ભારેલો અગ્નિ/૧૪ : ફકીર

૧૪ : ફકીર

અમે જોગી બધા પરવા
      સ્મશાનો ઢૂંઢનારાઓ.
કલાપી

ગૌતમ અને ત્ર્યંબકને ગયે વાર થઈ હતી. ત્ર્યંબકના દેહને વધારે થાક લાગવો ન જોઈએ એવી રુદ્રદત્તની સૂચના હતી. યૌવનનું જોમ માનવીને ડહાપણની બહાર ઘસડી જાય છે; યુવકને પરિણામની પણ પરવા હોતી નથી. આથી જ રુદ્રદત્ત મેળામાં જવા નીકળ્યા.

તેમનો દેહ તેમને માર્ગ અપાવે એવો હતો. ગામનું અગર ગામ બહારનું કોઈ કોઈ માણસ તો દરેક ટોળામાં તેમને ઓળખીતું મળી જ આવતું. એટલે તેમને ત્ર્યંબકને ખોળતાં વાર ન લાગી. ત્ર્યંબક તો યુવાન ગૌતમ અને વૃદ્ધ મહાવીરનું કદી ન જોયેલું દ્વંદ્વયુદ્ધ નિહાળી રહ્યો હતો. ઘડીભર રુદ્રદત્તને પણ રસ પડતો હોય એમ તે ઊભા રહ્યા. ત્ર્યંબકને ખભે હાથ મૂકી થોડી ક્ષણો આ યુદ્ધ નિહાળી રહેલા રુદ્રદત્તે જોયું કે હજી તેની પેઢીનો કોઈ પુરુષ પોતાની કલાનો પ્રભાવ તેના શિષ્યને બતાવી રહ્યો છે.

શિષ્ય જીત્યો – પરંતુ શિષ્યને સુદ્ધાં લાગ્યું કે જીતની કિંમત ઘણી ભારે હતી.

‘અહીં ક્યાં બેસી ગયો હતો?’ રુદ્રદત્ત પૂછયું.

‘ત્ર્યંબકને બે હાથ કરી લેવાનું મન થયું તે એને રોક્યો અને હું ઊતર્યો.’ ગૌતમે બચાવ કર્યો.

‘ઠીક ત્ર્યંબક! દર્શન કરી લે, પછી તમે ઘેર ચાલ્યા જાઓ.’ રુદ્રદત્તે કહ્યું.

ત્યાંથી શિવમંદિર બહુ દૂર નહોતું. તોય વચમાંની ખુલ્લી જમીન ઉપર યાત્રાળુઓનું એક ટોળું જમા થયેલ હતું. મંદિરે જતાં એ ટોળામાંથી જ જગા કરવી પડે એમ હતું. રુદ્રદત્ત પણ વિચારી રહ્યા હતાઃ

‘આ મેળાની ચમક જુદી છે.’

પ્રજાભાવની અસ્પષ્ટ જાગૃતિના એ યુગમાં મેળો એ પ્રજાકીય ચળવળ ચલાવવાના મોટા સાધનરૂપ હતો. મેળામાં છૂપી રીતે ઉશ્કેરકો પોતાનું કામ કરતા. ટોળાં બાંધતા અને ગુપ્ત યોજનાઓ ઘડતા. રુદ્રદત્ત મેળાની એ છૂપી બાજુના જાણકાર ન હોય એમ બને એવું નહોતું. મેળાના સ્વરૂપ ઉપરથી જ તેઓ ચિકિત્સા કરી શક્યા કે આ મેળામાં કોઈ ગૂઢ યોજનાનું ઘડતર ઘડાય છે. આખું હિંદુસ્તાન સંસ્કારે એક હોવાથી તેના વિશાળ પડ ઉપર પર્વો પણ એ જ દિવસે ઊજવાતાં. એ પર્વના દિવસે હિંદનું ગામેગામ જાગૃત બનતું. પાસેનાં તીર્થોમાં માનવીઓ – સ્ત્રીઓ, પુરુષો અને બાળકો – ભેગાં થતાં ચળવળના યોજકો એમાંના મુખ્ય મુખ્ય તીર્થસ્થાનો પસંદ કરી તેમાં વહેંચાઈ જતાં. બહુ કૌશલ્યથી પોતાના કાર્યની ભૂમિકાઓ રચતા. અને યોગ્ય કાર્યકરોની સંખ્યામાં ઉમેરો કર્યે જતા. અનુભવી રુદ્રદત્તને ક્યારનો તે ઈશારો સમજાઈ ગયો હતો. ગૌતમ અને ત્ર્યંબકની સરખી ચેતનભરી વ્યક્તિઓને મેળામાં વહી રહેલી ગુપ્ત વીજળી ગમે ત્યારે સ્પર્શ કરે એ સમજી શકાય એવું હતું. વાર થતાં રુદ્રદત્ત જાતે જ મેળામાં જવા નીકળી પડયા.

મંદિરે જતાં વચ્ચે આવતાં ટોળામાંથી જગા કરતો એ ત્રણે જણે એક વિચિત્ર દેખાવ જોયો. હિંદુ સાધુઓની માફક મુસલમાન ફકીર પણ અવનવા વેશો ધારણ કરે છે, અને ચિત્રવિચિત્ર દેહરચના કરી શકે છે. એક ફકીર ગળામાં મણકાની માળા ધારણ કરી નમાજ પઢવાની અદાથી નીચું મુખ રાખી, ઊંધે પગે બેઠો હતો. તેના મોટા ઝૂલતા વાળ અને લાંબી ભરાવદાર દાઢી તેના દેખાવમાં ગૌરવ અને ગાંભીર્ય ઉમેરતાં હતાં. તેની પાસે સાપની આકૃતિનો લાકડાનો એક દંડ અને કાપાલિકો રાખે છે. એવાં બે ખપ્પર પડયાં હતાં. બંને ખપ્પરમાંથી એકમાં ડાળી સાથેનુ ગુલાબ અને બીજામાં લાંબી નાળવાળું કમળ, પરસ્પરને અડીને સ્થિર રહે એવી રીતે ગોઠવ્યાં હતાં. આ રચના આંખને ગમે એવી લાગતી હતી.

ફકીરના જ પાથરણામાં બીજા બે યુવાન ફકીરો સહજ આગળ બેઠા હતા. તેઓ કાંઈ માગતા નહોતા, જોકે તેમના પાથરણા ઉપર થોડા પૈસા પડયા હતા. માત્ર દમામભરી દૃષ્ટિથી તેમની પાસે થઈ જતા લોકોને તેઓ જોયો કરતા.

ટોળામાંથી એક જણ પાથરણા ઉપર પૈસા ફેકતાં બોલ્યો : ‘લ્યો સાંઈ!’

‘થોભો! ડરાવતા અવાજે બેમાંના એક યુવાન ફકીરે પૈસા ફેંકનારને કહ્યું, તે મનુષ્ય ઊભો રહ્યો. તેણે પૂછયું :

‘કેમ? હજી શું છે?’

‘બોલો, હિંદુ-મુસલમાન ભાઈ!’ ફકીરે આજ્ઞા કરી.

‘તેની કોણે ના પાડી? તે વગર હિંદુઓના મેળામાં ફકીરોને પૈસા મળતા હશે?’

ફકીરની દૃષ્ટિમાં આછો તિરસ્કાર દેખાયો. તેણે ફરી કહ્યું :

‘આપ બોલો કે હિંદુમુસલમાન ભાઈ!’

‘ઠીક ભાઈ! લે આ બોલ્યો : હિંદુમુસલમાન ભાઈ!’

તેણે વડીલ ફકીર તરફ જોયું. જમીન ઉપરથી આંખ ઊંચે કર્યા સિવાય તેણે ડોકું હલાવ્યું. એટલે યુવાન ફકીરે પાછું કહ્યું :

‘એટલું બસ નથી. બોલો કે હિંદુમુસલમાન એક!’

પૈસો ફેંકનાર ગૂંચવાયો. હિંદુમુસલમાન ભાઈ કહેતાં સુધી તેને કાંઈ હરકત દેખાઈ નહિ; પરંતુ હિંદુમુસલમાન એક કહેતાં એનું હિંદુપણું ઓછું થઈ જતું લાગ્યું. તેણે કાંઈ જવાબ આપ્યો નહિ.

તત્કાળ ફકીરે પૈસા ઊંચકી તેના તરફ ફેંક્યો, અને ફેંકતાં ફેંકતાં તે બોલ્યો :

‘એક નહિ તો ભાઈ ક્યાંથી? તમારો પૈસો નહિ ખપે!’

બે-ત્રણ માણસોએ એવી રીતે પૈસા નાખ્યા. અને ફકીરની ઇચ્છા મુજબ ન બોલતાં ફકીરે તે પાછા ફેંક્યા. મેળામાં ફરતા નજીવા મુસલમાનોમાંથી એક જણના જોવામાં આ દૃશ્ય આવ્યું. તેણે પૈસો ફેંક્યો. અને તેને પણ એ જ ઢબની આજ્ઞા થઈ. હિંદુમુસલમાન ભાઈ એ શબ્દો બોલતાં સુધી તેને પણ કાંઈ લાગ્યું નહિ. તથાપિ હિંદુમુસલમાન એક’ એ વાક્યું ઉચ્ચારણ તેનાથી પણ થઈ શક્યું નહિ.

‘મિયાં સાહબ! આ પૈસો પાછો; એ નહિ ખપે.’ ફકીરે પૈસો પાછો ફેંકતા કહ્યું.

‘અરે! પણ હું મુસલમાન અને તમેય મુસલમાન; શા માટે ન ખપે? મુસલમાન તો એક છે ને?’

‘હિંદુ સાથે એક થયો ન હોય તો તે મુસલમાન નહિ, અને મુસલમાન સાથે એક થયો ન હોય તે હિંદુ નહિ!’

લોકો ઊભા જ રહ્યા. ઊભા રહેલા લોકોને જોતાં વધારે લોકો ત્યાં આકર્ષાયા. વચમાંથી એકાએક એક માણસ નીકળી આવ્યો. તેણે પૈસો ફેંક્યો. એ જ પ્રશ્ન થયો. હસીને તેણે જવાબ આપ્યો :

‘હિંદુમુસલમાન ભાઈ!’

વડીલ ફકીર તરફ દૃષ્ટિ કરતાં વળી પાછું તેણે ડોકું હલાવ્યું. એનો એ જ હુકમ થયો.

‘કહો, હિંદુમુસલમાન એક!’

‘હિંદુમુસલમાન એક!’ તેણે પડઘો પાડયો.

વડીલ ફકીરે આંખ ઊંચકી તે મનુષ્યની સામે જોયું અને સ્મિત કરી યુવાન ફકીરને આજ્ઞા કરી :

‘લઈ લે. એ પૈસો પાક છે!’

યુવાન ફકીરે પૈસો લઈ ગુલાબ અને કમળના મિશ્ર ગુચ્છાની આસપાસ તે ફેરવ્યો. એને પાથરણા ઉપર નાખ્યો.

રુદ્રદત્તના હૃદયમાં ભણકાર ઊઠયો.

‘કમળનો સંકેત.’

તેમણે સહજ વિચાર કર્યો.

‘શું તાત્યાસાહેબની યોજનાઓ ઘડાઈ ચૂકી?’

ત્ર્યંબકે એકાએક પૂછયું :

‘સાંઈ! એ બે ફૂલ કેમ ભેગાં કર્યા છે?’

ફકીરે ફરી સ્મિત કર્યું અને કહ્યું :

‘બેટા! ઠીક પૂછયું. આ હિંદુ’ કમળ તરફ આંગળી બતાવી તેમણે કહ્યું.

‘મારી ઝૂંપડીમાં કમળ અને ગુલાબ ભેગાં રહે છે.’

‘સાંઈ! આપની ઝૂંપડી ક્યાં?’ જેનો પૈસો સ્વીકારાયો હતો તે માણસે પૂછયું.

‘સામે પાર.’

પેલો મનુષ્ય અદૃશ્ય થઈ ગયો. અર્થ વગરના લાગતા ઉપહાસ યોગ્ય દૃશ્ય આગળથી ખસવા ત્ર્યંબકે ડગલું ભર્યું. એન પેલા બંને યુવાન ફકીરોએ બહુ જ સુંદર કંઠથી એક ગઝલ ગાવી શરૂ કરી :

‘ઊઢે અવાજ કાબાથી
      સુણો પંડિત : યા અલ્લા;
ઊઠે એ શબ્દ કાશીથી
      સુણો ૐકાર, અય મુલ્લાં!
અયે કાઝી! અહો બ્રાહ્મણ!
  બતાવો ભેદ ક્યાં ભાળ્યો?
કહો એ ઈશ કે અલ્લા
      વસે ક્યાં? ક્યાંઈ નિહાળ્યો?
ચરાચરમાં રમે તેને
      પુકારી સમ પૂજે છે;
કહેશો કે યનવહૃદયે
      કદી ના રામ ગુંજે?
કહો છો પાક અલ્લાની
      રહમ દુનિયાભરી ફેલે!
પૂછું, કાફર જિગરમાંશું
      રહમદરિયાવ ના રેલે?
ન પૂછો પંડિતોને, ના
      પકડશો કાઝીનાં પલ્લાં.
મિલાવી હાથ ને હૈયાં,
      પુકારો : ઈશ એ અલ્લા!’

ગીત પૂરું થયું. ત્રણે ફકીર એવી એકાગ્રતાથી, એવી દર્દભરી લાગણીથી ગીત ગાતા હતા કે આખા ટોળામાં એ લાગણીનો પડઘો પડયો. આર્યાવર્તના જીવનમાં મુસ્લિમોનો હિસ્સો નક્કી કરતાં ગઝલને ભૂલવી ન જોઈએ. વિવિધ ભાવને મૂર્તિમંત કરતી એ કાવ્યરચના હિદું કવિઓએ પણ અપનાવી લીધી છે. વળી ફકીરોના સૂર કેળવાયેલા હતા. કેળવાયેલા સૂર સંમિશ્રિત બનતાં જે સમૂહસંગીત બને છે તેની અસર ભૂલાય તેવી હોતી નથી. આપણી શેરીઓમાં ગાતા ભટકતા ટેલિયા, ડગલા, ભરથરી, ભજનિકો, ફકીરો અને સાધુઓ પ્રજાકીય ગાયકની જ સંસ્થારૂપ માત્ર નહોતા; તેઓ તો સંસ્કાર વિનિમયના એક મહાસાધન રૂપ હતા.

એ સતત પ્રવાસીઓનાં ટોળાંનો રાજદ્વારી કાર્યોમાં સ્વાભાવિક રીતે જ ઉપયોગ થાય એમ હતું. તેઓ રાજદ્વારી મંત્રણાના – વિપ્લવોની યોજનાઓના – સંદેશવાહકો અને પ્રચારકો પણ હતા. વિશાળ ભરતખંડ આખામાં, અગર તેના વિસ્તૃત પ્રદેશખંડોમાં, અવરજવરનાં ઓછાં સાધનોના સમયે ધાર્મિક, સાંસારિક કે રાજદ્વારી ઊથલપાથલો અસરકારક રીતે કેમ સફળ થતી એ પ્રશ્નનો ઉકેલ શોધનારે શેરીઓમાં પણ બારીક નજર ફેરવવી પડશે.

ત્ર્યંબક અને રુદ્રદત્તની પાછળ ઊભા રહેલા ગૌતમે સહજ આગળ ડોકિયું કર્યું અને તેનાથી બોલાઈ ગયું :

‘અરે! આ તો સૈયદ!’

વડીલ ફકીરે ઊંચી નજર કરી. બારીકીથી જોનારને ક્વચિત્ શક પડે કે જમીન ઉપર નજર રાખનાર એ ફકીર કોઈ ન દેખે એમ કશું શોધતો હતો. ગૌતમનો અવાજ પારખી આંખી ઊંચી કરી ફકીર ઊભો થયો; તે આગળ ધસ્યો. અને ગૌતમને બહુ જ પ્રેમથી ભેટી પડયો.

ભેટતાં જ તેણે ગૌતમ સાંભળે એમ કહી દીધું  :

‘તને માફી મળી. હવે તું પાછો ચાલ.’