ભારેલો અગ્નિ/૮ : રુદ્રદત્તનો વિરોધ

૮ : રુદ્રદત્તનો વિરોધ

રહેવા રહેવા દે, આ સંહાર યુવાન તું;
ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું.
કલાપી

રુદ્રદત્ત કાંઈ બોલ્યા નહિ. પાદરીના મકાનમાં એક ઘંટ વાગ્યો. આખા ગામ ઉપર તેનો અવાજ ફેલાયો.

‘હં.’ તાત્યાસાહેબ ઘૂરકી ઊઠયા.

‘એ અવાજ સૂચક છે. કંપની સરકારની વ્યાપકતાનો એ ધ્વનિ છે.’

‘એ જ વ્યાપક કંપનીને અમે દરિયાપાર હડસેલીશું!’

‘અને પછી શું કરશો?’

‘તાત્યાસાહેબ જરા વિચારમાં પડયા. કંપની સરકારને ઉથલાવી પાડયા પછીનો પ્રશ્ન તેને ઉથલાવી પાડવાના પ્રશ્ન કરતાં પણ વધારે ગંભીર નહોતો શું?’

‘એ તો જેવો પ્રસંગ!’ તાત્યાસાહેબે છેવટે કહ્યું.

‘ચોખ્ખું એમ કહો ને કે નાનાસાહેબ પેશ્વા બનશે, અને બહાદુરશાહ બાદશાહ બનશે?’

‘એ તો ખરું જ ને? એ સિવાય યુદ્ધ થાય શા માટે?’

‘રાજ્યને ખાતર થતાં યુદ્ધ શાપિત છે. યુદ્ધજીવનનો મારો અનુભવ મને કહે છે કે યુદ્ધ સરખો નિરર્થક અને નિર્દય વ્યાપાર બીજો એક પણ નથી.’

તાત્યાસાહેબને લાગ્યું કે રુદ્રદત્તમાં ઘેલછા પ્રવેશે છે. અગર વૃદ્ધાવસ્થાની દુર્બલતાએ તેમના હૃદયને ભીરુ બનાવ્યું છે.

‘પંડિતજી! યુદ્ધ વગર કાંઈ પણ મળ્યું છે?’ જરા હસીને તાત્યાસાહેબે પૂછયું.

‘યુદ્ધથી મળેલું કાંઈ પણ શાશ્વત રહ્યું છે?’ રુદ્રદત્તે હસીને સામે પ્રશ્ન પૂછયો.

ત્યારે હિંદને કંપનીની ગુલામીમાં સદાય રાખવી એમ તમે કહેશો?

‘હરગિજ નહિ. ગુલામી ટાળવા મારા દેહનો ઉપયોગ થતો હોય તો હું દેહને ખુશીથી અગ્નિમાં હોમી શકું એમ છું.’

‘હું તે જ માગું છું.’

‘ના જી; આપ હિંદની ગુલામી ટાળવા નથી માગતા; પણ તે પેશ્વાઈ સ્થાપવા માગો છો. મોગલાઈ સ્થાપવા માગો છો. એ પેશ્વાઈ અને મોગલાઈ બંને જેમાં સમાઈ જાય એવું એક રાજ્ય શોધી કાઢો.’

તાત્યાસાહેબ ખડખડ હસી પડયા. અંધકારમાં એ હાસ્ય પણ ચારે પાસથી પડઘો પાડી રહ્યું. સ્વપ્નદૃષ્ટા અને કર્મવીર જ્યારે સંગાથ છોડી દે છે ત્યારે વાતાવરણ એવા જ હાસ્યથી ગાજી રહે છે.

‘એવું એક રાજ્ય આપણને જડયું છે.’ તેમણે કહ્યું.

‘કયું?’ રુદ્રદત્તે પૂછયું.

‘કંપની સરકાર! પેશ્વાઈ અને મોગલાઈ બંનેને તે ગળી ગયું; બંને તેમાં સમાઈ ગયા છે!’ ફરી તેઓ હસ્યા.

પેશ્વાઈ અને મોગલાઈને ફરી સજીવન નહિ કરો તો કંપની આપોઆપ ઊખડી જશે.

‘કેવી રીતે?’

‘આખા હિંદ માટે, આખી હિંદી જનતા માટેનું રાજ્ય રચો. કંપની પેશ્વાને હઠાવી શકે; મોગલાઈને તોડી શકી; પરંતુ હિંદને– હિંદની પ્રજાને તોડી શકશે નહિ. રાજ્ય પ્રજાનું છે; રાજાનું કે રાજાના પુત્રનું નહિ. મોગલાઈ અને પેશ્વાઈએ કરેલી ભૂલ ફરી ન કરે.’

‘મને એ સમજ નહિ પડે. હું સ્વામીનિષ્ઠા સમજું. અઝીમઉલ્લાને શ્રીમંતે વિલાયત મોકલ્યા તે કાંઈ આવું જ કહેતા હતા. અને ફ્રાન્સ-અમેરિકા જેવા દેશમાં એવો વહીવટ ચાલે છે; પરંતુ હું તો શ્રીમંતને ઓળખું. હવે આપણી છેલ્લી વાત કરી લઈએ.’

‘ભલે, મને ભાગ્યે જ કોઈ સમજશે માટે હું મુખ બંધ કરી બેઠો છું.’

‘બોલો, આપ શી સહાયતા આપશો?’

‘શસ્ત્ર મેં બહુ વર્ષથી નાખી દીધાં.’

‘પાછાં ઝાલો. અમે સાથમાં જ છીએ.’

‘અશક્ય! મેં તો પણ લીધું છે….’

‘કે?’

‘મુક્તિ મળતી હોય તોય શસ્ત્રથી ન લેવી.’

‘આપ યોદ્ધાઓ તૈયાર કરતા હતા તેનું શું થયું?’

‘બધાય ખપી ગયા – નિર્માલ્ય રાજવંશોને જીવતો રાખવા!’

‘કંઈક બચ્યા હશે.’

‘હું શસ્ત્રરહિત યોદ્ધાઓ તૈયાર કરવા મથું છું.’

‘એવા હોય તો તે આપો.’

‘તૈયાર તો ગૌતમ અને ત્ર્યંબક એ બે જ છે. પણ ગૌતમથી હથિયાર લીધા વગર રહેવાયું નહિ અને ત્ર્યંબકમાં પણ એ અગ્નિ જાગ્યો છે. એટલે બંનેનો વિશ્વાસ હં નહિ કરું’

‘કેમ?’

‘તમારા વાતાવરણમાં રહી ત્ર્યંબક પણ હથિયાર ઝાલતો થઈ જવાનો છે.’

‘ રુદ્રદત્તજી! આપનો કેળવ્યો એક પણ અમને બસ થશે. પછી ભલે એ હથિયાર ન ઝાલે.’

‘એને જવું હોય તો છૂટ છે. મારો આશ્રમ એ કાંઈ બંદીખાનું નથી.’

‘આપ નહિ મોકલો?’

‘ના; યુદ્ધ માટે તો નહિ જ. સમય એવો આવે છે કે જે સમયે યુદ્ધવીરો ખાટકી સરખા ઘૃણાપાત્ર લેખાશે.’

‘ રુદ્રદત્ત ! કંપની સરકારની સો વરસની અવધ પૂરી થાય છે. એમ મહાન જ્યોતિષીઓ પણ કહે છે.’

‘કંપની સરકાર પછી કયું રાજ્ય આવશે એ વિષે જ્યોતિષીઓ કાંઈ કહે છે ખરાં?’

રુદ્રદત્ત અને તાત્યાસાહેબ બંનેમાંથી કોઈ સંતુષ્ટ બન્યા નહિ. રુદ્રદત્તની સહાયતા ચોક્કસ મળશે એવી આશામાં આવેલા તાત્યાસાહેબે પેશ્વાઈ અને મોગલાઈ વિરુદ્ધનું તેમનું વલણ જોયું. એક વખતનો એ પરશુરામ તેજભંગ બની ગયો હતો. તેજસ્વી બ્રાહ્મણો આર્યાવર્તમાં એમ જ કરતા આવ્યા છે. ધનુષ્યધારી દ્રોણને સમાધિ ચડાવતાં વાર લાગતી નથી.

રુદ્રદત્તની પવિત્રતા અને વિદ્વત્તા સર્વવિદિત હતી જ, પરંતુ એ બ્રહ્મર્ષિની પાછળ મોટો રાજકીય ઇતિહાસ સંતાયો છે એવું થોડા માણસો જ જાણતા હતા, તેથી રુદ્રદત્ત વિશેનું ગૂઢ વાતાવરણ વધાર્યે જતા હતા. એટલું તો ખરું જ કે પેશ્વાઈના છેલ્લા યુદ્ધમાં સિંધિયા, હોલ્કર અને ભોંસલેના કંપની સાથેના યુદ્ધવિષ્ટિના સંબંધોમાં, ઠગપીંઢારાઓના ઉત્પાતમાં, કાબુલ, ઈરાન અને રૂસની ખટપટોમાં રુદ્રદત્તનું નામ આગળ આવ્યા કરતું હતું – જોકે તે સંબંધના લખાણ કે પત્રવ્યવહારોમાંથી તે અદૃશ્ય જ રહેતા. ઘણા અંગ્રેજ અધિકારીઓ રુદ્રદત્તને માત્ર કલ્પના જ માનતા હતા. અને હિંદવાસીઓની તરંગી મનોવૃત્તિના નમૂના રૂપ ગણતા હતા.

પરદેશીઓના હાથમાં સત્તા મૂકી શાંતિથી રાજ્યની ઊપજ વાપરી મોજમજા કરનાર રાજ્યકર્તાઓ કંપની સરકારનું છત્ર પામી વધારે અપાત્ર બનતા જતા હતા. એટલે રુદ્રદત્તને મળવા ધારેલી સહાયતા મળી નહિ. એટલું જ નહિ, પણ કંપની સરકારના ગુનેગાર તરીકે તેને પકડવાની બહાદુરી અને વફાદારી બતાવવા એ રાજવીઓ વખતોવખત પ્રવૃત્ત થયા! રુદ્રદત્ત જીવંત વ્યક્તિ છે, અને માત્ર કંપની સરકાર સામેનો અભાવ પ્રદર્શિત કરનારી પ્રજાકીય ભાવના નથી, એમ અંતે સ્પષ્ટ થયું. વર્ષો સુધી રુદ્રદત્ત પરદેશમાં હોવાથી તરેહવાર વાતો લોકોમાં ચાલતી. બાતમીદારોને છેવટે ખબર પડી કે રુદ્રદત્ત આવા કોઈ ચળવળિયા નથી, પરંતુ કંઈક વર્ષોથી વિહાર ગામે પાઠશાળા ચલાવી વિદ્યાર્થીઓ તૈયાર કરે છે. અને તેમને માટે ચાલતી વાતો લોકોના તરંગ માત્ર છે. એટલે કંપની સરકારનું જાસૂસખાતું જરા શાંત પડયું; પરંતુ રુદ્રદત્ત પ્રત્યેનો અવિશ્વાસ વર્ષો સુધી મટયો નહીં. પરિણામે એક પાદરીની એ ગામે યોજના કરવામાં આવી કે જેથી પ્રજાને ખ્રિસ્તી બની પ્રભુના દ્વારમાં પ્રવેશ મળી શકે અને રુદ્રદત્તના કાર્ય ઉપર નજર પણ રહે.

પાદરી યુવાનસેન તો રુદ્રદત્તનો મિત્ર બની ગયો. રુદ્રદત્ત ખ્રિસ્તી બની જાય તો આખી હિંદુ કોમ ખ્રિસ્તી બન્યાનો સંતોષ મળે એવી આશા સેવતા યુવાનસેને અંતે આછા છોડી; પરંતુ તેણે પોતે બ્રાહ્મણધર્મ તરફ વલણ રાખ્યાનો આક્ષેપ વહોરી લીધો હતો. યુવાનસેન ઘણી વખતે હિંદુ ઢબનો પોષાક પહેરતો અને હિંદુ ઢબનાં ભજનો ગાતો; આવું ઊતરતું માનસ રાજ્યકર્તાઓના ધર્મગુરુઓ બતાવે, એ તેમને માટે અસહ્ય હતું. યુવાનસેન માટે સહજ અણગમો ઉત્પન્ન થવા છતાં રુદ્રદત્ત માટેનું શંકાભર્યું વાતાવરણ લગભગ શમી ગયું હતું.

‘તાત્યાસાહેબ! હું સ્નાન કરી લઉં.’ રુદ્રદત્તે નક્ષત્રો તરફ નજર કરી કહ્યું.

‘હા જી; હું તો કોઈ વસ્ત્રાો લાવ્યો નથી.’

‘હું વાર નહિ કરું. આવો, જરા નદીતટનાં પાણીથી આંખોને શાંત કરો.’

‘બ્રહ્માવર્તનો પેશ્વાઈ પહેલ ગંગાજી ઉપર જ આવ્યો છે. પાણીના સ્નાન બહુ કર્યાં; હવે તો રુધિરસ્નાન માગું છું.’

રુદ્રદત્તે કશો જવાબ આપ્યો નહિ. ઢાળ ઉપરથી અંધારામાં ધીમે ધીમે ઊતરતાં તાત્યાસાહેબ વારંવાર આકાશ તરફ જોતા હતા.

‘રાવસાહેબ! તારાઓ શું કહે છે?’ રુદ્રદત્તે હસતાં હસતાં પૂછયું.

‘તારાઓ એમ કહે છે કે ભાલાની અણી અમારા સરખી તીવ્ર રાખો ચમકતી રાખો.’

‘મને તો એ કાંઈ જુદું જ કહે છે.’

‘શું?’

‘એમ કહે છે કે તેજ અને અગ્નિના અંબારેભર્યાં અમે નક્ષત્રો કેવાં પરસ્પર ગોઠવી આકાશનાં તોરણ બની જઈએ છીએ? માનવી એમ ગોઠવાઈ જતો હોય તો? પણ તેને સામસામા ભાલા જ મારવા છે! જડ કરતાંય એ ઊતરતો!’

‘પંડિતજી! જુઓ પેલો તારો ખરે!’

‘બીજા તારા એને યુદ્ધ આપતા નથી. બિચારો પૃથ્વી ઉપર આવે છે.’ હાસ્ય શમે તે પહેલાં તો કિનારા ઉપર બૂમ પડી :

‘ગુરુજી! ગુરુજી!’

‘કોણ હશે?’ રુદ્રદત્તે જવાબમાં પૂછયું. કોઈ રાતે અગર કોઈ બપોરે એકાંત શોધવા રુદ્રદત્ત શિવાલય પાસે આવી બેસતા એની વિદ્યાર્થીઓને ખબર હતી.

‘એ તો હું.’

‘કેમ આવ્યો, ભાઈ?’

‘ત્ર્યંબકને છરો માર્યો.’ શ્વાસ ન માવાથી અટકીને વિદ્યાર્થી બોલ્યો.