ભારેલો અગ્નિ/૧ : પ્રથમ શહીદ

૧ : પ્રથમ શહીદ

ગોરું સૈન્ય સહજ અટક્યું. મૃત્યુ પામા સૈનિકોને માન આપવા સહુએ સંગીનો ઊંચકી સલામ કરી. મૃત્યુ માનવીને પશુયે બનાવે અને દેવ પણ બનાવે. હજી ગોરાકાળા કોઈએ સંપૂર્ણ પશુત્વ સ્વીકાર્યું નહતું.

એકાએક મંગળનો પગ હાલ્યો. મૃત્યુની છેલ્લી આંકડી ધારી સહુએ આગળ વધવાનું અટકાવ્યું; પરંતુ મંગળનો તો હાથ પણ હાલ્યો.

‘પાંડે જીવતો લાગે છે.’ ગોરી ટુકડીના આગેવાને કહ્યું. આગેવાન આગળ ધસ્યો. તેની સાથે બીજા સૈનિકો પણ આગળ વધ્યા. શબને માન આપવા તત્પર થયેલા ગોરાઓ જીવંત દેહને માન આપવા તત્પર ન હતા. જીવંત દેહ તો એક ફિતૂરીનો હતો – બળવાખોરનો હતો – ખૂનીનો હતો. મંગળની પાસે જતાં મંગળે આંખ ઉઘાડી. તેનો કસાયેલો દેહ કવચ સમો હતો; એક ગોળીથી મૃત્યુ પામે એવો નહોતો. તેને મરવા માટે હજી બીજી ગોળીની જરૂર હતી. પરતું એ બીજી ગોળી મારવાનું સામર્થ્ય તેનો દેહે ખોઈ નાખ્યું હતું.

આંખ ખોલી મંગળ હસ્યો. ખૂનીને હસતો જોઈ સહુને ખુન્નસ આવી ગયું. મૃત દેહને જે માન અપાય છે તે જીવંત દેહને અપાતું નથી. મંગળને ટુકડીના કેટલાક સૈનિકોએ ઉપાડી લીધો, અને તેને દવાખાને મોકલી દીધો. ગોરાકાળા માટે દવાખાનાં પણ જુદાં હોય છે. મંગળને દેશી દવાખાને સુવાડયો.

મંગળના દેહે ધીમે ધીમે સામર્થ્ય મેળળવા માંડયું. પરંતુ એ સામર્થ્ય તેના દેહને લાંબો વખત જીવતો રાખવા દે એમ ન હતું. તેણે ફિતૂર કર્યું હતું. બે અંગ્રેજ અમલદારોનાં ખૂન કર્યાં હતાં. એ વાત સાબિત હતી. તે કંપની સરકારનો મોટો ગુનેગાર હતો. એ ગુનેગારને સજાએ પહોંચાડવા લશ્કરી ન્યાય તલપી રહ્યો હતો. દેહ દુઃખને ન ગણકારી બે દિવસમાં બેઠા થયેલા મંગળ પાંડે ઉપર લશ્કરી અદાલતે કામ ચલાવવાની શરૂઆત કરી. કામ કાંઈ લાંબો સમય ચાલ્યું નહિ. મંગળ પાંડેને ગુનો નાકબૂલ કરવો નહોતો. હજી તો એનો ઘા પૂરો રૂઝાયો ન હતો; છતાં ખૂની તરીકે લશ્કરી અદાલત આગળ ઊભા કરેલા મંગળ પાંડેને તે સંબંધી ફરિયાદ કરવાની હતી જ નહિ. તેણે કંપની સરકારને ધર્મ વિરોધી સરકાર તરીકે ગણાવી; સૈનિકોને અપમાન આપતી કૃતઘ્ન સરકાર તરીકે ગણાવી; અને જે સરકારને માટે તેણે પોતાનો જાન આપવાની તૈયારી રાખેલી હતી, તે કૃતઘ્ન અને અધર્મી બની જવાથી, તેને ઉથલાવી પાડવામાં જ તેણે પોતાનો ધર્મ માન્યો હતો. તેને કોઈ ગોરા પ્રત્યે અંગત વેર હતું જ નહિ. કેટલાક ગૌરવર્ણ સૈનિકો અને અમલદારોને તેણે યુદ્ધમાં બચાવ્યાનાં દૃષ્ટાંતો તેણે રજૂ કર્યાં; પરંતુ અધર્મભરી સત્તાના અંકોડા રૂપે ગોરા કે કાળા અમલદારો ગોઠવાઈ રહેલા હોય ત્યારે એ અંકોડા તોડવાનો ધર્મ તેને માથે આવી પડયો હતો. એમ તે માનતો થયો હતો. હથિયાર ઉગામતાં તેને એક ક્ષણ શોક થયો હતો; પરંતુ એ શોકને બાજુએ મૂકી પોતે માનેલું કર્તવ્યકર્મ કરવા તે પ્રેરાયો હતો. તેણે બે ખૂને અને તેય ગોરા અમલદારનાં કર્યાં એ ખરું પરંતુ તેણે એમાં જરા પણ ગુનો કર્યો હોય એમ તેને ભાસતું ન હતું. છતાં જેના પક્ષમાં બળ તેના પક્ષમાં ન્યાય. એ સિદ્ધાંત પ્રમાણે તેને ગુનેગાર ગણવામાં આવશે તો બહુ ખુશીથી તે ગુનાનું પરિણામ ભોગવશે એમ તેણે જાહેર કરી દીધું.

બચાવ કરતાં ઘવાયેલાં મંગળ પાંડેએ ન બેસવા ઇચ્છયું, ન આરામ માગ્યો, ન પાણી માગ્યું. તેનો બચાવ અદાલતને રુચ્યો નહિ – સત્ય લાગ્યો નહિ. વ્યક્તિ અને સમાજ વચ્ચે જ્યારે સિદ્ધાંતઘર્ષણ થાય છે ત્યારે સમાજ પોતે જ ન્યાયાસને બેસતો હોવાથી વ્યક્તિનો સિદ્ધાંત તેના મનમાં વસતો નથી. અને રાજ્ય પણ એક મોટો સમાજવિભાગરૂપ જ છે ને? મંગળ પાંડેને અદાલતે ગુનેગાર ઠરાવ્યો અને તેને ફાંસીની સજા મળી.

મંગળ પાંડેને જરાય આશ્ચર્ય લાગ્યું નહિ. તેની પાસે ઊભેલા ગોરા સૈનિક તરફ હસીને તેણે કહ્યું :

‘ફરી જન્મ અને ફરી કાર્ય. એક દેહ મૂકી બીજો આત્મા એની આસપાસ ફરી દેહ રચશે.’

મૃત્યુને માત્ર દેહબદલો માનનાર હિંદુ બહુ ખુશીથી મરી શકે છે એ સહુ કોઈ જોઈ શક્યું. મંગળ હજી ઘવાયો હતો – ન્યાયપુરઃસર એવે શરીરે તેને ફાંસી દેવાય કે કેમ એ પ્રશ્ન કાળા સિપાઈઓને મૂંઝવી રહ્યો. અને મંગળ પાંડેને ફાંસી દેવાતી સહુએ જોવી એ યોગ્ય થાય કે કેમ એ પ્રશ્ને તેમને બે વિભાગમાં વહેંચી નાખ્યાં. એક વિભાગ ખુલ્લા બળવાને માટે તૈયાર થયો; બીજો વિભાગ મંગળ પાંડેની કિંમત સમજતો હોવા છતાં, યોજનાભંગને બદલે મંગળનો ભોગ આપવા દેવા તૈયાર થયો. બંને પક્ષો છેવટે ભેગા મળી ક્રાન્તિનાયકોને નિર્ણય કરવાનું સોંપવાનો નિશ્ચય કર્યો. આઠ-દસ દિવસમાં માંદા મંગળને ફાંસી દેવાશે એમ કોઈએ ધાર્યું ન હતું. પાસેમાં પાસેના સ્થળેથી સૈયદે આવી મંગળને છોડાવવો એવી યોજના ઘડાઈ. પરંતુ સૈયદ આવી પહોંચે એ પહેલાં તો મંગળને માટે ફાંસી તૈયાર થઈ ગઈ!

દસ દિવસને બદલે તત્કાળ સજાનો અમલ થાત પરંતુ બ્રાહ્મણના અને તેમાંયે મંગળના ગળાને ફાંસો દેવા કોઈ જ જલ્લાદ તૈયાર થયો નહિ. ગોરા અમલદારને લાગ્યું કે મંગળને ફાંસી દેવામાં જેટલો વિલંબ થશે એટલી મુશ્કેલી વધશે. તેમણે કલકત્તાથી એક નિષ્ણાત જલ્લાદને ચુપકીથી બોલાવી મંગાવ્યો, અને તેના આવતાં બરોબર મંગળ પાંડેને મૃત્યુ માટે તૈયાર થવા જણાવ્યું.

‘હું તૈયાર જ છું. એટલા દિવસ કેમ થયા એની જ મને નવાઈ લાગી છે!’ મંગળે જવાબ આપ્યો અને દુઃખતા જખતમને ન ગણકારતાં તે ઊભો થયો.

‘તારી કાંઈ ઇચ્છા છે?’ અમલદારે પૂછયું. મરતાં પહેલાં કેટલીક ઇચ્છા તૃપ્ત કરવાની તક ગુનેગારને મળે છે.

‘મારી ઇચ્છા? એ તો પૂર્ણ થશે જ.’

‘કહે, શી ઇચ્છા છે? મીઠાઈ મંગાવું?’

‘છટ્! હું મીઠાઈનો ભોગી બ્રાહ્મણ નથી. મરતાં પહેલા અનશન વ્રતથી હું પવિત્ર બન્યો છું.’

‘ત્યારે તારે શું જોઈએ?’

‘હું ફરી ફરી જન્મ લઉં, અને મારો દેશ કંપની સરકારની જુલમમાંથી મુક્ત થાય ત્યાં સુધી તેને માટે આમ ફાંસીએ ચડયા કરું : મારે એ જોઈએ.’

તેના અડગ ધૈર્યથી ચકિત થતા ગોરા સૈનિકો તેને વધસ્થાને લઈ ગયા. નાનકડું મેદાન ખાલી હતું. કોઈ કાળા સૈનિકને ત્યાં રાખવામાં આવ્યો નહોતો. મંગળનું મુખ શાંત હતું. તેણે ચારે પાસ નજર કરી. ફાંસીનો માંચડો માત્ર ધ્યાન ખેંચતી વસ્તુરૂપે દેખાયા કરતો હતો. એ માંચડાને ઢાંકતી – નહિ, એ માંચડાને અદૃશ્ય કર્યા વગર ઢાંકતી – એક મૂર્તિ તેની નજરે પડી : ગુરુ રુદ્રદત્ત!

મંગળે આંખો ચોળી. ગોરા સૈનિકો સમજ્યાં કે અભિમાની ઘમંડી પાંડે ગભરાયો છે. તેમને સહજ આનંદ થયો. ખૂનીને સજાના ભયે થતો પશ્ચાત્તાપ ક્વચિત્ સજા કરનારને આનંદ આપે છે.

‘કેમ? હવે ગભરાઈશ નહિ.’ એક ગોરા અમલદારે મંગળને આશ્વાસન આપ્યું.

મંગળે તેની સામે જોયું. તેની દૃષ્ટિમાંથી અગ્નિના તણખા એક ક્ષણ માટે વરસી ગયા. અમલદારને લાગ્યું કે મંગળ પાછો ખૂન ઉપર ચઢશે; પરંતુ મંગળની આંખે ફરીથી શાંતિ મેળવી. ફાંસીને રોધી રહેલી રુદ્રદત્તની મૂર્તિને તેણે નમસ્કાર કર્યા. તેને લાગ્યું કે ફાંસી જેમ ગુના અટકાવી શકતી નથી, તેમ વધ અને ખૂન માનવીના હૃદયને ફેરવી શકતાં નથી. પરદેશી સત્તા તોડવી હોય તો હથિયાર કરતાં હિંમત, ખંજર કરતાં દક્ષતા અને તલવાર કરતાં તપ વધારે અસરકારક સાધન છે. ફરી ફરી જન્મ લઈ દેશને માટે મરવા માગતા મંગળને લાગ્યું કે મેજર સાહેબે પણ મરતી વખતે હિંદને તાબે રાખવા સારુ ફરી ફરી મરવાનું માગ્યું હોય!

‘ચાલો, પાંડેજી! હવે વિચાર કર્યે કાંઈ વળે એમ નથી.’ કોઈએ કહ્યું.

મંગળ ફરી હસ્યો અને બોલ્યો :

‘હું ડરું છું એમ જરાય ધારશો નહિ. હું એક જ વિચાર મારે માટે કરતો હતો. જેમ મને ફાંસી નિરર્થક લાગે છે તેમ તમને અમે કરેલાં ખૂન નિરર્થક લાગતાં હોય એ સંભવિત છે. યુદ્ધ એ ખૂનપરંપરા, એ પણ નિરર્થક કેમ ન હોય?’

‘આ બધું હવે સમજાયું?’

મંગળનું મુખ પાછું સખ્ત બન્યું. તેના હાથમાં પહેરાવેલી બેડી તેણે ખેંચી તોડી નાખી એ બેડીને ઘુમાવી તેને ટકોર કરનાર ગોરા ઉપર પછાડવાનો ચાળો તેણે કર્યો. તેમ થયું હોય તો ફરીને એક વ્યક્તિનું રુધિર રેડાત. પણ મંગળે પોતાનો ઉપાડેલો હાથ પાછો ફેરવી લીધો અને નવી મુસાફરીએ જનાર સાહસિકને વહાણ ઉપર પગ મૂકતાં જે ઉષ્મા પ્રગટે એવી ઉષ્માથી, તે ફાંસીના મંચ ઉપર જઈ ઊભો.

‘પાંડે! આ તમારા પૈસા. તમારે એની શી વ્યવસ્થા કરવી છે?’

‘મારા પૈસા? કેટલા છે?’

‘છ રૂપિયા, તમારી ઓરડીમાંથી મળ્યા.’

‘લાવો.’

મંગળના હાથમાં રૂપિયા મુકાયા. ગંભીર અવાજે તેણે કહ્યું :

‘આ બે રૂપિયાનાં રમકડાં બંને સાહેબોનાં બાળકોને મારા તરફથી અપાવજો. મને એમના પ્રત્યે વેર નથી.’

‘ઠીક.’

‘આ બે રૂપિયા મને અગ્નિદાહ કરનાર બ્રાહ્મણને આપજો.’

‘વારુ’

‘અને – અને – આ બાકીના બે રૂપિયા પેલા જલ્લાદને આપજો!’

મંગળ સામે સહુ કોઈ આશ્ચર્યભરી લાગણીથી જોઈ રહ્યા. જલ્લાદને બે રૂપિયા આપનાર મંગળની વિચિત્ર ઉદારતા નાની છતાં મહાન હતી.

જલ્લાદ આગળ આવ્યો. તેણે મંગળની પાસે જઈ ફાંસીનો દોર ઠીક કરવા માંડયો; મંગળે તેને તેમ કરતાં અટકાવ્યો.

‘તું મહેનત ન કર. લાવ દોરી મારા હાથમાં.’ એમ કહી મંગળે ફાંસીનો દોર હાથમાં લઈ ગાળો પોતાના ગળે ભેરવી બરોબર ગોઠવ્યો. તેને ટોપ પહેરાવવા જલ્લાદ પાછો આવ્યો.

‘એ લઈ જા. હું અંધારામાં મરીશ નહિ. મને મૃત્યુનો ડર નથી. ખુલ્લી આંખે તેની સામે હું જોઈશ.’

‘એટલું કહેતાં બરોબર પ્રબળ વેગથી પગનો પ્રહાર કરી તેણે મંચના લાકડાને તોડી પાડયું. લાકડું તૂટતાં જ મંગળ પાંડેના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો :

‘જય મહાદેવ!’

અને મંગળ પાંડેનો દેહ ફાંસીના દોર ઉપર લટકી પડયો. લટકતા દેહમાંથી આત્મા ઊડી ગયો. કંપની સરકારને ધ્રુજાવવા ઇચ્છતો એ વીર આ દુનિયામાંથી અદૃશ્ય થઈ ગયો. સહુના કાનમાં જય મહાદેવનો ધ્વનિ અને સહુની દૃષ્ટિમાં સ્વહસ્તે મૃત્યુઝોલાં ખાઈ રહેલો મંગળનો દેહ રમી રહ્યો.

બળવાનો એ પહેલો શહીદ!