ભારેલો અગ્નિ/૨ : મૃત્યુની ભેટ

૨ : મૃત્યુની ભેટ

ઘન ગાજે કેસરી દે ફાળ;
ન ઊછળે તો તે શિયાળ.
મૌવર બોલે મણિધર ડોલે;
ન ડોલે તો સર્પને તોલે.
ઓખાહરણ (પ્રેમાનંદ)

ઘરમાં તપાસ કરી આવેલા સૈનિકોએ જાહેર કર્યું કે તેમની તપાસ નિષ્ફળ નીવડી છે.

‘એમ કેમ બને? બાતમી ખરી જ મળી છે.’ સાહેબ ગુસ્સે થઈ બોલ્યા.

‘આ બ્રાહ્મણે તેને છુપાવ્યો છે એ વાત ચોક્કસ!’ દેશી અમલદારે જવાબ આપ્યો.

‘એને બહાર ચોગાનમાં લાવીને ઊભો કરો.’ સાહેબે હુકમ કર્યો.

બે સૈનિકો રુદ્રદત્ત તરફ ધસ્યા. વિદ્યાર્થીઓ રુદ્રદત્તને વીંટળાઈ વળ્યા. સૈનિકો જરા ગૂંચવાયા. શસ્ત્રધારી બીજા શસ્ત્રધારી સામે લડે; શસ્ત્રરહિત માનવી ઉપર ધસતાં તેને પ્રથમ તો સંકોચ થાય જ.

‘શું જુઓ છો? હઠાવો!’

સૈનિકોએ વિદ્યાર્થીઓને ધક્કા મારી હઠાવવા માંડયા. સૈનિકોને લાગ્યું કે તેમને ધક્કા મારી હઠાવવા કઠણ છે. વિદ્યાર્થીઓ સુક્કા સુદામાઓ નહોતા.

ત્ર્યંબક ઓસરી ઉપર ચડી આવ્યો. તેણે બે સૈનિકોને એક એક હાથે પકડયા, અને સાહેબ તરફ ફરી તેણે કહ્યું :

‘દૂર રહી જે વાત કરવી હોય તો કરો. ગુરુજીને હાથ અડાડશો તો એકેએક વિદ્યાર્થી પોતાનું લોહી રેડશે.’

‘ત્ર્યંબક! ખસી જા, તમે બધા ખસી જાઓ, સૈનિકોને તેમનું કામ કરવા દો.’ રુદ્રદત્ત બધાને ખસેડી ધીરેથી આગળ આવતાં બોલ્યા.

‘ગુરુજી! આપ અંદર પધારો. હું બધાને જવાબ આપું છું.’ ત્ર્યંબકે કહ્યું.

‘દુરાગ્રહી છોકરા! આજે જ મેં માનાપમાનમાં સમતા રાખવા માટે ગીતામાંથી પ્રવચન કર્યં હતું. ભૂલી ગયો? ગીતાનો માત્ર મુખપાઠ જ કરવાનો નથી, ગીતા તો આચરવાની છે. તમારામાંથી કોઈ એક અક્ષર પણ હવે બોલશે તેને….’

‘નહિ બોલીએ, નહિ બોલીએ.’ વિદ્યાર્થીઓ એકદમ પુકારી ઊઠયા. તેમને લાગ્યું કે ગુરુજી શપથ આપશે તો કશું બની શકશે નહિ.

‘એમ જ હોય. ચાલો, મને ચોગાનમાં ઊભો કરવો છે? તમે કહો ત્યાં હું ઊભો રહું.’ રુદ્રદત્તે સૈનિકોને જણાવ્યું.

ભયરહિત બ્રાહ્મણને સહુ જોઈ રહ્યા. એક ક્ષણ અંગ્રેજ અમલદારને વિચાર આવ્યો કે આ મણસ જૂઠું ન બોલે, પરંતુ તેને મળેલી બાતમી કદી ખોટી હોય જ નહિ. રુદ્રદત્ત જેવો ડોળ કરનાર ઘણા મળી આવે. અને ગૌમતને બચાવવા આ વૃદ્ધ નિરુપયોગી માનવી પોતાની જિંદગી આપવાની તૈયારી બતાવે તો તેમાં નવાઈ નહિ. છેલ્લો ઈલાજ અજમાવવાની તેને ઇચ્છા થઈ.

તે નીચે ઊતર્યો, અને રુદ્રદત્તને પોતાની પાછળ લાવવા સૈનિકને કહ્યું. નીચે ઊતરીને જોતાં તેને જણાયું કે આખું ગામ ચોગાનમાં ભેગું થયું છે. વૃદ્ધ, યુવાન બાળકો : પુરુષો અને સ્ત્રીઓનું એક ભારે ટોળું જામી ગયું હતું.

‘આ લોકને દૂર કરો.’ સાહેબે હુકમ કર્યો.

ઘોડેસ્વારો લોકોના ટોળા ઉપર ધસ્યા. ટોળામાં ભારે ઘોંઘાટ મચી રહ્યો. કોઈ પડયું, કોઈ અથડાયું, કોઈને વાગ્યું, બાળકોનાં ભયભીત રુદન સંભળાવા લાગ્યાં. જેને જેમ ફાવ્યું તેમ તેણે દોડવા માંડયું. કોણ કચરાશે તેની ઘોડાઓ જેટલી જ કાળજી ઘોડેસ્વારોને હતી. ટોળું દૂર વીખરાઈ ગયું. સ્વારો પાછા ફર્યા એટલે પાછા લોકો ભેગા થઈ ગયા. ટોળાનું માનસ વિચિત્ર હોય છે.

પરંતુ એક બાજુ ખાલી થઈ ગઈ. તે બાજુમાં રુદ્રદત્તને ઊભા રાખ્યા. તેમનામાંથી દસ વાર છેટે એક સૈનિકને તેમની સામે બંદૂક તાકી ઊભો કર્યો, અને આવડતી હતી તેવી હિંદી જબાનમાં સાહેબે જણાવ્યું :

‘સાંભળો, ગૌતમને તમે સંતાડયો છે. એ કંપની સરકારનો ગુનેગાર છે. હું તમને થોડો સમય આપું છું. એટલા સમયમાં જો ગૌતમને નહિ બતાવો તો બંદૂકથી તમને ઠાર મારવા હું હુકમ કરીશ. હું પચીશ ગણું એટલી મહેતલ છે. એક… બે… ત્રણ… ચાર.’

‘રામ, રામ!’, ‘હે પ્રભુ!’ ‘શું થવા બેઠું છે?’ ‘હવે ખરો કળિયુગ આવ્યો!’ ‘બ્રાહ્મણની હત્યા?’ ‘અને તે આવા બ્રાહ્મણ શ્રેષ્ઠની?’ લોકોમાંથી ઉદ્ગારો નીકળવા લાગ્યા.

‘નવ… દસ… અગિયાર…’ સાહેબ ગણતરી કર્યે જતા હતા.

રુદ્રદત્ત શાંતિથી ઊભા રહ્યા હતા. તેમના મુખ ઉપર જરા પણ વ્યાકુળતા નહોતી. દસ ક્ષણમાં મૃત્યુની ઝાપટ લાગશે એમ તેમણે નક્કીપણે જાણ્યું. ભક્ત અને ફિલસૂફને મૃત્યુ ભય પમાડતું નથી. કોઈ નવીન જીવનનાં દ્વાર ખૂલતાં હોય એમ હસતું મુખ રાખી સ્થિર આંખે ભૂમધ્યમાં લીન બનેલા રુદ્રદત્ત સઘળા લશ્કરીઓને તુચ્છ બનાવતા હતા.

‘પંદર…. સોળ…’ ગણતરી વધતી ચાલી.

હજારેક માણસની મેદની ભયથી નઃશબ્દ બની આંખો ફાડી જોતી હતી. સોય પડે તોપણ સંભળાય! ભયંકર શાંતિમાં અંગ્રેજનો ભારે ઘાંટો અંક ગણ્યા કરી શાંતિની ભયંકરતા વધાર્યે જતો હતો. સૂમસામ જંગલમાં દૂરથી સિંહગર્જના સંભળાય અને શાંતિ અસહ્ય બની જાય એમ આ સ્થળે ઊભરાયેલાં માનવીઓને શાંતિ અસહ્ય થઈ પડી.

‘એકવીસ… બાવીશ…’

સહુનાં ધબકી ઊઠેલાં હૃદય ધબકતાં બંધ પડી ગયાં. એક ભયંકર ત્રાડ પાડી ત્ર્યંબક ધસ્યો; રુદ્રત્તનીસામે બદૂંક તાકી ઊભેલા સૈનિક ઉપર તૂટી પડયો. ત્ર્યંબકે તેની બંદૂક છીનવી લીધી, અને વીજળીની ત્વરાથી તેણે તે અંગ્રેજ સામે તાકી.

‘એક અક્ષર બોલીશ તો પહેલો તને જ વીંધી નાખીશ.’ ત્ર્યંબક ગર્જ્યો.

અંગ્રેજ ચમક્યો. લશ્કરની ટુકડીને પોતે હુકમ આપે તો ત્ર્યંબકને તેમ જ આખા ટોળાને વીંધી નાખવાની સૈનિકોમાં સત્તા હતી. પરંતુ પોતે તો બચે જ નહિ.

ટોળાના એક ભાગે કિકિયારી કરી; આખા ટોળાએ એ કિકિયારી ઝીલી. ટોળું આગળ ધસ્યું. ટોળામાં ધારિયાં-તલવાર ચમકતાં હતાં. સૈનિકોથી કાંઈ થાય એવું નહોતું. કોઈ જરા પણ હાલે તો ત્ર્યંબકની બંદૂક સૌથી પહેલાં પોતાના અમલદારને જ વીંધે! તેમ થવા દેવાની સૈનિકોની મરજી નહોતી.

ધ્યાનમાંથી જાગૃત થયેલા કોઈ તપસ્વીની માફક રુદ્રદત્તે આત્મામાં પરોવેલી દૃષ્ટિ બહિર્મુખ બનાવી. તેમની સ્થિર પાંપણોએ હવે બેત્રણ પલકારા માર્યા અને ગંભીર નાદે તેમણે કહ્યું :

‘ત્ર્યંબક, બેટા!’ હથિયાર મૂકી દે. તારું એ કામ નથી. જા જઈને કલ્યાણીને સાચવ.’

ત્ર્યંબકના દુઃખનો પાર રહ્યો નહિ. એક ક્ષણભર તેને ઇચ્છા થઈ કે ગુરુની આજ્ઞા ન પાળવી. વગર અપરાધે પોતાના પરમપૂજ્ય ગુરુનો વધ થાય અને પોતે ઊભો ઊભો જોયા કરે? પોતાની જિંદગી શું એટલી બધી કિંમતી છે કે પોતે બ્રહ્મહત્યા થતી જોઈ રહે?

‘વત્સ! ગુરુની આજ્ઞાભંગ કર્યાનું પાપ માથે ન લઈશ. મારું વચન તેં કદી ઉથાપ્યું નથી.’ રુદ્રદત્તે ફરીથી કહ્યું. અનેક વખત ગુરુઆજ્ઞાનું પાલન ન કરવાની ત્ર્યંબકે ઇચ્છા કરી હશે; પરંતુ સર્વદા તેણે એ ઇચ્છા દાબી દીધેલી હતી. તેણે અનેક દોષ કર્યા હશે; પરંતુ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન તેણે કદી કર્યું નહોતું. પોતાના પ્રાણ કાઢી પટકતો હોય તેમ તેણે બંદૂક જમીન ઉપર પટકી.

એક ક્ષણમાં સાહેબે નિશાની કરી અને પેલા હિંદી અમલદારે પોતાની બંદૂક ઊંચકી રુદ્રદત્ત સામે ધરી.

દૃઢનિશ્ચયી અંગ્રેજો હાથમાં લીધેલું કાર્ય મૂકતા જ નથી. ક્ષણ ઉપર પોતાની વિચિત્ર થઈ ગયેલી સ્થિતિએ તેનામાં ભારે કિન્નો પેદા કર્યો નહિ તો તે આગળ અંક કેમ ઉચ્ચારત?

‘ત્રેવીસ… ચોવીશ….’

કડાક!

બંદૂકનો ગગનભેદી વજ્રનાદ થયો. એકાએક હૃદય ધબકી ઊઠયું. મૃત્યુની શાંતિ પથરાઈ રહી. સહુના શ્વાસ અદ્ધર થઈ ગયા. સ્ત્રીઓએ આંખે હાથ દાબી દીધા.