ભારેલો અગ્નિ/૮ : નિષ્ફળતા
એ જ ગામને નદીકિનારે સૂર્યોદય થતાં ધુમાડાની એક સેર આકાશમાં વહી જતી એક ઘોડેસ્વારે જોઈ. ઘોડેસ્વાર નદીને સામે કિનારે હતો. નદીમાં પાણી ઓછું અને ભાઠું વિશાળ હતું. રેતીમાં ઘોડો દોડાવાની મુશ્કેલી હતી. છતાં ઘોડેસ્વારનો ઘોડો રેતીમાં પણ બહુ ઝડપથી દોડતો હતો. ઘોડાને તેણે પાણીમાં નાખ્યો. ઘોડો જોતજોતામાં પાણી ઓળંગી ગયો.
ત્રણચાર માણસો એક દેહને ચિતા ઉપર ચડાવતા હતા. ઘોડેસ્વારે બૂમ મારી :
‘થોભો.’
ચિતા ગોઠવતા માણસોએ પાછળ જોયું. કલ્યાણી ત્યાં જ બેઠી હતી. એ બૂમ પાડી ઊઠી :
‘ત્ર્યંબક!’
‘હા!’
‘ગૌતમ આવે છે.’
‘ગૌતમ?’
એટલામાં તો ઘોડો ચિતા પાસે ઘસી આવ્યો. ઘોડો પૂરો ઊભો રહે તે પહેલાં તો ઘોડસ્વાર જમીન ઉપર કૂદી પડયો. શસ્ત્રસજ્જ સવારે પૂછયું :
‘ત્ર્યંબક! શું કરે છે?’ ઘોડેસ્વાર ગૌતમ હતો.
‘ગુરુજીના અંત્યેષ્ટિસંસ્કાર.’ ત્ર્યંબકે કહ્યું.
‘ગુરુજી ગયા?’
‘હા.’
ગૌતમે માથેથી સાફો ફેંકી દીધો. જમીન પર બેસી તેણે કપાળે હાથ મૂક્યો તેનાથી બોલાઈ ગયું :
‘થયું! બધું જ ગયું!’
‘ઈશ્વરની ઇચ્છા!’ પૂજારી બોલ્યો.
‘જે વાત બનતી અટકાવવા હું આવ્યો તે જ બની ગઈ.’ ગૌતમ બોલ્યો.
‘શું અટકાવવા તું આવ્યો?’ ત્ર્યંબકે પૂછયું.
‘ગુરુજીનું મૃત્યુ.’
‘તું તો કેદમાં હતો ને? અમે તને છોડાવવા આવતા હતા.’
‘બધું જ ઊંધું વળ્યું. બાજી બગડી ગઈ. મને આશા નથી!’
‘શાની આશા નથી?’
‘આપણે જીતીએ તેની.’
‘આપણે એટલે?’
‘ફિરંગીઓના વિરોધી.’
‘ફિરંગીઓના કે ફિરંગીઓની સત્તાના ?’ ત્ર્યંબકે પૂછયું. ગુરુના મૃત્યુની આખી રાત ત્ર્યંબકે ખૂબ વિચારમાં ગાળી હતી. રુદ્રદત્તની વાતો અને રુદ્રદત્તના સિદ્ધાંતો તે સ્પષ્ટ સમજવા લાગ્યો હતો.
‘બધું એક જ છે ને?’ ગૌતમે કહ્યું.
‘ના. હું ફિરંગીઓનો વિરોધી નથી; તેમની સત્તાનો વિરોધી છું.’ ત્ર્યંબકે કહ્યું.
‘મારે એમ જ થયું. ફિરંગીઓને બચાવવા મેં ગુરુ ખોયા.’
ગૌતમ લગભગ પા કલાક વગર બોલ્યે માથે હાથ દઈ બેઠો. શબને ચિતા ઉપર ચડાવ્યું. રીતસર છેલ્લા સંસ્કાર થયા. ત્ર્યંબકે કહ્યું :
‘ગૌતમ! તું પટ્ટશિષ્ય. અગ્નિસંસ્કાર તું કર.’
‘હું અપાત્ર છું. મેં ગુરુસેવા તારા સરખી કરી નથી.’
‘અને દાદાજીએ આજ્ઞા પણ ત્ર્યંબકને જ કરી છે.’ આટલી વારે કલ્યાણી બોલી.
‘કેમ?’ ગૌતમે પૂછયું.
‘શસ્ત્રધારણ ન કરવું એવી ત્ર્યંબકે પ્રતિજ્ઞા લીધી એટલે અગ્નિસંસ્કાર એને જ હાથે કરાવવા કહ્યું.’
‘જે શસ્ત્રથી ગુરુજીનો વધ થાય એ શસ્ત્ર. ખરે, ઓગળી જવા જોઈએ!’ ગૌતમ બોલ્યો.
‘ત્યારે તું પણ શસ્ત્રરહિત થા.’ કલ્યાણીએ કહ્યું.
‘હવે નહિ બને.’
‘કેમ?’
‘ગુરુજી હોત તો એ બધાને દીક્ષા આપત. એ ગયા. હવે પ્રલયનાં પૂર ફરી વળ્યાં. એ પૂરને વાળે કે ખોળે એવું હવે કોઈ નથી.’
દૂરથી બીજા બે ઘોડા ઝડપથી આવતા દેખાયા. ત્ર્યંબક મૃતદેહ ઉપર અગ્નિ મૂકવા જતો હતો એટલામાં ગૌતમે કહ્યું :
‘ત્ર્યંબક જરા થોભ; સૈયદ આવે છે.’
‘બીજું કોણ છે?’
‘પાદરીસાહેબ.’
‘તમે બધાં ક્યાંથી!’
‘હું પછી કહું છું.’
પા કલાક વીતી ગયો. થાકેલા ઘોડા રેતીમાં ચાલતાં વધારે થાક્યા. સૂર્ય માથે ચઢતો હતો. ઘોડા ઉપરથી સૈયદ અઝીઝ તથા પાદરી જૉન્સન નીચે ઊતર્યા. સૈયદ અને જૉન્સન બંને સમજી ગયા કે રુદ્રદત્તના દેહને અંતિમ સંસ્કાર થાય છે. ગૌતમે કહ્યું :
‘સૈયદ! થઈ રહ્યું.’
‘માલેકની મરજી! આપણી તો આશાઓ મરી ગઈ.’ સૈયદે કહ્યું.
‘તમને પણ પંડિતનો પરિચય હતો?’ જૉન્સને પૂછયું.
‘પંડિતજીનો પરિચય કોને ન હોય? એ તો અમારા સૂફી હતા, અમારા ઓલિયા હતા. કુરાન તો તેમને મુખ હતું એ જાણો છો?’ સૈયદ બોલ્યા.
ત્ર્યંબકે રુદ્રદત્તના શ્વેત દેહ પાસે જઈ આંખો મીંચી નમસ્કાર કર્યાં. ગૌતમ પાસે આવી દંડવત પ્રણામ કર્યા. જૉન્સને ટોપી ઉતારી જમીન તરફ નજર કરી. સૈયદ ઘૂંટણીએ પડયા. તાકીને ભાળી રહેલી કલ્યાણીને આંખે પૂજારીએ હાથ દીધા. એકાએક ભડકો થયો. શ્વેત દેહને વીંટી વળવા મથતા અગ્નિને આહ્લાદભેર સોનાચાંદીના ફુવારા ઉડાડયા ગૌતમ મોટેથી રડી ઊઠયો, જૉન્સન અને સૈયદે આંખો લૂછી.
‘મારો ખરો મિત્ર અદૃશ્ય થાય છે.’ પાદરી બોલ્યો.
‘પાદરીસાહેબ! એ તો માનવી માત્રનો મિત્ર હતો.’ સૈયદે કહ્યું.
‘અંગ્રેજો એને મિત્ર બનાવી શક્યા નહિ.’ પાદરીએ કહ્યું.
‘અને હિંદીઓએ એને ઓળખ્યો નહિ.’ ગામમાંથી સાથે આવેલો એક મનુષ્ય બોલ્યો.
‘હિંદુ, મુસ્લિમ અને કિરસ્તાનની એ ત્રિવેણી. આજે એ ત્રિવેણી રેતીના રણમાં ગુમ થઈ.’ સૈયદે કહ્યું.
રુદ્રદત્તનો દેહ અદૃશ્ય થવા લાગ્યો. થોડી વાર સહુ શાંત બેઠા. ચિતા સરખું મૌનપ્રેરક દૃશ્ય બીજું એકે નથી. દેહની નશ્વરતાનો પદાર્થપાઠ આપતી અગ્નિશૈયા ચક્રવર્તીઓની ચડેલી આંખને પણ નીચી નમાવે છે. પરંતુ જિહ્વાચાપલ્ય ચિતાના ભડકાને પણ કૂદી જાય છે. જીવતા દેહથી સતત શાંત બેસી રહેવાય નહિ. ગૌતમ એ ક્ષણે ક્યાંથી આવ્યો તેની કોઈની સમજ પડી નહિ. વાતમાં અને વાતમાં ગૌતમે આ સ્થળ આવવાનું કારણ સંભળાવ્યું.
મંગળને છોડાવવા માટે નિશ્ચય કરી નીકળેલા ગૌતમને ભસ્મીભૂત મંગળનાં માત્ર અસ્થિ મળ્યાં. જે સ્થળે મંગળને ફાંસી દેવામાં આવી હતી, જે સ્થળે મંગળના દેહને અગ્નિદાહ કરવામાં આવ્યો હતો. તે સ્થળ ગૌતમને માટે પવિત્ર સ્થાન બની ગયું હતું. મંગળ ગૌતમ કરતાં મોટો હતો; મંગળનો ઉગ્ર સ્વભાવ તેને સામાન્ય સૈનિકની પાયરીથી ઊંચે જવા દેતો નહિ. ગૌતમ ઊંચી પાયરીનો સૈનિક હતો, છતાં બંને વચ્ચે ગાઢ મૈત્રી હતી. કો’ક સમયે રુદ્રદત્તનું સ્થાન ગૌતમ લેશે એવી આશા મંગળને હતી, અને ગૌતમના યશમાં ને ગુરુ રુદ્રદત્તનો, પોતાનો અને સમગ્ર હિંદના ક્ષાત્રત્વનો યશ વાંચતો હતો. ગોતમની સાથે ન્યાયની ચર્ચા કરવામાં પણ તેને ઘણો આનંદ થતો. ગૌતમ મંગળને વડીલબંધુ સરખું માન આપતો. એકબીજાને બચાવવામાં બંનેએ પોતાના જીવ અનેક વેળા જોખમાવ્યા હતા. મંગળનું મૃત્યુ એ ગૌતમને મન વડીલબંધુનું મૃત્યુ હતું. સૈયદે આપેલા સમાચાર સાંભળી ગૌતમ શોકભર્યા હૃદય મંગળના વધસ્થાન ઉપર પહોંચી ગયો.
ગૌતમને અનેક વિચારો આવ્યા : ‘મંગળને સજા કરનાર ન્યાયાધીશોને કાપી નાખવા? મંગળનો વધ કરનાર જલ્લાદનું જડમૂળ ઉખાડી નાખવું કે તેનું મૃત્યુ સહી લેનાર તેની પલટણનું નિકંદન કાઢી નાખવું?’ એવા વેરના વિચારો કરતો ગૌતમ મંગળની ચિતા પાસે આવ્યો. બળી ગયેલા લાકડાંની રાખનો એક ઢગલો ત્યાં પડેલો હતો. ફૂંકાતો પવન હજી એ બધીરાખને ઉડાડી શક્યો નહોતો. અર્ધ બળી હોલવાઈ ગયેલાં લાકડાં આસપાસ વેરાયેલાં પડયાં હતાં.
‘મંગળની ભસ્મ હિંદભરમાં વેરી હું અનેક મંગળો ઉપજાવીશ!’ ગૌતમ મનમાં બોલ્યો. તેણે થોડી રાખ હાથમાં લીધી અને પાછી ચિતામાં ફેંકી દીધી. રાત્રિના આછા પ્રકાશમાં પણ એ ભસ્મ બરફના ઢગલા સરખી સ્વચ્છ દેખાતી હતી. મંગળ સાથેના અનેક પ્રસંગો તેને યાદ આવ્યા. મંગળની ચર્ચાઓ, મંગળના વીરતાભર્યા કાર્યો, મંગળની બેપરવાઈ, મંગળની ઉગ્રતા અને મંગળનું સ્વાભિમાન તેની કલ્પનામાં ફરી જીવતા બન્યાં.
રાખમાં જેમ જેમ હાથ ફેરવતો ગયો તેમ તેમ મંગળ સજીવન બનતો જતો લાગ્યો. એકાએક નાનકડી કઠણ વસ્તુ ભસ્મમાંથી તેના હાથમાં આવી. તેના અભાન મને તે ટુકડા ઉપર અજાણતા આંગળીઓ ફેરવવા તેને પ્રેર્યો. ટુકડાની સુંવાળાશે તેના અભાન મનને ભાનવંતુ બનાવ્યું. લાકડામાં આવી સુંવાળશ ન હોય! તેણે ભાનપૂર્વક આંગળી ફેરવી અને ટુકડા તરફ દૃષ્ટિ કરી. હલકો પણ સ્ફટિકના ટુકડા સરખો ધવલ એ મંગળના અસ્થિનો ટુકડો હતો. એ અસ્થિમાંથી આખો મંગળ ઊભો થતો લાગ્યો.
‘અરે, મંગળના અસ્થિ પણ હજી અહીં છે? કોણ ભેગાં કરે? અને કોણ એમને ત્રિવેણીમાં પધરાવે? લાવ, હું જ ભેગા કરું.’
ગૌતમે રાખોડી ખસેડી. રાખોડીમાં ઊંડો હાથ નાખી મંગળના દેહનાં હાડકાં શોધવા માંડયા. રાખનું પડ ખસેડતાં ખસેડતાં તેના હાથને સમજાયું કે હજી મંગળની ભસ્મ ઊની રહી છે. સંભાળીને તેણે ભસ્મ ખસેડયા કરી. એકાએક નાનકડી તેજકણી ભસ્મમાંથી ચમકી ઊઠી. ગૌતમ વિસ્મય પામ્યો. તેણે આકાશ તરફ જોયું. કદાચ તારાની ભ્રમણા તો તેને અંગારાદર્શન નહિ કરાવતી હોય? તેણે નીચે જોયું. પવનથી ઊડી ગયેલી રાખ નીચે એક નાનકડું તેજબિદુ ટપક્યા કરતું હતું. મંગળની ચિતા હજી જીવતી હતી. ગૌતમથી બોલાઈ ગયું :
‘અગ્નિ! ફરી ભડકો કરું? કે છાંટી નાખું?’
ગૌતમના ખભા ઉપર કોઈનો હાથ પડયો. તેણે પાછળ જોયું. ત્રણચાર ગોરા સૈનિકો તેને રોધીને ઊભા હતા. મંગળના તોફાન પછી છાવણીમાં વધારે સાવચેતી રાખવામાં આવતી. અને વીખરાયલા હિંદી સૈનિકો કશું નુકસાન ન કરે એ માટે રાત્રે પહેરા ફરતા રાખવામાં આવતા હતા. મંગળની ચિતા પાસે બેસી બોલતા બબડતા હિંદી સૈનિક તરફ ગોરા સૈનિકોને શંકા ઊપજે જે સ્વાભાવિક હતું.
‘કોણ છો તમે?’ ગૌતમે પૂછયું.’
‘તું કોણ છે?’ ગોરા સૈનિકે પૂછયું.
‘મારું શસ્ત્ર બોલશે કે હું કોણ છું.’ ગૌતમ બોલ્યો. તેને ગોરાઓ પ્રત્યે દાઝ ચડેલી જ હતી. ચારે સૈનિકોને ભોંયભેગા કરવાની તેને તક મળી. શસ્ત્ર ઉગામવા જતાં તેને લાગ્યું કે મંગળનું હાડકું કાંઈ બોલી રહ્યું છે. તે ક્ષણભર થોભ્યો. તેના કાનમાં ભણકારા સંભળાયા :
‘ભડકો ન કર; અગ્નિ છાંટી નાખ!’
આ શબ્દો તેને એટલા સ્પષ્ટ સંભળાયા કે તેણે હથિયાર નમાવી દીધું, એટલું જ નહિ, તેણે સામા સૈનિકને પૂછયું :
‘તમે સાંભળ્યું?’
‘શું?’
‘ન સંભળાયું?’
ગોરા સૈનિકોને ગૌતમ ઘેલો લાગ્યો. રાતે એકાંત સ્થળે આગ પાસે બેસી રાખ ઉથામતો મનુષ્ય કોઈ ગુપ્ત સાદની ભ્રમણામાં પડે એ ઘેલછાની નિશાની જ કહેવાય. યુયુત્સા રહિત બનેલા ગૌતમને સૈનિકોએ એકદમ પકડી લીધો. સૈનિકોના આગેવાને પૂછયું :
‘બોલ, તું કોણ છે?’
બે ત્રણ જણે બંદૂકની નળી ગૌતમની છાતી સામે ધરી.
‘હું કોણ છું? હું એક સૈનિક છું.’
‘અહીં શું કરતો હતો?’
‘મારા મિત્રની ચિતાના દર્શન કરતો હતો.’
‘ચિતામાંથી તારો મિત્ર તને જડયો કે નહિ?’ એકે પૂછયું.
‘અગ્નિ જડયો.’
ગોરાઓ ખડખડ હસી પડયા.
‘નાદાનો હસો છો? તમારા હાસ્યની ફૂંકથી એ ભારેલો અગ્નિ ફરી ભભૂકી ઊઠશે.’ ગૌતમ ઘુરક્યો.
‘પછી?’ હસતાં હસતાં એક ગોરાએ પૂછયું.
‘પછી? આખી ગોરી જનતા એમાં બળીને ભસ્મ ન થાય તે જોજો.’
‘મુર્દાના અગ્નિમાંથી?’ એક તોછડા ગોરાએ મશ્કરી ચાલુ રાખી. પરંતુ તેના આગેવાનને મૃત્યુની મશ્કરી ગમી નહિ; તેણે પોતાના સૈનિકોની હાસ્યવૃત્તિ અટકાવી અને ગૌતમને પૂછયું :
‘તારો કોણ મિત્ર અહીં દાહ પામ્યો છે?’
‘મંગળ.’
‘મંગળ પાંડે?’
‘મંગળ પાંડેની ચિતા વીસરાઈ ગઈ હતી. પરંતુ મંગળ પાંડે વીસરાયો નહોતો. એનું ભૂત કંપની સરકારના ગોરા સૈનિકો પાછળ ભમ્યા જ કરતું હતું; એના જ ભયમાં રાત્રિના ચોકીપહેરા રચવામાં આવ્યા હતા. અને મંગળ પાંડેના મિત્ર એટલે કંપની સરકારનો દુશ્મન જ ને?’
‘ત્યારે તને અમે છોડી શકીશું નહિ.’ ગોરાઓએ કહ્યું.
ગૌતમ આમ કેદી બન્યો. એના મનથી એ પ્રસંગ બહુ નાનો હતો. કેદમાંથી નાસી છૂટવાની તેને હિંમત હતી. એકબે પ્રસંગો તેણે જતા કર્યા. માત્ર તેનું મન બહુ જ તંગ અવસ્થામાં રહ્યું. શું કરવું? કેમ કરવું? વિપ્લવની યોજના કેમ પાર પાડવી? આખા હિંદને મંગળની ચિતામાંથી શી રીતે સળગાવી મૂકવો? આ બધા વિચારનાં કોકડામાં ગૌતમ રાતે તો એટલો ગૂંચવાયો કે તેને નાસી જવાની પણ ફુરસદ ન મળી.
બીજે દિવસે તેને લશ્કરના ઉપરી પાસે ઊભો કર્યો. મંગળની માફક ગૌતમને પણ ફાંસીની સજા થશે એમ સહુએ ધાર્યું. કારણ ગૌતમ પોતે જ મંગળનો ગાઢ મિત્ર હોવાનું કબૂલ કરતો હતો.
સાહેબ બંગલાની ઓસરી બહાર આવ્યા. ગૌતમને હજી પોતાના દોષનું ગાંભીર્ય સમજાતું ન હતું. તે વિચારમાં નીચું જોઈ રહ્યો હતો. સાહેબ આવ્યા તેની પણ તેને ખબર પડી નહીં. સાહેબ દમામ ભરેલાં ડગલાં મૂકતા આવ્યા અને ગૌતમને જોઈ સ્તબ્ધ બની ગયા. ક્ષણ રહીને તેમણે પૂછયું :
‘ગૌતમ!’
ગૌતમે ઊંચે જોયું. એકાએક સૈનિકઢબની સલામ કરી.
‘તું ક્યાંથી?’ સાહેબે પૂછયું.
‘પણ આપ ક્યાંથી? આપ તો વિલાયત હશો એમ મેં ધારેલું.’ ગૌતમે સામું પૂછયું.
‘જવાની તૈયારી જ હતી. એટલામાં રોકાઈ ગયો. કોઈ પણ અંગ્રેજ બહાર ન જવું એવો હુકમ થયો.’
‘મંગળને આપે ફાંસીએ ચડાવ્યો?’
‘એને ફાંસી દેવાયા પછી મેં પલટણનો હવાલો લીધો.’
આસપાસના લોકોને નવાઈ લાગી. ગૌતમ અને ગોરા સાહેબ વચ્ચે આટલી વાતનો સંભવ તેમણે ધાર્યો નહોતો. પરંતુ એ ગોરા સૈનિકોને ખબર નહોતી કે તેમનો ઉપરી ગૌતમના ગુણો ઉપર મુગ્ધ હતો. એ ઉપરી પીટર્સ હતો.
નાયકે ઉપરીને કહ્યું :
‘સાહેબ! ગૌતમના ગુના માટે સજા કરવાની છે.’
‘એમ? અરે ગૌતમ! તું ગુનો કબૂલ રાખે છે?’ પીટર્સે પૂછયું.
‘ના. જી. મેં કશો ગુનો જ કર્યો નથી.’ ગૌતમ બોલ્યો.
‘ત્યારે તને કેમ પકડયો.’
‘મને ખબર નથી.’
‘મંગળ પાંડેની ચિતા પાસે બેસી તે ભયંકર વાતો કરતો હતો.’ નાયકે કહ્યું.
‘હા. જી.’ ગૌતમ બોલ્યો.
‘તું ચિતા પાસે કેમ આવ્યો હતો.’ પીટર્સે પૂછયું.
‘મારા મિત્રના અસ્થિ લેવા.’
‘એમાં કશો ગુનો નથી. એ તેમનો ધાર્મિક રિવાજ છે એ હું જાણું છું. ગૌતમને છૂટો કરો.’
‘પણ સાહેબ! એ મંગળનો મિત્ર છે.’ નાયકે કહ્યું.
‘તેથી શું? તમને ખબર નહિ હોય, ગૌતમ અને મંગળ બંને મારા મિત્રો હતા! ગુનેગારના મિત્ર હોવાના ગુનો નથી.’ પીટર્સે કહ્યું અને સૈનિકોએ ગૌતમને છૂટો કર્યો. પીટર્સે તેને ફરી મળવાનું કહ્યું, પરંતુ ગૌતમનું ધ્યેય મંગળના અસ્થિને ગંગાજીમાં પધરાવાનું હતું; અસ્થિ ભેગા કરી તેણે ઝડપથી રસ્તો કાપવા માંડયો.
ત્રિવેણીના ઘાટ ઉપર સૈયદ તેની રાહ જોતા ફરતા હતા.
‘અસ્થિ લાવ્યો?’ સૈયદે પૂછયું.
‘હા.’
‘જળમાં જલદી પધરાવી દે અને નાહીને પાછો આવ. નહિ તો આપણાં અસ્થિ પણ જળમાં જશે.’
‘કેમ?’
‘તું કાર્ય કરી લે પછી કહું.’
ગૌતમે અત્યંત શ્રદ્ધાથી મિત્રના છેલ્લા અવશેષને પવિત્ર સંગમમાં પધરાવ્યાં. તેની આંખ ભીની થતી હતી. ઝડપથી તેણે નદીમાં ડૂબકી મારી. તરવાનો તને ઘણો શોખ હતો પરંતુ શોખ ભોગવવાનું તેને મન જ ન હતું. તે ઘાટ ઉપર પાછો આવ્યો. ઘાટ ઉપર એક મોટી વાંસની છત્રી નીચે એક વૃદ્ધ બ્રાહ્મણ બેઠો હતો; તેની નજીકમાં જ સૈયદ બેઠા હતા. ગૌતમ તે બાજુએ વળ્યો. વૃદ્ધ બ્રાહ્મણની પાસે પૂજાપાઠનો સામાન પડેલો હતો.
‘આવ ભાઈ! તિલક કરી લે.’
યાત્રાળુઓની સંખ્યા વધારે હતી. આવા અનેક બ્રાહ્મણો મોટી મોટી છત્રીઓ નીચે બેસી જે થોડાઘણા યાત્રાળુઓ હોય તેમને દક્ષિણાની આશાએ પોતાની પાસે બોલાવતા હતા. ગૌતમને તિલક કરવાનું નહોતું. પરંતુ સૈયદ સાથે વાત કરવી હતી. એટલે તેણે આમંત્રણ સ્વીકાર્યું. જેવો તે છત્રી નીચે બેઠો તેવું જ બ્રાહ્મણે તેની સામે જોયું.
એ ચમકતી આંખો, સિંહસમું ભારે મુખ, કેશવાળી સરખા વાળ ગૌતમે પ્રથમ ક્યાં જોયા હતા?
‘મને ઓળખ્યો?’ બ્રાહ્મણે પૂછયું.
‘ઓળખવા તો જોઈએ. યાદ કરું છું.’ ગૌતમે કહ્યું.
‘તારા જ ગામમાં આપણે સામસામા પટા રમ્યા છીએ.’
‘આપ મહાવીરસિંહ?’
‘હા, તારું જ કામ પડયું છે. આફતથી બચવું હોય તો એક ક્ષણ પણ ઊભો ન રહીશ.’
‘ક્યાં જાઉં?’
રુદ્રદત્ત પાસે.
‘વિહારમાં મારાથી પગ નહિ મુકાય.’
‘સૈયદ સાથે આવે છે. વિહારમાં તે જશે; તું ગામ બહાર રહેજે.’
‘ત્યાં જઈને શું કરું?’
‘રુદ્રદત્તને મરવા ન દઈશ.’
‘એટલે? એ મારા હાથની વાત છે?’
‘હા. હવે તારા હાથની વાત છે.’
‘મારે શું કરવું?’
‘આ રુક્કો શંકરને આપજે.’
‘કયો શંકર?’
‘કોઈ કોઈ વખત હોડી ફેરવે છે તે.’
‘રુક્કામાં શું લખ્યું છે?’
‘કોઈ પણ સંજોગોમાં રુદ્રદત્તનો વધ ન કરવો.’
‘રુદ્રદત્તનો વધ કરવાનું કોણે યોજ્યું હતું.’
‘મેં.’
વિપ્લવના પ્રચાર માટે અવિરત પ્રયત્ન કરતા આગેવાન મહાવીરસિંહે શંકરે ફોડી, કંપનીના ગુપ્તચરનું કામ કરવાને બદલે વિપ્લવવાદીઓમાં ભેળવી લીધો હતો. શંકરનો એક જ ઉદ્દેશ હતોઃ રુદ્રદત્તના યમ બનવું. કંપની તરફથી તેમ થાય કે ક્રાન્તિકારીઓ તરફથી તેમ થાય, તેની એને પરવા નહોતી. કંપની સરકારને દફતરે દિવસે દિવસે રુદ્રદત્તની કિંમત ઓછી થતી ચાલી, જડ ઘાલી બેઠેલી એ ગૌર સત્તાનો રુદ્રદત્તના કાર્યમાં કશી ભયંકરતા દેખાઈ નહિ. રુદ્રદત્તના કાર્યમાં દોષ કાઢવા જેવું સાધન શંકરને મળ્યું નહિ. મહાવીરે શંકરને સાધ્યો. રુદ્રદત્તની પાસે એક મોટું લશ્કર સજ્જ થાય એવો શસ્ત્રભંડાર હતો એની મહાવીરને ખબર હતી. એનો ઉપયોગ થાય એ અર્થે કોઈ કોઈ જાણકાર રુદ્રદત્તને વિપ્લવમાં ભેળવવા મથતા હતા – જોકે એ શસ્ત્રભંડાર વગર પણ રુદ્રદત્તને મેળવવા બધાની તૈયારી હતી. પરંતુ રુદ્રદત્તે હિંસક વિચારમાં ભાગ લેવાની ચોખ્ખી ના પાડી, એટલું જ નહિ પણ શસ્ત્રભંડાર સોંપવાની કે દેખાડવાની પણ મહાવીરને ના પાડી.
વૃદ્ધ પણ આગ સરખો મહાવીર જીવનના સંધ્યાકળે પણ કંપની સામે વેર લેવા તલપી રહ્યો હતો. એ વેર લેવાની ક્ષણ જેમ જેમ પાસે આવતી ગઈ તેમ તેમ તેની અધીરાઈ વધવા લાગી. રુદ્રદત્તને મેળવી લેવાની અશક્તિએ તેને ભાન ભૂલાવ્યું. શંકરની થોડી હકીકત મેળવી મહાવીરે તેને પોતાનો બનાવ્યો. અને જતે જતે આજ્ઞા કરીઃ
‘શંકર! રુદ્રદત્તને પગલે પગલું માંડજે. આસપાસ કોઈ સ્થળે શસ્ત્રભંડાર છૂપો ભર્યો છે. એ ભંડારનો નાશ કરવા કોઈ પ્રવૃત્તિ થાય તો તેને રહેંસી નાખજે – રુદ્રદત્ત હોય તો તેને પણ. મહાવીરની આણ બાદશાહ અને પેશ્વાની આણ કરતાં ઓછી ન ધારીશ.’
શંકર ક્રાંતિકારી મંડળનો સભ્ય બન્યો. વેશપલટાની તેની આવડત ઘડીમાં તેને ખલાસી બનાવતી હતી, ઘડીકમાં તેને સૈનિક બનાવતી હતી, ઘડીમાં તેને વિપ્લવવાદીઓના ગૂઢ પુરુષ તરીકે ઓળખાવતી હતી. સમાચાર મેળવવાની તેની કવા અદ્ભુત હતી. રુદ્રદત્ત, કલ્યાણી અને ત્ર્યંબક વિહારની બહાર નીકળ્યાં અને શંકરે તેમનો પીછો લીધો.
શંકર ભુલાવામાં પડે એવો માર્ગ લઈ રુદ્રદત્તે શસ્ત્રભંડાર બાળી દીધો. આસપાસ સો સો ગાઉ લગી એ ગૂઢ ભયંકર બનાવની વાત ફેલાઈ ગઈ. સોંપેલું કામ ન કરનાર – ન કરી શકનાર ક્રાંતિકારીઓના નિયમાનુસાર દેહાંત શિક્ષાને પાત્ર થતા. શંકરને લાગ્યું કે કે મહાવીરની તલવાર તેની ગરદન ઉપર લટકી રહી છે. રુદ્રદત્તને મારવાનું પણ અફળ બનશે એવો ભય તેને લાગ્યો. આસપાસના ક્રાંતિકારીઓને શંકર ઉશ્કેરતો ચાલ્યો. જૉન્સનના બંગલા નજીક શંકરને ખબર પડી કે મેરઠ-મીરતની પલટણોએ કંપની સરકાર સામે બળવો જગાવ્યો છે, ગોરા અમલદારોને કાપી નાખ્યા છે. દિલ્હીની ગાદી ઉપરથી બાદશાહે ફરી મોગલાઈની આણ ફેલાવી છે, અને આખા હિંદભરમાં ગોરાઓનાં ખૂન કરવામાં આવ્યાં છે.
એ જ ગામમાં છૂપા ક્રાન્તિકારીઓની મોટી છાવણી હતી. ગામમાં રહેલા ગોરાઓની કતલ કરવા શંકરે સહુને પ્રેર્યા. મંદિરમાં રુદ્રદત્તની છાયા તળે એ ગોરી ત્રિપુટી ભેગી થઈ હતી. રુદ્રદત્ત તેમને મરવા દેશે નહિ એવી શંકરને ખાતરી હતી. તેણે લાગ જોયો અને જૂના અપમાનનો બદલો લીધો. મહાવીરની આજ્ઞાનુસાર તેણે રુદ્રદત્તને વીંધી નાખ્યા.
રુદ્રદત્તને માટે વિપ્લવમંડળમાં – તેના પથરાયેલા સામાન્ય વિભાગમાં પણ – એટલું બધું માન હતું કે શંકરના એ કાર્યથી સહુ થડકી ઊઠયા. રુદ્રદત્તને પડેલા જોઈ સહુને અપશુકન ભાસનો થયો. ત્ર્યંબકના પ્રહારો તેમણે સહન કર્યા અને ગ્લાનિને દબાવી દેવા ક્રાન્તિકારીઓએ ગોરા પાદરીનો બંગલો બાળવાનું આદર્યું.
પરંતુ ક્રાન્તિના નાયકોમાં ચર્ચા થતાં રુદ્રદત્તની કિંમત સઘળા ક્રાન્તિકારીઓ કરતાં વધારે અંકાઈ. મંગળે ભૂલની શરૂઆત કરીઃ બળવાની ચિનગારી અપક્વ સમયે સળગાવી. મેરઠની પલટણોએ બીજી મહાભયંકર ભૂલ કરી : ઠરેલી તારીખ કરતાં લગભગ એક માસ પહેલેથી એ પલટણોએ બળવો જગાવી, ગોરાઓની કતલ કરી, દિલ્હી ઉપર ધસારો કરી દિલ્હીના વિપ્લવવાદીઓને વહેલા યુદ્ધમાં ઝંપલાવવાની ફરજ પાડી. ચારેપાસ દાવાનળ સળગી ઊઠયો. રુદ્રદત્તની પાસેથી વચન લઈ ગયેલાં લક્ષ્મીબાઈ બ્રહ્મવર્ત પહોંચે તે પહેલાં તો બળવાખોરોનાં ટોળાં બધે ફરતાં થઈ ગયાં અને અવ્યવસ્થિત ઘટનાના તાત્કાલિક વિજયમાં કાયમના વિજયને જોવા લાગ્યાં. નાનાસાહેબ, તાત્યાસાહેબ, મહાવીર, લક્ષ્મીબાઈ અને અઝીઝ બ્રહ્માવર્તમાં ભેગાં મળ્યાં. મહાવીરે રુદ્રદત્તના શસ્ત્રભંડારની વાત કરી, અને એ શસ્ત્રભંડાર હાથ ન આવે તો રુદ્રદત્તને ઝબેહ કરવાની યોજેલી બાજી કહી સંભળાવી. લક્ષ્મીબાઈએ પુકાર કર્યો :
‘રુદ્રદત્તને ઝબેહ કરવા? શ્રીમંત! કોઈને મારતે ઘોડે મોકલો નહિ તો ક્રાંતિ ભસ્મ થશે!’
મહાવીર અને સૈયદ ઊભા થયા.
‘આપ જાઓ છો?’ તાત્યાસાહેબે પૂછયું.
‘ના જી. ગૌતમને મોકલું છું.’ મહાવીરે કહ્યું.
‘ગૌતમ ક્યાં છે?’
‘ત્રિવેણી ઉપર.’
‘અહીંથી બહુ દૂર!’
‘છતાં એ જ ઘોડેસ્વાર ધારી ઝડપે જશે. અમે હોડીમાં જ જઈશું.’
મહાવીર અને સૈયદની એવી માન્યતા હતી કે ગૌતમ મિત્રનાં અસ્થિ ત્રિવેણીમાં જ પધરાવશે. મહાવીર એ સૈયદ તેની રાહ જોતાં વેશપલટો કરીને બેઠા. ગૌતમ ઓળખાયો, અને તેને મહાવીરે દોડતે ઘોડે જવાની આજ્ઞા કરી.
‘પરંતુ મારો શ્રમ વ્યર્થ ગયો!’ ગૌતમે ચિતા પાસે બેસી હૃદય ઠાલવ્યું.