ભારેલો અગ્નિ/૬ : ખૂન

૬ : ખૂન

અમારે તો જહાંમાંથી, બધે જલ્લાદ છે આવ્યા.
કલાપી

માનવી એટલે બુદ્ધિમાન પ્રાણી. જો તે બુદ્ધિને જ સેવતો હોય તો કેટલી ઘેલછામાંથી ઊગરી જાય? ઘરનું નામ દેતાં આંસુ ઢાળે એ માનવીને બુદ્ધિ હશે ખરી?

પરંતુ ઘરને સંભારી કોણ ઘેલું નથી બન્યું? પરદેશના રાજમહેલ મૂકી પોતાની ઝૂંપડીમાં નાસી આવેલા પુરુષો ઓછા નથી. ચતુરાઓ સાથે ચેનચાળા કરતા ધૂર્ત નાયકને પોતાની અસંસ્કારી પત્નીની સાથે એક ઘડીભર પણ લડયા વગર ચાલી શકતું નથી. ચબરાક ચપળ સુધરેલાં રાજબાળકો પાસેથી નાસી જઈ, પોતાનાં કાલાંઘેલાં બાળકોની કિકિયારીમાં કલ્લોલ કરતો રાજગુરુ કોણે નહિ જોયો હોય? ઘરના ખેંચાણે કંઈક મુસાફરીઓ અટકે છે, કંઈક સાહસો નિરર્થક થાય છે અને અભિલાષાઓ ઊંચી મુકાય છે. ઘરગામ-વતનનું ખેંચાણ… એ શું હશે?

‘ઘા વધારે દુખે છે?’ મંગળે પૂછયું.

‘ના’

‘તું જઈને સૂઈ જા, તને શ્રમ વધારે લાગે છે.’

‘મારાથી સુવાશે નહિ, અને એકલા રહેવાશે નહિ. તું તારી સાથે જ બેસીશ.’

‘બહુ સારું. હું બાટી બનાવી રહ્યો છું. થોડી ભાંગ બનાવીશ, તે પીઈને પછી આપણે જમીશું.

હિન્દુસ્તાની ભૈયાઓ ભાંગ પીઈને જમવાનું પસંદ કરે છે. મંગળ પાંડેને ભાંગનો ઘણો જ શોખ હતો. પરદેશમાં ભાંગ મળવી મુશ્કેલ હતી; એટલે તેણે પ્રથમથી જ ચોરીછૂપીથી પોતાના થોડા સામાનમાં ભાંગ સંતાડી રાખી હતી. અને અહીં પોતાની સાથે લાવ્યો હતો. જરા અણગમો આવે, કોઈ સાથે તકરાર થાય, ખાવાનું ખૂબ મળે અગર ન મળે ખ્ર્ એવા એવા પ્રસંગે મનને આનંદમાં રાખવા તે ભાંગ પીતો અને બીજા શોખીનોને સગવડ પ્રમાણે પાતો.

મંગળે બુટ્ટી-ભાંગ પીસવા માંડી. ગૌતમ એક પથ્થર ઉપર બેઠો બેઠો દરિયા ઉપર દૃષ્ટિ નાખી રહ્યો. ખુલ્લી આંખનું તિરોધાર થઈ દરિયો દેખાતો બંધ થયો. તેને બદલે તે પોતાના ઘરને હજારો ગાઉ દૂરથી નિહાળી રહ્યો. સંધ્યાકાળની ઝાંખી સુરખી, કાળા નાગની ગૂંથણી જેવા ચળકતાં શ્યામ સમુદ્રનાં મોજાં અને તેનો સનાતન ઘુઘવાટ ખ્ર્ કશું તેને સ્પર્શતું નહોતું. તે કલ્યાણીને જ નિહાળી રહ્યો હતો.

‘જવું જ છે? અમને મૂકી ને?’ આગ્રહ કરી થાકી ગયેલી કલ્યાણીએ આંખો લૂછતાં લૂછતાં કહ્યું.

‘પણ તું આમ રડયા કેમ કરે છે? મારો જીવ કપાઈ જાય છે. યુદ્ધ કેમ થાય છે એટલું જ મારે જોવું છે. યુદ્ધ જોઈને તરત પાછો આવીશ.’

એક કાનમાં કોકિલાનો ટુહૂ ટુહૂ ઉચ્ચાર થતો હતો; બીજા કાનમાં મરદાનગી પ્રેરતો શંખભેરીનો નાદ થતો હતો. કઈ પાસ ખેંચાવું?

‘તું ના કહીશ તો હું નહિ જાઉં.’ ગૌતમે કહ્યું.

કોકિલા જીતી. પરંતુ કોકિલા પોતાના ટહુકારની કિંમત સમજતી હતી. વંટોળિયા સરખો જાગેલો સમરપ્રેમ ઘડી ઘડી ગૌતમના કાનમાં ઘુઘવાટ કરી ઊઠશે, અને મીઠાશભર્યા ટહુકારને પૂરો ભોગવવા નહિ દે. કદાચ કોઈ વખત ટહુકારને અને કોકિલાને બંનેને ઘસડી જશે તો?

કલ્યાણીનું સ્ત્રીહૃદય ઉદાર બન્યું. સ્ત્રીહૃદયને ઉદાર બનવાપણું હોય જ નહિ. તે હંમેશ ઉદાર છે.

‘જાઓ.’ કલ્યાણીએ કહ્યું.

‘કલ્યાણી! તું મને નિત્ય યાદ આવીશ. હું તને એમ યાદ આવીશ ખરો?

કલ્યાણી કંઈ બોલી નહિ. રાત્રિના સમયે વિહાર છોડી સૈન્યમાં જોડાવા નાસી જનાર ગૌતમે આગળ ચાલતાં બે-ત્રણ વખત પાછું જોયું. કલ્યાણી ત્યાં ને ત્યાં જ ઊભી રહી હતી. ગૌતમે છેલ્લી વખત પાછળ જોયું. કલ્યાણી હજી ત્યાં જ હતી.

એ વિદાયના પ્રસંગને તાદૃશ કરી ફરીથી જોતો અને અનુભવતો ગૌતમ એક કર્કશ હાસ્યથી જાગૃત થઈ ગયો. તે રશિયાની ભૂમિ ઉપર છે એમ તેને બળપૂર્વક ભાન થયું. એક પુરોપિયન પુરુષ અને સ્ત્રી એક બીજાને સ્પર્શતાં, અટકચાળાં કરતાં, મંગળ પાંડેની પાસે જતાં હતાં. તીણા કર્કશ અવાજે સ્ત્રીવારંવાર હસતી હતી. પંચમકાર એ વામીઓનું મુખ્ય લક્ષણ હોય તો સૈનિકો સરખા વામીઓ બીજા કોઈ નથી. લશ્કરની પાછળ કૈંક પતિતાઓ રખડતી રહે છે. વેચાણમાત્ર માનવીની એબ રૂપ છે; તેમાંય સ્ત્રીઓના શીલનું વેચાણ એ જગતની ધુરા પકડી રહેલા પુરુષ વર્ગનો અધમમાં અધમ વ્યાપાર અને માનવજાતનું કાળું કલંક છે.

જૅક્સન સાહેબ દારૂ પી સંધ્યાકાળનો સમય કોઈ આનંદી સ્ત્રીની સાથે પસાર કરવા નીકળ્યા હતા.

યુરોપિયનો કરતાં હિંદીઓ વધારે નીતિમાન છે એવો ઘમંડ રાખવાની જરૂર નથી. અનીતિનાં સ્થળો હિંદમાં પણ જોઈએ એટલાં છે. પરંતુ પૂર્વ અને પશ્ચિમની પ્રમચર્યામાં ઘણો તફાવત છે. પ્રેમલીલા એ શેરીએ શેરીએ ભજવવાની રામલીલા નથી એમ પૂર્વનિવાસીઓ માને છે. એટલે યુરોપિયનોના સરખી પ્રેમચેષ્ટા તેમનામાં સ્વાભાવિક સંકોચ ઉત્પન્ન કરે છે. સ્ત્રીની કમ્મરે હાથ નાખી હસતા અને હસાવતાં જૅક્સન સાહેબને જોઈ ગૌતમે આંખ પાછી ખસેડી લીધી.

‘સાહેબ, સાહેબ! અડકશો નહિ, મારી રસોઈ અભડાશે.’ મંગળનો આર્જવભર્યો અવાજ ગૌતમે સાંભળ્યો. તેણે પાછું તે બાજુએ જોયું.

જૅક્સન દારૂની ધૂનમાં હતો. દારૂની ધૂન મનને મુક્ત બનાવી દે છે. મદ્યપીને મન કશાથી અટકતું નથી. છતાં જૅક્સન સાહેબ ગમ્મતમાં રસોઈને અડકતા અટકી ગયા.

‘કેવા ભીરુ છો?’ સ્ત્રીએ જૅક્સનને ગાલે હાથની હળવી લપડાક મારી કહ્યું.

દારૂના ગુણ-અવગુણ બન્ને વૈદશાસ્ત્રમાં વર્ણવ્યા છે. તે ભાન ભુલાવે છે. ગુનો કરવા પ્રેરે છે. એ બધું ખરું, પરંતુ તે જ્યારે મનને ભોગેચ્છામાં પ્રેરે છે ત્યારે તેની અસર અસહ્ય થઈ પડે છે. સ્ત્રીએો પોતાને ભીરુ કહ્યો ખ્ર્ પોતાને અપાત્ર માન્યો! જૅક્સન ફરી આગળ આવ્યો અને મંગળને પૂછવા લાગ્યો :

‘એ કાળા આદમી! શું બનાવે છે?’

‘સાહેબ! એ તો ભાંગ છે. અમારું પીણું.’

‘લાવ, મને પીવા દે.’

‘હું બીજું વાસણ લાવું.’

‘નહિ, એ જ વાસણમાં હું પીઈશ.’

‘એ તો સાહેબ! ન અપાય. બધી ભાંગ વટલાય.’

‘યુ સ્વાઈન ખ્ર્ ડુક્કર! મારા હાથ નીચે નોકરી કરવી છે અને મારું અપમાન કરવું છે? ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસો મોંમાં નાખવી પડશે, ખબર છે?’

એમ કહી ભાંગ વાટવાના પથ્થરને પગથી ખસેડી, મંગળની પાસે પડેલા એક માટીના વાસણને જૅક્સને ઉઠાવી લીધું. પેલી સ્ત્રીપાછી ખડખડાટ હસવા લાગી.

‘કાળા આદમી’ના સંબોધનથી ઊકળી રહેલો મંગળ ડુક્કરના સંબોધન સુધી તો દાંત કચકચાવી બેસી રહ્યો. પરંતુ દારૂડિયા અંગ્રેજના સ્પર્શથી ભાંગને અપવિત્ર થયેલી જોઈ તેનો ક્રોધ હાથમાં રહ્યો નહિ. રસોઈ અભડાવી હોત તો તે કદાચ સહી લેત; પરંતુ ભાંગ-વિજયા એ તો શંકરની પવિત્ર પ્રસાદી! શંકરને ધરાવી, ટીપું માથે ચડાવી, પછી જ ભક્તિભાવપૂર્વક તે પી શકાય. વિજયાનો સ્પર્શ કરીને અંગ્રેજે હિંદુઓના ઇષ્ટ મહાદેવનું અપમાન કર્યું. મંગળથી આ સહન થયું નહિ. તેણે ઊભા થઈને દારૂડિયા અંગ્રેજ અમલદારને એવી સજ્જડ ધોલ મારી કે તે ભોંય ઉપર ગુલાંટ ખાઈ પડયો.

સ્પર્શાસ્પર્શનો સિદ્ધાંત સુધરેલી દુનિયા ન માને એ વાસ્તવિક છે. પરંતુ હિંદુ સમાજમાં એ તત્ત્વ એટલું દૃઢ ચોંટી ગયું છે કે તે યુરોપના અનેક વર્ષોના સમાગમે પણ હજી નીકળી શક્યું નથી. તેનો આજ બચાવ ભલે ન થાય; પરંતુ પચીસ પચાસ અને સો વર્ષ ઉપર તો તે જીવતી જાગતી ભાવના હતી. તેનો પ્રતિકાર જોરજુલમથી થઈ શકે એમ નહોતું.

પેલી સ્ત્રીપાછી ખડખડ હસી. તેને જૅક્સન પ્રત્યે કશો ભાવ હોઈ શકે જ નહિ.

પરંતુ જૅક્સનને છરીની માફક વાગ્યું. તેનું ઘેન ઊતરી ગયું. અપમાનથી પ્રજ્વલિત થયેલો શ્રેષ્ઠતાનો ઘમંડી જૅક્સન ચટ ઊઠી ઊભો થયો. જે દેશની પ્રજાને તેણે વશ કરી છે. જે પ્રજા ઉપર તે રાજ્ય કરે છે, તે પ્રજાનો એક હલકો સિપાઈ પોતાની સામે હાથ ઉગામે? પોતાને સલામ કરતાં એ બ્રાહ્મણને હલકું લાગતું નથી, અને તેના પાણીને પોતે અડકે એમાં તે અપવિત્ર બને છે! આખી હિંદુ પ્રજાને ખ્રિસ્તી બનાવવી જોઈએ!

તેણે મંગળ ઉપર ધસારો કર્યો. જૅક્સન ઊંચો અને મજબૂત અંગ્રેજ હતો; તે લડાઈનો કાયર પણ નહોતો, પરંતુ મંગળની સામે બાહુબળમાં તે ઊભો રહી શકે એમ નહોતું. જૅક્સને સંગીન કાઢયું અને શસ્ત્રરહિત મંગળ ઉપર ઉગામ્યું.

પરંતુ ઘા વાગે તે પહેલાં જૅક્સનનો હાથ ગૌતમે મજબૂત રીતે પકડી લીધો. ગૌતમ ક્રોધે ભરાયો હતો. છતાં તેણે મન કાબૂમાં રાખ્યું. જૅક્સને જોયું કે આ બે જણની સાથે પોતે ફાવશે નહિ. ગૌતમે હથિયાર અટકાવ્યું એટલું જ નહિ, તેણે ઝૂંટવ્યું અને દૂર ફેંક્યું.

‘હ…ટ્ટ! આવા જ છો કે?’ પેલી સ્ત્રીએ જૅક્સનને ટોણો માર્યો. ‘તમે બે લડો; જે જીતે તેની સાથે હું જાઉં.’

‘ગૌતમ! કયા હથિયારથી લડવું છે?’ જૅક્સને ત્રાડ મારી.

‘વગર હથિયારે.’

‘હિચકારો! પાછળથી આવી હથિયાર પકડયું!’

‘સાહેબ! તમને ફાવે તે હથિયાર લ્યો, અને મારી સામે આવો.’ ફેંકેલું સંગીન પાછું લાવી તેણે જૅક્સનના હાથમાં મૂક્યું. ક્રોધથી બળી રહેલા જૅક્સને સંગીનનો પ્રબળ ઘા ગૌતમ ઉપર કર્યો, મંગળે જાણ્યું કે ગૌતમ વીંધાઈ ગયો. પરંતુ ગૌતમે ઘા ચુકાવ્યો અને જૅક્સનને દાવમાં લાવી તેના હથિયાર સાથે જ તેને ભોંય ઉપર પટક્યો.

ટપટપ રુધિરના ટપકાં પડવા માંડયાં. જૅક્સન ઘવાયો. ગૌતમે તે જોયું. પેલી સ્ત્રીબૂમો મારતી છાવણી તરફ દોડી.

‘ખૂન! ખૂન!’