ભારેલો અગ્નિ/૩ : કોણ વધારે દુઃખી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩ : કોણ વધારે દુઃખી?

કલ્યાણી શું બોલી? કુમળી, ચંપકવર્ણી સૌંદર્યભરી લલના જીવનની પાર રહેલા કરાલ કાલનું સામીપ્ય જરાય ભય વગર ઉચ્ચારી રહી હતી. તે આજ ગૌતમ સાથે જોડાઈ શકી હોત. આજનું સુખ તેણે વહાવી દીધું. અને અનિશ્ચિત ભાવિની કોઈ ક્ષણ – અને તે કેવી ક્ષણ? તેણે કલ્પનામાં સર્જી. સ્નેહની આથી વધારે ખાતરી કઈ આપી શકાય? પોતાના સુખ કરતા કલ્યાણીના સુખને વધારે ઇચ્છતો ગૌતમ આનો શો જવાબ આપી શકે? નાનકડું માનવજીવન! કેટકેટલા પૂર્વબળોથી તે ઘડાયું હશે! કેટકેટલાં સત્ત્વો અને તત્ત્વોના અર્ક તેમાં ઊતર્યા હશે! અને મૃત્યુ સાથે જ એ જીવન અદૃશ્ય થવાનું! એમ હોય તો કુદરત – કે ઈશ્વર – નાદાન, ઉડાઉ અને પાગલ ગણાય. મૃત્યુ સમેટાતું માનવજીવન એક મહાકાવ્ય કહેવાય. એને નિરર્થક મહાવ્યય મંજૂર રહે ખરો? વ્યક્તિના મૃત્યુ સાથે આખી સૃષ્ટિ મરી જાય છે. એમ વ્યક્તિ વ્યક્તિદીઠ સમષ્ટિને મારી નાખવાની મોજ શયતાન વગર કોણ માણી શકે? નહિ, નહિ, અંધ કુદરત પણ માનવજીવનનો અર્ક કોઈ સ્થળે – કોઈ રીતે – સાચવી રાખતી હશે.

રુદ્રદત્તના મૃત્યુ પછી લગભગ અવાક્ બની ગયેલા ત્ર્યંબકે કલ્યાણીનું ગૌતમના શબ સાથે લગ્ન કરવાનું કથન સાંભળ્યું. અને તેને આવા આવા વિચારો આવ્યા. જડ સઘન નક્કર જીવનની આસપાસ રહેલ અનવધિ સૂક્ષ્મ વાતાવરણનાં દ્વાર એ કથનથી ખૂલી જતાં તેને લાગ્યાં. ગૌતમ અને કલ્યાણીની દૃષ્ટિમાં દેહથી પર રહેલા કોઈ મહાપવિત્ર આકર્ષણનું તેણે પ્રત્યક્ષ દર્શન કર્યું. હિંસાનું અંતિમ પરિણામ મૃત્યુ. એ મૃત્યુની પાર પહોંચતો – મૃત્યુને સજીવન બનાવતો – મૃત્યુ આગળ ન અટકતો ભાવ : એનું જ નામ શું પ્રેમ નહિ? ગુરુજી શું એને જ અહિંસા નહોતા કહેતા? આવો પ્રેમ પુરુષ અને સ્ત્રી વચ્ચે જ નહિ. પણ પુરુષ પુરુષ વચ્ચે અને સ્ત્રી સ્ત્રી વચ્ચે જાગે તો ઉદારતાભર્યા જીવનસાગરની છોળ સમગ્ર પૃથ્વી ઉપર ન રેલે? અને એ ભાવ શા માટે માનવીની જ મર્યાદામાં રોકાઈ રહે? પશુ, પક્ષી, વૃક્ષ, એ સહુને વીંટી ન વળે? પછી યુદ્ધનો-હિંસાનો અવકાશ જ ક્યાં?

‘તમે બંને મૂકી બની ગયાં છો, નહિ?’ કલ્યાણીએ ગૌતમ અને ત્ર્યંબક બંનેને ઉદ્દેશીને કહ્યું.

‘ગુરુપુત્રી ઘણી વખત ગુરુનું સ્થાન શોભાવે છે.’ ત્ર્યંબકે કહ્યું.

‘તને પણ વાચા આવી ખરું?’ કલ્યાણીએ ઓછાબોલા ત્ર્યંબકને જવાબ આપ્યો.

‘આજે બોલવાનો નિશ્ચય કરી રાખ્યો છે.’ ત્ર્યંબકે કહ્યું.

‘કેમ?’ ગૌતમે પૂછયું.

‘તારે માટે.’ ત્ર્યંબકે કહ્યું.

‘મને ન સમજાયું.’ ગૌતમે કહ્યું.

‘સમજાશે.’ કહી ત્ર્યંબકે પોતાનો ધોયેલ ઉપરણો ધર્મશાળાના કઠેરા ઉપર સૂકવવા માંડયો. કલ્યાણી ઊઠીને કાંઈ કામે લાગી. ગૌતમે પણ નદીસ્નાનની તૈયારી કરી. તેને જોઈને બાજુએ બાંધેલો ઘોડો હણહણી ઊઠયો. ગૌતમે પાસે જઈ તેની પીઠ થાબડી અને આછું વેરાયેલું ઘાસ એકઠું કરી ઘોડા પ્રત્યેની પોતાની કાળજી વ્યક્ત કરી. ઘોડો પ્રસન્નતાપૂર્વક આછું આછું હણહણ્યા કરતો હતો. ગૌતમે તેને લક્ષીને કહ્યું :

‘બચ્ચા, બચ્ચા! બસ આજથી આપણે સોબતી બનીશું.’

ઘોડાએ જાણે બધું સમજી લીધું હોય એમ કાનના ઈશારાથી સમજાવ્યું. અને કિલ્લોલમાં ચારે પગે ઉછાળો માર્યો.

‘શાબાશ!’ કહી બુચકારથી ભાવ વ્યક્ત કરી ગૌતમ નદીએ સ્નાન માટે ગયો. સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપી થોડી વાર આસન વાળી તેણે ધ્યાન કર્યું. ધ્યાનમાં ઈશ્વરને સ્થાને કલ્યાણી આવ્યા કરતી હતી. સંધ્યા ઝડપથી આટોપી તેણે પગ પાછા વાળ્યા. માર્ગમાં આવતી શીત બનેલી ગુરુચિતા પાસે તે ઊભો રહ્યો. ટાઢી બનેલી રક્ષામાં હાથ નાખ્યો. રક્ષાવાળી અંગુલીઓ તેણે કપાળે અને ભુજાએ ફેરવી રક્ષાના લિસોટા દેહ ઉપર પાડયા.

‘ગુરુની પવિત્ર વિભૂતિ!’ તેનું મન બોલી ઊઠયું. ગઈ કાલે ગુરુના દેહનાં દર્શન થયાં. આજ એ દેહની ખાખ ઊડતી હતી! અને એ ખાખના અણુઅણુમાં રુદ્રદત્ત મૂર્તિમાન થતા હતા!

‘ગુરુજી ગયા એમ કેમ કહેવાય? એમનું સ્મરણ એ શું એમના જીવનનો જ વિભાગ નથી? તેને વિચાર આવ્યો છતાં તેના હૃદયને વિષાદે ઘેરી લીધું. આંખ ન દેખે એવાં સ્મરણ-દર્શન કેટલાં અધૂરાં લાગે છે?’ ગુરુનું ધ્યાન કરતો તે પાછા ધર્મશાળામાં આવ્યો. ત્યાં આવી તેણે ખીંટીએ ભેરવેલાં પોતાનાં સૈનિકવસ્ત્રાો ધારણ કરવા માંડયાં.

‘શું કરે છે?’ ત્ર્યંબકે પૂછયું.

‘વસ્ત્રાો પહેરી લઉં.’

‘કેમ અત્યારથી?’

‘હવે હું જઈશ ને?’

‘ક્યાં?’

‘જ્યાંથી આવ્યો ત્યાં!’

‘તું ક્યાંથી આવ્યો?’

‘હું સૈન્યમાંથી આવ્યો. પાછો તેમાં મળી જાઉં.’

‘નહિ તો?’

‘નહિ તો સૈન્ય છિન્નભિન્ન રહેશે.’

‘ગૌતમ!’

‘હા.’

‘મને એક વચન ન આપે?’

‘ભાઈ, ત્ર્યંબક! મેં એટલાં વચન આપ્યાં છે કે હવે એકેય વધારવાની હિંમત ચાલતી નથી.’

‘આટલાં બધાં વચન આપ્યાં. અને મને ટાળીશ? હશે. પણ મારી એક માગણી સ્વીકારીશ?’

‘હું શું આપી શકું? મારી પાસે છે શું?’

‘તારી પાસે છે તે જ હું માગું છું.’

‘ભાઈ! મને ગૂંચવીશ નહિ. મારું મન અસ્થિર છે. તું કહે; મારાથી અપાય એમ હશે તો આપીશ.’

‘તારાં યુદ્ધવસ્ત્રાો મને આપ.’

‘એ તો સહેલ છે, ભલે! એ વસ્ત્રાો હું મૂકી જાઉં છું.’

‘તારે જવાનું નથી; તારે અહીં રહેવાનું છે.’

‘શું કરવા?’

‘ગુરુની પાઠશાળા અને કલ્યાણીને સાચવવા.’

‘કંપનીને નાબૂદ ન કરું ત્યાં સુધી વિહારમાં પગ ન મૂકું. એવી મારી પ્રતિજ્ઞા તું જાણે છે?’

‘તારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.’

‘એટલે?’

‘તું અહીં રહે, અને તારે બદલે મને જવા દે.’

‘શસ્ત્ર ફેંકી તેં ગુરુના અગ્નિસંસ્કારનો અધિકાર મેળવ્યો. હવે ફરી શસ્ત્ર ઝાલીશ?’

‘શસ્ત્ર વગ વિજયનો માર્ગ ખોળીશ.’

‘પછી મારું સ્થાન લેવાપણું રહેતું નથી, ત્ર્યંબક! હું જાણું છું કે તું મારા કરતા પણ વધારે ઉદાર થઈ શકે છે. મારી એક વિનંતી છે. હું તો હવે જાઉં છું, પણ તું કલ્યાણીને સાચવજે.’

ત્ર્યંબક કશું આગળ બોલ્યો નહિ. ગૌતમે અડધાં વસ્ત્રાો સજી લીધાં. પૂજારી અને કલ્યાણી જેડેલા ભાગમાંથી આવી પહોંચ્યાં. ગૌતમને દેખી કલ્યાણીએ પ્રશ્ન કર્યો :

‘ગૌતમ! કેમ કપડાં પહેરે છે?’

‘હવે જવું છે.’

‘તે હું જાણું છું – પણ અત્યારથી?’

‘એક ક્ષણની પણ અત્યારે કિંમત છે.’

‘જમવું નથી?’

‘ના. ગુરુનું સ્મરણ મારી ભૂખ ઉડાડી દે છે.’

‘એ તે ચાલે? ગઈ કાલનાં આપણે બધાંય ભૂખ્યાં છીએ. જમાડયાં વગર હું નહિ જવા દઉં!’ કલ્યાણીએ નિશ્ચય જાહેર કર્યો.

ગૌતમ વસ્ત્રાો પહેરતાં અટક્યો. કલ્યાણીના નિશ્ચયને માન આપ્યા વગર ચાલશે નહિ એમ તેને ખાતરી થઈ.

‘ઠીક. તું કહીશ ત્યારે જઈશ.’ કહીને તે નીચે આસન ઉપર બેસી ગયો.

‘કલ્યાણી દૂર ઓસરી ઉપર રસોઈ કરવામાં રોકાઈ. રુદ્રદત્તના સ્વર્ગવાસથી નિરાધાર બનેલી કલ્યાણી સહુ કરતાં વધારે દૃઢતા દાખવતી હતી. આશ્વાસનની તેને જરૂર હતી; રુદનનો અધિકાર તેને હતો; છતાં રુદ્રદત્તના દેહ ઉપર એક વખત મનભર અશ્રુ ઢાળી તેણે મનને વજ્રનું બનાવી દીધું. શિષ્યો અને ભાવિકોનાં રુદન તેને પિગળાવતાં ન હતાં. એમાં નિષ્ઠુરતા ન હતી – એમાં ઊંડી લાગણી સમાયેલી હતી. રુદન સહજ છે – સુંદર છે. પણ રુદનસંયમ દુર્લભ છે – ભવ્ય છે. આંસુ અટકાવવામાં મનની ભારેમાં ભારે શક્તિ વાપરવી પડે છે; સ્ત્રી જેમ સહજ રુદન કરી શકે છે તેમ તે રુદનને વારી પણ શકે છે ભયંકર એકલાપણામાં સ્મિત નજર ચમકાવતી શક્તિને અબળા કહેવાય? ગૌતમ અને ત્ર્યંબક કલ્યાણીના બાહ્ય અલિપ્તપણાથી મુગ્ધ બની ગયા.

ગામના મળવા આવતા લોકો કંઈ કંઈ વાતો લાવતા. વાતાવરણ દંતકથાઓથી જીવંત બનતું હતું. રસ્તે થઈને જતા આવતા મુસાફરો પણ અનેક ઉત્તેજક પ્રસંગો વર્ણવતા, અને નજરે જોયાનો પુરાવો આપી પ્રસંગને સજીવ બનાવતા. આમાં કેટલી વાત ખરી અને કેટલી ખોટી એનો ગૌતમ બરાબર ક્યાસ કરતો હતો. તેને ખાતરી થઈ હતી કે રુદ્રદત્તના મૃત્યુસમાચાર સર્વત્ર પહોંચી ગયા હતા. રુદ્રદત્તની અસંમતિને પરિણામે અમલમાં મૂકવાનો કાર્યક્રમ રુદ્રદત્તના મૃત્યુના પરિણામે કાયમ રહેતો હતો. પાસેમાં પાસેની ગોરી છાવણીને ઘેરી લેવાની તેની ફરજ હતી. પાદરી ઘેરાયા હતા એ શિવાલય પાસે ક્રાંતિકારીઓની ટુકડીને એકત્ર કરવાની હતી. ટુકડી સજ્જ થઈ છે એ સમાચાર પણ તેનો એક ગુપ્તચરે તેને આપ્યા. ગૌતમની અધીરાઈ વધતી ચાલી. કલ્યાણીને તેણે ઉતાવળ કરાવી. કલ્યાણીએ જમાડતાં જમાડતાં પ્રસન્નતાનું વાતાવરણ ઉપજાવ્યું.

‘યુદ્ધની વાત આવી કે ગૌતમ કોઈનો નહિ.’ તેણે કહ્યું.

‘ખરે, યુદ્ધ એ નિષ્ઠુરતાનો ભયાનક નશો છે.’ ગૌતમે કહ્યું.

‘અને તને એ નશાનું વ્યસન ચડી ગયું છે.’

‘એ વ્યસન હવે છૂટવાનું છે!’

‘કેમ?’

‘શાંત જીવનના ભણકારા વાગી રહ્યા છે.’

‘શાંત જીવનમાં શું કરીશ?’

‘પરણીશ; ગૃહસ્થ બનીશ.’

‘તારો ગૃહસંસાર જોવા હું અને ત્ર્યંબક બંને આવીશું.’

‘એ તો ખબર પડશે જ ને? પણ વારુ, આ યુદ્ધની ટેવ પડી છે તે ગૃહમાંયે લાગશે જ ને?’

‘બધાંય હથિયાર મૂકી હું ગૃહરાણીને શરણે થવાની છું.’

‘જુઠ્ઠો.’

‘મારી તો આજથી જ તૈયારી છે.’

‘હા રે. જોઈશ ને બધુંયે! વહુને જો સંતાપીશ તો બધાના દેખતાં તારા કાન પકડી તારું વચન યાદ કરાવીશ.’

છતાંય ગૌતમ શાંતિથી જમી શક્યો નહિ. જમીને તરત જ એણે વસ્ત્રાો પહેરી લીધાં. કલ્યાણીએ સહજ આરામ લેવાની સૂચના કરી. ગૌતમને વચન પળાવવા યુદ્ધમાં મોકલવા પ્રવૃત્ત થયેલી કલ્યાણીને ગૌતમની વિદાયક્ષણ આગળ ને આગળ લંબાવવાની વૃત્તિ થયા કરતી હતી. છતાં તે જાણતી હતી કે ગૌમત હવે જશે – અને તેણે જવું જ જોઈએ. એક દિવસ અને એક રાતનો આરામ પોતાને મહિનાની પ્રવૃત્તિ માટે શક્તિમાન બનાવતો હતો એમ ગૌતમે કહ્યું.

‘આરામ નથી લેવો?’ કલ્યાણીએ પૂછયું.

‘ના.’

‘જઈશ?’

‘જવું જો જોઈએ ને?’

‘સારું; જા ત્યારે!’

કલ્યાણીએ વિદાય આપી. ગૌતમે જવા માટે પગ ઉપાડયા. ગૌતમના પગ ચોંટી ગયા. શેષની ફણાને ખેંચી કાઢવી હોય એટલું બળ કરી તેણે પગને ગતિ આપી. ઘોડાનો સામાન બાંધી તે સવાર થયો. ઘોડે બેસી તેણે પાછું જોયું. કલ્યાણીની અને તેની આંખો મળી. બંનેએ હાથ ઊંચા કર્યાં અને ઘોડો પવનવેગે ઊપડી ગયો. નદીનાં પાણીમાં ઘોડાના પગને થતો છબછબાટ કલ્યાણીએ સાંભળ્યો. ભાઠું ઓળંગી વળાંકમાં અદૃશ્ય થતા અશ્વ ઉપરથી ગૌતમે રૂમાલ ફરકાવ્યો તે કલ્યાણીએ ભરી આંખે ભાળ્યો. અશ્વ અને ગૌતમ દૃષ્ટિથી બહાર ગયા, ને કલ્યાણીએ રોકી રાખેલાં રુદનનાં પૂર ઊમટી પડયા. થોડી ક્ષણો પૂર્વે સ્મિતમાં રમતી કલ્યાણી ચોધાર આંસુએ રડી ઊઠી.

પાસે ઊભો ઊભો ત્ર્યંબક કોરી આંખે દૃશ્ય નિહાળી રહ્યો હતો. એને અશ્રુનું પણ આશ્વાસન ન હતું. તેના જગતમાં ઘેરાશ વધતી જતી હતી. કલ્યાણીને તેણે રડવા દીધી. કલ્યાણી રડત નહિ તો તેનું હૃદય તૂટી જાત. ખૂબ રોઈ થાકેલી કલ્યાણી જરા શાંત પડી એટલે ત્ર્યંબકે કહ્યું :

‘કલ્યાણી!’

‘હં.’

‘હવે જમી લે.’

‘મારે જમવું નથી.’

‘બે દિવસના ઉપવાસ થયા છે.’

‘ત્ર્યંબક! મારું કહ્યું ન કરે?’

‘શું?’

‘મને ગૌતમ પાસે લઈ જા.’

‘કેમ?’

‘એના વગર જિવાશે નહિ.’

ત્ર્યંબક સહજ વિચારમાં પડયો. તેણે જવાબ ન આપ્યો એટલે કલ્યાણીએ પૂછયું :

‘તારે સાથે નથી આવવું?’

‘તારો સાથ હું મૂકીશ નહિ.’

‘કેમ?’

‘ગુરુની અને ગુરુબંધુની આજ્ઞા છે.’

‘ચાલ ત્યારે.’

‘તું જમી લે. હું બે ઘોડા મેળવી આવું.’

‘ઘોડા નહિ મળે તો?’

‘હું તને ઉપાડીને લઈ જઈશ.’

‘મને પગે ચાલતાં આવડે છે.’

‘પગે પહોંચાય એમ નથી.’

‘ત્યારે તું હવે જા, અને ઘોડા લઈ આવ.’

‘એક શરતે.’

‘શી શરતે?’

‘હું આવું એટલામાં તું જમી લે તો.’

‘સારું.’

ત્ર્યંબક ગયો. રુદ્રદત્તનાં બાળકો માટે ક્રાંતિપ્રિય ગામમાં ઝડપથી ઘોડા મળ્યા. ત્ર્યંબક પાછો આવ્યો ત્યારે ભરેલા પત્રાળા ઉપર બેસી રહેલી કલ્યાણીએ કપાળે મૂકેલો હાથ ખસેડયો.

‘આટલી બધી વાર? શું કરતી હતી?’ ત્ર્યંબકે પૂછયું.

‘કાંઈ નહિ. હું જમી લઉં છું.’ કલ્યાણી બોલી. ત્ર્યંબકને છેતરવાની તેને વૃત્તિ થઈ નહિ. મન મારી તેણે થોડા ગ્રાસ લીધા. પરંતુ તે સમયે તેના મનમાં એક વિચાર રમી રહ્યો હતો :

‘કોણ વધારે દુઃખી : હું કે ત્ર્યંબક?’