ્યો, છતાં તેના ખુલ્લા ઉચ્ચારે લ્યૂસીના હૃદયમાં ભય પણ ઉપજાવ્યો.

‘જરા ધીમેધી બોલ.’ લ્યૂસીએ કહ્યું.

‘કેમ?’

‘કોઈ સાંભળશે.’

‘તેમાં શું? આપણે એવું શું બોલીએ છીએ કે જે બીજા સાંભળી ન શકે?’

‘મારે એવું જ બોલવું છે કે જે હું અને તું બે જ સાંભળી શકીએ.’

‘કહી નાખ. એવું શું છે?’

‘તું કાલે જવાનો?’

‘હા.’

‘નક્કી થયું?’

‘લગભગ નક્કી.’

લ્યૂસીએ નઃશ્વાસ નાખી, પકડેલો તાર છોડી ફરીથી પકડયો.

‘ત્ર્યંબક! તું મને ખૂબ યાદ આવીશ.’

‘અને તું મને નહિ સાંભરે એમ?’

‘ખરે, તું મને યાદ કરીશ?’

‘મને અંગ્રેજી શીખવનાર ગુરુણીને હું કેમ ભૂલીશ?’

‘બસ, એક શિક્ષિકા તરીકે જ મારી યાદ રહેશે?’

‘વળી તું શિષ્ય પણ હતી!’

‘એટલું જ?’

‘શિક્ષક કે શિષ્ય બધાંય સાંભરે એવાં ક્યાં હોય છે?’

લ્યૂસી ક્ષણભર શાંત રહી. કોઈ સાંભળતું તો નથી એમ જોવા તેણે આસપાસ નજર નાખી. ઉપરથી પણ કોઈની નજર નહોતી પડતી. વડનાં પાંદડાંમાં થઈને તારાઓ આંખમીંચકારા કરતા હતા. એ સનાતન તેજબિંદુઓને શું? એ તો સઘળું જોવા સર્જાયલાં છે. એમના સરખાં જ ચમકતાં રસબિંદુઓ પૃથ્વી ઉપર તેમની નજરે પડે તો તેઓ ઓળખીને આંખ મીંચકારે એમાં નવાઈ શી? સનાતન તત્ત્વોની બીક કે શરમ કોઈને હોય જ નહિ. લ્યૂસી સ્થિર થઈ.

‘ગુરુને કાગળ તો લખીશ ને?’

‘એ કાંઈ ચાલે? ખેપિયા આવતા જ હશે.’

‘તેમાં મારું નામ લખીશ?’

‘લક્ષ્મી! હું તને જુદો પત્ર જ લખીશ.’

લ્યૂસીને લાગ્યું કે ત્ર્યંબકનું હૃદય પહેલી જ વાર મૃદુતા ધારણ કરે છે.

‘પત્રમાં શું લખીશ?’

‘એ તો સમજાતું નથી. કાંઈ પણ લખીશ ખરો.’

‘અંગ્રેજીમાં લખીશ.’

‘ના; એટલું બધું આવડતું નથી. સંસ્કૃતમાં લખીશ.’

‘સહેલું લખજે.’

‘સારું.’

‘શરૂઆત શી કરીશ?’

ત્ર્યંબક જરા હસ્યો. અને બીન્યો પણ ખરો.

‘આ પૂછવાને આટલી રાત પસંદ કરી?’

‘તમે બ્રાહ્મણો આટલા બધા જડ કેમ હશો?’

‘બ્રાહ્મણો સ્વાર્થી અને જડ છે એ તો તમે જ ઠરાવ્યું છે.’

‘તે છે જ.’

‘શા ઉપરથી?’

‘તું જડ ન હોત તો આજ સુધીમાં ઘણું સમજી શક્યો હોત.’

‘હં.’

‘અને સ્વાર્થી છો કે કેમ તે હજી હવે નક્કી કરીશ.’

‘લક્ષ્મી! તારું હૃદય તારી પાસે જ છે ને?’ ત્ર્યંબક ક્યારનો આ પ્રશ્ન પૂછવા માગતો હતો. તેનાથી હવે રહેવાયું નહિ એટલે એ પ્રશ્ન તેણે પૂછી નાખ્યો.

‘ના.’ લ્યૂસીથી હસી પડાયું.

યુરોપિય દેશોની સરખામણીમાં અંગ્રેજો સરખા અતડા અને ગંભીર કોઈ નથી. પરંતુ હિંદીઓની સરખામણીમાં તેઓ વધારે વાચાળ હોય છે. વધારે સ્પષ્ટ રીતે હૃદય વ્યક્ત કરી શકે છે.

‘એ હૃદયને ઠેકાણે રાખ.’

‘ઠેકાણે જ છે.’

‘તો ઠીક. બીજું કાંઈ?’

‘કયે ઠેકાણે છે તે કેમ પૂછયું નહિ?’

‘લક્ષ્મી! અમારા રિવાજ પ્રમાણે કુંવારાં યુવકયુવતીથી એકલાં મળાય જ નહિ.’

‘હું ક્યાં તમારો રિવાજ પાળું છું?’

‘પણ મારે તો પાળવો રહ્યો ને?’

લ્યૂસીએ ફરીથી આજુબાજુ જોયું અને ધીમેથી કહ્યું :

‘ત્ર્યંબક! તું ખ્રિસ્તી જન્મ્યો હોત તો કેવું સારું થાત?’

‘ખ્રિસ્તી! હું બ્રાહ્મણ?’ ત્ર્યંબકના કંઠમાં કઠોરતા ઊતરી.

‘તારા જેવો વિચારક એમાં ગુસ્સે કેમ થાય? આપણે જે ધર્મમાં જનમીએ છીએ તે ધર્મ આપણે પાળીએ છીએ. ધર્મનું બીજું શું મહત્ત્વ છે?’

‘ધર્મ ખાતર મરી પણ શકીએ.’

‘અને મારી પણ શકીએ છીએ. ધર્મ કાં તો તલવાર બને છે કે કાં તો ઢાલ બને છે. બીજું શું?’

‘ધર્મને હસી કાઢવાની જરૂર નથી.’

‘કયા ધર્મને?’

‘કોઈ પણ ધર્મને….’ જરાક અટકીને ત્ર્યંબક બોલ્યો.

‘કારણ?’

‘બધાય ધર્મમાં સત્ય તો છે જ.’

‘માત્ર આપણાથી ઢંકાયેલું રહે છે.’

‘આપણે એકલા મળી ધર્મનો વાદવિવાદ કરવો છે?’

‘મારા ખ્રિસ્તી ધર્મને તો હું એટલી ગાળો દઉં છું! બંધનો ઓછાં હોય તેમ ધર્મો તો બંધન વધાર્યે જ જાય છે.’

‘ધર્મનો અંતિમ પુરુષાર્થ મોક્ષ. આર્યધર્મ તો મોક્ષ આપવા મથે છે.’

‘તું મને આર્યધર્મી બનાવીશ?’

‘ના… હા.. એ તો સંસ્કારનો પ્રશ્ન છે.’

‘તો એવાં સંસ્કાર મને આપ.’

‘તે લઈને શું કરીશ?’

‘તને પરણીશ.’

ત્ર્યંબકના માથા ઉપર જાણે વજ્ર પડતું હોય એમ ક્ષણભર તે ભાન ભૂલ્યો. તેના મનમાં અનેક તર્કવિતર્ક થયા કરતા હતા. લ્યૂસીના હૃદયનો ઓછો ભાસ પણ તેને થઈ ચૂક્યો હતો. પરંતુ આવો ખુલ્લો એકરાર સાંભળવાની તેની તૈયારી નહોતી; હિંદુસ્તાનનો એ રિવાજ નહોતો, યુરોપિયન નફ્ફટાઈનો એ પ્રકાર તે પોતાની સામે જ જોઈ આભો બન્યો.

પરંતુ તેને ક્રોધ ચડવો જોઈતો હતો તે ન ચડયો. એ નફ્ફટ ઉદ્ગારની પાછળ એટલો આર્જવ હતો કે ત્ર્યંબકથી તેનું અપમાન થઈ શક્યું નહિ.

‘લક્ષ્મી! તું શું બોલે છે? હું તો કાળો માણસ.’

‘ગૌર દેહધારીને કાળા દેહ તરફ વધારે આકર્ષણ હોય છે.’

‘વળી હું બ્રાહ્મણ અને તું ખ્રિસ્તી.’

‘તેથી કહું છું કે કાં તો તું ખ્રિસ્તી થા કે મને બ્રાહ્મણ બનાવ.’

‘એ બંને શક્ય છે?’

‘માટે જ કહું છું કે ધર્મ એ બંધન છે. શા માટે એક ખ્રિસ્તી કન્યાથી બ્રાહ્મણને ન પરણાય?’

શૂદ્રોને લલચાવી વટલાવવાની પ્રથા તો જાણીતી હતી જ; પરંતુ બ્રાહ્મણોને વટલાવવાનો આ નવો પ્રકાર તો નીકળતો નહોતો? વિચાર કરતાં ત્ર્યંબકને વધારે ચમકાવતો બોલ સંભળાયો :

‘તું કલ્યાણી તરફ બહુ નજર ન રાખીશ.’

‘એટલે? તું શું કહેવા માંગે છે?’

‘હું એમ કહેવા માગું છું કે કલ્યાણી ગૌતમને ચાહે છે.’

‘એ કહેવાની તારે કાંઈ જરૂર?’

‘ઘેલો! મારે જરૂર છે માટે તો હું કહું છું.’

‘તારે શાની જરૂર છે?’

‘મારે તારી જરૂર છે. તું ખ્રિસ્તી બનીશ તો આપણે આખી દુનિયાને ખ્રિસ્તી બનાવીશું. હું હિંદુ બનીશ તો આપણે આખી દુનિયાને ઉપવીત પહેરાવીશું.’

‘હવે મારે નહાવાનો વખત થયો; હું હવે જાઉં છું.’

‘મારે કહેવાનું હતું તે તેં સાંભળ્યું?’

‘હા.’

‘તું સમજ્યો?’

‘હા.’

‘કાંઈ જવાબ આપીશ?’

‘ના.’

‘કાલે જવાબ આપી શખીશ?’

‘ના.’

‘કાગળમાં કાંઈ લખીશ?’

‘હા; ઘણું કરીને.’

‘શું લખીશ?’

‘લક્ષ્મી, લક્ષ્મી! સ્ત્રીજાતિને મર્યાદા શોભે.’

‘પણ અહીં તો તું પુરુષમાં મર્યાદા જોઉં છું.’

ત્ર્યંબકને હસવું આવ્યું. ભાગ્યે હસતા કડક વિદ્યાર્થીને હસતો નિહાળી લ્યૂસીની આંખો હસી રહી. સ્ત્રીનું મોહિની સ્વરૂપ શિવ સરખા તપસ્વીને પણ કેમ વિહ્વળ બનાવી શકતું હશે તેનો આછો ભાસ ત્ર્યંબકને થયો.

‘હવે જાઉં.’ ત્ર્યંબક નિશ્ચયાત્મક રીતે બોલ્યો :

‘જા.’

‘કાલે મળીશ ખરો.’

‘ઉપકાર માનું છું… કેમ ઊભો રહ્યો?’

‘મારા ઉપર ખોટું ન લગાડીશ.’

‘તારા ઉપર? શા માટે?’

‘કોઈને સારું લગાડવાની મારામાં કળા નથી.’

‘હરકત નહિ.’

ત્ર્યંબકે પગ પાછો ફેરવ્યો. એટલામાં લ્યૂસી બોલી :

‘ત્ર્યંબક! એક ક્ષણ થોભ.’

‘કેમ?’ પાછો સામે ફરી ત્ર્યંબક બોલ્યો.

‘તેં મને પૂછયું તેમ હું પણ પૂછું ને?’

‘શું?’

‘તને તો મારા ઉપર ખોટું નથી લાગ્યું ને?’

‘ના…’

‘કેમ અચકાય છે? કહે, જે કહેવું હોય તે!’

‘ખોટું તો નહિ; વિચિત્ર લાગ્યું.’

‘બસ, ત્યારે તને ચમકાવવો જોઈતો હતો.’

‘જાઉં છું.’

‘હાથ મેળવ.’

ત્ર્યંબકે નમસ્કાર કર્યા.

‘એમ નહિ મારી સાથે.’ લ્યૂસી બોલી.

ત્ર્યંબક અટક્યો. તેનો હાથ લાંબો થયો નહિ. સ્ત્રીની સાથે હાથ મેળવવાની પાશ્ચાત્ય પ્રથા ત્ર્યંબકે કદી પસંદ કરી નહોતી.

‘નહિ અભડાઈ જાય.’ લ્યૂસી બોલી.

ત્ર્યંબક તોય હાથ લાંબો કરી શક્યો નહિ.

‘છેલ્લી માંગણી છે, હો!’ લ્યૂસીના કંઠમાં દર્દ હતું.

ત્ર્યંબકે બીતાં બીતાં હાથ લાંબો કર્યો. સહજ આગળ આવેલા હાથને લ્યૂસીએ પોતાના હાથમાં પકડી લીધો. લ્યૂસીએ જોરથી હથેળી દબાવી, હથેળીમાં કંપ ઉપજાવતી સુંવાળપ હતી, સામે જોતી આંખોમાં આકાશનું ઊંડાણ હતું. મીઠાશ ઘણી વખત ભય ઉપજાવે એવી હોય છે. કેમ તેનો સ્પર્શ બહુ સારો લાગ્યો?’

તે જ ક્ષણે તેના મુખ ઉપર અચાનક આછી ખેંચ આવી. તેની પીઠમાં અતિતીવ્ર દુઃખ શાનું થયું?

લ્યૂસીએ એક તીણી ચીસ પાડી. તેનો બીજા હાથ ત્ર્યંબકની પીઠ ઉપર પહોંચી ગયો હતો. લ્યૂસીના વજનથી કમ્પાઉન્ડના તાર નીચા નમી ગયા. ત્ર્યંબકને લાગ્યું કે તેની પીઠ ઉપર રેલો ઊતરી રહ્યો છે. એક ક્ષણમાં તેને દુઃખનું ભાન થયું, તે જ ક્ષણે તેણે મુખ પાછળ ફેરવ્યું.

એક ઊંચો ગોરો ઘેલછાભરી આંખે છરાનો બીજો ઘા કરવા હાથ ઉપાડતો દેખાયો. ગોરાનું મુખ ખૂન માગી રહેલું હતું.

‘કાળા! નારકી!’ ગોરાનો ઘૂંટાયેલો અવાજ સંભળાયો. પોતાના ઉપર લ્યૂસીએ મૂકેલો હાથ ઉઠાવી ત્ર્યંબક ગોરાની સામે ઊભો રહ્યો. તે કાંઈ બોલ્યો નહિ. પરંતુ તેના મુખ ઉપર પણ મૃત્યુનો સામનો કરતા નિશ્ચયની છાપ પડી રહી.

ગોરો આગળ ધસ્યો; લ્યૂસીએ બીજી તીણી ચીસ પાડી અને ત્ર્યંબકે આગળ વધતા ગોરાનો છરો કોઈ અજબ હિકમતથી પડાવી લીધો. એને ઘા કરવો કે નહિ એ વિચારનો એક ક્ષણમાં નિવેડો કરી ત્ર્યંબકે છરો દૂર ફેંકી દીધો. ગોરો ફરી ધસ્યો અને ઘવાયેલા ત્ર્યંબક ઉપર તૂટી પડયો. બંને કમ્પાઉન્ડમાં તાર ઉપર અથડાતા બાથે પડયા. ત્ર્યંબકે ગોરાને ઊંચકી તાર ઉપર થઈ જમીન ઉપર પછાડયો, અને માનસિક સંયમ ચૂકી તેણે પડેલા અજાણ્યા ખૂની ઉપર હાથ અને પગ વડે ઉપરાઉપરી જબરજસ્ત પ્રહારો કર્યાં.

લ્યૂસીની ચીસ સાંભળી મિશનમાંથી તેનો પિતા અને એક નોકર તે સ્થળ તરફ દોડી આવ્યા. નીચે પડેલા ગોરાનો શ્વાસ રૂંધાતો હતો. ત્ર્યંબકને માર અસહ્ય બનતો જતો હતો.

‘કોણ છે? પકડો!’ પાદરી જૉન્સન બૂમ મારી આગળ આવ્યો. ત્ર્યંબક એક ક્ષણ અટક્યો. લાગ જોઈ પેલો ગોરો ઊઠીને જૉન્સન તરફ દોડયોઃ

‘મને બચાવો!’

‘કોણ હૅનરી! જાઓ, મિશનમાં ભરાઈ જાઓ.’

એ ગોરો હૅનરી હતો. જૉન્સનની રીતભાતની તપાસ કરવા અને સરકારને કાંઈ છૂપી બાતમીની જરૂર પડે તો આપવા આવેલા પાદરી હૅનરીએ રુદ્રદત્ત અને તાત્યાસાહેબથી છુપાવા મિશન તરફ ધસારો કર્યો હતો; પરંતુ મિશન પાસે આવતાં તો તેણે તેની આંખ કહ્યું ન કરે એવો દેખાવ જોયો : એક ગોરી કન્યા એક કાળા અસંસ્કારી હિંદી સાથે પ્રેમચેષ્ટા કરતી હતી! રાજ્યસત્તાના પ્રતિનિધિથી, રાજ્યપ્રતિષ્ઠાનો ભાર ઉઠાવનાર એક રાજકર્તી કોમની વ્યક્તિથી આ કેમ દેખ્યું જાય? પાંચ-દસ ક્ષણ તે આ વાતચીત સાંભળી રહ્યો પરંતુ હસ્તધૂનનની ક્રિયા થતાં જ તેને લાગ્યું કે બાદશાહી ગોરાની આખી બેગમ જાતનું અપમાન થઈ રહ્યું છે.

કોઈ સમયે મિશનમાં હૅનરી આવેલો ત્યારે તેની નજર બહાર લ્યૂસી રહી ન હતી; લ્યૂસીનું સૌંદર્ય તે વીસર્યો ન હતો. અને એ ગૌર સૌંદર્ય કાળા પરદેશી ઉપર વેડફાતું તે કેમ જોઈ શકે? થડની ઓથે સંતાઈ જોતાં અને વાત સાંભળતાં હૅનરીએ દૃશ્ય અસહ્ય બનતાં ત્ર્યંબકની પીઠ ઉપર ઘા કર્યો. લ્યૂસીનો હાથ તેને રોકવા મથ્યો ન હોત તો ઘા પ્રાણઘાતક નીવડત.

વળી એ મજબૂત ગોરો બીજો ઘા કરવા પણ તૈયાર થયો હતો. પરંતુ આજ સાંજે જ ગૌતમે શીખવેલા વીનતોડના દાવે ત્ર્યંબકને હથિયારસજ્જ દુશ્મન સામે સફળતા અપાવી. ગોરાને શસ્ત્રરહિત બનાવી ઘવાયલા ત્ર્યંબકે તેને સખત માર માર્યો; પરંતુ તે લાગ જોઈ નાસી મિશનમાં ભરાયો, અને ત્ર્યંબકના દેહમાં કોઈ અકથ્ય દુર્બળતાએ પ્રવેશ કર્યો; તેનાથી ઊભા રહી શકાયું નહિ. તે જમીન ઉપર બેસી ગયો અને લ્યૂસીએ તેને ઝાલી લીધો.

‘કોણે ઘા કર્યો?’

લ્યૂસીએ મિશનમાં જતા હૅનરી તરફ આંગળી બતાવી.

‘રુદ્રદત્તને ખબર આપો.’ પાદરીએ એક માણસને ખબર આપવા મોકલ્યો. રુદ્રદત્ત હતા નહિ. વિદ્યાર્થીઓ ગૌતમ અને કલ્યાણી મિશનમાં ધસી આવ્યા.

ત્ર્યંબક બેભાન બની જાત, પરંતુ લ્યૂસી, કલ્યાણી અને ગૌતમને દેખી તેણે મનને સખત બનાવ્યું. તેને કલ્યાણીએ વધારે ટેકો આપ્યો. લ્યૂસીની માતા રૂ તથા કડકા અને પાણી લઈ આવી.

‘કોણે ઘા કર્યો?’ ગૌતમ ગર્જ્યો.

જૉન્સને તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો અને કોણે ઘા કર્યો તેનું સહજ સૂચન કર્યું.

નાનાભાઈ સરખો ગુરુભાઈ ત્ર્યંબકને આમ ઘવાયેલો જોતાં ગૌતમનું ક્ષત્રિયત્વ પ્રજળી ઊઠયું. મિશન તરફ ધસીને તેણે હૅનરીને બહાર ખેંચી કાઢયો હોત પરંતુ તે જ ક્ષણ રુદ્રદત્તે આવી તેના ઊકળતા હૃદય ઉપર પાણી રેડયું.

ઘા કરનાર બચ્યો.