ભાષાવિજ્ઞાન/ધ્વનિવિચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રકરણ પાંચમું
ધ્વનિવિચાર

किमिदमुच्चारणं नामेति । विवक्षाजनितेन प्रयत्नेन कोष्ठ्यस्य वायोः प्रेरितस्य कण्ठताल्वाद्यभिघातः यथास्थानं प्रतिघाताद् वर्णाभिव्यक्तिः ।

– न्यायसूत्र वात्स्यायनभाष्य


“Speech-sounds are certain acoustic effects voluntarily produced by the organs of speech; they are the result of definite actions performed by these organs”.

– Daniel Jones, An Outline of English Phonetics


માનવ ધ્વનિયન્ત્ર

માનવ ધ્વનિયન્ત્રની કરામત એ કેવી અદ્ભુત વસ્તુ છે! એ અકલ્પ્ય વૈવિધ્યવાળા ધ્વનિઓ કાઢી શકે છે. નિરંતર શ્વાસોચ્છ્વાસથી માનવનું જીવન ચાલે છે. એમાંના ઉચ્છ્વાસથી–બહાર ફેંકાતા શ્વાસથી–નિરનિરાળા ધ્વનિઓની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આપણા શરીરનાં ફેફસાં બહારનો પ્રાણવાયુ શ્વાસ રૂપે અંદર ગ્રહણ કરે છે અને શરીરની આંતર દહનક્રિયા પછી નિરુપયોગી બનેલા વાયુને ઉચ્છ્વાસ રૂપે બહાર ફેંકે છે. આમ સતત ધમણની માફક ફેફસાંની વાયુના ગ્રહણ-વિસર્જનની ક્રિયા ચાલે છે. ફેફસાં સાથે જોડાયેલી શ્વાસનળી દ્વારા પ્રાણવાયુ અંદર લેવાય છે અને ઉચ્છ્વાસ બહાર નીકળે છે. શ્વાસનળીની સાથે જ, પણ પાછળ, અન્નનળી જોડાયેલી છે, જેનો સંબંધ જઠર સાથે છે. શ્વાસનળી અને અન્નનળી વચ્ચે એક મજબૂત આંતર પટલ (membrane) ની દીવાલ આવેલી છે. કદાચિત્ ખાતાંપીતાં કાંઈક પણ પદાર્થ શ્વાસનળીમાં જાય તો ખાંસી કે અંતરાશ થઈને એ તરત બહાર નીકળી આવે છે. શ્વાસનળીને ઉપરને ભાગે સ્વરયંત્ર (sound-box; larynx) આવેલું છે. એમાં આગળથી પાછળ સુધી અંદરના ભાગે જતી, વીણાના તાર સમી, સ્વરતંત્રીઓ (vocal chords) આવેલી છે. એ અત્યંત નાજૂક, સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. એ બે સમૂહમાં કે પટ્ટીઓમાં વહેંચાયેલી છે. એ કૂલ ચાર હોય છે–ડાબી બાજૂ એકની નીચે એક એમ બે, અને જમણી બાજૂ એકની નીચે એક એમ બે. ઉપરની સ્વરતંત્રીઓ કૃત્રિમ હોય છે; ધ્વનિઉત્પાદનમાં એ ઉપયોગી નથી. પુરુષની સ્વરતંત્રીઓ સ્ત્રીઓની સ્વરતંત્રીઓ કરતાં વધારે મોટી હોય છે. સ્વરતંત્રીઓના બે સમૂહ વચ્ચેની જગાને કંઠમૂલ(glottis) કહે છે. માનવ ઉચ્છ્વાસ નીકળતાં સ્વરતન્ત્રીની ચાર ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થિતિ રહે છે:– (૧) બંને સ્વરતંત્રીસમૂહો સંકુચિત થઈને અલગ અલગ, નિ:સ્પંદ રહે છે, અને એમની વચ્ચેથી શ્વાસનું ગમન-નિર્ગમન થાય છે. સામાન્ય રીતે, આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે આ સ્થિતિ હોય છે. અઘોષ ધ્વનિઓનું (प्, त्, क् જેવા) ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે કંઠદ્વાર (glottis) અધિકાંશ ખુલ્લું રહે છે. પણ આપણે ભારે કામ કરતા હોઈએ ત્યારે એ સંપૂર્ણ બંધ રહે છે. (૨) બંને સ્વરતંત્રીસમૂહો પાસે પાસે આવી જાય પણ એની બાજૂઓ શિથિલ રહે. વચ્ચેના સાંકડા માર્ગમાંથી શ્વાસ નીકળતાં સ્વરતંત્રીની બાજૂઓમાં પ્રકંપન થાય, ત્યારે એ સ્વરતંત્રીસમૂહો પ્રસ્પંદિત બનીને વીણાના તારોની માફક પરસ્પર સાથે ટકરાઈને રણઝણી ઊઠે છે. ત્યારે સંગીતના સ્વરો તેમ ઘોષ ધ્વનિઓ ઉદ્ભવે છે.[1] (૩) બંને સ્વરતંત્રીસમૂહો પાસે પાસે આવીને જોડાઈ જાય અને ઉચ્છ્વાસ નીકળવામાં ક્ષણભર સંપૂર્ણ અવરોધ કરે ત્યારે સહેજ ખાંસી જેવો સ્વરયંત્રોદ્ભૂત કે કંઠમૂલીય વ્યંજન (glottal stop) સંભળાય છે. (૪) બંને સ્વરતંત્રીસમૂહો પાસે આવીને જોડાઈ જાય, છતાં નીચેની બાજૂ શ્વાસની આવજા માટે થોડીક જગા રહે છે. બે વ્યક્તિઓ બીજાને ન સંભળાય તે રીતે કાનમાં છાની વાત કરતી હોય (whisper) ત્યારે આ સ્થિતિ હોય છે. ત્યારે સ્વરતંત્રીકંપન બિલકુલ થતું નથી; તેથી બધા જ ધ્વનિ અઘોષ હોય છે. આમ, સૌ પ્રથમ ઉચ્છ્વાસનું ધ્વનિઓમાં રૂપાંતર કરનાર અવયવ સ્વરયંત્ર છે.

આ પ્રકારે શ્વાસનળીમાંથી નીકળેલો, સ્વરયંત્રમાં પરિવર્તિત થયેલો કે અવિકૃત રહેલો ઉચ્છ્વાસ પછી pharynx (જીભ અને ગળાના પાછળના ભાગ વચ્ચેની જગા)માં થઈને મુખવિવરમાં કે નાસિકાવિવરમાં પ્રવેશે છે. એ બંને, મુખ અને નાસિકા, સ્વરતંત્રીઓમાં અનુરણિત થયેલા (ઘોષ) ધ્વનિઓ પ્રતિધ્વનિત કરી શકે છે. મુખવિવર અને નાસિકાવિવરને જુદાં પાડતી એક દિવાલ છે જે અંદર uvula (પડજીભ-अलिजिह्वा) થી આરંભીને ઉપરના દાંત સુધી વિસ્તરેલી છે. એના પડજીભ (uvula), સુકુમાર તાલુ (કોમલ માંસનો બનેલો, મુખવિવર અને નાસાવિવર વચ્ચેની દિવાલ સમો ભાગ, જે ઉપરનીચે થઈ શકે છે) (soft palate; velum), કઠોર તાલુ (વત્સને ઉપરને ભાગે આવેલો, માંસાવરણથી આચ્છાદિત, અસ્થિમય ભાગ) (hard palate), વર્ત્સભાગ (પેઢાં–teethridge, alveolar region), દાંત, અને દાંતના બહારના ભાગે આવેલા ઉપરના ઓષ્ઠ (હોઠ) એવા વિભાગ પડે.

(જુઓ આકૃતિ ૧ લી)


મુખવિવરની નીચે જીભ છે, જેના અભ્યાસની અનુકૂળતા માટે ભાષાશાસ્ત્રીઓએ ચાર વિભાગ પાડ્યા છે—જિહ્વામૂલ (Root of the tongue), જિહ્વાનો પશ્ચભાગ (Back of the tongue—જિહ્વાનો દોઢ ઈંચ પછીનો બાકીનો ભાગ), જિહ્વાનો અગ્રભાગ (Front of the tongue—જે કઠોર તાલુની સામે આવી રહે છે), અને જિહ્વાફલક તથા જીભનું ટેરવું (Blade of the tongue including its tip). જીભની નીચેના ભાગે નીચેના દાંતનાં પેઢાં, નીચેના દાંત, અને આગળ નીચેનો ઓષ્ઠ (અધર) છે. (જુઓ આકૃતિ ૧ લી) કંઠમાંથી ઉચ્છ્વાસ નીકળતી વખતે પડજીભ (uvula) નીચે દર્શાવેલી ત્રણમાંથી કોઈ એક સ્થિતિમાં રહે છે.

L. L = lips; ઓષ્ઠ. T. T.=Teeth; દાંત. T. R=Teeth-ridge; દંતમૂલ. H. P=Hard palate; કઠોરતાલુ. S. P.=Soft palate; સુકુમાર તાલું. U=Uvula; પડજીભ. N. P. = Nasal Pharynx; નાસિકાવિવર. P=Pharynx; કંઠવિવર. Bl=Blade of Tongue; જીભનું ટેરવું. F=Front of Tongue; જિહ્વાનો અગ્રભાગ. B=Back of Tongue; જિહ્વાનો પશ્ચભાગ. R = Root of Tongue; જિહ્વામૂલ. E=Epiglottis. F. P.=Food-pipe; અન્નનળી. W. P. = Wind-pipe; શ્વાસનળી. V. C. = Vocal-chords; સ્વરયંત્ર. Glottis = સ્વરયંત્ર વચ્ચેની ખાલી જગા.

(૧) એ તંગ બનીને ઊભી થઈ જાય અને શ્વાસનળીમાંથી નાસિકાવિવરે જતા માર્ગને સંપૂર્ણપણે રૂંધી દે, જેથી તમામ ઉચ્છ્વાસ મુખવિવરમાં જ જાય, અને એનો કોઈ અંશ નાસિકાવિવરમાં જવા ન પામે. અનુસ્વાર, અનુનાસિક વ્યંજનો અને સાનુનાસિક સિવાયના તમામ ધ્વનિઓના ઉચ્ચારણમાં uvula આ સ્થિતિમાં હોય છે. શરદી થઈ હોય અને સળેખમને કારણે નાક બંધ થઈ જાય ત્યારે પણ આ સ્થિતિનો અનુભવ થાય છે. (૨) એ બિલકુલ ઢીલી, શિથિલ બનીને નીચેની તરફ ઢળી પડે, જેથી શ્વાસનળીનો મુખવિવર તરફનો માર્ગ બંધ થઈ જાય અને એને પરિણામે સમગ્ર ઉચ્છ્વાસ નાસિકા દ્વારા જ બહાર નીકળી શકે. અનુનાસિક વ્યંજનો તથા અનુસ્વારનું ઉચ્ચારણ કરતી વેળા આ સ્થિતિ હોય છે. સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસ લેતા હોઈએ ત્યારે પણ પડજીભ આ સ્થિતિમાં રહેલી હોય છે. (૩) બંને વચ્ચેની, મધ્યમ, સ્થિતિમાં રહે ત્યારે કેટલોક ઉચ્છ્વાસ મુખવિવરમાંથી નીકળે અને કેટલોક નાસિકાવિવરમાંથી. સાનુનાસિક સ્વરો – ઉ. ત. ‘દહીં’, ‘અહીં’, ‘જઈએ’ (ઉત્તર સૌરાષ્ટ્રની બોલીમાં ઈ.)માં – આ સ્થિતિ હોય છે. અનુનાસિક વ્યંજનો (ઉ. ત. ઙ્, ઞ્, ણ્, ન્, મ્) માં શ્વાસ નાસિકાવિવરમાંથી જ નીકળે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે જીભની વિવિધ સ્થિતિઓનો વિચાર કરીએ.

શ્વાસ લેતી વખતે તો એ તદ્દન નિ:સ્પંદ સ્થિતિમાં હોય છે; પરંતુ ધ્વનિઓના ઉચ્ચારણ સમયે એ નીચે પ્રમાણે સ્થાનો ગ્રહણ કરે છે. (૧) ક્યારેક એ મુખવિવરમાં આવેલા ઉચ્છ્વાસને બહાર નીકળવામાં અવરોધ કરતી નથી; છતાં વધતીઓછી ઊંચી થઈને ઉચ્છ્વાસના માર્ગને સંકુચિત કરતી હોય છે. ત્યારે સ્વરો (અ, આ, ઈ વગેરે) નું ઉચ્ચારણ થાય છે. (૨) કોઈવાર એ મુખવિવરની ઉપરની દીવાલને સ્પર્શી ક્ષણભર ઉચ્છ્વાસની ગતિને થંભાવી દે છે. ત્યારે સ્પર્શ વ્યંજનો(stops, mutes) (ક્, ખ્, આદિ) ઉચ્ચારાય છે. (૩) કોઈવાર એ મુખવિવરના ઉપરના કોઈ ભાગ સાથે સંઘર્ષ કરી (જેમાં સંપૂર્ણપણે ઉચ્છ્વાસ નીકળવાનો માર્ગ રોકાય પણ નહીં તેમ તદ્દન ખુલ્લો પણ ન રહે એ સ્થિતિમાં) સ્, આદિ સંઘર્ષી વર્ણો (fricatives) નિર્મિત કરે છે. (૪) કોઈવાર એ ઉપર થઈ ક્ષણમાત્ર ઉચ્છ્વાસના નિર્ગમનને રોકીને પછી સંઘર્ષ કરે છે. આમ, (ચ્, છ્, જ્ આદિ) સ્પર્શ–સંઘર્ષી ધ્વનિઓ (affricates) બને છે. (૫) કોઈ વાર જીભ એક કે બંને બાજૂઓને ઉપર ઉઠાવીને વચ્ચે ખાલી જગા રાખીને પ્રોક્ષણીપાત્ર (યજ્ઞાર્થ પવિત્ર જલપાત્ર સમ બનીને [લ્] પાર્શ્વિક ધ્વનિનું સર્જન કરે છે. (૬) પ્રોક્ષણી આકારના પાંદડાની માફક જ્યારે એ ઉપરના ભાગને સ્પર્શી રહે છે ત્યારે [ર્ આદિ] લોડિત ધ્વનિ (rolled sound) સંભળાય છે; અને એ રીતે ક્ષણભર સ્પર્શ કરીને નીચે આવી જતી હોય છે ત્યારે [ડ્] ઉત્ક્ષિપ્ત ધ્વનિ (flapped sound) બને છે. આ ઉપરાંત જીભનું ટેરવું દાંતોને, એની ઉપરનાં પેઢાંને, એથીયે ઉપર કઠોર તાલુને અને કોઈક વાર એનાથીયે ઉપર સુકુમાર તાલુના આ તરફના સંધિસ્થાનને સ્પર્શીને કે સંઘર્ષ કરીને ધ્વનિઓ સરજાવી શકે છે. જીભનો પશ્ચભાગ સુકુમાર તાલુ તરફ ઊંચો થઈને ऊ [u], ओ [o] જેવા સ્વરો, સુકુમાર તાલુને સ્પર્શીને क् [k], અને પડજીભને સ્પર્શીને [q] (ઉર્દૂ फ़ाफ) ઉત્પન્ન કરે છે. આ રીતે પોતાની ભિન્ન ભિન્ન સ્થિતિઓ વડે જીભ મુખમાંથી નીકળતા ઉચ્છ્વાસને વિવિધ ધ્વનિઓમાં રૂપાન્તરિત કરે છે. ઉચ્ચારણસમયે ઓષ્ઠ પણ વિવિધ સ્થિતિઓ ધારણ કરે છે. એમાં ઉપરના કરતાં નીચેના હોઠ હંમેશાં વિશેષ ક્રિયાશીલ હોય છે. એથી ઊલટું, ઉપરના દાંત નીચેના હોઠ કે જીભનાં ટેરવાંની સાથે ધ્વનિઓ ઉત્પન્ન કરવામાં સવિશેષ સહાયક બને છે. (૧) બંને હોઠ જોડાઈ જઈને મુખમાંથી નીકળતા શ્વાસનો અવરોધ કરે ત્યારે ઓષ્ઠ્ય વર્ણો બને છે. ઉ. ત. પ્, ફ્, બ્, ઈ૰ (૨) હોઠ દાંતને સ્પર્શતા હોય ત્યારે દંતોષ્ઠ્ય વ્યંજનો બને છે. (વ્; અંગ્રેજી v, f). (આ બંને પ્રકારના સંઘર્ષ ધ્વનિઓ પણ પાશ્ચાત્ય ભાષાઓમાં મળે છે.) (૩) સ્વરોના ઉચ્ચારણમાં કેટલાકમાં ઓષ્ઠ ગોળાકૃતિ બને છે (rounded), તો કેટલાકમાં ઓષ્ઠના બે છેડા ખેંચાઈને જાણે લંબાતા-વિસ્તરતા હોય છે (drawn apart). સ્વરો વિષે વિગતે ચર્ચા આપણે આગળ કરીશું. અહીં માત્ર એટલું નોંધવું બસ થશે કે યુરોપીય સ્વરનિર્માણમાં ઓષ્ઠસ્થિતિ સવિશેષ કામ કરતી હોય છે. આ રીતે માનવ ધ્વનિયંત્ર વિવિધ સ્થાનથી (position) અને વિવિધ રીતે પ્રયત્નથી (effort) અનેક ધ્વનિઓ ઉત્પન્ન કરવાને સમર્થ છે. કોઈ પણ એક માનવભાષાની વર્ણમાલામાં આમાંથી બહુ જ પરિમિત ધ્વનિઓનો જ ઉપયોગ થયેલો નજરે પડે છે. ધ્વનિનું લક્ષણ–અહીં નિરૂપાયેલા ધ્વનિ પ્રકૃતિજન્ય અવાજથી ભિન્ન છે. આકાશમાં ઉદ્ભવતાં જે આંદોલનો શ્રવણેન્દ્રિય ઉપર અથડાય છે અને તે દ્વારા મન વડે ગ્રહણ થાય છે તેને શબ્દ કે અવાજ કહેવામાં આવે છે. પ્રકૃતિનાં ચેતન, અચેતન કોઇ પણ પ્રકારનાં અંગો આ રીતે અવાજ ઉત્પન્ન કરવા સમર્થ છે. પરંતુ, ભાષાવિજ્ઞાનીઓ માનવમુખમાંથી–ધ્વનિયંત્રમાંથી નીકળેલા શબ્દને જ ધ્વનિ કહે છે. ધ્વનિઓ ઉચ્ચારનાર માણસ પોતાના વિચાર અન્યને જણાવવાને જ બોલતો હોય છે, જે સાંભળનાર માણસ ગ્રહણ કરીને યથોચિત ઉત્તર આપે છે કે તદનુસાર વર્તન કરે છે આમ આદાન-પ્રદાન એ ધ્વનિઉચ્ચારણનું મુખ્ય ધ્યેય છે. ભાષાવૈજ્ઞાનિકો ધ્વનિનું શાસ્ત્રીય લક્ષણ આ પ્રમાણે બાંધે છે : “ધ્વનિ એ મનુષ્યના નિશ્ચિત (વાણી) સ્થાન અને પ્રયત્ન વડે ઉત્પન્ન થયેલાં અને શ્રવણેન્દ્રિય દ્વારા એ જ પ્રકારે નિશ્ચિત રૂપે ગ્રહણ કરાતાં અવાજનાં આંદોલનો છે.”[2]

ધ્વનિગ્રામ (phoneme) –મનુષ્ય ભિન્ન ભિન્ન શબ્દોમાં આવેલા એક જ ધ્વનિનું એક જ રીતે–એક જ સ્થાન અને પ્રયત્નથી–ઉચ્ચારણ કરતો નથી. ઉ. ત. ‘કંકણ’, ‘વિકાસ’, ‘કોકિલા’, ‘પાકું’ એ શબ્દોમાં આવેલા ‘ક’ ના ઉચ્ચારણમાં પરસ્પર થોડોક ભેદ છે જ. ‘કંકણ’ના પ્રથમ અને દ્વિતીય ક્-ધ્વનિમાં થોડોક તફાવત પડે છે. આ પ્રમાણે માનવ વાણીમાં ક્, ખ્, ગ્, ઘ્, એ વ્યંજનો કે અ, આ, ઈ, ઉ, એ સ્વરોનાં જાતજાતનાં ઉચ્ચારણ થાય છે. પરંતુ તેથી વ્યવહારમાં આપણે એ ધ્વનિઓને ભિન્ન ગણતા નથી. ઉ. ત. ‘કંકણ’, ‘વિકાસ’, ‘કોકિલા’ એ સર્વના ક્ ને આપણે એક જ ક્-ધ્વનિ સમજીએ છીએ. ભાષાવિજ્ઞાનીઓ એને ધ્વનિગ્રામ (phoneme) કહે છે. અંગ્રેજી ભાષામાંથી ઉદાહરણો લઈએ તો એક જ ધ્વનિનાં સ્થાનાન્તરે કેવા ઉચ્ચારભેદ થાય છે તેની વિશેષ સ્પષ્ટતા થશે. ઉ. ત. શબ્દના આદિમાં આવેલા સ્પર્શ વર્ણો ઉચ્ચારતાં સ્વરાઘાતને કારણે એમાં મહાપ્રાણ સંભળાય છે, જ્યારે એ જ વર્ણ શબ્દની મધ્યમાં આવતાં એને કેવળ શુદ્ધ ધ્વનિ જ સંભળાય છે. ઉ. ત. Pin [p નો ઉચ્ચાર ph જેવો], spin [p નો ઉચ્ચાર યથાવત્, p]; cup [c નો ઉચ્ચાર kh જેવો], walk[k નો ઉચ્ચાર યથાવત્, k]. ઉપરનાં ઉદાહરણેામાં p [કે k] ના ધ્વનિઓના ઉચ્ચારણમાં સ્થાનભેદે એકંદર સમાનતા સાથે થોડીક વિભિન્નતા જણાય છે; છતાં ધ્વનિગ્રામ (phoneme) એક જ, p [કે k] જ છે. અંગ્રેજીમાં l ના શબ્દમાં સ્થાન અનુસાર બે ઉચ્ચાર સંભળાય છે: એક શબ્દના પ્રારંભનો ધ્વનિ [clear l], જે ભાષામાં ઘણો સામાન્ય છે; અને બીજો શબ્દના અંતભાગે આવતો, જીભનો પશ્ચભાગ સુકુમાર તાલુ તરફ ઊંચો થઈ ઉચ્ચારાતો લગભગ સ્વર જેવો ł [dark l] [ļ], જે ભાષામાં ઓછો સામાન્ય છે. આ બંને વચ્ચે ઉચ્ચારભેદ સ્પષ્ટ છે, છતાં એમને બે જુદાજુદા ધ્વનિગ્રામો ન ગણતાં એક જ /l/ ધ્વનિગ્રામમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પણ આવા એક જ ધ્વનિગ્રામમાં ભિન્ન ભિન્ન સમાન ધ્વનિઓ અંતર્ગત થયેલા હોય એવાં કેટલાંક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે. ઉ. ત. ‘ડગલો’, ‘પડવું’, એ શબ્દોમાંના ડ-ધ્વનિ, કે ‘ઢગલો’ અને ‘કઢી’ એ શબ્દોમાંના ઢ – ધ્વનિ સમાન નથી.[3] છતાં એમને એક જ ધ્વનિગ્રામમાં અંતર્ગત ગણીએ છીએ. પ્રથમ શબ્દયુગ્મમાં / ડ/ ધ્વનિગ્રામ છે; બીજામાં /ઢ/ ધ્વનિગ્રામ છે.

ગુજરાતી કથ્ય ભાષા (બોલી)માં (શિષ્ટ ગુજરાતી) ‘ચાકુ’ ‘જમવું’, ‘ઝાડ’નાં ઉચ્ચારણો કેટલીકવાર ‘ત્સાકુ’, ‘જમવું’ (‘ઝાડ’ના ‘ઝ’ જેવો ઉચ્ચાર), ‘ઝ઼ાડ’ (pleasure ના ઝ જેવો ઉચ્ચાર) સંભળાય છે. ત્યાં પણ એ સમાન ધ્વનિઓનાં વિભિન્ન રૂપોના ધ્વનિગ્રામ સરખા જ છે— ‘ચ’, ‘જ’, ‘ઝ’. ગ્રામ્યબોલીમાં ‘કેમ’ નાં બે ઉચ્ચારણો ‘ચમ’ ‘ચ્યમ’ એ બેમાં આદિ અક્ષરનો સ્વર કે ઉત્તર સૌરાષ્ટ્રીમાં ‘વાત’ના ‘વાત્ય’ રૂપે ઉચ્ચારણમાં ‘અ’ અને ‘ય’–શ્રુતિપ્લાવિત ‘અ’નો ધ્વનિગ્રામ એક જ, /અ/ ગણવો ઘટે છે. દ્રાવિડી ભાષાઓમાં क्, ख्, ग्, घ् માટે સમાન લિપિસંજ્ઞા છે.(ઉ. ત. લિખિત શબ્દ कान्ति નો ઉચ્ચાર થાય गान्धि). એ ભાષાઓમાં એ સર્વ ધ્વનિઓનો એક જ ધ્વનિગ્રામ બને છે એમ ગણવું જોઈએ. આમ એક જ ધ્વનિ કે સમાન રૂપના ધ્વનિઓના સમુદાય—જેનું એ ભાષામાં સમાન રીતે પ્રવર્તન થાય છે (અર્થાત્, જેની વિભિન્નતાને કારણે અર્થભેદ થતો ન હોય) તેને—ધ્વનિગ્રામ કહે છે.[4] ધ્વનિઓ અનેક હોવા છતાં આવા ધ્વનિગ્રામો દરેક ભાષામાં પરિમિત સંખ્યામાં હોય છે. સાર્થક ધ્વનિ માટે કેવળ એક જ સંકેત હોય એ ધ્વનિગ્રામનું લાક્ષણિક તત્ત્વ છે.

એક જ ધ્વનિગ્રામના અંગભૂત વિભિન્ન ધ્વનિઓને allophones કહે છે. ઉ. ત. pinનો [ph] spinનો [p] allophones છે. આ allophones માંથી જે ધ્વનિનો ભાષામાં વિશેષ વ્યવહાર થતો હોય એ ધ્વનિગ્રામનો સંકેત બને છે—અર્થાત્, એ ધ્વનિ એ ધ્વનિગ્રામની સંજ્ઞા ગણાય છે. ઉપરના બંને અંગભૂત ધ્વનિઓનો ધ્વનિગ્રામ છે /p/. હવે પછી આવતા ધ્વનિઓના વિવરણમાં ‘ધ્વનિ’ શબ્દ વડે ‘ધ્વનિગ્રામ’ સમજવાનો છે. ધ્વનિ ઉપર દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં લખાય છે, ત્યારે ધ્વનિગ્રામ બે ત્રાંસી ઢળતી સમાન્તર લીટીઓ વચ્ચે દર્શાવાય છે. ઉ. ત. ઉપરના અં. pin નું ધ્વનાત્મક પ્રતિલેખન [pʰin] થાય અને ધ્વનિગ્રામીય પ્રતિલેખન /pin/ થાય. તેમ ગુજરાતી ‘પડવું’નું ધ્વન્યાત્મક પ્રતિલેખન [pədəvũ] થાય અને ધ્વનિગ્રામીય પ્રતિલેખન /pədəvũ/ થાય.

‘ફોનેમિક્સ’ (Phonemics) કે ‘લિપિશાસ્ત્ર’

કોઈ પણ ભાષાના ધ્વનિગ્રામોની સૂક્ષ્મ આલોચના એની વર્ણમાલા (=મૂળાક્ષરો, alphabets) મૂળાક્ષરો નક્કી કરવા માટે આવશ્યક છે. વર્તમાન શિષ્ટ ભાષાઓની લિપિમાલા પરંપરાથી ઊતરી આવી છે. એની ભૂમિકામાં પ્રાચીન કાળમાં અસંપ્રજ્ઞાતપણે સહજ રૂપે થયેલી ધ્વનિગ્રામ-આલોચના હોવી જોઈએ એમ કલ્પી શકાય. વર્તમાન યુરોપીય ભાષાઓની લિપિમાલા ગ્રીક વર્ણમાલા ઉપરથી નીકળી છે. કેટલીક-સ્પૅનિશ, પોલિશ, ઝેક, ફિનીશ, હંગેરિયન જેવી – ભાષાઓની લિપિમાલા તે તે ભાષાઓના ધ્વનિગ્રામોને અનુસરે છે. પશ્ચિમ સેમિટિક (West Semitic) ભાષાઓમાં સ્વરોનું આકલન નથી, તોપણ વ્યંજનોનું નિરૂપણ સંપૂર્ણપણે ધ્વન્યાનુસારી (phonemic) છે. ગ્રીક વર્ણમાલા કરતાં પ્રાચીન ભારતીય વર્ણમાલામાં અતિ ચીવટથી, શાસ્ત્રીયપણે ધ્વનિગ્રામોનું પ્રતિફલન થયેલું છે. ભારતીય વર્ણમાલામાં આદિમ ભારત-યુરોપીય (Primitive Indo-European)ના કેટલાક સ્વરો લુપ્ત થઈ ગયા છે એ ખરું,[5] પરંતુ લગભગ બધા જ વ્યંજનધ્વનિઓ ભારતીય વર્ણમાલાએ સાચવ્યા છે. એથી ઊલટું, વર્તમાન યુરોપિયન ભાષાઓમાંથી ઉદાહરણ લઈએ તો ફ્રેન્ચમાં વર્ત્સ્ય (alveolar) ટ્, ઠ્, ડ્, ઈ૰ (સંસ્કૃત વર્ણમાલાના ‘મૂર્ધન્ય’) ધ્વનિઓનો અભાવ છે, અને અંગ્રેજીમાં ફ્રેન્ચના દંત્ય ત્, દ્, વર્ણો નથી. એથી ઊલટું અંગ્રેજી વર્ણમાલામાં [ક્] ધ્વનિ માટે k ઉપરાંત c અને q, અને ‘જ્’ ધ્વનિ માટે j ઉપરાંત g જેવી વધારાની લિપિસંજ્ઞાઓ છે. એમાંથી વળી c [સ્] ધ્વનિ (ઉ. ત. city) અને [ચ્] ધ્વનિ માટે (ઉ. ત. church), અને g [ગ્] ધ્વનિ માટે (ઉ. ત. go) યોજાય છે. વળી [થ્] અને [ધ્] માટે સ્વતંત્ર લિપિસંજ્ઞા નથી; એ ધ્વનિઓ દર્શાવવાને માટે બે સંજ્ઞા જોડવામાં આવે છે (ઉ. ત. thick, this). આવી કેટલીક અપૂર્ણતાઓ અંગ્રેજી વર્ણમાલામાં છે. આ કારણથી અંગ્રેજી તેમજ ફ્રેન્ચ લિપિઓ અવૈજ્ઞાનિક ગણાય છે. દેવનાગરી લિપિ વૈજ્ઞાનિક છે, તોપણ એ પણ સંપૂર્ણપણે ધ્વન્યાનુસારી (phonetic)તો નથી જ.

આ પ્રકારની અનવસ્થાના નિવારણ માટે, અને ખાસ કરીને હજી સુધી લિપિબદ્ધ નહીં થયેલી કેવળ કથ્ય રૂપની ભાષાઓ માટે શાસ્ત્રીય વર્ણમાલા નિર્માણ કરવા માટે, ‘ફોનેમિક્સ’ (લિપિશાસ્ત્ર) ની ઉપયોગિતા છે. ભાષાવિજ્ઞાનની આ નવીનતર શાખાનો ઉદય અને વિકાસ વર્તમાન અમેરિકન ભાષાવિજ્ઞાનીઓના પ્રયાસોને આભારી છે. ધ્વનિગ્રામનું નિરૂપણ કરીને આગલી પેઢીના અમેરિકન ભાષાવિજ્ઞાનીઓ બ્લૂમફિલ્ડ અને એડવર્ડ સેપીએ આ શાસ્ત્રનો પાયો નાંખ્યો હતો. એના ઉપર અમેરિકાના નવયુવાન ભાષાશાસ્ત્રીઓ–કેનેથ એલ. પાઈક, બર્નાર્ડ બ્લૉખ, જી. એલ. ટ્રેગર, ગ્લીસન વગેરેએ ચણતર કર્યું છે. આજે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં આ લિપિવિજ્ઞાનના નવીનતર શાસ્ત્રનું પરિશીલન ખૂબ ઉત્સાહથી થઈ રહ્યું છે. આ શાસ્ત્રનો પાયો ધ્વનિગ્રામ( phoneme) ની કલ્પના ઉપર મંડાયેલો છે. એક જ ધ્વનિ સ્થાન પરત્વે ભિન્ન ભિન્ન રૂપે ઉચ્ચારાય છે. એ સર્વ રૂપો માટે (તેમ એના સમાન રૂપના સર્વ ધ્વનિઓ માટે પણ) કાંઈ નિરનિરાળી લિપિસંજ્ઞાઓ યોજી શકાય નહીં. એથી તો વર્ણમાલાનો અંત આવે નહીં ને ગંભીર અવ્યવસ્થા ઊભી થાય. માટે આ પ્રકારનાં એક જ ધ્વનિનાં રૂપાન્તરો માટે તેમજ એના સમાન રૂપના સર્વ ધ્વનિઓ માટે આપણે એક ધ્વનિસમુદાયનું પ્રતીક રાખીએ છીએ. એ ધ્વનિગ્રામ કહેવાય છે. એની આપણે આગળ વીગતે ચર્ચા કરી ગયા છીએ. લિપિશાસ્ત્ર (phonemics) ની સહાયતાથી આપણે શાસ્ત્રીય ધોરણે કોઈ પણ ભાષાના અનેક ધ્વનિઓમાંથી અમુક એક ધ્વનિસમૂહ ચૂંટી કાઢીએ છીએ, અને એટલા જ ધ્વનિઓ માટે લિપિસંજ્ઞાઓ બનાવીએ છીએ. આ શાસ્ત્રીય નિયમોની ગવેષણા, વિવરણ લિપિશાસ્ત્ર કરે છે. લિપિશાસ્ત્ર ચાર સિદ્ધાંતો ઉપર વિશેષ અવલંબિત છે. એમાં પહેલો છે વર્તમાન જીવન્ત બોલીઓનું પરિપૂર્ણ, સૂક્ષ્મ અધ્યયન. લિપિશાસ્ત્ર આ કથ્ય બોલીઓની લિપિ તૈયાર કરવાની પદ્ધતિ દર્શાવે છે, એ ઉપરાંત વૈદિક સંસ્કૃત, પ્રાચીન ગ્રીક, સંસ્કૃત ઈ૰ જેવી પ્રાચીન લિખિત ભાષાઓને વ્યવસ્થિત લિપિબદ્ધ કેવી રીતે કરી શકાય તેનો માર્ગ દર્શાવે છે. છતાં જે સ્વરૂપે ‘ફોનેમિક્સ’નું શાસ્ત્ર અમેરિકન ભાષાવિદોએ નિર્માણ કર્યું તેમાં કેટલીક અંતર્ગત ક્ષતિઓ રહેલી છે. પ્રથમ તો અંગ્રેજીની એક ઉપભાષા સિવાય અન્ય કોઈ પણ જીવન્ત કે પ્રાચીન ભાષાની લિપિશાસ્ત્રની દૃષ્ટિએ હજી સુધી સમીક્ષા થઈ નથી. અમેરિકન નવીન ભાષાશાસ્ત્રીઓએ લિપિશાસ્ત્રના નિર્માણમાં એક કાલ્પનિક ભાષાનો આશ્રય લીધો છે, જેને એમણે ‘કલબા’ બોલીની સંજ્ઞા આપી છે. લિપિશાસ્ત્રની આ એક તરી આવતી મર્યાદા છે. ધ્વનિઓનું સંયોજન કે વિતરણ (sound-pattern) ભાષામાં ગણિતશાસ્ત્રના નિયમોના જેટલી ચોકસાઈથી થાય છે એમ લિપિવિજ્ઞાનીઓ માને છે. એ રીતે તેઓ નક્કી કરે છે કે અમુક ધ્વનિ કેવળ ધ્વનિ છે કે ધ્વનિગ્રામ. ઉચ્ચારણપરંપરાને આધારે બંધાયેલી ધ્વનિ સંબંધી માન્યતાઓનો તેઓ અસ્વીકાર કરે છે. લિપિવિજ્ઞાનીઓ મુખ્ય આધારભૂત ચાર સિદ્ધાન્તો ઉપર લિપિશાસ્ત્રનું મંડાણ કરે છે. (૧) ધ્વનિઓ ઉપર સમીપવર્તી ધ્વનિઓનો પ્રભાવ પડે છે. ઉ. ત. ‘નાણું’નો ઉચ્ચાર ‘નાઁણુઁ’ એવો થાય છે. ઘણા ધ્વનિઓ એકબીજામાં અંતર્લીન થઈ જાય છે. એવા અંતર્લીન થયેલા ધ્વનિઓને લિપિબદ્ધ કરવા ઉચિત નથી. (૨) કોઈપણ ભાષાની ધ્વનિમાલામાં એક પ્રકારની સંવાદિતા કે સપ્રમાણતા (symmetry) હોય છે જ. ઉ. ત. કોઈપણ ભાષામાં સ્પર્શ વ્યંજનોમાંથી દરેક શ્રેણીના અઘોષ અને ઘોષ (ઉ.ત. ક્, ગ્, ચ્, જ્) બંને વર્ણો હોય, છતાં એક શ્રેણીમાં એક જ વર્ણ—એક અઘોષ વર્ણ માત્ર—(ઉ. ત. ત્ જ માત્ર)—સંભળાતો હોય, તો એવું અનુમાન થઈ શકે કે એમાં એ શ્રેણીનો બીજો—ઘોષ વર્ણ પણ હોવો જોઈએ, જે સાંભળનારના કર્ણદોષને કારણે બરાબર પકડી શકાયો નથી, જેથી અન્ય કોઈ વર્ણ સાથે એનો ગોટાળો થઈ ગયો છે. (૩) ભાષામાં ધ્વનિઓનું પ્રસારણ બરાબર એક રૂપે થતું નથી—માનવવાણી એકના એક ધ્વનિનું ફરી ફરીને ઉચ્ચારણ કરતાં એમાં પરિવર્તન કરી મૂકે છે. એ એટલું સૂક્ષ્મ હોય છે કે તે ભાષાનો બોલનાર પકડી શકતો નથી, છતાં અન્યભાષાભાષીઓની નજરે એ તરત ચઢે છે. ઉ. ત. cup ના[kh] માં રહેલો મહાપ્રાણ [હ્-કાર તત્ત્વ] અંગ્રેજ પારખી શકતો નથી, જ્યારે કોઈ ભારતીય શ્રોતાની નજરે એની મહાપ્રાણતા તરત ચડે છે. (૪) પ્રત્યેક ભાષાને પોતાનો વિશિષ્ટ ધ્વનિક્રમ (sound-sequence) હોય છે. એની સહાયતા વડે સંદિગ્ધ સ્થાનોના ધ્વનિઓ નક્કી કરી શકાય છે. ઉ. ત. ગુજરાતી ત્ર્યક્ષરી શબ્દોમાં છેલ્લો અ-કાર બહુધા શાન્ત કે અલ્પોચ્ચરિત હોય છે. (ઉ. ત. રમત્, શરત્ ઈ૰). ગુજરાતી ભાષાના શબ્દોનાં ધ્વનિસંયોજનની એ વિશેષતાને આધારે એવા જ ધ્વનિક્રમવાળા શબ્દના અંત્ય અ સ્વરના ઉચ્ચારમાં કાંઈ ફેરફાર હોય તો એ સુધારીને સામાન્ય ધ્વનિક્રમ પ્રમાણે અંકિત કરી શકાય. આ સમગ્ર વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે એમાં ધ્વનિના ઉચ્ચારણને મહત્ત્વ ન અપાતાં, એના ધ્વનિઓની સામાન્ય સંયોજનપ્રક્રિયા (pattern of sound-sequence) અનુસાર અમુક ધ્વનિ એ ધ્વનિ છે કે ધ્વનિગ્રામ એનો નિર્ણય કરવામાં આવે છે લિપિશાસ્ત્રની આ એક મોટી મર્યાદા છે. વળી લિપિશાસ્ત્ર પ્રમાણે એક ધ્વનિ ધ્વનિગ્રામ (phoneme) ગણાય છે (ઉ. ત. ડ્, ઢ્) જ્યારે બીજાને (ઉ. ત. ડ઼્, ઢ઼્) અંતર્ગત ધ્વનિ (allophone) ગણવામાં આવે છે. આ બન્ને માટે લિપિસંજ્ઞા તો ધ્વનિગ્રામની સંજ્ઞા એ જ રહે. એથી ‘પડવું’ ‘ચઢવું’ એ શબ્દોના ડ઼, ઢ઼ ધ્વનિ અને ‘ડગલો’ ‘ઢગલો’ એ શબ્દોના ડ, ઢ ધ્વનિ લખવામાં સમાન રૂપે અંકિત થશે. હિન્દી જેવી ભાષામાં આ બંને વચ્ચે લેખનમાં ફરક પાડવો આવશ્યક છે. આમ લિપિશાસ્ત્ર સામાન્ય દૃષ્ટિએ ખૂબ સરળ અને વ્યવસ્થિત જણાવા છતાં વર્તમાન જીવન્ત ભાષાઓમાં એનો પ્રયોગ કરતાં અનેક મુશ્કેલીઓ નડે છે. જ્યાં સુધી જીવન્ત ભાષાઓમાં એનો સફળ રીતે પ્રયોગ ન કરી શકાય ત્યાં સુધી ‘ફોનેમિક્સ’ના શાસ્ત્રની ઉપયોગિતા સિદ્ધ થયેલી ગણાશે નહીં.

ધ્વનિઓનું વર્ગીકરણ

કોઈ પણ ભાષાના ધ્વનિના પાંચ ગુણો હોય છે–(૧) ધ્વનિનું સ્વરૂપ (quality), જે ધ્વનિના સ્થાન અને પ્રયત્નથી નિશ્ચિત થાય છે; (૨) ધ્વનિનું કાલમાન (quantity), જે ધ્વનિના હ્રસ્વત્વ કે દીર્ઘત્વને નિશ્ચિત કરે છે; (૩) સ્વરાઘાત (stress); (૪) સૂર (tone); અને (૫) ધ્વનિની વ્યક્તિજન્ય વિશિષ્ટતા (timbre). આ ગુણોની વિગતે ચર્ચા પછીથી કરીશું. એમાંથી પ્રથમ ગુણ–સ્થાન અને પ્રયત્નને અનુલક્ષીને ધ્વનિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. અંદરથી આવતો ઉચ્છ્વાસ મુખના જે સ્થાનમાં અવરોધ (closure) પામે છે તેને તે ધ્વનિનું સ્થાન કહેવામાં આવે છે. આ ક્રિયામાં જે વિવિધ પ્રકારે મુખને કામ કરવું પડે છે તેને પ્રયત્ન કહે છે. ઉ. ત. ક્ અને ત્ ના ઉચ્ચારણમાં સ્થાનનો ભેદ છે – ક્-નું ઉચ્ચારણ કંઠ્ય (velar–જેમાં શ્વાસનો જીભ velum પાસે સ્પર્શીને અવરોધ કરે છે તે) છે, જ્યારે ત્ નું ઉચ્ચારણ દંત્ય( dental–જિહ્વાગ્ર જ્યાં દાંતને સ્પર્શીને શ્વાસનો અવરોધ કરે છે) છે. પરંતુ ત્ અને સ્ ના ઉચ્ચારણ વચ્ચે ભેદ પ્રયત્નનો છે. ત્ સ્પર્શ વર્ણ (stop) છે–એ વર્ણના ઉચ્ચારણ સમયે જીભ ક્ષણભર દાંતને સ્પર્શી રહે છે; ત્યારે સ્ સંઘર્ષી વર્ણ (fricative) છે – એના ઉચ્ચારણમાં જીભનો દાંત સાથે સંઘર્ષ થાય છે.

સ્વરવિચાર

વર્ણોના પ્રાચીન કાળથી બે વિભાગ પાડવામાં આવ્યા છે—સ્વર અને વ્યંજન. જે ધ્વનિઓનો સ્વતઃ—એકલા, કોઈ પણ અન્ય ધ્વનિની સહાયતા વિના—ઉચ્ચાર થઈ શકે તે સ્વર; અને જેનું એ પ્રમાણે એકલાં ઉચ્ચારણ ન થઈ શકે, પણ સ્વરની સહાયતા લેવી પડે—સ્વરની મેળવણી (અંજન) કરવી પડે—તે વ્યંજન : આવી પ્રાચીન વૈયાકરણોએ વ્યાખ્યા બાંધી છે. આ વ્યાખ્યા કેટલેક અંશે સદોષ છે. વ્યંજનનો પણ કોઈ સ્વરની સહાયતા વિના પણ ઉચ્ચાર થઈ શકે છે. ઉ. ત. અંગ્રેજીના little (લિટ્લ્), pardon (પાડ્ન્)ના અંત્ય વ્યંજનોમાં કોઈ સ્વરની મેળવણી નથી. ગુજ૰‘રમત’ (ઉચ્ચાર ‘રમત્’) માં છેલ્લો, અને ‘લખપતિ’ (ઉચ્ચાર ‘લખ્પતિ’)માં બીજો વ્યંજન સ્વર વિના જ ઉચ્ચારાતો સંભળાશે. અર્વાચીન ધ્વનિવિજ્ઞાન અનુસાર સ્વરની વ્યાખ્યા નીચે પ્રમાણે બાંધી શકાય : “સ્વર એવા ઘોષયુક્ત (voiced) ધ્વનિ છે, જેના ઉચ્ચારણમાં શ્વાસ કોઈ પણ જાતના અંતરાય વિના મુખવિવરમાંથી બહાર નીકળે છે, અને મુખવિવરમાં એવું કોઈ સંકોચન થતું નથી જેથી જિહ્વાને મુખના કોઈ વાણીસ્થાન સાથે સ્પર્શ થાય કે સંઘર્ષ થાય.”[6] સાનુનાસિક સ્વરોમાં (ઉ. ત. ‘દહીં’, ‘અહીં’, ‘ઉંદર’, જેવા શબ્દોમાં) શ્વાસનો કેટલોક અંશ (મુખની સાથોસાથ) નાસિકામાંથી પણ નીકળતો હોય છે. સ્વર સિવાય સર્વ ધ્વનિઓ વ્યંજન છે. જે ઘોષ કે અઘોષ ધ્વનિઓનો ઉચ્ચાર કરતાં શ્વાસને મુખવિવરમાંથી નીકળતાં સંપૂર્ણપણે કે થોડોક અવરોધ થાય છે તેને વ્યંજન કહે છે.[7]

કેટલાક વ્યંજનો અને તેમના જ સ્વરૂપના સ્વરો વચ્ચે તાત્ત્વિક ભેદ બહુ જ ઓછો રહે છે. ઉ. ત. વેદકાળ પૂર્વેની આદિમ ઈન્ડો-યુરોપિયન ભાષામાં છ અંતઃસ્થ [(સ્વર અને વ્યંજન) વચ્ચેની સ્થિતિના] ધ્વનિઓ હતા, જે શબ્દમાં એમના સ્થાન પ્રમાણે સ્વર કે વ્યંજન ગણાતા. એ ધ્વનિઓ વ્યંજન રૂપે આવ્યા હોય ત્યારે એમની સંજ્ઞા य्, र्, ल्, व्, म्, न् રહેતી: અને એ સ્વરરૂપે આવ્યા હોય ત્યારે इ ऋ, लृ, उ તથા સ્વરરૂપ ધ્વનિઓ म़ અને ऩ એ પ્રમાણે અંકિત થતા. આ આદિમ ઈન્ડો-યુરોપિયન ભાષામાંથી કાલક્રમે પશ્ચિમની પ્રાચીન ગ્રીક, લૅટિન વગેરે, અને પૂર્વની ઈરાનિયન અને વૈદિક ભાષાઓ અવતાર પામી છે. ઉપરના આદિમ ઈન્ડો-યુરોપિયન સ્વરોમાંથી વૈદિક તથા ઉત્તરકાલીન સંસ્કૃતમાંથી સ્વરરૂપ म़ અને ऩ[8] ધ્વનિઓ વિલુપ્ત થઈ ગયા અને એમને સ્થાને अ નો આદેશ થયો (ઉ. ત. यम्+त = यत); लृ[9] ધ્વનિ લિપિમાં એક ધ્વનિસંજ્ઞા રૂપે જ માત્ર અવશિષ્ટ રહ્યો; અને ऋ નું વિશિષ્ટ ધ્વનિસ્વરૂપ ભુલાઈ ગયું. य्, व् વ્યંજન રૂપે ખૂબ નિર્બળ થઈ ગયા. એ સ્વર છે કે વ્યંજન એનો નિર્ણય એમની સંજ્ઞા ઉપરથી નહીં પણ વાક્યના ધ્વનિઓમાં એ કયે સ્થાને આવ્યા છે તે ઉપરથી નક્કી કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ. ઉ. ત. વૈદિક સંસ્કૃતમાં य કેટલેક સ્થળે સ્વરને સ્થાને વપરાયેલો હોય એમ જણાય છે. ઉ. ત. त्र्यंबकं यजामहे (शुक्ल यजुर्वेद 3 60) માં त्रिअंबकं यजामहे ઉચ્ચારણ થતું હશે એમ એના અન્ય સ્વીકૃત રૂપ त्रियंबकं ઉપરથી સૂચવાય છે. એ જ પ્રમાણે ऋग्वेदના वाग्देवीसूक्त (मं-૧૦, सू. ૧૨૫)માં ૧લી ઋચામાં(ત્રિષ્ટુભ્છંદ) अहंरुद्रेभिर्वसुभिश्चराम्य-हमादित्यैरुत विश्वदेवैः। નું ઉચ્ચારણ अहं रुद्रेभिर्वसुभिश्चरामि अहमादित्यैरुत विश्वदेवैः થતું હોય તો જ રચનાશૈલીની તેમજ છંદોરચનાની અનવદ્યતા સચવાય.

સ્વરોનું ઉચ્ચારણ કરતાં જીભનો કોઈ ભાગ (અગ્રભાગ, મધ્ય કે પાછળનો ભાગ) ઓછોવત્તો ઊંચો થાય છે તે પ્રમાણે સ્વરોના પણ અગ્રસ્થાનીય (front), મધ્યસ્થાનીય (middle), કે પશ્ચસ્થાનીય (back) એવા ભેદ પાડવામાં આવ્યા છે. (જુઓ આકૃતિ ૨ જી). સ્વરોના ઉચ્ચારણ સમયે મુખમાંથી શ્વાસ બહાર નીકળતાં મુખ વત્તું-ઓછું ઊઘડતું હોય છે. તદનુસાર સ્વરોના પણ ‘વિવૃત’ (પૂરા ખુલ્લા–open), ‘અર્ધવિવૃત’ (અર્ધખુલ્લા – half open), ‘અર્ધ સંવૃત’ (સહેજ ખુલ્લા, વિશેષ અંશે બંધ–half closed), અને ‘સંવૃત’ લગભગ સર્વાંશે બંધ–closed) એવા પ્રભેદ પાડવામાં આવ્યા છે.

સંવૃતથી વિવૃત સુધીની મુખવિવૃતિને એકમ ગણીએ તો અર્ધ-વિવૃતમાં 2/3 જેટલી મુખવિવૃતિ અને અર્ધસંવૃતમાં 1/3 જેટલી મુખવિવૃતિ હોય છે. (જુઓ : Daniel Jones, op. cit, p. 38)

આ રીતે જીભનું સ્થાન અને મુખની વિવૃતિ (ખુલ્લા થવું) અનુસાર ભાષાશાસ્ત્રીઓએ ચાર અગ્રસ્થાનીય અને ચાર પશ્ચસ્થાનીય મૂળ સ્વરો (cardinal vowels) માન્યા છે. એ સ્વરો કોઈ ભાષામાં યથાસ્થિત મળતા નથી, પરંતુ દર્શાવેલ આદર્શ સ્થિતિ અનુસાર ઉચ્ચારણ કરવામાં આવે તો તે સ્વરો ઉત્પન્ન થાય. ભિન્ન ભિન્ન ભાષાના સ્વરોનાં સ્થાન આ આદર્શ સ્વરોના અનુસંધાનમાં દર્શાવવામાં ઘણી સુગમતા રહે છે. નીચેની આકૃતિમાં આ આદર્શ સ્વરો (ક્રમાંક ૧ થી ૮) અને તેમની સાથે જ ગુજરાતી શુદ્ધ સ્વરો (સંયુક્ત નહીં તેવા) દર્શાવ્યા છે તે જુઓ. ક્રમાંક ૪નો [a] સ્વર ગુજરાતી કે અંગ્રેજી ધ્વનિમાલામાં મળતો નથી; તો ગુજરાતી (તેમજ અંગ્રેજી ધ્વનિમાલાના) હ્રસ્વ इ (I), હ્રસ્વ उ (U), સ્વરિત अ (A) અને અસ્વરિત (Ə) આદર્શ સ્વરો (cardinal vowels)માં અંકિત કરવામાં આવ્યા નથી. ई (૧) અને ऊ (૮) એ સંવૃત સ્વરો છે. એમાં જીભનો અગ્રભાગ કે પશ્ચભાગ ઊંચામાં ઊંચું સ્થાન ધારણ કરે છે, છતાં મુખવિવરની ઉપરની દિવાલને ક્યાંયે સ્પર્શ (closure) થતો નથી, તેમ ઘર્ષણ (friction) થતું નથી, તેથી ધ્વનિનું સ્વત્વ અબાધિત રહે છે. વિવૃત સ્વરો [a][10] અને आ [ɑ] (૪, ૫) માં મુખવિવર વધારેમાં વધારે ઊઘડે છે-મુખનું એથી વિશેષ ખૂલવું શક્ય નથી. અર્ધસંવૃત સ્વરો ए [e] અને ओ [o] (૨, ૭) ના ઉચ્ચારણમાં ई, ऊ કરતાં મુખ સહેજ વધારે ખૂલે છે. અર્ધવિવૃત સ્વરો ઍ અને ઑ[11] (૩, ૬) ના ઉચ્ચારણમાં ઉપરના અર્ધસંવૃત સ્વરો ए, ओ (૨, ૭)ની અપેક્ષાએ મુખ વિશેષ ખૂલે છે – વિવૃત બને છે – છતાં [a] કે आ (ɑ) (૪, ૫) જેટલું મુખનું વિવરણ (ખુલ્લા થવું) થતું નથી. અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં आ [ɑ] થી જરા વધારે ઊંચા સ્થાનનો છતાં અર્ધવિવૃત ऑ [ɔ] (જેને સદ્. નરસિંહરાવે ‘વિવૃત’ની સંજ્ઞા આપી છે) કરતાં જરા નીચા સ્થાનનો, ઇષદ્વિવૃત ऑ (જેને નરસિંહરાવ ‘અર્ધવિવૃત’ કહે છે) સ્વર મળે છે. ઉ. ત. ગુજ. ‘કરૉ’, ‘ધસૉ’, ‘બૅસૉ, ‘અમૉ’; અંગ્રેજી ‘often’, ‘stop,’ ‘not’, ‘long’, ‘from’ ઈ૰. આ સ્વર હ્રસ્વ છે. એના ઉચ્ચારણમાં મુખ (=ઓષ્ઠ) સહેજ માત્ર વર્તુલાકાર બને છે, બાકી બહુધા સંપૂર્ણ ખુલ્લું રહે છે.

ગુજરાતી તેમજ અંગ્રેજી સ્વરમાલામાં ई [i] ની મુખસંવૃતિ આદર્શ સ્વર ૧ કરતાં ઓછી છે, તેમ आ [ɑ] અગ્રસ્થાનનો નહીં પણ પશ્ચસ્થાનીય છે, અને આદર્શ સ્વર ५ ની પાસે, જો કે એથી સહેજ આગળની તરફનો છે. અગ્રસ્થાનીય સ્વરોના ઉચ્ચારણમાં આદર્શસ્વર ૪ થી ૧ સુધી હોઠ ક્રમશઃ પહોળા (spread) થતા જાય છે, જ્યારે પશ્ચસ્થાનીય સ્વરોના ઉચ્ચારણમાં આદર્શ સ્વર ५ થી ૮ સુધી હોઠ ક્રમશઃ વધારે ને વધારે ગોળાકાર ધારણ કરે છે (rounded).[12] ई [i] ના ઉચ્ચારણ વખતે હોઠ સંપૂર્ણ રીતે વિસ્તૃત (spread) હોય છે, અને ऊ [u] ના ઉચ્ચારણ વખતે પૂર્ણપણે ગોળાકાર હોય છે. ગુજરાતીમાં (તેમજ અંગ્રેજી સ્વરમાલામાં) આ સિવાય બે શુદ્ધ સ્વરો અત્યંત પ્રચલિત છે: સ્વરિત अ [A] (જિહ્વાસ્થાન લગભગ અર્ધવિવૃત, મધ્યથી થોડો વધારે પશ્ચસ્થાનીય તરફ ઢળતો, વિસ્તીર્ણ ઓષ્ઠસ્થિતિવાળો) જે ‘અટક’ [ətʌk] અત્તર [ʌtutuər], શરત [ʃərʌt], અક્ષર [ʌkʃər], વનમાં [Vʌnmã], અગત્ય [ʌgʌtujə] ઈ. ગુજરાતી શબ્દોમાં (અનન્ત્ય સ્થાને) અને but, utter, one, none, won, touch જેવા અંગ્રેજી શબ્દોમાં (પ્રથમ શ્રુતિમાં) સંભળાય છે; અને અસ્વરિત अ [ə] જેમાં જીભ (તેમજ હોઠ)ની સ્થિતિ લગભગ મધ્યસ્થ (અર્ધવિવૃત અને અર્ધસંવૃત વચ્ચેની) હોવાથી (-ઓષ્ઠ પ્રસારણ[i] ના જેવું) મધ્યસ્થ (neutral) સ્વર કહેવાય છે. અને ગુજરાતી ‘રમત’ ‘અસર’ ‘સરદાર’ જેવા શબ્દમાં અંત્ય સ્થાને અને અંગ્રેજી શબ્દોમાં ‘the’ ‘them’ ના અસ્વરિત ઉચ્ચારણમાં, ‘again’ ‘oppose,’ ‘Japan’, ‘bazaar’ ઈ૰ શબ્દોમાં પ્રથમ શ્રુતિમાં, અને ‘labour,’ ‘India,’ ‘actual,’ ઈ૰ શબ્દોમાં અંત્ય શ્રુતિમાં સંભળાય છે. હવે આ પ્રસંગોનું ક્રમશઃ વિગત વિવેચન કરીશું. ૧ ई [i] જીભ ઘણી ઊંચે (high), આગળ પડતી (forward)–કઠોર તાલુની સહેજ નીચે–રહે છે, અને એના (જીભના) સ્નાયુઓ તંગ હોય છે. હોઠ થોડાક ખુલ્લા (open) અને પ્રસરેલા (spread) હોય છે. આ સંવૃત, અગ્રસ્થાનીય, દીર્ઘ સ્વર છે. ઉદા. ગુજ૰ – ‘પી,’ ‘ઘી,’ ‘દી,’ ‘ખીર,’ ‘ચીસ,’ ‘રીત,’ ‘ગરીબ,’ ‘પછીત,’ ‘ખરીદ,’ ઈ૰ અહીં - ‘each,’ ‘heat,’ ‘week,’ ‘meet,’ ‘read,’ ઈ૰ અંગ્રેજી [i:] (ઉ. ત. see) કરતાં ફ્રેન્ચ [i:] (ઉ. ત. si) વધારે સંવૃત અને વિશેષ ખેંચાણ (tension)વાળો ધ્વનિ છે. इ (I) ના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ કઠોર તાલુ તરફ ઊંચો થાય છે. ઊંચાણમાં એનું સ્થાન લગભગ અર્ધસંવૃતની કક્ષાનું છે. નં. ૧ સ્વર ई [i] કરતાં આ इ [ɪ] સ્વર નીચા સ્થાનનો અને એથી પાછળ પડતો, મુખના મધ્યભાગ તરફ વિશેષ ઢળતો, છે. જીભના સ્નાયુઓનું નં. ૧ કરતાં ઓછું ખેંચાણ–તંગપણું–હોય છે, હોઠ સાધારણ ખૂલે છે. આ હ્રસ્વ સ્વર છે. ઉતાવળથી, અસ્વરિત સ્થાને, એનું (इનું) ઉચ્ચારણ લગભગ અસ્વરિત अ [ə] ના જેવું સંભળાય છે. ઉદા. ગુજ૰ – ‘નિરખ,’ ‘વિરસ,’ ‘નિયતિ,’ ‘કવિઓ;’ ‘ઇતિહાસ,’ ‘ખેરિયત,’ ‘કળિચૂનો,’ ઈ૰ અંગ્રેજી- ‘fit,’ ‘fill,’ ‘it,’ ઇત્યાદિમાં; ‘city,’ ‘minute,’ `women’, ઈ૰ ની પ્રથમ શ્રુતિમાં; fully ઈ૰ની શ્રુતિમાં; ‘be,’ ‘me,’ ‘he’ ના અસ્વરિત ઉચ્ચારણમાં. ૨ ए [e] ના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ ઊંચો થઈને લગભગ સંવૃત (close) અને અર્ધવિવૃત (half-open) વચ્ચેની સ્થિતિમાં રહે છે. હોઠનું પ્રસારણઃ (spread) સાધારણ થાય છે – इ (ɪ) કરતાં ઓછું. આ અર્ધસંવૃત, અગ્રસ્થાનીય દીર્ઘ સ્વર છે. ઉદા. ગુજ૰–જે, તે, એ,[13] ‘કેશ’, ‘ફેર’, ‘દેવતા’, ‘હંમેશ’, ‘કમલેશ’, ઈ૰ અંગ્રેજી – ‘bed’, ‘end’, ‘get’, ‘says’, ‘dead’ ઈ૰ શબ્દમાંનો ए [e] સમાન રૂપનો, પણ હ્રસ્વ સ્વર છે. ૩ ઍ [ɛ]–આ સ્વરના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ મ્હોંની આગળની બાજૂ તરફ જરા (–ए કરતાં થોડો) ઊંચો થાય છે. હોઠ ए કરતાં વધારે ઊઘડે છે, અને તેથી શ્રમ-ખેંચાણ કંઈક વધારે અનુભવાય છે. આ અર્ધવિવૃત, અગ્રસ્થાનીય દીર્ઘ સ્વર છે. ઉદા. ગુજ૰ લૅ, છૅ, કહૅ, વૅર, ઝૅર, વ્હૅંત, લ્હૅર. કરૅ, બૅસૅ, ગમૅ, પ્હૅરૅ ઈ૰ માં અંત્ય ઍ આદિ કરતાં સહેજ ઊંચા સ્થાનથી ઉચ્ચાય છે. અંગ્રેજીમાં ડેનિયલ જોન્સ જેવા પ્રમાણભૂત ધ્વનિશાસ્ત્રીઓને મતે ઍ [E] શુદ્ધ સ્વર નથી; માત્ર સંયુક્ત સ્વરોમાં એ મળે છે. અંગ્રેજી— ‘man’, ‘hat’, ‘bank’ ‘back’, ‘tax’, ‘lamb’, ‘thank’, ઈત્યાદિ શબ્દોમાંનો ઍ [æ] ઉપરના ઍ [ɛ] ધ્વનિ કરતાં જરા નીચેના સ્થાનેથી ઉચ્ચારાય છે. એ ઉપરના કરતાં વધારે પહોળો (વિવૃત) સ્વર છે અને હ્રસ્વ ગણાય છે. ૫ आ [a] ના ઉચ્ચારણમાં જીભ મુખમાં લગભગ યથાવત્ રહે છે, ફક્ત એનો પશ્ચભાગ કિંચિત્ માત્ર ઊંચો થાય છે. મ્હોં ખૂબ પહોળું થાય છે. હોઠ શિથિલ રહે છે, ગોળાકાર ધારણ કરતા નથી. આ સ્વરનો પ્રયોગ આપણી ભાષામાં અત્યંત વિપુલ છે. આ વિવૃત, પશ્ચસ્થાનીય સ્વર સૌથી દીર્ઘ સ્વર છે. શબ્દમાં એના ઉપર જ બહુધા ભાર આવે છે. ઉદા. ગુજ૰–જા, પા, ખા, ધા; જાય, પાય, ખાય;: દવા, નવા; જ્યારે, અમારું, લુહાર, રોજગાર, લેણદાર, ઇ૰ અંગ્રેજી : ‘father’, ‘arm’, ‘car’, ‘part’, ‘clerk’, ‘mark’, ‘half’. ૬ ऑ [ɔ] ના ઉચ્ચારણમાં જીભનો પશ્ચભાગ લગભગ અર્ધ-વિવૃત સ્થાને હોય છે. નં. ५ आ [ɑ] માં જીભ લગભગ નિશ્ચલ હોય છે, તેના કરતાં ऑ [ɔ] ના ઉચ્ચારણમાં એ સાધારણ ઊંચું સ્થાન ધારણ કરે છે. હોઠ ઠીક ઠીક પ્રમાણમાં ગોળાકાર બને છે. આ સ્વર અર્ધવિવૃત, પશ્ચસ્થાનીય, પહોળો અને દીર્ઘ સ્વર છે. ઉદા. ગુજ૰–મ્હૉં, શા, ભા, ગૉળ, પ્હૉળું, કૉણ, ઘડૉ, ધૉળૉ ઇ૰ અંગ્રેજી– ‘tall’, ‘talk’, ‘wall’, ‘war’, ‘though’, ‘lord’, ‘short’ ઈ૰ નોંધ—આ જ રૂપનો પરંતુ એનાથી જરા નીચેના સ્થાનનો ઈષદવિવૃત ऑ [ɒ] અંગ્રેજી ‘shop’, ‘stop’, ‘often’, ‘want’, ‘shot’, ‘box’, ‘what’ ઇ૰ શબ્દોમાં સંભળાય છે. એ વિષે આગળ ચર્ચા કરી ગયા છીએ. ૭ ओ [o]–આ સ્વરના ઉચ્ચારણમાં હોઠ સવિશેષ ગોળ બનતા હોય છે, જેથી વચ્ચે મુખવિવર સહેજ માત્ર જ ખુલ્લું રહે છે. અને જીભ નં. ૬ ओ [ɔ] કરતાં વધારે ઊંચે–સંપૂર્ણ સંવૃત અને અર્ધવિવૃત વચ્ચેને સ્થાને હોય છે. આ સ્વર અર્ધસંવૃત (half close) પશ્ચસ્થાનીય (back) છે. શબ્દમાં એના સ્થાન તેમ ભાર અનુસાર એ હ્રસ્વ કે દીર્ઘ હોય છે. કોઈક વાર એનો હ્રસ્વ ઉચ્ચાર થાય છે, અન્યથા એ દીર્ઘ હોય છે. ઉ. ત. ખો, ધો, જો, કોર, ગોળ, પોળ, ફોરું, તોબરો, નઠોર, પળોજણ, ઈ૰ નોંધ—અંગ્રેજી ધ્વનિશાસ્ત્રીઓને મતે અંગ્રેજી ધ્વનિમાલામાં શુદ્ધ સ્વર [o] નથી; એ સંયુક્ત સ્વરધ્વનિ છે. ઉ. ત. અંગ્રેજી ‘home’, ‘show’, ‘go’, ‘so’, ‘noble’ ઈ૰ શબ્દોમાં સંભળાતો ओ – ધ્વનિ અંગ્રેજી ધ્વનિવિજ્ઞાનીઓને મતે સંયુક્ત સ્વર [ou] છે. ઉ. ત. વિશુદ્ધ અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે go નો ઉચ્ચાર [gou] – ત્વરિતોચ્ચાર્ય ओ પછી સત્વર उ ઉચ્ચારાતો હોય તેવો – થાય છે. એ જ પ્રમાણે ઉપરના ઉદાહરણરૂપ અન્ય શબ્દોનાં ઉચ્ચારણ [houm], [ʃou], [sou], [noubl] – એ પ્રમાણે થાય છે. ૮ ऊ [u]–જીભનો પશ્ચભાગ કોમલ તાલુ તરફ ઊંચો થાય છે. ई [i] ની માફક ऊ [u] ના ઉચ્ચારણમાં જીભ સૌથી ઊંચું સ્થાન ગ્રહણ કરે છે. હોઠ પુષ્કળ ગોળાકાર (rounded) બને છે, તેમજ સારી પેઠે ખેંચાઈને આગળ આવે છે. હોઠની વચમાં ઘણું નાનું છિદ્ર—ओ [o] કરતાં પણ નાનું—રહે છે. આ દીર્ઘ, સંવૃત, પશ્ચસ્થાનીય સ્વર છે. ઉદા. ગુજ૰ લૂ, રૂ, ભૂ; ખૂબ, દૂર, પૂર: ઊભું, જરૂર, વિરૂપ, ખસૂસ, મંજૂર, શરૂ, ઈ૰ અંગ્રેજી– ‘cool’, ‘moon’, ‘tool’, ‘tune’, ‘through’, ‘rule’ ઇ૰ उ [U] ના ઉચ્ચારણમાં જીભનો પશ્ચભાગ કોમલ તાલુ તરફ ઊંચો થાય છે. જીભ દીર્ઘ ऊ [u] કરતાં ઓછું ઊંચું, અર્ધસંવૃત (half-close) કરતાં અંશ માત્ર ઉપરનું સ્થાન ગ્રહણ કરે છે, અને ऊ ના કરતાં સહેજ આગળ તરફ (forward) હોય છે. હોઠ ગોળાકાર ધારણ કરે છે અને એમની વચ્ચે નાનું છિદ્ર રહે છે. એમાં સ્નાયુઓનું ખેંચાણ દીર્ઘ ऊ [u] ના પ્રમાણમાં થોડું હોય છે. આ હ્રસ્વ સ્વર છે. ઉદા. ગુજ૰—ઉત્તમ, ઉર, ઉમંગ, સાબુ, ઋતુ, લુહાર, સુતાર, ઉતારો, ઇ૰ અંગ્રેજી - ‘put,’ ‘full,’ ‘book,’ ‘foot,’ ‘cook,’ ‘wool,’ ‘could,’ ઈ૰ આ ઉપરાંત ગુજરાતી સ્વરમાલામાં અતિ પ્રચલિત બે સ્વરો– સ્વરિત अ[ʌ] અને અસ્વરિત (neutral) अ[ə] ની આગળ ચર્ચા કરી ગયા છીએ. સ્વરિત अ [ʌ] ના ઉચ્ચારણમાં મ્હોં સહેજ ઊઘડે છે, જીભનો પશ્ચભાગ જરા ઊંચો (અર્ધવિવૃત ઑ [ɔ] વખતે થાય છે તેટલો ઊંચો) થાય છે, અને હોઠ યથાસ્થિત રહે છે. સ્વરિત अ બહુધા સ્વરભારવાળા અક્ષર (syllable) માં હોય છે. એ હ્રસ્વ સ્વર છે. અસ્વરિત अ [ə] ના ઉચ્ચારણમાં જીભ પોતાને સ્વાભાવિક સ્થાને યથાવત્ રહે છે, તેમ હોઠ યથાસ્થિત રહે છે. ફક્ત મ્હોં સહેજ ઊઘડે છે, અને ઘોષ (voice) સંભળાય છે. આ ધ્વનિમાં જીભ, હોઠ ઈ૰ વાણી-અંગોનું કશું સંચલન થતું નથી તેથી એને મધ્યસ્થ સ્વર (neutral vowel)ની સંજ્ઞા આપવામાં આવી છે. આ અત્યંત હ્રસ્વ ધ્વનિ છે. अ [ʌ] અને अ [ə] બંનેનાં ઉદાહરણો આગળ આપ્યાં છે. આ પ્રમાણેના શુદ્ધ સ્વરો આપણી ભાષામાં છે. છતાં લેખનમાં, ઉચ્ચારણનું પ્રતિબિમ્બ પડે તેવી રીતે, ચોકસાઈથી સ્વર (વર્ણ) સંજ્ઞાઓ વપરાતી નથી. ઉ. ત. અસ્વરિત अ અને સ્વરિત अ નો ભેદ લેખનમાં આપણે પાડતા નથી; તેમ ए અને ઍ તથા ओ અને ऑ વચ્ચેનો ભેદ પણ આપણે પાડતા નથી; પરંતુ શબ્દના સંદર્ભ ઉપરથી એ વિવૃતોચ્ચારી સ્વર છે કે સંવૃતોચ્ચારી એનો મનથી નિર્ણય કરી લઈએ છીએ. એથી ઊલટું इ-ई, उ-ऊનાં આ પ્રકારનાં હ્રસ્વ-દીર્ઘ રૂપો સ્વરમાલામાં અંકિત છે, જે લેખનમાં આપણે દર્શાવીએ છીએ; છતાં ઉચ્ચારણમાં હ્રસ્વદીર્ઘનો વિવેક આપણે ભાગ્યે જ જાળવીએ છીએ.

સંયુક્ત સ્વરો [Diphthongs]

કેટલાક સ્વરોનું ઉચ્ચારણ બે શુદ્ધ સ્વરો સાથે મેળવવાથી થતું હોય છે.[14]

ઉપર વર્ણવેલા શુદ્ધ સ્વરો એક જ નિયત સ્થાનમાં ઉચ્ચારાય છે, જ્યારે સંયુક્ત સ્વરોના–જે બહુધા સ્વરયુગ્મો જ હોય છે–ઉચ્ચારણમાં જીભ અને અન્ય વાણી-અંગો એક સ્વરના સ્થાનમાંથી સહસા યુગ્મના બીજા સ્વરસ્થાન ઉપર જતાં હોય છે. એમાં વચ્ચે આવતાં સર્વ સ્થાનો ઉપર અતિ ઝડપથી ગતિ થઈ જવાથી તે તે સ્થાનોના ધ્વનિના સંસ્કાર (ઈષદ્ છાયામાત્ર) એ યુગ્મને લાગેલા હોય છે. સ્વરયુગ્મોના ઉચ્ચારણનું કાલમાન આ રીતે શુદ્ધ સ્વરોની અપેક્ષાએ વધારે લાંબું હોવાથી બધાં સ્વરયુગ્મો દીર્ઘ હોય છે. કેટલાંક સ્વરયુગ્મોમાં અંગભૂત બંને સ્વરો દૃઢબંધથી જોડાયેલા હોય છે; ઉ. ત. બાઈ, ધાઈ, હાઉ, જઈ, ઈ૰ કેટલાંક સ્વરયુગ્મોમાં બે સ્વરો માત્ર પાસે પાસે આવ્યા હોય એટલું જ, બાકી એમનું વિશેષ જોડાણ થતું નથી. ઉ. ત. જેઓ, ઘડાએ, ઈ૰ આવાં સ્વરયુગ્મો શિથિલ બંધવાળાં હોય છે. કેટલાંક સ્વરયુગ્મો આ બેની વચ્ચેની કક્ષાનાં હોય છે. ઉ. ત. લેઉઆ, બેઉ, ઈ૰ આમાંથી પહેલા પ્રકારનાં યુગ્મોને જ સાચા સંયુક્ત ધ્વનિઓ (diphthongs) કહી શકાય. આમાંથી કેટલાકનો પ્રથમ સ્વર દીર્ઘ હોઈ સબળપણે ઉચ્ચારાતો હોય છે. તેવાં યુગ્મો પૂર્વસ્વરપ્રધાન છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આમને ‘અવરોહાત્મક’ – falling – કહે છે. ઉ. ત.

આઈ [aɪ]–ધાઈ, કરાઈ, ભાઈ, પરાઈ, દેસાઈ, ઈ૰
આઉ [aU]–ગાઉ, ભાઉ, હાઉ.
ઓઈ [Oɪ]–ભોઈ, કોઈ, તોઈ, પોઈ, નણદોઈ, કંદોઈ.
ઊઈ [uɪ]–જૂઈ, કૂઈ, સૂઈ.

કેટલાકનો પૂર્વ સ્વર: નિર્બળ હોઈ, ઉત્તરસ્વરપ્રધાન હોય છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આને આરોહાત્મક – rising – કહે છે. ઐ [əi]—ધૈર્ય, પૈસા, જઈ, થઈ. ઔ [əU][15]—ગૌ, સૌ, જઉ, ભઉડાં.

સ્વરનાં કાલમાન

વ્યાકરણપરંપરા અનુસાર સામાન્ય રીતે આપણે આ, ઈ, ઊ, એ, ઓ, સ્વરોને દીર્ઘ કહીએ છીએ, અને અ, ઇ, ઉને હ્રસ્વ ગણીએ છીએ. શાસ્ત્રીય રીતે ઉચ્ચારણનું કાલમાન મેળવતાં ઉપરનામાંના હ્રસ્વ સ્વરોનું કાલમાન ટૂંકું-હ્રસ્વ છે; પરંતુ દીર્ઘ સ્વરો પૈકી आ [a], ઍ [ɛ], ऑ [ɔ], જેટલા દીર્ઘ પરિમાણના છે, તેટલા ई [i], ए [e], ऊ [u] અને ओ [o] નથી. તે છેલ્લા ચારે સ્વરધ્વનિઓને દીર્ઘ અને હ્રસ્વ વચ્ચેના મધ્યમ પરિમાણવાળા કહેવા ઘટે. વસ્તુતઃ आ [a] અને ઍ[ɛ] જેવા દીર્ઘ સ્વરો કરતાં આ મધ્યમ પરિમાણવાળા સ્વરોનું કાલમાન આશરે 2/3 જેટલું છે, જ્યારે હ્રસ્વ સ્વરોનું કાલમાન એ દીર્ઘ સ્વરોના 1/3 થી પણ ઓછું છે.

એક જ સ્વરનું કાલમાન શબ્દમાં એનાં સ્થાન પ્રમાણે વધે ઘટે છે. સામાન્ય રીતે ખુલ્લા અક્ષર (open syllable)[16] વાળા શબ્દોમાંના સ્વરો બંધ અક્ષર (closed syllable)[17]માં આવતા તે જ સ્વરો કરતાં વધારે દીર્ઘ પરિમાણના હોય છે. ઉ. ત. ‘જા’ નો आ સ્વર ‘જાય’ ના કરતાં વધારે દીર્ઘ છે. તેમ ‘ગોળ’, ‘ખીજ’, ‘પૂછ’ ના ओ, ई, ऊ, કરતાં ‘ગોળી’, ‘ખીજડો’, ‘પૂછવું’ ના તે સ્વરો વધારે દીર્ઘ છે.

સાનુનાસિક સ્વરો [Nasalized Vowels]

કેટલાક ધ્વનિઓનો ઉચ્ચાર કરતાં કેટલોક ઉચ્છ્વાસ મુખની સાથે નાસિકામાંથી પણ નીકળતો હોય છે. આવા ધ્વનિઓ–સ્વર તેમજ વ્યંજન–અનુનાસિક કહેવાય છે. શુદ્ધ સ્વરોના ઉચ્ચાર વખતે પડજીભ (uvula) તંગ બનીને ઊભી થઈ જતી હોય છે, જેથી શ્વાસનો નાસિકાવિવરમાં જવાનો માર્ગ પૂરેપૂરો રુંધાઈ જાય છે, પરંતુ કેટલીક વાર પડજીભ ન તંગ, ન શિથિલ, પરંતુ બંને વચ્ચેની સ્થિતિ ગ્રહણ કરે છે. ત્યારે કેટલોક ઉચ્છ્વાસ મુખમાંથી અને કેટલોક નાસિકામાંથી નીકળે છે. આ સ્થિતિમાં સાનુનાસિક સ્વરો ઉચ્ચારાય છે. બધો ઉચ્છ્વાસ નાસિકામાંથી નીકળે ત્યારે અનુનાસિક વ્યંજનો બોલાય છે. સાનુનાસિક સ્વર પણ શુદ્ધ સ્વરની માફક શરૂમાં ઇષત્-શ્રાવ્ય, વચ્ચે પૂર્ણશ્રાવ્ય, અને છેલ્લે પાછો ઈષત્-શ્રાવ્ય હોય છે. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ જેટલા શુદ્ધ સ્વરો હોય તેટલા જ સાનુનાસિક સ્વરો થઈ શકે. પરંતુ વસ્તુતઃ, ભાષાના પ્રત્યક્ષ વ્યવહારમાં, એમ થતું નથી. અંગ્રેજી જેવી કેટલીક ભાષાઓ સાનુનાસિક સ્વરોનો ઉપયોગ કરતી નથી, તો ફ્રેન્ચ જેવી અન્ય કેટલીક ભાષાઓ પોતાની સ્વરમાલામાંથી અમુક જ સ્વરોનું નાસિક્યવિધાન (nasalization) કરે છે. ગુજરાતીમાં મધ્ય ગુજરાતમાં સાનુનાસિક સ્વરોનો પ્રયોગ વિરલ છે, ત્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં (રાજકોટ–જામનગર બાજૂ) બહુ જ છૂટથી સાનુનાસિક્ય થાય છે. સ્વરોનું સાનુનાસિક્ય થતાં નાસિકામાંથી પણ કેટલોક શ્વાસ બહાર જવાથી મુખવિવરમાંથી નીકળતો શ્વાસ ઓછો થાય છે, તો મુખવિવર અને નાસિકાવિવર બંનેનાં પોલાણો સ્વરનો પ્રતિઘોષ (resonance; રણકાર) કરવામાં ઉપયોગી થાય છે. આ બંને પ્રકારે એક જ સ્વર સાનુનાસિક થતાં કેટલીક વાર તેના સ્વરૂપ (quality) માં પણ ફેરફાર થાય છે. ઉ. ત. ए [e] કરતાં एं [ɛ̃] નો ઉચ્ચાર વધારે વિવૃત બને છે. સાનુનાસિક સ્વરો અસંયુક્ત અને સંયુક્ત બંન્ને પ્રકારના સંભવે છે. ખીંટી, વીંટી, ઈંટ, નીંદણ [ईँ]; વ્હેંત [ऍँ]; ઢાંક, આંખ, દાંત, ગામડાં [आँ]; સૂંઠ, ઊંટ, ભૂંડું, [ऊँ]; આપણું, સારું [उँ]; ભોંય [ઑઁ] ઈ૰ શબ્દોમાં દર્શાવ્યા પ્રમાણે અસંયુક્ત સાનુનાસિક સ્વરો આવ્યા છે. જંઈ, કંઈ [अँइ]; ઘઉં, જઉં, [अउँ]; કાંઈ [आँइ]; જાઉં, થાઉં [आउँ]; ગામડાંઓ, છોકરાંઓ [आँओ]; છોકરાંએ, ઢોરાંએ [आँए]; ખોઉં, લહોઉં, જોઉં [ओउँ]—આ બધાં સંયુક્ત સાનુનાસિક સ્વરોનાં ઉદાહરણો છે. કેટલીક વાર બે અનુનાસિક વ્યંજનોની વચ્ચે આવ્યા હોય ત્યારે સ્વરોનું સાનુનાસિક ઉચ્ચારણ સંભળાય છે. ઉ. ત. ‘નામ’, ‘માન’, ‘નાણું’, ઈ૰ શબ્દો ‘નાઁમ’, ‘માઁન’, ‘નાઁણું’, એ પ્રમાણે સંભળાય છે. આ જ પ્રમાણે અનુનાસિક વ્યંજનની પૂર્વે આવેલા સ્વરનું ઉચ્ચારણ સાનુનાસિક થાય છે. ઉ. ત. ગામ, ભાન, કાન, એ શબ્દો ઉચ્ચારણમાં ગાઁમ, ભાઁન, કાઁન એ પ્રમાણે સંભળાય છે. આ પ્રકારનું સાનુનાસિક્ય સહેજ માત્ર હોય છે, ઉ. ત. ગામ [gām]; વ્યુત્પત્તિપ્રાપ્ત સાનુનાસિક્ય સવિશેષ બળવત્તર હોય છે, ઉ ત. વાંસ [vãs]. અનુનાસિક વ્યંજનની અસર આમ પૂર્વ સ્વર પર જ થાય છે; અનુનાસિક વ્યંજનની પછી શુદ્ધ સ્વર આવે તો તેનું નાસિક્યવિધાન થતું નથી. ઉ.ત. રમીએ, નાખીએ, ખાણિયો, ઈ૰.

વ્યંજનવિચાર

વ્યંજનોનું વર્ગીકરણ સ્થાન અને પ્રયત્નને અનુલક્ષીને કરવામાં આવે છે. આરંભે માનવ ધ્વનિયન્ત્રની ચર્ચા કરતાં આપણે જોઈ ગયા કે (ફેફસામાંથી બહાર આવતો) શ્વાસ સ્વરતંત્રીને (vocal chords) કંપાવે (vibrate) (રણઝણાવે), ત્યારે ધ્વનિમાં ઘોષ (voice) સંભળાય છે. કંઠવિવર (buccal cavity – મ્હોંમાં રહેલી ખાલી જગા) અને નાસિકાસ્થાનનું પોલાણ (nasal fosse) ઘોષનું ધ્વનિવર્ધન કે ધ્વનિપૂરણ (resonance) કરે છે, જેથી ઘોષ ધ્વનિઓને પોતપોતાનું ઉચિત વિશિષ્ટ સ્વરૂપ (timbre) પ્રાપ્ત થાય છે. આ રીતે વ્યંજનોના બે મુખ્ય પ્રકાર પડે છે : જેમાં સ્વરતંત્રીના પ્રકંપનને કારણે ઘોષ સંભળાય છે તે સઘોષ વ્યંજન (voiced or sonant consonants); અને જેમાં સ્વરતંત્રી નિઃસ્પંદ રહે અને શ્વાસ વચ્ચેના વિવર (glottis) માંથી કશા જ વિકાર કે ફેરફાર વિના યથાવત્ પસાર થઈ જાય છે તે અઘોષ વ્યંજન. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો અઘોષ વ્યંજનોને ‘surds’ કે ‘non-sonant consonants’ કહે છે.[18] ઘોષ (voice) થી ઈતર હોવાથી એમને અવાજ (noises) પણ કહેવામાં આવે છે. નૂતન ભારતીય ભાષાઓમાં (New Indo-Aryan) ક્, ખ્, ત્, થ્, પ્, ફ્, આદિ વ્યંજનો અઘોષ છે, જ્યારે ગ્, ઘ્, દ્, ધ્, બ્, ભ્, આદિ વ્યંજનો સઘોષ છે. સઘોષ વ્યંજનોમાંથી કેટલાક પૂર્ણ સઘોષ છે–એમનું ઉચ્ચારણ સંપૂર્ણ થતાં સુધી ઘોષ ચાલુ રહે છે; તો કેટલાક અપૂર્ણ સઘોષ છે–એમના ઉચ્ચારણ વખતે પ્રારંભે, મધ્યમાં કે અંતભાગમાં જ ઘોષ સંભળાય છે. ઉ.ત. ગુજરાતી કે સંસ્કૃત ब् પૂર્ણ સઘોષ છે; અંગ્રેજી [b] અપૂર્ણ સઘોષ છે. શબ્દને પ્રારંભે [b] હોય તો એના ઉચ્ચારણનો આરંભ થયા પછી ક્ષણાર્ધમાં ઘોષ સંભળાય છે (ઉ.ત. bees નો ઉચ્ચાર [pbi: zs] જેવો સંભળાશે); શબ્દને અંતે [b] હોય તો ઉચ્ચારણ સમાપ્ત થતાં પહેલાં ઘોષ બંધ થઈ જાય છે. (ઉ.ત. ebb નો ઉચ્ચાર લગભગ [ebp] જેવો સંભળાશે). આ જ પ્રમાણે કેટલીક વાર શબ્દના મધ્યભાગમાં આવેલા [b] માંથી પણ ઘોષતત્ત્વ લુપ્ત થયું હોય છે. ઉ.ત. ambition.[19] જર્મન ભાષામાં પણ ba, da, ga ઈ૰ ધ્વનિઓમાં ઉચ્ચારણનો પ્રારંભ થયા પછી થોડેક વખતે ઘોષ (voice) શરૂ થાય છે, તેથી ઈતરભાષાભાષીઓને–વિદેશીઓએ–એ ધ્વનિઓ જાણે pa, ta, ka, હોય એવો ભાસ થાય છે.[20] ઉચ્ચારણના સ્થાન અનુસાર ગુજરાતી વ્યંજનોના નીચે પ્રમાણે પ્રકારો પડે.

(૧) (अ) જ્યારે બંને હોઠ દ્વારા, મુખમાંથી નીકળતા શ્વાસનો પ્રથમ અવરોધ થઈ પછી સહસા નિર્ગમન થાય ત્યારે ઓષ્ઠ્ય (labial) વ્યંજનો બને છે. ઉ.ત. પ, ફ્, બ્, ભ્. બંને હોઠ દ્વારા આ વિકાર થતો હોઈ કેટલાક ભાષાશાસ્ત્રીઓ વધારે ચોકસાઈ માટે આ ધ્વનિઓને દ્વયોષ્ઠ્ય[21] વ્યંજનો કહે છે. (જુઓ આકૃતિ ૫ મી). [પ્] અલ્પપ્રાણ અઘોષ દ્વયોષ્ઠ્ય સ્પર્શ વ્યંજન છે, [બ્] એનું સઘોષ રૂપ છે. [ફ્] એ [પ્] નો મહાપ્રાણ-ધ્વનિ અને [ભ્] એ [બ્]નો મહાપ્રાણ ધ્વનિ છે. આ મહાપ્રાણધ્વનિઓ ગુજરાતી હિંદી જેવી ભારતીય ભાષાઓમાં મળે છે; અંગ્રેજીમાં એ ધ્વનિઓ નથી.

(ब) જ્યારે મુખમાંથી શ્વાસનું નિર્ગમન થતાં નીચેના હોઠ ઉપરના દાંતને સ્પર્શતા હોય ત્યારે દન્ત્યોષ્ઠ્ય (labio-dental) વ્યંજનો બને છે. ઉ.ત. અંગ્રેજી [v] અને [f]. વસ્તુતઃ આ બંને ધ્વનિઓ એક જ સ્વરૂપના છે–[f] અઘોષ છે. વ્ [v] ઘોષ છે.[22] ઉ.ત. અંગ્રેજી: fine, van; ઉર્દૂ: फ़ौरन (જુઓ આકૃતિ ૬ ઠ્ઠી). ગુજરાતી વ્ [V] કરતાં અંગ્રેજી [v] નું ઉચ્ચારણ સવિશેષ ભારપૂર્વક થાય છે. અંગ્રેજી [v] ના ઉચ્ચારણમાં ઉપરના દાંત વડે નીચેનો હોઠ સુદૃઢપણે (firmly) દબાય છે, જ્યારે ગુજરાતી (- સંસ્કૃત) વ્ [V] ના ઉચ્ચારણમાં આ વિચાર ઘણી મૃદુતાથી થાય છે.

(૨) (अ) બહાર નીકળતો શ્વાસ જ્યારે જીભ વડે દાંત પાસે અવરોધ પામે છે ત્યારે દંત્ય(dental) વ્યંજનો બને છે. ભાષાભાષાએ એના ભિન્ન ભિન્ન પ્રકારો મળે છે. ઉ ત. ગુજ૰ ત્, થ્, દ્, ધ, અંગ્રેજી θ (=th, જે three માં સંભળાય છે), અને ð (=dh, જે the, thenમાં સંભળાય છે). (આકૃતિ ૭) આ બંને અંગ્રેજી ધ્વનિઓ θ, ð સંઘર્ષી ધ્વનિઓ છે અને તેમના ઉચ્ચારણમાં જીભનું ટેરવું ઉપરના અને નીચેના દાંતની વચ્ચે રહે છે, બાકીની જીભ મુખમાં શિથિલ રહી ફેલાઈ રહે છે, ને શ્વાસ દાંત અને જીભની વચ્ચેથી નીકળે છે. [θ] અઘોષ દંત્ય સંઘર્ષી ધ્વનિ છે, [ð] એનું સઘોષ રૂપ છે. (ભારતીય ભાષાઓમાં [θ] નથી, અને સંઘર્ષી ð ને સ્થાને દંત્યસ્પર્શ [d̪h] નો ઉપયોગ થાય છે). ફ્રેન્ચ [t, d] ધ્વનિઓ ઉપરના દાંત સાથેના સ્પર્શથી થાય છે.[23] સંસ્કૃત-ગુજરાતીની માફક ફ્રેન્ચ ધ્વનિઓ દંત્ય, અથવા, વધારે ચોકસાઇથી કહેવું હોય તો, ઉપરિદંત્ય (post-dental) છે.[24] એમની ધ્વનિવૈજ્ઞાનિક સંજ્ઞા [t̪] અને[d̪] છે. ઉ. ત. ગુજ૰ ‘પિતા’[pit̪a], ‘દમ’ [d̪əm]. ફ્રેન્ચ tette [t̪ɛt̪], duc[d̪yk]. આનાં મહાપ્રાણ રૂપો थ्, घ् ભારતીય ભાષાઓમાં છે; ઉ. ત. ‘થાક’ [t̪hak], ‘ધામ’ [d̪ham]; અંગ્રેજી ફ્રેન્ચમાં નથી. (ब) ઉપરના દાંતથી જરાક ઉપરને ભાગે પેઢાં આવેલાં છે. એને વર્ત્સભાગ (teeth-ridge; alveolar ridge) કહે છે. જીભ વડે આ સ્થાને પૂર્ણ કે ઈષદ્ અવરોધ (સ્પર્શ કે સંઘર્ષ રૂપે) થવાથી ઉત્પન્ન થતા ધ્વનિઓને વત્સ્ય (alveolar) ધ્વનિઓ કહે છે.

ગુજરાતી સ્ અને અંગ્રેજી [t, d, s, z] ધ્વનિઓ આ સ્થાનમાં – વર્ત્સભાગમાં – ઉત્પન્ન થાય છે. એના ઉચ્ચારણમાં જીભ વર્ત્સભાગ (alveolae) સાથે સ્પર્શ - સંઘર્ષ કરે છે એથી એ વર્ત્સ્ય ધ્વનિઓ કહેવાય છે.[25] [t, d] ધ્વનિઓ સ્પર્શ વડે બને છે. [t] અઘોષ અલ્પપ્રાણ છે; [d] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી tin, din. ભારતીય ભાષાઓના ट [t], ड [d] થી એ ભિન્ન છે.

સ્ અને ઝ [s, z] ધ્વનિઓ સંઘર્ષથી ઉત્પન્ન થાય છે. આ અંગ્રેજી ઉપરિદંત્ય (gingival) સંઘર્ષી ધ્વનિઓ [s, z] સિસકારધ્વનિ (hisses) કે સોષ્મધ્વનિ (sibilants) છે. એમાં જિહ્વાફલક (blade) વર્ત્સભાગ ને સામેના દાંતના સંયોગમાં આવે છે; જીભનું ટેરવું: નીચેના દાંતોની પાછળ દબાઈ રહે છે, જીભનો વચ્ચેના ભાગ સંકોચાય છે અને બાજૂઓ ફૂલે છે, અને વચ્ચેના સાંકડા માર્ગમાંથી શ્વાસ જોરથી પેઢાં કે દાંત સામે અથડાઈને બહાર નીકળે છે, જેથી એક કર્ણમધુર (sonorous) સિસકારો કે ગુંજન (buzz–ગણગણાટ) સંભળાય છે. સ્ [s] અઘોષ વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ છે; [z] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી see, zink; ગુજ૰ સેના પાસે; હિંદી ज़िन्दगी ઈ૰.[26] (જુઓ અનુક્રમે આકૃતિ ૮ મી અને ૯ મી). ભારતીય स् દંત્ય સિસકાર-ધ્વનિ છે એ નોંધવું ઘટે છે. (૩) (अ) વર્ત્સ્યથી જરા ઉપર કઠોર તાલુનો ભાગ આવેલો છે. (જુઓ આકૃતિ ૧ લી). જીભનો અગ્રભાગ એને (એની બંને બાજુઓને–પાર્શ્વને) સ્પર્શે ત્યારે સંસ્કૃત તાલવ્ય[27] સ્પર્શ વર્ણો (च्, छ्, ज्, झ्) બને છે. આ શુદ્ધ તાલવ્ય ધ્વનિઓ છે. એ સ્પર્શ ધ્વનિઓ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં આ ધ્વનિઓ સ્પર્શ-સંઘર્ષી છે.[28] ઉ.ત. ગુજરાતી હિંદી च् [ʧ], ज् [ʤ] સ્પર્શ-સંઘર્ષી છે. ગુજરાતી શ્ ધ્વનિ અને અંગ્રેજી ધ્વનિઓ [ʃ] (sure કે shineમાં છે તેવો શ્) અને [ʒ] (pleasure કે vision માં છે તેવો શ્ઝ્) આ સ્થાનના, પણ સંઘર્ષી (fricative) ધ્વનિઓ છે. આ ધ્વનિઓ ઉચ્ચારતાં જીભ વર્ત્સની સામે રહીને એક ચપટું રન્ધ્ર બનાવે છે, જીભના અગ્રભાગ વડે કઠોર તાલુ સાથે શ્વાસનો અપૂર્ણ અવરોધ (= સંઘર્ષ) થાય છે, જીભનું ટેરવું નીચેના દાંતની પાછળ દબાય છે કે વર્ત્સની સામે રહે છે, અને જીભ જરા પાછળ ખેંચાઈને શ્વાસ (s, z ની માફક) સીધો પેઢાં કે દાંત ઉપર ન અથડાતાં સહેજ મ્હોંમાં ઘૂંટાઈને વત્સની સામે જીભના ચપટા રન્ધ્રમાંથી બહાર નીકળે છે. એમને hushes (= શાન્તિપ્રેરક ધ્વનિઓ), કે અસામાન્ય સોષ્મ ધ્વનિઓ (abnormal sibilants) કહે છે.[29] [ʃ] श् અઘોષ તાલુ–વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ છે, [ʒ] એનું સઘોષ રૂપ છે. [ʃ] હિંદી, ગુજરાતી, બંગાળી જેવી ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મનમાં ખૂબ વપરાય છે. [ʒ] ફ્રેન્ચમાં પ્રચુરપણે વ્યવહૃત છે, અંગ્રેજીમાં એ ફ્રેન્ચમાંથી ઉછીના લીધેલા શબ્દોમાં વિશેષતઃ આવે છે. ગુજરાતીમાં પ્રાદેશિક બોલીમાં એ મળે છે. ઉ. ત. ઝ઼ાડ઼ [ʒaꞄ]. ભારતીય श् એ આ જ વર્ગનો તાલવ્ય સિસકારધ્વનિ છે. સંસ્કૃતનો ષ્[Ș] અઘોષ મૂર્ધન્ય સંઘર્ષી ધ્વનિ છે. એમાં જીભનું ટેરવું પાછળની બાજૂએ ઊલટીને એક છિદ્ર બનાવે છે, ને જીભની બંને બાજૂએ કઠોર તાલુને સ્પર્શી રહે છે. ફ્રેન્ચ તાલવ્ય (palatal)[c] (qui [=કી] માં છે તેવો) જીભનો પશ્ચભાગ કઠોરતાલુને સ્પર્શવાથી બને છે.[30] (ब) અર્વાચીન ભારતીય ભાષાઓના ટ –[t] વર્ગના ધ્વનિઓનું સ્થાન પણ આ જ – કઠોર તાલુ (hard palate) છે. એના ઉચ્ચારણમાં જિહ્વાગ્ર ઊંચું થઈને, પાછળ વીંટાઈને (curling backwards) કઠોર તાલુના કોઈક ભાગને સ્પર્શે છે.[31] આ (ટ–વર્ગના) ધ્વનિઓના ઉચ્ચારણમાં જિહ્વાગ્ર ‘ઊલટીને’ (અર્થાત્, નીચે રહેવાને બદલે ‘પાછળને ભાગે ઉપર વળીને’) કઠોર તાલુને સ્પર્શતું હોય છે, તેથી આધુનિક ભાષાવૈજ્ઞાનિકો એમને retroflex ધ્વનિઓ કહે છે. ધ્વનિશાસ્ત્ર અનુસાર એમની સંજ્ઞા [t] ट्, [th] ठ्, [d] ड् ,[dh] ढ् એ પ્રમાણેની છે. ઉ. ત. ટાંકણી [tā̃kəṇi], ઠપકો [thəpko], ઢાળ [dhal,]. પ્રાતિ-શાખ્યોમાં આને ‘પ્રતિવેષ્ટિત’ ધ્વનિઓ[32] કહ્યા છે. આ વર્ગના ड् [Ꞅ], ळ् [l], ण्, [Ƞ] આદિ વર્ણોના ઉચ્ચારણમાં જિહ્વાગ્રનો ઉત્ક્ષેપ થવાથી (ઉપર ફેંકાવાથી) અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો એમને ઉત્ક્ષિપ્ત (flapped) ધ્વનિઓની સંજ્ઞા આપે છે.[33] વધારે ચોકસાઈથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે આ ધ્વનિઓમાં જિહ્વાગ્ર ઉપર ફેંકાઈને તરત પાછું યથાસ્થાન આવી જાય છે.

નોંધ:– સંસ્કૃત ભાષાના આ ધ્વનિઓનાં (ट्, ठ्, ड्, ઈ૰ નાં) ઉચ્ચારણો કઠોર તાલુથી જરાક ઉપરના ભાગનાં – કઠોર તાલુ અને સુકુમાર તાલુના સંધિસ્થાનનાં – અર્થાત્ મૂર્ધાનાં મનાયાં છે. એથી સંસ્કૃત વ્યાકરણાદિમાં આ ધ્વનિઓને મૂર્ધન્ય કહેવામાં આવ્યા છે. સંસ્કૃત ष् એ મૂર્ધન્ય સિસકારધ્વનિ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં ष् ધ્વનિ લુપ્ત થયેલો છે; જ્યાં સંસ્કૃત તત્સમ શબ્દોમાં લેખનમાં ष् ધ્વનિ મળે છે ત્યાં એનો ઉચ્ચાર श् થતો હોય છે. ઉ. ત. विषम, ઉચ્ચાર विशम, षड्यन्त्र ઉચ્ચાર शड्यन्त्र. વસ્તુતઃ સંસ્કૃત અને નૂતન ભારતીય ભાષાઓના આ ઉત્ક્ષિપ્ત ધ્વનિઓ વચ્ચે ફરક માત્ર પ્રયત્નનો જ હોય એમ જણાય છે – સંસ્કૃત ધ્વનિઓમાં વિશેષ પ્રયત્ન છે નૂતન ભારતીય ભાષાઓના ધ્વનિઓમાં એની અપેક્ષાએ કંઈક ઓછો પ્રયત્ન જણાય છે.

(૪) કોમલ તાળુ (soft palate કે velum) નો જીભના પશ્ચભાગને[34] સ્પર્શ થવાથી ક્, ખ્, ગ્, ઘ્ એ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. સર્વ ભાષાઓમાં એ ધ્વનિઓ મળે છે. સંસ્કૃત વૈયાકરણોએ એમને કંઠ્ય ગણ્યા છે, પરંતુ વસ્તુતઃ એ કોમલતાલુજન્ય (velar) ધ્વનિઓ છે. ઉ. ત. સં. कर्म [kərmə], ગતિ [gətı] (જુઓ આકૃતિ ૧૧ મી). અંગ્રેજી [k] તથા [g] ધ્વનિઓ (ઉ. ત. અંગ્રેજી cake, gate) અને જર્મન [k] (ઉ.ત. kuh) પણ આ જ પ્રકારના કોમલતાલુજન્ય (velar) સ્પર્શ ધ્વનિઓ છે.[35] આનાં મહાપ્રાણરૂપે ख्, [kh] घ् [gh] ભારતીય ભાષાઓમાં છે. આ ઉપરાંત, ભારતીયેતર ભાષાઓમાં અલિજિહ્વા (પડજીભ–uvula), કંઠમૂલ (Pharynx = જીભના પશ્ચભાગ અને ગળાની પાછળની દિવાલ વચ્ચેનો ભાગ); સ્વરતંત્રીવિવર (glottis) ઈ૰ સ્થાનોએ કેટલાક ધ્વનિઓ થતા હોય છે, જેમનું ભારતીય ભાષાઓમાં નિદર્શન મળતું નથી. ઉ. ત. અલિજિહ્વા (uvula) થી અરબી અઘોષ क़् (uvular unvoiced stop) [q][36] ઉચ્ચારાય છે. ઉ. ત. ઉર્દૂ क़ीमत [qi:mət], क़रीब [qəri:b].[ɢ] ग़् એ એનું સઘોષ રૂપ છે. અંગ્રેજી ફ્રેન્ચ આદિ યુરોપીય ભાષાઓમાં આ ધ્વનિઓ નથી. અલિજિહ્વાના પ્રકંપન(vibration) થી ઉત્તરીય જર્મન બોલીઓનો પ્રકંપિત અલિજિહ્વીય र् (trilled uvular [R]) થાય છે.૩૭ કંઠમૂલ (Pharynx) માંથી અરબી અઘોષ ह् [h] ઉચ્ચારાય છે.[37] સ્વરતંત્રીવિવર (glottis) માંથી અરબી હમજ઼ા ह् (hain) ઉત્પન્ન થાય છે.૩૮[38] સ્વરતંત્રી જ્યારે તદ્દન પાસે પાસે આવી જાય ત્યારે સ્વરતંત્રીવિવર (glottis) બંધ થઈ જાય છે, અને (ફેફસાંમાંથી આવતા) શ્વાસનો અવરોધ થાય છે. ત્યારે ફેફસાંમાંથી આવતા શ્વાસના દબાણ (pressure) થી સ્વરતંત્રીઓ એકદમ ટકરાઈને સહસા છૂટી પડે–અલગ અલગ થઈ જાય–ત્યારે એક સહેજ ખાંસી જેવો અવાજ સંભળાય છે. એને સ્વરતંત્રીવિવરધ્વનિ અથવા સ્વરતંત્રીય સ્પર્શ (glottal stop[?]) કહે છે. એ ઘોષ નથી તેમ અઘોષ નથી. સ્કૉટલૅન્ડની બોલીમાં Saturday, bottle ઈ૰ ના ઉચ્ચારણમાં [t] ને સ્થાને glottal stop[?] બહુધા સંભળાય છે.[39] ઉ. ત. [sae?ədei], [bc?t]. જર્મનમાં glottal stop ખૂબ સાધારણ છે.[40] પ્રમાણભૂત અંગ્રેજીમાં સામાન્યતયા એ ધ્વનિ મળતો નથી; છતાં અંગ્રેજો જ્યારે સ્વરથી આરંભાતા શબ્દ ઉપર ભાર મૂકવા માગતા હોય[41] ત્યારે glottal stop સંભળાય છે. ઉ. ત. [?Anyone can do this; અથવા ?I ?always do this;[42]૨ it’s ?absolutely false. ક્વચિત્ સસંકોચ વક્તવ્યમાં આદિ સ્વર પૂર્વે આ ધ્વનિ સંભળાય છે. (જુઓ: Daniel Jones, op. cit., p. 139). સ્વરતંત્રીઓ પાસે આવે છતાં સ્વરતંત્રીવિવરનો અવરોધ ન થાય ત્યારે બહાર નીકળતા શ્વાસથી સ્વરતંત્રીઓ વેગથી પ્રકંપિત (vibrate) થાય છે, અને ધ્વનિમાં ઘોષ (voice) સંભળાય છે, (ઉ. ત. ગુજ૰ ગ્, ઘ્, દ્, ધ્, ન્: તેમ અંગ્રેજી [g], [d], [v] આદિ ધ્વનિઓમાં) એ આપણે આગળ જોઈ ગયા છીએ. આ પ્રમાણે સ્વરતંત્રીઓ પાસે પાસે આવી હોય, છતાં એ તંગ રહે ને એમનું કંપન ન થાય, ત્યારે બહિર્ગમન થતા શ્વાસથી માત્ર છન્નગોષ્ઠિ કે કાનગોષ્ઠિ (સં. कर्णजाप) whisper સંભળાય છે.[43] કેટલીક વાર એમાં ઉપરની કૃત્રિમ સ્વરતંત્રીઓ જ પાસે પાસે આવી હોય છે, ને નીચેની મુખ્ય સ્વરતંત્રી અલગ હોઈ કંઠદ્વાર ખુલ્લું રહે છે. બંને સ્વરતંત્રીઓ અલગ અલગ, નિ:સ્પંદ, રહે, અને એમની વચ્ચેના માર્ગમાંથી શ્વાસનું નિર્ગમન થાય, ત્યારે ક્, ખ્, ત્, થ્, [k], [t], [f] જેવા અઘોષ ધ્વનિઓ સંભળાય છે. સ્વરતંત્રીઓ જ્યારે એકબીજાથી એટલી બધી અળગી અળગી આવેલી હોય કે ઘોષ શુદ્ધ રૂપે ન સંભળાતાં એની સાથે (સ્વરતંત્રી-વિવરમાંથી નીકળતા શ્વાસનો) ઘર્ષણધ્વનિ સંભળાતો હોય ત્યારે મર્મરધ્વનિ (murmur, = મૃદુ, મંદ અવાજ; ગણગણાટ) સંભળાય છે. અંગ્રેજીમાં બલાઘાતરહિત (unstressed) સ્વરો ઘોષ ધ્વનિને બદલે મર્મરધ્વનિ (murmur) રૂપે બોલાય છે. કેટલીક ભાષાઓમાં મર્મરધ્વનિ (murmur) ધ્વનિગ્રામ તરીકે આવે છે. ત્યારે તેની સંજ્ઞા [h] થી દર્શાવી શકાય.[44] ઉચ્ચારણના (વાણી)સ્થાન અનુસાર ધ્વનિઓના પ્રકારો આપણે જોયા; હવે ઉચ્ચારણના પ્રયત્ન અનુસાર ધ્વનિઓના કેવા પ્રકારો પડે છે તેની સમીક્ષા કરીએ. આપણે આ સંબંધે આગળ, અન્ય સંદર્ભમાં, થોડીક પ્રાથમિક ચર્ચા કરી ગયા છીએ. જે ધ્વનિના ઉચ્ચારણમાં જીભ મુખવિવરનાં ભિન્ન ભિન્ન વાણી-સ્થાનને પૂર્ણસ્પર્શ કરીને બહાર નીકળતા શ્વાસને ક્ષણભર સંપૂર્ણપણે અટકાવી દઈને પછી મુક્ત થવા દે છે તેમને સ્પર્શ ધ્વનિઓ (stops; explosives – ટૂંકામાં, plosives; કે occlusives) કહે છે. ઉ. ત. ક્, ગ્, ત્, દ્, પ્, આદિ. પરંતુ, એમ શ્વાસનો પૂર્ણ અવરોધ (complete closure) ન થતાં મુખમાંથી શ્વાસના નિર્ગમનનો માર્ગ ઘણો સંકીર્ણ (સાંકડો) થઈ જાય, અને તેથી શ્વાસ ઘર્ષણધ્વનિ (friction - noise; અર્થાત્, સિસકારા, hissing sound) સાથે બહાર નીકળે ત્યારે સંઘર્ષી ધ્વનિઓ (spirants, fricatives) ઉત્પન્ન થાય છે. ઉ.ત. સ્, શ્. આ ધ્વનિઓ ક્ષણિક સ્ફોટ (explosion) થી ઉત્પન્ન થઈને વિરામ પામવાને બદલે કેટલીક વાર સુધી સતત ચાલુ રહે છે તેથી તેમને સાતત્ય ધ્વનિઓ (duratives, continuants)[45] પણ કહેવામાં આવે છે.

સૈદ્ધાન્તિક દૃષ્ટિએ સ્પર્શ વ્યંજનો જેટલાં જ વાણીસ્થાનોએથી સંઘર્ષી ધ્વનિઓ પણ નીકળી શકે. ઉ. ત. અંગ્રેજી તથા ફ્રેન્ચ દન્ત્યોષ્ઠ્ય સંઘર્ષી ધ્વનિ [f]; ફ્રેન્ચ દંત્ય સંઘર્ષી ધ્વનિ [s]; અંગ્રેજી વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ [θ] [=th] (ઉ. ત. અંગ્રેજી thin); જર્મન તાલવ્ય સંઘર્ષી ધ્વનિ ch (ઉ. ત. Ich [=ઇશ્]); ફ્રેન્ચ મધ્ય તાલવ્ય (medio palatal) ch (ઉ. ત. Cheval [=શેવાલ્]); જર્મન કોમલતાલુજન્ય (velar) સંઘર્ષી ધ્વનિ ch [ख्] (ઉ. ત. Buch [=બુખ્]) (સરખાવો ઉર્દૂ સંઘર્ષી ધ્વનિ [x]).[46] સ્ફોટની માફક આ સંઘર્ષી ધ્વનિઓ પણ ઘોષ અને અઘોષ બંને પ્રકારના હોઈ શકે છે. અઘોષ સંઘર્ષીમાં સંઘર્ષ તીક્ષ્ણ હોય છે; સઘોષ સંઘર્ષીમાં સંઘર્ષ એટલો તીક્ષ્ણ હોતો નથી. અંગ્રેજીમાં [f], [s] એ અઘોષ સંઘર્ષી ધ્વનિઓ, અને [v], [z] એ સઘોષ સંઘર્ષી ધ્વનિઓ છે.[47] (જુઓ આકૃતિ ૯મી અને ૧૨મી). અંગ્રેજી દન્ત્યૌષ્ઠ્ય ધ્વનિ [f] માં નીચેના હોઠને ઉપરના દાંતથી ધીમેથી સ્પર્શાય છે, અને શ્વાસ ઉપરના દાંત અને નીચેના હોઠની વચ્ચે થઈને નીકળે છે. [f] અઘોષ હોઈ સ્વરતંત્રીમાં કંપન થતું નથી. ઉ. ત. અંગ્રેજી fine, ઉર્દૂ फ़ौरन. [v] નું ઉચ્ચારણ ઉપરના જેવું જ પણ સ્વરતંત્રીમાં કંપન હોય છે, અને દાંત અને ઓષ્ઠનો સંપર્ક અત્યન્ત શિથિલ હોય છે, તેમ શ્વાસ પણ [f] જેટલો સબળ હોતો નથી. ઉ. ત. અંગ્રેજી vine. હિંદી આદિ ભારતીય ભાષાઓમાં આ ધ્વનિ નથી. કેટલીક વાર જીભ વાણીસ્થાન સાથે સંપૂર્ણ શ્વાસાવરોધ ન કરતાં સહેજ માત્ર સ્પર્શ કરીને પછી તરત જ સંઘર્ષ કરે છે (શ્વાસના નિર્ગમનમાર્ગને સંકુચિત કરે છે). આ રીતે સ્પર્શસંઘર્ષી (affricate) ધ્વનિઓ (કે affricatives) બને છે. એમાં મુખમાં ક્ષણભર શ્વાસનો અપૂર્ણ અવરોધ થઈને પછી મુખ ખૂલી જાય છે, જેથી સ્ફોટ (occlusive) રૂપે આરંભાયેલો ધ્વનિ ઘર્ષણધ્વનિ (spirant) માં રૂપાન્તરિત થાય છે.[48] એથી કેટલાક આને અર્ધસ્ફોટ (semi-occlusives) પણ કહે છે. એમનું સ્થાન સ્ફોટ અને સંઘર્ષી ધ્વનિઓ વચ્ચેનું છે. સ્પર્શસંઘર્ષી ધ્વનિઓ (affricates) પણ ઘોષ તેમજ અઘોષ બંને સ્વરૂપના હોઈ શકે.[49] સંઘર્ષી ધ્વનિઓની માફક જેટલા સ્પર્શ ધ્વનિ તેટલા જ તત્સંબંધી (corresponding) સ્પર્શસંઘર્ષી ધ્વનિઓ હોઈ શકે છે. (ઉ. ત. b નો bβ; d ના dð, dz, dʒ; t ના tθ, ts, tʃ ઈ૰ (જુઓ Daniel Jones, op. cit., p. 146).

અર્વાચીન ભારતીય ભાષાઓના ચ્, છ્, જ્, ધ્વનિઓ અને અંગ્રેજીના [ts] (= ત્સ ઉ.ત. cats) અને [dz] (=ડ્ઝ, ઉ.ત. reads), તેમ [ʧ] [=ચ્] (church, each માં છે તેવો ચ્-ધ્વનિ) અને [ʤ] [=જ્] (judge, urge માં છે તેવો જ્-ધ્વનિ) આ પ્રકારના સ્પર્શસંઘર્ષી-affricate-ધ્વનિઓ છે. [ts] [dz] વર્ત્સ્ય સ્પર્શસંઘર્ષી ધ્વનિઓ છે, જ્યારે[ʧ] [ʤ] તાલવ્ય સ્પર્શસંઘર્ષી છે. (જુઓ આકૃતિ ૧૦ અને ૧૦ अ).અંગ્રેજી, ઈટાલિયન, રશિયન તેમજ ગુજરાતી, મરાઠી, હિંદી જેવી ભારતીય ભાષાઓમાં એ પ્રાપ્ત થાય છે. અંગ્રેજી [ʧ] અને [ʤ] ધ્વનિઓ ભારતીય च्, ज्, ધ્વનિઓ કરતાં ખૂબ શક્તિમંત છે. આથી સંસ્કૃત તાલવ્ય સ્પર્શ च्, छ्, ज् ધ્વનિઓનું સ્વરૂપ અંગ્રેજી ધ્વનિઓથી કેટલેક અંશે જૂદું પડે છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ.

જીભ એક કે બંને બાજૂઓને ઉપર ઉઠાવીને ટેરવાંથી દાંતને કે વર્ત્સભાગ (alveolar ridge)ને સ્પર્શી રહીને બહાર નીકળતા શ્વાસના માર્ગમાં એવી રીતે અવરોધ કરે કે શ્વાસ મુખના એક કે બંને પાર્શ્વ(બાજુઓ)માંથી નોંધપાત્ર ઘર્ષણ વિના બહાર નીકળે, ત્યારે પાર્શ્વિક (lateral) ધ્વનિઓ બને છે.[50] ઉ. ત. સંસ્કૃત – ગુજરાતી લ્, અંગ્રેજી સ્ફુટ (કે અગ્રિમ) [l] (‘clear’ l; like, value, less જેવા શબ્દોમાંનો લ્-કાર).[51] ફ્રેન્ચ આદિ યુરોપીય ભાષાઓમાં પણ આ પાર્શ્વિક ધ્વનિ મળે છે. અંગ્રેજીમાં સ્ફુટ [l] સ્વરોની અને य् [j] ની પૂર્વે જ આવે છે.

આ ઉપરાંત અંગ્રેજીમાં ઈષદ્ સ્ફુટ [ɫ] ધ્વનિ (‘dark’ 1; bottle, milk, well ઈ૰ શબ્દોમાં સંભળાતો લ્-કાર) પણ છે. અંગ્રેજી સ્ફુટ [l] માં જીભનું ટેરવું વર્ત્સને મળે અને જિહ્વાગ્ર કઠોર તાલુ તરફ ઊંચું થાય છે (જુઓ આકૃતિ ૧૩મી); ત્યારે અંગ્રેજી ઈષદ્સ્ફુટ (કે પશ્ચિમ) (dark)[ɫ] માં (એની ભાષાશાસ્ત્રીય સંજ્ઞા ɫ છે) જીભનું ટેરવું વર્ત્સને અડી રહે, જીભનો અગ્રભાગ પ્રોક્ષણી-પાત્ર જેવો વચ્ચેથી પોલો (hollow) બને છે, અને જીભના પશ્ચભાગ સુકુમાર તાલુ તરફ ઊંચો થાય છે. (જુઓ આકૃતિ ૧૪મી). આ ધ્વનિ સ્વરરૂપ કે આક્ષરિક — syllabic સ્વરૂપનો — છે. આ ધ્વનિ ભારતીય ભાષાઓમાં નથી; અંગ્રેજીમાં શબ્દને અંતે કે વ્યંજનોની સાથે જ એ આવે છે. ધ્વનિઓની સ્વરરૂપતા એની સંજ્ઞા નીચે નાની ઊભી રેખાથી દર્શાવાય છે. ઉ.ત.[ḷ].

લ્-ધ્વનિના આ બંન્ને પ્રકારો [l] [ɬ] ઘોષ છે. આ ધ્વનિના અઘોષ [ḷ], મહાપ્રાણ [lh], સંઘર્ષી, તેમજ સાનુનાસિક રૂપો પણ સંભવે છે. સઘોષ મહાપ્રાણ [lh] ધ્વનિ ગુજ૰ ચુલ્હો [tʃulhɔ], લ્હાવો [lhavo] જેવા શબ્દોમાં મળે છે. આ જ વર્ગનો ळ [ḷ] ધ્વનિ અલ્પપ્રાણ સઘોષ મૂર્ધન્ય પાર્શ્વિક ધ્વનિ છે. એમાં જીભનું ટેરવું પાછળ ખેંચીને કઠોર તાલુ સાથે જોડાય છે, બાકીની પ્રક્રિયાઓ ल [l] જેવી જ છે. ઉ. ત. ગુજ૰ બાળક [baḷǝk], મરાઠી वळणें [vǝḷṇẽ]. જીભને લપેટીને–પ્રોક્ષણી આકારના પાંદડાની માફક વચ્ચેથી પોલી રાખીને – વર્ત્સભાગ (alveolar ridge) સાથેના સંઘર્ષથી જે સંઘર્ષી ધ્વનિ ઉત્પન્ન થાય તેને લોડિત (rolled) ધ્વનિ કહે છે. ર્ લોડિત ધ્વનિ છે. એમાં જીભનું ટેરવું વર્ત્સભાગ સાથે બે થી ચાર વાર ટકરાય છે. હિંદી, બંગાળી, ગુજરાતી આદિ ભારતીય ભાષાઓમાં એ મળે છે; શિષ્ટ અંગ્રેજીમાં એ નથી. ઉ. ત. Bird [bə:d], over [ovə]. (જુઓ આકૃતિ ૧૫મી.).


કેટલાક અંગ્રેજી શબ્દોમાં (ઉ. ત. read, write, horrid ઈ૰ માં) ર્–કાર ધ્રુજારી જેવો(र् र् र् र् જેવો) સંભળાય છે, એને પ્રકંપિત ધ્વનિ(trill)[52] કહે છે. એ લોડિત (rolled) ધ્વનિનો જ એક પ્રકાર છે. એ દંત્ય (dental) ધ્વનિ છે અને વર્ત્સભાગના ઉપરને ભાગે[53] જીભનાં પ્રકંપન (vibration)થી ઉત્પન્ન થાય છે. આવાં પ્રકંપનો (trills) અલિજિહ્વા, હોઠ ઈ૰ વાણીસ્થાનોથી શક્ય છે. [54] બધા ર્-ધ્વનિ ઘોષ છે. પણ અઘોષ ધ્વનિ સાથે સંયુક્ત હોય તો એ અઘોષ બને છે. ઉ.ત. prison, tree ઈ૰ માં અઘોષ र् છે. ર્ અને લ્, ના ઉચ્ચારણમાં જીભની વિશિષ્ટ સ્થિતિને કારણે સ્વરો જેવું નિનાદન (resonance) થાય છે. એથી र्, ल् (તેમજ ळ्) ને પ્રવાહી ધ્વનિઓ (liquids) કહેવાય છે. બંનેનાં સ્વરવત્ રૂપો (syllabic forms) સ્વરની માફક વર્ણઘટન કરે છે. સ્વરયુગ્મોમાં ઉત્તર સ્થાને (second elements) र्, ल् (તેમજ य्, व्) એ અર્ધસ્વરો આવે છે. (ઉ.ત. ay, aw, ey, ew, er, el, ઈ૰).[55] ઉપર પ્રમાણે લપેટાયેલી જીભ ક્ષણભર એમ રહી ફરી એકદમ યથાવત્ સીધી થઈ જાય ત્યારે ઉત્ક્ષિપ્ત (flapped) ધ્વનિ બને છે. એમાં જીભ એકજ tap (ઠોકર; થડકારો) આપે છે, પણ જોરથી. ગુજરાતી-હિંદી ड़् [ɽ] ઉત્ક્ષિપ્ત ધ્વનિ છે. સ્વરૂપે એ અલ્પપ્રાણ સઘોષ મૂર્ધન્ય ધ્વનિ છે. એનું મહાપ્રાણ રૂપ ढ़ [ɽh] પણ કેટલીક ભારતીય ભાષાઓમાં મળે છે. ઉ. ત. ગુજ૰ ‘કઢ઼ી’ [kəɽhi], હિંદી बढ़िया [bəɽhija]. ઉપરના વ્યંજનોના પણ પાછા ઘણા ઘણા પ્રભેદો સંભવે છે. ઉ. ત. સંસ્કૃત-ગુજરાતી સ્પર્શ વ્યંજનો બહિ:સ્ફોટાત્મક (expirated – જેમાં અવરોધ પામેલો શ્વાસ થડકાથી – જાણે સ્ફુટિત (explode) થઈને નીકળતો હોય તેમ – બહાર નીકળે છે, તેવા) છે; તો સિંધીના ज्, ब् જેવા વ્યંજનો[56] અંત:સ્ફોટાત્મક[57] (inspirated stops કે suction stops – શ્વાસ જેમાં અંદર ખેંચાય છે તેવા; અર્થાત્, જેમાં શ્વાસ નીકળતાં પહેલાં જાણે પ્રથમ અંદર ચુસાતો હોય, તેવા) છે. ધ્વનિ આગળ ‘મૂકીને એ દર્શાવે છે. ઉ. ત [’t]. અંતઃસ્ફોટાત્મક ધ્વનિઓ કે ક્લિક(clicks) નો ઉપયોગ ઈન્ડો–યુરોપિયન ભાષામાં અતિ વિરલ છે; પણ કેટલીક આફ્રિકન ભાષાઓમાં તો એનો પ્રયોગ આપણી ભાષાઓના સ્પર્શ-વ્યંજનો જેટલો સહજ છે. ગુજરાતી જેવી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ‘ક્લિક’ ભાવાતિરેક દર્શાવે છે, અને એમનું ઉચ્ચારણ ખૂબ પ્રયત્નપૂર્વક દંત, વર્ત્સ, કે તાલુસ્થાનથી થાય છે. ઉ. ત. [च् च् च्] એ ક્લિક ધ્વનિઓ કરુણા કે સહાનુભૂતિનો ભાવ વ્યક્ત કરે છે; [ट्ट्ट्] ધ્વનિઓ[58] પાળેલાં ભારવાહક પશુઓને ચાલવાની પ્રેરણા કરતાં પ્રયોજાય છે. ફ્રેન્ચ ભાષામાં અંતઃસ્ફોટાત્મક [’t] (આપણા ચ્ ચ્ ચ્ ને મળતો, પણ એનાથી જરા નીચેના સ્થાનનો, ત્ ત્ ત્ જેવો ધ્વનિ) શંકા દર્શાવવાને કે ધ્યાન ખેંચવાને વપરાય છે; અને અંતઃસ્ફુટ વર્ત્સ્ય [’t] (ટ્ટ્ટ્ જેવો ધ્વનિ) વિસ્મય કે પ્રશંસાનો દ્યોતક છે. તેમ અંતઃસ્ફુટિત [’f] (ઉચ્ચારણમાં प्-ब्, प्ब જેવો સંભળાતો હશે) સરસ ભોજનતૃપ્તિ દર્શાવવાને કે શ્રમ અને વેદનાનો અનુભવ વ્યક્ત કરવાને આવે છે.[59] આને કંઇક અંશે મળતો ઓષ્ઠ્ય ક્લિક ધ્વનિ દક્ષિણ આફ્રિકાની કેટલીક ભાષાઓમાં સંભળાય છે. એમાં સ્વરતંત્રીવિવર(glottis) બંધ રાખીને સ્વરયન્ત્ર (larynx)ને નમાવવામાં આવે છે. એને ઓષ્ઠ્ય ક્લિક ધ્વનિ (labial click) કહેવામાં આવે છે, અને [pv] સંજ્ઞાથી એ દર્શાવાય છે.[60] આપણે આગળ, પ્રકરણને આરંભે, ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે સુકુમાર તાલુ અને અલિજિહ્વા (uvula–પડજીભ) શિથિલ બનીને મુખમાં નીચેની બાજુએ ઢળી પડેલી સ્થિતિમાં આવી રહે ત્યારે મુખરન્ધ્ર બંધ થઈ જાય અને નાસારન્ધ્રમાંથી જ શ્વાસ નીકળે ત્યારે અનુનાસિક વ્યંજનો ઉચ્ચારાય છે. ઉ. ત. म [m], न [n]. સુકુમાર તાલુ થોડું નીચે ઢળે ત્યારે કેટલોક શ્વાસ મુખમાંથી અને કેટલોક નાસિકામાંથી નીકળે છે, ત્યારે સાનુનાસિક સ્વરો ઉચ્ચારાય છે.[61] ઉ. ત. आँ [ã], ईँ [ĩ]. એ બધા સઘોષ ધ્વનિ છે. સાનુનાસિક સ્વરો અંગ્રેજી કે ભારતીય ભાષાઓ કરતાં ફ્રેન્ચમાં સવિશેષ પ્રમાણમાં મળે છે. ઉ. ત. ફ્રેન્ચ bon [bɔ̃], sans [sɑ̃].

સ્પર્શ વ્યંજનોમાંથી द् જેવા દંત્ય વ્યંજનના ઉચ્ચારણ વખતે આ સ્થિતિ હોય તો न् [n] (અલ્પપ્રાણ સઘોષ દંત્ય નાસિક્ય) ઉચ્ચારાય છે. ઉ.ત. ‘નદી’, ‘દિન’, tenth. न् જેમ દન્ત્ય ધ્વનિ છે તેમ એનું વર્ત્સ્ય રૂપ પણ છે. ઉ.ત. ten, બનવું[bənavũ]. બંને રૂપો બહુ મળતાં આવતાં હોવાથી તેમને માટે એક સંજ્ઞા [n] ચાલી શકે છે. (જુઓ આકૃતિ ૧૬ મી; એની સાથે આકૃતિ ૮ મી સરખાવો). ब् જેવા ઓષ્ઠ્ય વ્યંજનોના ઉચ્ચારણ વેળા આ સ્થિતિ હોય તો म् (અલ્પપ્રાણ સઘોષ દ્વયોષ્ઠ્ય નાસિક્ય ધ્વનિ) ઉચ્ચારાય છે; અને ड् જેવા પ્રતિવેષ્ટિત (retroflex) કે ઉત્ક્ષિપ્ત (flapped) ધ્વનિઓના ઉચ્ચારણમાં આ સ્થિતિ હોય તો ण् (અલ્પપ્રાણ સઘોષ મૂર્ધન્ય નાસિક્ય ધ્વનિ) ઉચ્ચારાય છે. ગુજરાતી–મરાઠીમાં એનો પ્રયોગ પ્રચુર છે, ઉ.ત. ગુજ૰ ‘પાણી’ [paɳi], ‘ઘણું’ [ghəɳũ]; હિંદીમાં ઓછો છે; અંગ્રેજી–ફ્રેન્ચમાં બિલકુલ નથી. ભારતીય ભાષાઓ ઉપર દ્રાવિડી ભાષાઓનો પ્રભાવ એ સૂચવે છે.

ब् અને म् ના ઉચ્ચારણમાં માત્ર એટલો જ ફરક પડે છે કે ब् નું ઉચ્ચારણ કરતાં બધો શ્વાસ મુખમાંથી નીકળે છે, જ્યારે म् ઉચ્ચારતાં એ શ્વાસ નાસિકામાંથી નીકળે છે.[62] (જુઓ આકૃતિ ૧૭ મી; એની સાથે સરખાવો આકૃતિ ૫ મી). સં. कर्दम માંથી અપ. कद्दवुँ દ્વારા ગુજ૰ ‘કાદવ’ થવાનું, તેમ सं. वानरक માંથી ગુજ૰ ‘વાંદરો’, કે સં. पर्णकम् માંથી ગુજ૰ ‘પાંદડું”, થવાનું કારણ આ જ છે.

વાણીસ્થાનની દૃષ્ટિએ म् દ્વ્યોષ્ઠ્ય છે, न् દંત્ય છે, અને ङ् કોમલતાલુજન્ય છે, ण् ઉત્ક્ષિપ્ત છે. સામાન્ય રીતે [m] અને [n] બંને ઘોષ ધ્વનિ છે, અને બહુધા એ સવર્ણ ધ્વનિઓની સાથે જ આવે છે. પણ ક્વચિત્ અન્ય અઘોષ સંઘર્ષી ધ્વનિઓના સંયોગે એનાં અઘોષ રૂપ પણ મળે છે. ઉ.ત. small [smɔl], sneeze [sni:z]. એ રૂપો [ṃ] અને [n] એ રીતે લખાય છે. [m] અને [n] ધ્વનિનાં મહાપ્રાણ રૂપો પણ ભારતીય ભાષાઓમાં મળે છે. ઉ. ત. ગુજ૰ તમ્હે [təmhe], મરાઠી આમ્હી [amhi], ગુજ૰ ન્હાનું [nhanũ], હિંદી ચિન્હ [tʃinhə]. સંસ્કૃત વ્યાકરણમાં અનુસ્વારનું કેવળ નાસિકા–સ્થાન બતાવવામાં આવ્યું છે. પરંતુ આ પ્રકારનો નાસિક્યધ્વનિ અર્વાચીન ભારતીય ભાષાઓમાં આજે મળતો નથી. આજે તો અર્વાચીન ભારતીય ભાષાઓમાં જ્યાં લેખનમાં અનુસ્વાર દર્શાવવામાં આવ્યું હોય ત્યાં ઉચ્ચારણમાં વર્ગીય અનુનાસિક જ (પ્રત્યેક વર્ગનો પંચમાક્ષર) હોય છે. ઉ. ત. ‘મંગલ’ (= मङ्गल), ‘કાંચન’ (= काज्जन), ‘સુંદર’ (= सुन्दर). ग्નું અનુનાસિક ઉચ્ચારણ ङ् અને य् નું અનુનાસિક ઉચ્ચારણ व् છે. (सिंहનો सिंव्ह અને संशय નો संव्शय ઉચ્ચાર થાય છે; ત્યાં અનુસ્વાર પછી ઉચ્ચારસૌકર્ય માટે वશ્રુતિ-પ્રવેશ સમજવાનો છે.) આથી એમ કલ્પી શકાય છે કે સંસ્કૃતમાં ધ્વનિનો મુખથી ઉચ્ચાર થયા પછી અવશિષ્ટ શ્વાસ નાસિકામાંથી સ્વતંત્ર રીતે (પૂર્વાપર ધ્વનિઓની અસર વિના) નીકળતો, તેને અનુસ્વાર કહેવામાં આવતો.

નોંધ:- બધા વર્ણોના અનુનાસિક સ્વરૂપો સંભવે છે. કોઈ ધ્વનિનો ઉચ્ચાર કરતાં uvula (અલિજિહ્વા) નીચે ઢળે અને ઉચ્ચારણનું સ્થાન (articulation) કે જીભની સ્થિતિમાં કાંઈ ફરક પડ્યા વિના યથાવત્ રહે ત્યારે અનુનાસિક ધ્વનિ થાય છે. સરખાવો: Vendryes, op. cit., p. 28.

સંસ્કૃતના પાંચ અનુનાસિક વ્યંજનોમાંથી ण्, न्, म्, એ ત્રણ સ્વતંત્ર અનુનાસિક ધ્વનિઓ મનાયા છે. યૂલ્ બ્લૉખ્ જેવા ભાષા-વૈજ્ઞાનિકો ङ् અને ब् ને સ્વતંત્ર ધ્વનિ ગણતા નથી, પણ न् ના અંગભૂત ધ્વનિ (allophones) ગણે છે.[63] ઐતિહાસિક કારણોથી न् ह् રૂપે પરિવર્તિત થયો છે.[64] (જુઓ આકૃતિ ૧૮ મી; સરખાવો આકૃતિ ૧૧ મી).

યુરોપીય ભાષાઓમાં અંગ્રેજીમાં म् [m], न् [n], અને ङ् [ŋ] (ઉ.ત. sing, sink) એ ત્રણ અનુનાસિક વ્યંજનો છે. ફ્રેન્ચમાં ङ् ધ્વનિગ્રામ નથી; જ્યાં ङ् આવે છે (ઉ.ત. langue [lɑ̃ŋ]) ત્યાં એ /g/ ના અંગભૂત ધ્વનિ તરીકે આવે છે. પરંતુ ફ્રેન્ચમાં ज् [ɲ] સવિશેષ આવે છે. ઉ.ત. ‘signe’[siɲ = સીઁઞ્] = sign. અધિકાંશ ભાષાઓમાં ब् [ɲ] પ્રારંભે આવતો નથી, મધ્યે કે અંતે જ આવે છે. મલયાલમમાં એ પ્રારંભે આવે છે. સંસ્કૃતનો ‘મૂર્ધન્ય’ કહેવાતો (domal) ण् બેમાંથી એકેમાં નથી.

અંગ્રેજીમાં म् [m] ના અનુનાસિક વ્યંજનરૂપોની (ઉ.ત. middle, much) સાથે સ્વરરૂપ પણ મળે છે. ઉ.ત. ‘rhythm’, ‘bottom’ ઈ૰ નો અંત્ય म् ધ્વનિ એ સ્વરરૂપ (syllabic) છે.[65] એની ભાષાશાસ્ત્રીય સંજ્ઞા (ṃ) કે [m̩] છે. આજ પ્રકારે न् ના વ્યંજનરૂપની સાથે (ઉ.ત. knee, neck) એનું સ્વરરૂપ [n̩] કે [ṇ] પણ કેટલાક શબ્દોમાં મળે છે. ઉ.ત. eleven, even, oxen. એનું ઉત્કટ રણકારતત્ત્વ (resonance) નોંધપાત્ર છે.

ઘણી ભાષાઓમાં સ્વરરૂપ અનુનાસિકો મળે છે. ઈન્ડો-યુરોપિયનમાં એ હતાં. સ્વરયુગ્મના દ્વિતીય સ્વર (second member) તરીકે ઈન્ડો-યુરોપિયનમાં [ṇ] અને [ṃ] એ અનુનાસિકો વપરાતા. ઉ.ત. eṇ, eṃ, oṇ, oṃ. એનું સમાનરૂપનું નિદર્શન ઉપરના અંગ્રેજી rhythm, bottom જેવા શબ્દોમાં મળે છે.

સંસ્કૃત વૈયાકરણે य्, व्, र्, ल् ને અંતઃસ્થ વર્ણો ગણતા હતા. પરંતુ વર્તમાન ભાષાવૈજ્ઞાનિકો र्, ल् ને અંતઃસ્થ ગણતા નથી. ल्પાર્શ્વિક (lateral) ધ્વનિ છે, જ્યારે र्લોડિત (rolled) ધ્વનિ છે. य् ને પ્રાતિશાખ્યોમાં તાલવ્ય ગણાવ્યો છે.[66] વર્તમાન ભાષાશાસ્ત્રીઓમાંથી કેટલાક એને તાલવ્ય ધ્વનિ ગણે છે, તો કેટલાક વર્ત્સ્ય ગણે છે. व् દ્વ્યોષ્ઠ્ય ધ્વનિ છે.[67] આ બંને ધ્વનિઓ સંઘર્ષી સ્વરૂપના છે.

પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો અનુસાર આ ધ્વનિઓને અર્ધસ્વર (semi-vowel) કે અર્ધવ્યંજન (semi-consonant) કહી શકાય. સ્વરના જેવા એ મુખર નથી, તેમ સ્વરાઘાત ધારણ કરવા એ સમર્થ નથી. એમના ઉચ્ચારણમાં મંદ ગતિથી શ્વાસનું નિર્ગમન થાય છે. વસ્તુતઃ એ એવા સ્વર છે કે જેમનું ઉચ્ચારણ વ્યંજન સમાન પ્રક્રિયાથી થાય છે. ઉ.ત. इ અને उ ના ઉચ્ચારણમાં જીભ અને તાલુસ્થાન વચ્ચે ઘણી ઓછી જગા રહે છે. તેથી એમનું ઉચ્ચારણ કરતી વખતે નિર્ગમન કરતો શ્વાસ થોડોક ઘર્ષણધ્વનિ (frictional noise) ઉત્પન્ન કરે છે. આ ઘર્ષણ ધ્વનિને કારણે આ સ્વરોમાં થોડુંક વ્યંજનતત્ત્વ પ્રવેશે છે. આથી જ ‘રાઉ’ કે ‘બાઈ’ જેવા શબ્દોનાં વિસ્તારિત કે પ્રત્યયાન્વિત રૂપે ઉચ્ચારમાં ‘રાવળ’ કે ‘બાયલો’ જેવાં થાય છે. આ વ્યંજનતત્ત્વના અસ્તિત્વનો નિર્ણય કરવાનું સાધન કર્ણગોષ્ઠિ (whisper) માં સ્વરો બોલવા એ છે. કર્ણગોષ્ઠિ (whisper) થી બોલાય ત્યારે ધ્વનિઓનું ઘોષતત્ત્વ (voice, sonority) લુપ્ત થાય છે અને અઘોષ ધ્વનિ (noise) એ જ માત્ર અવશિષ્ટ રહી સંભળાય છે. કર્ણગોષ્ઠિ (whisper) થી ઉચ્ચારાતા સ્વરોમાં अ [ʌ] નહિ જેવોજ સંભળાય છે, જ્યારે इ [I] અને उ [U] સહેલાઈથી સંભળાય છે, કારણ એ બંનેમાં વ્યંજનતત્ત્વ પ્રવિષ્ટ છે. એના સમાનકક્ષ કે સમસ્વરૂપ (corresponding) પૂર્ણ વ્યંજનો [j] [=य्] અને[w][=व्] છે.[68] [w] કંઠ્યૌષ્ઠ્ય (labio-velar) અર્ધસ્વર ધ્વનિ છે, અને [j] (ઓષ્ઠની વર્તુલાકૃતિ વિનાનો) તાલવ્ય અર્ધસ્વર ધ્વનિ છે. (જુઓ: Daniel Jones, op. cit., p. 191; 194.)

વર્તમાન ભારતીય ભાષાઓમાં य् અને व् નાં બે સ્વરૂપો મળે છે—એક પૂર્ણ વ્યંજનરૂપ, જે શબ્દને આરંભે કે અન્ય વ્યંજનના સંયોગમાં આવે છે. (ઉ.ત. यशोदा, कृत्य; वारि, कर्तव्य); બીજું, શ્રુતિસ્વરૂપ (य-શ્રુતિ, અને व-શ્રુતિ), જે બે સ્વરોની વચ્ચે આવે છે. (य-શ્રુતિ બહુધા इ પછી, અને व-શ્રુતિ उ પછી આવે છે.)

પ્રાકૃત-અપભ્રંશમાં વ્યંજનલોપ પછી અવશિષ્ટ રહેલા (उद्वृत) अ-કારમાં य-શ્રુતિ સવિશેષ આવે છે. ઉ.ત. सं. गतः > પ્રા. અપ. गअउ, गयउ > ગુજ૰ ગયો. व-શ્રુતિનાં ઉદાહરણો પ્રમાણમાં ઓછાં મળે છે. ઉ. ત. દેશ્ય झाड + कम् > *झाड + अउं > ગુજ૰ ઝાડવું; સં. बटुकः > અપ. बडुअउ > ગુજ૰ બટુવો, બડવો; સં. राज > અપ. राउ > ગુજ૰ રાવ (રાવરાણા); સં. घात > અપ. घाउ > ગુજ૰ ‘ઘાવ’; સં. तडाग > પ્રા. तलाअ > ગુજ૰ ‘તળાવ’. य-શ્રુતિ અને व-શ્રુતિનું માત્રામાન ઘણું જ સ્વલ્પ હોય છે. એ ધ્વનિઓ બે વ્યંજનો વચ્ચે, કે વ્યંજન અને સ્વરની વચ્ચે આવ્યા હોય ત્યારે એ પાછા પોતપોતાનું સ્વરરૂપ (य् इનું, व् उનું) ગ્રહણ કરી લે છે. ઉ.ત. ‘સાહિત્યિક’ જેવો શબ્દ ઉચ્ચારમાં ‘સાહિત્તિક’ જેવો જ સંભળાશે.

અંગ્રેજીમાં આના સમાન ધ્વનિ વર્તુલાકૃતિ (rounded — જેના ઉચ્ચારણમાં હોઠનો વર્તુલાકાર થાય છે) ઓષ્ઠ્ય સંઘર્ષી ધ્વનિઓ [w] (‘ઉવ્’ જેવો ઉચ્ચારમાં; ઉ.ત. witch) ઘોષ, [અને ẉ] (hw ‘હ્વ્’ જેવો ઉચ્ચારમાં, ઉ.ત. when, twich) અઘોષ છે. આ ધ્વનિઓમાં સંઘર્ષ તત્ત્વ (friction) બહુજ અલ્પ હોય છે. આ અર્ધસ્વર કરતાં સંઘર્ષી વ્યંજન સ્વરૂપનો સવિશેષ છે. અંગ્રેજી [v] ધ્વનિ આનાથી ભિન્ન સ્વરૂપનો છે. એ દન્ત્યોષ્ઠ્ય સંઘર્ષી (labio-dental spirant) ઘોષ ધ્વનિ છે (ઉ. ત. vine), એ આપણે આગળ જોઈ ગયા છીએ. ભારતીય व् કરતાં સ્વરૂપમાં [w] કેટલેક અંશે, અને [v] અધિક જુદો પડે છે, એ ધ્યાનમાં રાખવું ઘટે. ભારતીય ભાષાઓનો व् [v] દન્ત્યોષ્ઠ્ય સંઘર્ષહીન ધ્વનિ છે એ અં. ‘win’ અને ગુજ૰ ‘વિના’ શબ્દોના ઉચ્ચારણની સરખામણી કરતાં તરત જ માલમ પડશે. એના ઉચ્ચારમાં નીચેનો હોઠ વચ્ચેના આગળના દાંતને સ્પર્શી રહે છે.

અંગ્રેજી અર્ધસ્વર [j] (य्-ધ્વનિ; your, musical ઈ૰માં છે તેવો સંઘર્ષી ધ્વનિ હોઈ ભારતીય य् [j] કરતાં તેટલે અંશે જુદો પડે છે. yes [jes], yard [ja: d] વગેરેમાં ઘોષ [j] છે. કેટલાક બોલનારાઓ human, huge જેવા શબ્દોમાં [hj] ને બદલે અઘોષ [j] ઉચ્ચારે છે. ઉત. [hju: mən] ને બદલે [çu: mən]. (ç જર્મન ich ધ્વનિ જેવો છે).

ભારતીય અને અંગ્રેજી ધ્વનિઓના સ્વરૂપભેદમાં કદાચ અંગ્રેજીનો સવિશેષ ઉત્કટ સ્વરભાર કે બલાઘાત (stress) કારણભૂત હોઈ શકે.

અંગ્રેજી અર્ધસ્વરો [w] (व्-ધ્વનિ) અને [j] (य्-ધ્વનિ) હ્રસ્વ, ઘોષ, સંઘર્ષી ધ્વનિઓ છે. એમનાં વાણીસ્થાનો અનુક્રમે ऊ [u] અને ई [i] ને અત્યંત મળતાં આવે છે. જિહ્વાપશ્ચ ऊ [u] ના ઉચ્ચારણની માફક ઊંચું થાય, હોઠ વર્તુલાકાર બને અને સ્વરતંત્રીનું કંપન થાય ત્યારે [w] ધ્વનિ બને છે. એ સઘોષ કંઠ્યોષ્ઠય અર્ધ-સ્વર છે. ભારતીય ભાષાઓમાં व् ના ઉચ્ચારણ વખતે મુખસ્થિતિ ઉપર પ્રમાણે જ હોય છે; પણ મુખની સંકીર્ણતા ઓછી હોવાથી, અર્થાત્, સંઘર્ષસ્થાન વિશેષ ખુલ્લું રહેવાથી સંઘર્ષ થતો નથી. આ [v] व् ધ્વનિ સઘોષ દંત્યોષ્ઠ્ય સંઘર્ષહીન ધ્વનિ છે. જીભ [i] ના ઉચ્ચાર માટે તૈયાર થઈને મુખસ્થિતિ તેથી વિશેષ વિવૃત બને અને જિહ્વામધ્ય (જિહ્વાનો પાછળનો ભાગ અને જિહ્વાપશ્ચનો આગળનો ભાગ) કઠોર તાલુ તરફ ઊંચો થાય ત્યારે य् બને છે. આ સઘોષ, વિસ્તૃત ઓષ્ઠસ્થિતિવાળો તાલવ્ય અર્ધસ્વર છે. અત્યંત સ્વલ્પ સંઘર્ષને કારણે ઘણીવાર આ અર્ધસ્વરો [w] અને [j] ને સ્વરોથી જુદા પાડવા મુશ્કેલ થઈ પડે છે.

આપણે ઉપર જોયું તેમ વાણીઅંગો અર્ધસ્વરોના ઉચ્ચારણ વખતે વસ્તુતઃ સંવૃત સ્વરના ઉચ્ચારણ માટે પ્રવૃત્ત થઈને તરત બીજા વધારે સબળ સ્વરધ્વનિના સ્થાન તરફ જતાં હોય છે. આ ત્વરિત ગતિ અને ઓછા શ્વાસબળને કારણે આ ધ્વનિઓમાં વ્યંજનતત્ત્વ આવે છે. (જુઓ: Daniel Jones, op. cit., p. 190).

કેટલીક ભાષાઓમાં व् [v], ल् [l] અને र् [r] નાં અનુનાસિક સ્વરૂપો પણ મળે છે.[69] ઉ. ત. સંસ્કૃતમાં સન્ધિરૂપોમાં लँ (સાનુનાસિક ल्) મળે છે (ઉ. ત. पुमाँल्लोके), અને અપભ્રંશમાં वँ (સાનુનાસિક व्) મળે છે. (ઉ. ત. સં. कमलम् > અપ. कवँलु).

સંસ્કૃત વૈયાકરણોએ સ્પર્શ વ્યંજનોના પાછા બે ભેદ પાડ્યા છે — અલ્પપ્રાણ અને મહાપ્રાણ. પ્રાણ એટલે શ્વાસ કે બલ. અલ્પપ્રાણ – અલ્પ બલથી પ્રમાણમાં કમી શ્વાસથી ઉચ્ચરિત ધ્વનિ તે અલ્પપ્રાણ; વિશેષ બલથી ઉચ્ચરિત ધ્વનિ તે મહાપ્રાણ. એમાં ઉચ્ચારણમાં વિશેષ શ્વાસ નીકળતાં એક પ્રકારનો હ્ [h] ધ્વનિ સંભળાય છે. ક્, ગ્ આદિ અલ્પપ્રાણ ધ્વનિઓ છે; ખ્, ઘ્ આદિ મહાપ્રાણ ધ્વનિઓ છે. ભાષાવૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે મૂળ ક્, ગ્ આદિ ધ્વનિઓનાં બે પ્રકારનાં ઉચ્ચારણો થતાં — એક સાધારણ બલપૂર્વક અને બીજું વિશેષ બલપૂર્વક. સાધારણ બલપૂર્વકના ઉચ્ચારણથી ક્, ગ્ ધ્વનિઓ ઉચ્ચારાતા; જ્યારે સવિશેષ બલપૂર્વકના ઉચ્ચારણથી એ ધ્વનિઓ ખ્, ઘ્ રૂપે સંભળાતા. આજે પણ અંગ્રેજી ભાષામાં બલાઘાત (stress) થી ઉચ્ચારાતા ધ્વનિઓમાં ધ્વનિ પછી કેટલોક અઘોષ પ્રાણ નીકળવાથી[70] મહાપ્રાણતત્ત્વ સંભળાય છે. ઉ. ત. Pin (ઉચ્ચાર, phin, = ‘પ્હીન’[ લગભગ ‘ફીન’ જેવો]), cup (ઉચ્ચાર khʌp, = ખપ્). એ જ ધ્વનિઓમાં બલાઘાત ન હોય ત્યારે એમાં મહાપ્રાણતત્ત્વ સંભળાતું નથી. ઉ. ત. Spin (ઉચ્ચાર, spin), sick (ઉચ્ચાર, sik). ઉપરના અંગ્રેજી બલાઘાત- પ્રાપ્ત શ્રુતિના [ph] અને [kh] ધ્વનિઓમાં ભારતીય ધ્વનિઓ [फ्] [ख्] કરતાં મહાપ્રાણતત્ત્વ ઘણું ઓછું હોય છે એ નોંધવું જોઈએ.

જે ધ્વનિઓમાં શ્વાસનું દબાણ (breath pressure) તથા જીભ કે હોઠનું કાર્ય (action) બળવાન હોય તે ધ્વનિઓને તારધ્વનિ (કે બળવાન ધ્વનિ) (fortes) કહે છે, અને જેમાં શ્વાસબલ અને જિહ્વાદિનું કાર્ય મંદ (gentle) હોય તે ધ્વનિઓને મન્દ્ર ધ્વનિ (કે નિર્બળ ધ્વનિ) (lenes) કહે છે. અંગ્રેજીમાં અઘોષ ધ્વનિઓ મહાપ્રાણ તાર ધ્વનિઓ (aspirated fortes) છે; અને સઘોષ ધ્વનિઓ મંદ્ર ધ્વનિઓ(lenes) છે.[71]

અંગ્રેજી ને ફ્રેન્ચ જેવી ભાષાઓમાં p, t, k જેવા અઘોષ વ્યંજનો બલપૂર્વક ઉચ્ચારાય છે (strongly enunciated), જ્યારે b, d, g જેવા ઘોષ વ્યંજનોનું અલ્પ બળથી ઉચ્ચારણ થાય છે, (weakly enunciated), કારણ કે ઘોષ ધ્વનિમાં સ્વરયન્ત્રમાં શ્વાસની રુકાવટ થવાથી એનું બળ ઘટી જાય છે.

અર્વાચીન ભારતીય ભાષાઓમાં ख्, घ् આદિ મહાપ્રાણયુક્ત ધ્વનિઓ કેવળ સંયુક્ત ધ્વનિઓની (અર્થાત્, क्+ह्; ग्+ह्) ની કક્ષામાં આવી ગયા છે. અઘોષ મહાપ્રાણ ધ્વનિઓ – ख्, ठ्, थ्, फ् – એ क्, ट्, त्, प् માં અઘોષ મહાપ્રાણ (અઘોષ ह़्) ના સંયોગથી બન્યા છે. એ સ્વરૂપે સ્પર્શસંઘર્ષી છે.[72]

ह्-ધ્વનિનાં બે સ્વરૂપો છે — સઘોષ ह् અને અઘોષ ह़्. મ્હોં સંપૂર્ણપણે ખુલ્લું હોય અને સ્વરતંત્રીઓ પાસે આવી જવાથી એમની વચ્ચેનો માર્ગ સાંકડો થઈ જાય, જેથી ફેફસાંમાંથી આવતો શ્વાસ સ્વરતંત્રીવિવર(glottis) માંથી ઘર્ષણસહિત બહાર નીકળે ત્યારે મહાપ્રાણ ધ્વનિ (aspirated sound) હ્ [h] સંભળાય છે. ઉ.ત. he, hit, high. ભાષાવૈજ્ઞાનિકો એને અઘોષ સ્વરતંત્રીવિવર સંઘર્ષી ધ્વનિ (unvoiced glottal spirant) કહે છે.[73] ઉ. ત. સંસ્કૃત વિસર્ગધ્વનિ[74] रामः, हरिः, ભારતીય ભાષાઓમાં વેદના-ઉદ્ગાર इँह्, ऊँह्; અંગ્રેજી he, harm-જ્યાં ह् કાર વસ્તુતઃ અઘોષ [ị] [ạ] બની રહે છે. ઉપરના ધ્વનિનું ઘોષ રૂપ તે સંસ્કૃતમાં અને ભારતીય ભાષાઓમાં વિપુલપણે આવતો સઘોષ ह् [ɦ] ઉ.ત. हरिण, हर्ष, हनुमान, હરખ, हिम्मत આદિ શબ્દોમાં ઘોષ ह् કાર છે; અંગ્રેજીમાં એ ઓછો (behind, beheld જેવા થોડા શબ્દોમાં), બહુધા બે ઘોષધ્વનિ વચ્ચે જ, મળે છે. રાજસ્થાની–ગુજરાતીની કેટલીક બોલીઓમાં અઘોષ ह् મળે છે. ઉ. ત. ચરોતરી બોલીમાં હરિભાઈ’ નું ‘અહ્રિભાઈ’ ઉચ્ચારણ થાય તેમાં મહાપ્રાણ લુપ્તવત્ રહે છે. અઘોષ ह् નાં બીજાં ઉદાહરણો પણ લોકબોલીઓમાંથી મળશે. ઉ. ત. પાંહે (= શિષ્ટ ગુજ૰ ‘પાસે’), વાંહે (= શિષ્ટ ગુજ૰ ‘વાંસે’), ઈ૰ માં ह् કાર અઘોષ ધ્વનિ છે. કોઈકવાર અઘોષ ह् ની અસરથી એનો સંપૃક્ત પુરોગામી સ્વર અઘોષ બનતો હોય છે. ઉ. ત. વેદનાના ઉદ્ગારા इँह् [ih] માં [i] અઘોષ છે.

કેટલીક વાર એક જ ધ્વનિ એક સાથે બે સ્થાનથી ઉચ્ચારાતો હોય છે. એમાંનું એક સ્થાન એનું મુખ્ય સ્થાન હોય છે, બીજું સ્થાન એનું ગૌણ સ્થાન હોય છે. એમાં ગૌણ સ્થાન મુખ્ય સ્થાનને સહાયતા કરતું હોય છે. ઉ.ત. ફ્રેન્ચ oui [ઉચ્ચાર ‘વી’ જેવો; અર્થ = yes] ધ્વનિમાં જીભના અગ્રસ્થાનથી ઉચ્ચારણ મુખ્ય છે; એના ઉચ્ચારણ વખતે હોઠનું પ્રસારણ થાય એ ગૌણ છે. આ રીતે ઈન્ડો-યુરોપિયન ભાષામાં ઓષ્ઠ્યતત્ત્વ ગૌણ હોય(અર્થાત્, व्-શ્રુતિનો અલ્પાલ્પ પ્રવેશ હોય) એવા એક પ્રકારના क्-વર્ગની, અને તાલવ્યતત્ત્વ ગૌણ હોય (અર્થાત્, य्-શ્રુતિનો અલ્પાલ્પ માત્રામાં પ્રવેશ હોય) એવા બીજા પ્રકારના क्-વર્ગના અસ્તિત્વની કલ્પના કરવામાં આવી છે. સંસ્કૃત વૈયાકરણોએ च्-વર્ગના વ્યંજનોને સ્પર્શ વ્યંજનો ગણ્યા છે, અને પદઘટનામાં क् અને च् નો વ્યત્યય સ્થળે સ્થળે મળે છે (वच्-वाक्; मुच्, मुक्त) એ ઉપરથી તર્કશુદ્ધ અનુમાન થઈ શકે છે કે ઈન્ડો-યુરોપિયન તાલવ્યયુક્ત क्-વર્ગમાંથી च्-વર્ગના ધ્વનિઓની ઉત્પત્તિ થઈ છે. અહીં એટલું યાદ રાખવું ઘટે કે વર્તમાન ભારતીય ભાષાઓના च्-વર્ગના ધ્વનિઓ સ્પર્શ નથી, પરંતુ સ્પર્શ-સંઘર્ષી (affricates) છે.

આ ઉપરાંત સંસ્કૃતમાં નીચેના જેવા કેટલાક વિશિષ્ટ ધ્વનિઓ હતા, જે વર્તમાન ભારતીય ભાષાઓમાં અવતરણ પામતાં લુપ્ત થઈ ગયા છે. ઉ. ત. જિહ્વામૂલીય क, ઉપધ્માનીય प, અને દન્ત્યોષ્ઠ્ય व्व. જિહ્વામૂલીય कનું ઉચ્ચારણ ख ના જેવું થાય છે. ઉ. ત. अन्त करण (ઉચ્ચારણ अन्त [ख] करण). ઉપધ્માનીય प દન્ત્યોષ્ઠ્ય ધ્વનિ છે. એના ઉચ્ચારણમાં નીચેના હોઠ ઉપરના દાંતને જરાક સરખો સ્પર્શ કરે છે; એનું ઉચ્ચારણ ‘फ़’ ના જેવું થાય છે. ઉ. ત. अन्त पुर (ઉચ્ચાર अन्त[फ़्]पुर). દન્ત્યોષ્ઠ્ય व्व આ જ फ નું સઘોષ સ્વરૂપ છે. पની ભાષાવૈજ્ઞાનિક સંજ્ઞા ϕ છે, व्व ની β છે. व्व ને સ્વતંત્ર ધ્વનિ ન માનતાં, व् ના ધ્વનિગ્રામનો એક અંગભૂત ધ્વનિ ગણવો યોગ્ય છે. व्वનું ઉચ્ચારણ માત્ર વૈદિક સંસ્કૃતમાં મળે છે, જેમાં પદને આરંભે આવેલા व નું व्व ઉચ્ચારણ થાય છે.[75] ઉ. ત. ततो विराडजायत विराजो अधिपूरुषः (યજુર્વેદીય ઉચ્ચારણ: ततो व्विराडजायत व्विराजो अधिपूरुखः।). સંસ્કૃતમાં र् અને ल् ના સ્વરસદૃશ (syllabic) રૂપો ऋ અને ल છે. लृ કેવળ એક જ સંસ્કૃત ધાતુ क/लृ प् માં મળે છે. ऋ लृ શુદ્ધ સ્વરો નથી, પરંતુ र् ल् નાં સ્વરીભૂત રૂપ છે. ऋक्प्रातिशाख्यના ટીકાકાર ઉવ્વટના મત પ્રમાણે ऋ ના ઉચ્ચારના ચાર પાદ કે અંશ પાડી શકાય એમાંથી પ્રથમ અને અંતિમ પાદ સ્વરનો છે, મધ્યના બે પાદ વ્યંજનના છે. ગણિતની સંજ્ઞાઓ આપીએ તો એ ધ્વનિઓનું ઘટન નીચે પ્રમાણે સમજાવી શકાય : ऋ = अ/4 + र्/2 + अ/4. અર્થાત્, ऋ નો પ્રથમ અંશ अ નો, પછી બે અંશ र् ના, અને પછી એક અંશ પાછો अ નો છે. એ જ પ્રમાણે लृ ની સંઘટના છે: ल = अ/4 +ल्/2 +अ/4. ऋ અને लृ બંનેનું સમાન રૂપ અવસ્તામાં अरअ [ərə] છે, જે ઉવ્વટના ઉપરના મતનું સમર્થન કરે છે.[76]

સંસ્કૃતમાં શુદ્ધ સ્વરોની સાથે સાનુનાસિક સ્વરો પણ (आँ, ईँ, ऊँ) મળે છે, જે બહુધા દીર્ઘ હોય છે. ઉ. ત. વૈદિક સંસ્કૃત लोकाँऽऽ कल्पयन्, अहीश्चँ सर्वान्, पशूँस्ताँश्चक्रे. હ્રસ્વ સ્વરોમાં પણ અનુનાસિક તત્ત્વના પ્રવેશનાં ઉદાહરણો મળે છે. ઉ. ત. वँश (=वंश), सिँह (=सिंह), पुँश्चली (पुंश्चली)માં ક્રમશઃ સાનુનાસિક अ, इ, उ ધ્વનિઓ છે.[77] સંસ્કૃત च्, ज् ધ્વનિ ઈન્ડો-યુરોપિયન તાલવ્યયુક્ત क् અને ग् ધ્વનિઓમાંથી ઉત્પન્ન થયા છે. झ् ધ્વનિ ઈન્ડો-યુરોપિયન શબ્દોમાં મળતો નથી; झ् ધ્વનિવાળા શબ્દો બહુધા બહારથી સંસ્કૃતમાં પ્રવેશ્યા છે, જેમાંના કેટલાક અનુકરણાત્મક શબ્દો છે. સંસ્કૃત ह् ધ્વનિના બે પ્રકાર છે—સઘોષ ह्, અને અઘોષ ह्, જેનો સંકેત (= સંજ્ઞા) વિસર્ગ છે. એની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. અઘોષ ह् નો ઉચ્ચાર પૂર્વવર્તી સ્વરધ્વનિ સાથે જ થાય છે. ઉ. ત. रामः (ઉચ્ચાર रामह्), हरिः (ઉચ્ચાર हरिहि). મૂર્ધન્ય કે પ્રતિવેષ્ટિત (retroflex) ધ્વનિઓ ट. ठ. ड, ढ, ण, ઈન્ડો-યુરોપિયનમાં નહોતા; સંસ્કૃતમાં એ દ્રવિડી ભાષાઓના સંપર્કથી આવ્યા એમ મનાય છે. સંસ્કૃતના મોટા ભાગના ट् વર્ગવાળા શબ્દો ઉપર પ્રાકૃત ભાષાઓની અસર સ્પષ્ટ છે. ઉ.ત. विकट (< विकृत), उत्कट (< उत्कृत). આ ધ્વનિઓના ઉદ્ભવમાં સંમિલિત र् પ્રકારનો પ્રભાવ કારણભૂત છે.[78]

य्, व्, ष् અનુસ્વારના ઉચ્ચારણમાં વૈદિક કાળમાં કેટલીક વિભિન્નતાઓ (variations) હતી, જેનું નિદર્શન ऋग्वेद, અને વિશેષતઃ, यजुर्वेदનાં ઉચ્ચારણોમાં મળે છે. એમાંથી કેટલીક વિશેષતાઓ પ્રાકૃત અને દેશી ભાષાઓમાં ઊતરી આવી છે. ઉ. ત. शिक्षा-ગ્રંથો અનુસાર અસંયુક્ત य् નો ઉચ્ચાર પદને આરંભે ज् થતો હતો (ઉ. ત. ऋग्वेदમાં ‘यद् भूतं यश्च भाव्यम् ।’ નું ઉચ્ચારણ ‘जद्भूतं जच्च भावियम्म ।’ થાય છે); પદને આરંભે આવેલો व् દન્ત્યોષ્ઠ્ય व्व કાર રૂપે ઉચ્ચારાય છે (ઉ. ત. ‘ततो विराडजायत’ નું ઉચ્ચારણ ‘ततोव्विराडजायत’ થાય છે); ष्નો ઉચ્ચાર, એ ट्-વર્ગીય ધ્વનિઓ સાથે સંયુક્ત ન હોય તો, ख् થતો (ઉ. ત. सहस्त्रशीर्षा पुरुषः નું ઉચ્ચારણ सहस्त्रशीर्खा पुरुषः થાય છે). અનુસ્વાર પછી श्, ष्, स् કે ह् (મહાપ્રાણ ધ્વનિ) આવે તો गुम् ઉચ્ચાર થાય છે. (ઉ. ત. ‘पुरुष एवेदं’ નું ઉચ્ચારણ ‘पुरुष एवेदग्गुं’ થાય છે.)[79]

અપૂર્ણ સ્ફોટ (Incomplete Plosion) અને સંયુક્ત ધ્વનિઓ

હવે ધ્વનિનો સ્ફોટ (explosion) કેવી રીતે થાય છે તેનો વિચાર કરીએ. સંયુક્ત અને દીર્ઘ વ્યંજનોના ઉચ્ચારણની પ્રક્રિયા સમજવા માટે એની ઉપયોગિતા છે. પ્રત્યેક સ્ફોટાત્મક (plosive, occlusive; અર્થાત્, ‘સ્પર્શ’) વ્યંજનમાં ત્રણ સ્પષ્ટ કક્ષાઓ કે સ્થિતિઓ (stages) નજરે પડે છે — જિહ્વા ઉચ્ચારણસ્થાનનો સ્પર્શ કરી શ્વાસાવરોધ કરે (closure, implosion); એ સ્થિતિ કેટલાક કાળ ચાલુ રહે (retention); અને પછી શ્વાસનું બહિર્ગમન કે સ્ફોટ (release, explosion) થાય.[80] ઉ.ત. त् [t] ના ઉચ્ચારણમાં ‘સ્પર્શ’ (implosion) થાય પછી તરત જ ‘સ્ફોટ’ (explosion) થાય છે—વચ્ચેની ‘સ્થિતિ’ (retention) નહિવત્ હોય છે, પરંતુ દ્વિર્ભાવયુક્ત (બેવડાયેલા) વ્યંજનોમાં (double consonants)—જે વસ્તુતઃ તો ભારપૂર્વક ઉચ્ચારાતા દીર્ઘ વ્યંજનો જ છે—(સ્પર્શવ્યંજનના ઉચ્ચારણના) આ ત્રણે અવયવો કે કક્ષાઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે. આવા દીર્ઘ કે દ્વિર્ભાવયુક્ત વ્યંજનોમાં એકવડા વ્યંજન કરતાં (સ્પર્શ અને સ્ફોટ વચ્ચેની) મધ્ય`સ્થિતિ’ તરતજ નજરે તરી આવે એવી સુસ્પષ્ટ હોય છે. ઉ. ત. ‘પથ’ કરતાં ‘પથ્થર’ માં, ‘સાચુ’ કરતાં ‘સાચ્ચું’ માં, ‘ઘટ’ કરતાં ‘ઘટ્ટ’ માં બીજા વ્યંજનની મધ્યસ્થિતિ તરત ધ્યાનમાં આવે એવી દીર્ઘ છે – બાકીનાં તત્ત્વો—સ્પર્શ અને સ્ફોટ—સમાન જ છે. ‘થ્થ’, ‘ચ્ચ’, કે ‘ટ્ટ’ ના બે સ્ફોટ (plosions) થતા નથી; એક જ સ્ફોટમાં (માત્ર મધ્યસ્થિતિ દીર્ઘ હોય તે રીતે) એમનું ઉચ્ચારણ સંપૂર્ણ થાય છે. માટે સમુચિત રીતે જ, એ દ્વિત્વયુક્ત (બેવડાવેલા) નહીં, પણ દીર્ઘ વ્યંજનો ગણાય છે.

બે સ્પર્શ વ્યંજનો પાસે પાસે આવે, અર્થાત્ એમનો સંયોગ થયો હોય ત્યારે પ્રથમ વ્યંજનનો સ્પર્શ (implosion) થઈને પછી સ્ફોટ (explosion) ન થતાં જીભ પછીના વ્યંજનના વાણીસ્થાન ઉપર ચાલી જાય છે અને એ ઉત્તરવ્યંજનનો સ્ફોટ (explosion) થાય છે. ઉ. ત. મુક્ત, સપ્ત, ઈ૰. પ્રથમ શબ્દ (‘મુક્ત’) માં વ્યંજનસંયોગ (consonant cluster) ના પ્રથમ વ્યંજન ક્ માટે જીભનો પશ્ચભાગ સુકુમાર તાલુને સ્પર્શે એ પછી તરત જ શ્વાસનું નિર્ગમન ન થતાં જીભ તત્ક્ષણ ઉપરના દાંતને સ્પર્શી રહે છે, અને એ સ્થાને શ્વાસની મુક્તિ કે સ્ફોટ થાય છે. બીજા શબ્દ ‘સપ્ત’ માં ‘પ્’ નો ઉચ્ચાર કરવા માટે બે હોઠથી શ્વાસનો અવરોધ (closure) થયા પછી શ્વાસની મુક્તિ (plosion) ન થતાં તરત જ જીભ ઉપરના દાંતને સ્પર્શે છે અને એ સ્થાને શ્વાસનું નિર્ગમન (સ્ફોટ) થાય છે. ‘મુક્ત’ અને ‘સપ્ત’ ના ઉચ્ચારાનુસારી અવયવે मुक्–क्त અને सप्–प्त એમ થાય. પહેલા શબ્દમાં क् અને બીજામાં प् અપૂર્ણ ધ્વનિ છે. ભાષાવૈજ્ઞાનિકો આવા વ્યંજન-સંયોગના પ્રથમ વ્યંજનને–જેનો સ્પર્શ થાય છે પણ સ્ફોટ થતો નથી– implosive, અને ઉત્તર વ્યંજનને–જેનો સ્પર્શ થતો નથી પરંતુ સ્ફોટ થાય છે – explosive કહે છે.[81]

પ્રત્યેક ભાષામાં વ્યંજનસંયોગોમાં આ પ્રમાણે જ સ્થિતિ હોય છે. અંગ્રેજીમાંથી એક બે વ્યંજનસંયોગના દાખલા લઈને આને ઉદાહૃત કરીએ. ઉ. ત. ample શબ્દમાં [p] નો ઉચ્ચાર કરતાં હોઠ બંધ કરવા (closure) શક્ય નથી, કારણ કે એની અગાઉના [m] ધ્વનિના ઉચ્ચાર વખતે જ હોઠ બંધ થઈ ગયેલા છે. તેમ, dip પછી વાક્ય વિરામ પામતું હોય તો અંત્ય [p] ના ઉચ્ચારણના પ્રારંભે બંધ થયેલા હોઠ પાછા ખૂલવાનું બનતું નથી – અર્થાત્, એનો સ્ફોટ (explosion) થતો નથી. ગુજરાતી ભાષામાંથી ઉદાહરણ લઈએ તો, એ જ પ્રમાણે, ‘પાંચ’ ઉચ્ચારતાં આદિ ‘પ’ નો સ્ફોટ થાય છે, અંત્ય ‘ચ’નો થતો નથી, તો ‘ચાંપ’ના ઉચ્ચારમાં આદિ ‘ચ’નો સ્ફોટ થાય છે, ને ‘પ’ નો થતો નથી. lamp mat જેવા વાક્યાંશમાં પ્રથમ[m] માટે જે શ્વાસાવરોધ–સ્પર્શ–(closure) થયો એ પછીના [m] સુધી ચાલુ રહે છે; વચ્ચેના [p] ના ઉચ્ચારણ માટે સ્પર્શ કે સ્ફોટ થતો નથી. ત્યાં [p] નું અસ્તિત્વ કેવળ દ્વિતીય [m] ના આરંભ પહેલાં નાસિકામાં થતા શ્વાસના નિર્ગમનથી સૂચવાઈ જાય છે.[82] અહીં [p] નું નાસિક્ય ઉન્મોચન (nasal plosion) થયું છે એજ પ્રમાણે અંગ્રેજીમાં button [bʌtn] તે ગુજ૰ ‘રતન’[rət_ən] માં [t] ધ્વનિનું નાસિક્ય ઉન્મોચન થાય છે. એ જ પ્રમાણે little, middle જેવા શબ્દોના [tl] [dl] એ ધ્વનિસંયોગોમાં [t] [d] નું પાર્શ્વિક ઉન્મોચન (lateral plosion) થાય છે.

નૂતન ભારતીય ભાષાઓના સંયુક્ત ધ્વનિઓ

ધ્વનિસંયોગની પ્રક્રિયા – કયા કયા ધ્વનિઓ એક સાથે આવી શકે એ–પ્રત્યેક ભાષાની પ્રકૃતિ કે ઘટના અને એની ઉત્ક્રાન્તિનાં ઐતિહાસિક પરિબળો ઉપર અવલંબે છે.

સંસ્કૃતમાં સંખ્યાબંધ વ્યંજનો પાસે પાસે આવી શકતા (ઉ. ત. कार्त्स्न्य માં क् + आ+ र् + त् + स् + न् + य् + अ એમ પાંચ વ્યંજનો એક સાથે આવ્યા છે); છતાં બે સ્વરો કદાપિ એકી સાથે આવી શકતા નહીં. સન્ધિનિયમાનુસાર, કાં તો એવા પાસે પાસે આવનાર બે સ્વરો વચ્ચે કોઈ વ્યંજન (य् કે व् જેવો glide) આવતો (ઉ. ત. नै + अक = नायक, गो + एषणा = गवेषणा; અથવા, એ સમીપસ્થિત બે સ્વરો મળી જઈને એક સન્ધિસ્વર બનતો (ઉ. ત. राम + अवतार = रामावतार; राजा + इन्द्र = राजेन्द्र; पुरुष + उत्तम = पुरुषोत्तम) પ્રાકૃતકાળમાં સ્થિતિ આથી તદ્દન ઉલટી બની ગઈ. પ્રાકૃત-અપભ્રંશમાં એક કરતાં વધારે સ્વરો પાસે પાસે આવી શકતા (ઉ.ત. अंतेउर, रिउ, गइअ, उड्डावंतिअए, विप्पिअआरउ); પરંતુ બે વ્યંજનો સાથે આવી શકતા નહીં, અને કવચિત્ આવે તો શબ્દના આદિ કે અંતમાં તો નહીં જ. સંસ્કૃત સંયુક્ત વ્યંજનોને સ્થાને પ્રાકૃતોમાં સામાન્ય રીતે એકજ વ્યંજન (હ્રસ્વ = એકવડો, કે દીર્ઘ = દ્વિર્ભાવયુક્ત) આવી શકતો. ઉ. ત. સં. दंष्ट्रा > પ્રા. दाढा; સં. पृष्ठ > પ્રા. અપ. पिट्ट. સંસ્કૃતમાં પણ વ્યંજનોનો સંયોગ સ્વૈરપણે નહીં, પરંતુ કેટલાક સામાન્ય ધ્વનિનિયમોને અનુસરીને થતો. ઉદાહરણ તરીકે, સઘોષ અને અઘોષ ધ્વનિઓ સાથે આવી શકતા નહીં — પદઘટનામાં એવા ધ્વનિ પાસે આવતા તો એમનું સમીકરણ (assimilation) થતું (ઉ. ત. त्यज् + त = त्यक्त; वाक् + विलास = वाग्विलास). (સરખાવો: અંગ્રેજી packed [pækt], missed [mist], ઈ૰). બે મહાપ્રાણ ધ્વનિઓ પાસે પાસે આવી શકતા નહીં; એમાંથી એકને અલ્પપ્રાણ બનાવી દેવામાં આવતો. (ઉ.ત. भुज् + थाः = भुङ्कथाः). સઘોષ મહાપ્રાણ સ્પર્શની (ઉ.ત. घ्, झ्, ध्) સાથે સઘોષ અલ્પપ્રાણ (ग्, ज्, द्) આવી શકતો, અને સઘોષ મહાપ્રાણ અનુનાસિકો તેમજ અર્ધસ્વર સઘોષ, અઘોષ કોઈપણ વર્ણની સાથે આવી શકે. श् અને स् ઉષ્માક્ષરો સાથે અઘોષ વ્યંજનો જ આવી શકે, સઘોષ નહીં. સઘોષ ह् ની સાથે સઘોષ સ્પર્શ વ્યંજનો, અને અઘોષ ह् (વિસર્ગ) ની સાથે અઘોષ સ્પર્શ વ્યંજન આવી શકતા. સંસ્કૃતમાં म् ને न् ह्-કારના સંયોગમાં ह्-કારની પછી આવતા (ઉ.ત. ब्रह्म, चिह्न). પ્રાકૃતોમાં અને એમાંથી અવતાર પામેલી નૂતન ભારતીય ભાષાઓમાં અનુનાસિક ખસીને ह्-કારની પૂર્વે આવે છે. (ઉ.ત. बम्ह, चिण्ह). સંયુક્ત ધ્વનિઓમાં વ્યંજનસંયોગ વધારે મહત્ત્વના છે, તેથી આપણે એમની વિગતે ચર્ચા કરી. હવે પાસે પાસે આવેલા બે ધ્વનિઓ સ્વર હોય, તો એમનો સંયોગ કેવી રીતે થાય તેનો વિચાર કરીએ. પ્રાકૃતોમાં તેમજ આર્યકુલની વર્તમાન ભારતીય ભાષાઓમાં એનાં ઉદાહરણો મળે છે. બે સ્વરો પાસે પાસે આવે ત્યારે કાં તો એક સ્વરનો ઉચ્ચાર કરીને (glottal stop ની માફક) સહેજ અચકી જવું પડે(ઉ. ત. रा?आ, र?अणी); અથવા વચ્ચે य् શ્રુતિ કે व् શ્રુતિ આવે (ઉ. ત. राया, रयणी); અથવા બંને મળીને એક સંયુક્ત સ્વર બને (ઉ. ત. राज + इन्द्र = राजेन्द्र; नर + उत्तम = नरोत्तम). અર્વાચીન ભારતીય ભાષાઓમાં આ પ્રકારના આત્યંતિક સ્વરસંયોગમાં બંને સ્વર વચ્ચેના સ્થાનનો સ્વર બને છે. ઉ.ત. પ્રા. ગુજ૰ मइलउ માં કે અર્વા. હિંદી पइसाમાં ત્વરિત ઉચ્ચારણને કારણે જીભ મધ્યસ્થાનીય ઈષદ્વિવૃત અ अ ને સ્પર્શીને તત્ક્ષણ અગ્રસ્થાનીય સંવૃત इ સુધી પહોંચવા મથે છે. તેથી પરિણામે અર્ધવિવૃત અગ્રસ્થાનનો ઍ, ઉચ્ચારમાં લગભગ [ɛ] ને મળતો, બને છે. (ઉ.ત. વર્ત. ગુજ૰ ‘મૅલૉ’, હિંદી पॅसा, ઉચ્ચારમાં લગભગ). આ પ્રકારના મિશ્ર સ્વરમાં ઉચ્ચારણનો પ્રારંભ જિહ્વાની એક સ્થિતિમાં થાય છે, અને અન્ય સ્થિતિમાં એનો અંત આવે છે.

ધ્વનિગુણ – માત્રા, સૂર અને બલાઘાત

ભાષાવૈજ્ઞાનિકોએ ધ્વનિઓના ત્રણ ગુણો દર્શાવ્યા છે—માત્રા (ધ્વનિનું કાલમાન – duration), સૂર (ધ્વનિના આરોહ-અવરોહ, pitch), અને બલાઘાત[83] (ધ્વનિનું ઉત્કટ બલપૂર્વક – તારસ્વરે (loudly) ઉચ્ચારણ – stress).

માત્રા ધ્વનિનું કાલમાન દર્શાવે છે. એક ધ્વનિના ઉચ્ચારણમાં વાણીઅવયવો એ ધ્વનિના વિશિષ્ટ સ્થાન ઉપર કેટલા સમય સુધી રહે છે એનું માપ ‘માત્રા’ દર્શાવે છે.[84] સામાન્ય રીતે, માત્રા (quantity) હ્રસ્વ (short) હોય કે દીર્ઘ (long) હોય. પ્રાચીન ભારતીય વૈયાકરણોએ કેવળ સ્વરોની માત્રા જ દર્શાવી છે અને એમને હ્રસ્વ, દીર્ઘ અને પ્લુતની સંજ્ઞા આપી છે. એક માત્રાવાળા સ્વર હ્રસ્વ, બે માત્રાવાળા દીર્ઘ, અને ત્રણ માત્રાવાળા સ્વરો પ્લુત કહેવાય છે. ભાષામાં પ્લુત સ્વરોનો પ્રયોગ માત્ર સંબોધનમાં જ થાય છે. સંયુક્ત સ્વરોનું કાલમાન પણ દીર્ઘ સ્વરો જેટલું જ દીર્ઘ હોય છે. સામાન્ય રીતે એક સેકન્ડમાં પાંચ અક્ષરો ઉચ્ચારી શકાય, પણ ત્વરિતપણે બોલતાં ૯ થી ૧૦ અક્ષરોનું ઉચ્ચારણ શક્ય છે. આધુનિક ભાષાશાસ્ત્ર અનુસાર વ્યંજનનું પણ આ રીતે કાલમાન થઈ શકે અને એમને પણ હ્રસ્વદીર્ઘની સંજ્ઞા આપી શકાય. જે ધ્વનિનું ઉચ્ચારણ સામાન્ય કરતાં વિશેષ પ્રમાણમાં વિલંબિત હોય છે તેને દીર્ધ ધ્વનિ કહે છે.[85] જે વ્યંજનોમાં સ્પર્શ (closure) અને સ્ફોટ (plosion) કરતાં મધ્ય સ્થિતિ (implosion) માં સામાન્ય કરતાં વધારે સમય લાગે છે તે દીર્ઘ ગણાય છે. ઉ. ત. ‘પથ’, ‘સાચું’, ‘ખોટું’ નો બીજો વ્યંજન હ્રસ્વ છે; જ્યારે, ‘પથ્થર’, નો મધ્ય, અને ‘સાચ્ચું’ અને ‘ખોટું’ ના અંત્ય વ્યંજનો દીર્ઘ છે, કારણકે એમાં તે વ્યંજન (થ, ચ, ટ) ના સામાન્ય ઉચ્ચારણ કરતાં સવિશેષ વિલંબિત મધ્ય સ્થિતિ (implosion) હોય છે. એ વિષે આપણે સવિસ્તર ચર્ચા આગળ કહી ગયા છીએ. સામાન્ય રીતે દ્વિત્વયુકત વ્યંજનો એ દીર્ઘ વ્યંજનો છે.[86] હ્રસ્વ અને દીર્ઘ સ્વરોના (ઉ. ત. इ અને ई, કે उ અને ऊ ના) ઉચ્ચારણમાં જેવો સ્થાનભેદ છે તેવો હ્રસ્વ અને દીર્ઘ વ્યંજનોના ઉચ્ચારણ વચ્ચે સંભવતો નથી એ સ્પષ્ટ છે.

શબ્દમાં આવતા એક જ પ્રકારના ધ્વનિઓનાં માત્રામાન શબ્દમાં એમના સ્થાન અનુસાર બદલાય છે. ઉ. ત. શબ્દને અંતે આવતો સ્વર નિર્બળ હોઈ આરંભ કે મધ્યના સમાન સ્વર કરતાં ઓછા માત્રામાનવાળો હોય છે. ઉ. ત. ‘રમત’ [rəmʌt] ના ‘ર’ અને ‘મ’ માં અંતર્ગત ‘અ’ કરતાં છેલ્લા વર્ણ ‘ત’ માં અંતર્ગત ‘અ’ નું માત્રામાન ઘણું ઓછું છે.[87] ‘હર્ષવર્ધન’માં ‘ન’ કરતાં ‘ષ’ અને ‘ધ’ ના સ્વરનું માત્રામાન વધારે છે, અને એમના કરતાં ‘હ’ અને ‘વ’ ના સ્વરનું માત્રામાન વિશેષ છે.

સંયુક્ત તેમજ દીર્ઘ વ્યંજનોની પહેલાં આવતો સ્વર ઉચ્ચારણમાં દીર્ઘ માત્રામાનવાળો હોય છે, પછી લેખનમાં ભલે એ હ્રસ્વ લખાયો હોય. આ જ રીતે જેમના ઉપર બલાઘાત પડતો હોય તેવા ધ્વનિઓની માત્રા પણ દીર્ઘ હોય છે. સ્પર્શ ધ્વનિઓ કરતાં સંઘર્ષી ધ્વનિઓનું ઉચ્ચારણ (articulation) વધારે વિલંબિત હોવાથી એમનું માત્રામાન દીર્ઘ હોય છે. ધ્વનિ જેટલે દૂર સુધી સંભળાય એ ઉપરથી એમની sonority (મુખરતા) નિર્ણીત થાય છે. સ્વરો વ્યંજન કરતાં વધારે મુખર હોય છે, અને એમાંયે [i] [u] જેવા સંવૃત સ્વરો કરતાં [a] જેવો વિવૃત સ્વર વધારે મુખર હોય છે. વ્યંજનોમાં અઘોષ સ્પર્શ [t], [k] ઈ૰ સૌથી ઓછા મુખર, સઘોષ સ્પર્શ [d, g] એથી વિશેષ મુખર, નાસિક્ય [m] [n] અને પાર્શ્વિક [l] એથીયે વિશેષ મુખર, અને લોડિત [r] સૌથી વિશેષ મુખર હોય છે.

દીર્ઘતામાં આમ સ્વરો સૌથી દીર્ઘ, સંઘર્ષી એથી ઓછા, પાર્શ્વિક, અનુનાસિક અને લોડિત એથીયે ઓછા દીર્ઘ, અને સ્પર્શ અને ઉત્ક્ષિપ્ત સૌથી હ્રસ્વ ધ્વનિ છે. અંગ્રેજી ભાષામાં સઘોષ (voiced) ધ્વનિઓની પૂર્વે આવેલા સ્વરો અઘોષ ધ્વનિ પૂર્વે આવેલા સ્વરની અપેક્ષાએ દીર્ઘ હોય છે. ઉ. ત. pan અને pad નો [æ] ધ્વનિ pat અને pack ના [æ] ધ્વનિ કરતાં કાલમાનમાં દીર્ઘ હોય છે. તે જ પ્રમાણે બલાઘાતયુક્ત સ્વર બલાઘાતહીન સ્વર કરતાં દીર્ઘ હોય છે. અંગ્રેજીમાં હ્રસ્વ સ્વરની એક mora (માત્રા) ગણીએ, તો દીર્ઘ સ્વરોની દોઢ કે બે mora ગણાય.[88]

ફ્રેન્ચમાં દીર્ઘ ધ્વનિઓ કેવળ અંતિમ વ્યંજન કે વ્યંજન-સમૂહની પૂર્વે જ આવે છે. અમેરિકન અંગ્રેજીમાં સ્વરની હ્રસ્વદીર્ઘતાને કારણે અર્થમાં ફરક પડતો નથી. પરંતુ, ગુજરાતી કે હિંદી જેવી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ધ્વનિની હ્રસ્વ અને દીર્ઘતાથી ઘણો ફરક પડી જાય છે. ઉ. ત. ગુજ૰ ‘મરવું’, ‘મારવું’; ‘કળી’, ‘કાળી’; ‘સુર’ (=દેવ), ‘સૂર’(=ધ્વનિ); હિંદી रसा (=રસૉ), रस्सा (=દોરડું). એ જ સ્થિતિ ઈટાલિયન ભાષામાં પણ પ્રવર્તે છે. ઉ ત. ઈટાલિયનમાં fatto [ઉચ્ચાર ।fatto, ફાત્તો] ‘done’ અને fato [ઉચ્ચાર ।fato, ફાતો] ‘fate’.[89] એક જ ધ્વનિની હ્રસ્વતા કે દીર્ઘતા વ્યક્ત કરવાને સામાન્ય રીતે વર્તમાન ભારતીય લિપિઓમાં સંજ્ઞા નથી – જો કે છંદમાં વર્ણની ઉપર (નાની આડી લીટી) – દીર્ઘતા, અને (નાની અર્ધ-ચન્દ્રરેખા) ˘ હ્રસ્વતા સૂચવે છે.[90] અર્વાચીન ભાષાવિજ્ઞાન ધ્વનિદીર્ઘત્વ વિસર્ગ કે ગુરુવિરામ જેવા ચિહ્ન વડે દર્શાવે છે. ઉ. ત. Palm [pa: m]. અર્ધ-દીર્ઘ (half-long) ધ્વનિઓ પૂર્ણવિરામ જેવા બિન્દુથી દર્શાવાય છે. ઉ. ત. Beet [bi.t]. એ જ પ્રમાણે વિશેષ હ્રસ્વતા દર્શાવવાને ધ્વનિ-સંજ્ઞા ઉપર અર્ધચન્દ્રરેખા મુકાય છે: [i] હ્રસ્વ इ, [ĭ] અતિહ્રસ્વ इ.

જેમ સિતાર જેવાં તંતુવાદ્યોમાં તાર ખેંચવાથી કે ઢીલા કરવાથી એમાંથી નીકળતા સંગીતસ્વરોમાં ભિન્નતા આવે છે તેમ માનવકંઠની (સ્વરયંત્રની) સ્વરતંત્રીઓના ખેંચાવાથી કે શિથિલ રહેવાથી, એના પ્રકંપનમાં વધઘટ થવાથી સૂર (pitch) ઉત્પન્ન થાય છે.[91] જે ધ્વનિઓમાં સ્વરતંત્રીઓનું પ્રકંપન (vibrations) થાય છે એ (સ્વર આદિ ઘોષ) ધ્વનિઓમાં જ સૂર સંભવે છે.

સૂર (pitch) ના ત્રણ પ્રકાર છે – ઉચ્ચ (rising pitch), નીચ (falling pitch), અને સમ (level pitch). જેમાં સ્વરતંત્રી વધારે તણાય કે ખેંચાય તે ઉચ્ચ સૂર; જેમાં એ તાણને તદ્દન ઓછી કરી નાંખવામાં આવે તે નીચ સૂર; અને જેમાં સ્વરતંત્રીપ્રકંપન બરાબર એકસરખી (સમ) સ્થિતિમાં રહે તે સમ સૂર. વર્તમાન ભાષાશાસ્ત્રમાં ઉચ્ચ સૂર (rising pitch) / સંજ્ઞાથી, નીચ સૂર (falling pitch) \ સંજ્ઞાથી, અને સમ સૂર (level pitch) — સંજ્ઞાથી દર્શાવાય છે. આ સંજ્ઞાઓ ગ્રીક ભાષામાં grave, acute ઈ૰ સૂરભેદ દર્શાવવામાં વપરાઈ છે.

વૈદિક સંસ્કૃતમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આ પ્રકારના સૂરભેદ જ છે. ઊર્ધ્વશક્તિથી—અર્થાત્, ઊંચે સૂરે[92] ઉચ્ચારાતો અક્ષર ઉદાત્ત સ્વરવાળો ગણાતો; નીચે સૂરે[93] ઉચ્ચારાતો અક્ષર અનુદાત્ત સ્વરવાળો ગણાતો; અને બંને તત્ત્વવાળા[94] (બંને પ્રકારના સૂરતત્ત્વોના મિશ્રણરૂપ) તે સ્વરિત સ્વર ગણાતો. વસ્તુતઃ ઉદાત્ત સ્વરની પછી તરત આવતો અનુદાત્ત સ્વર સ્વરિત કહેવાય છે. આગળના સ્વર - ઉદાત્ત સ્વરનું ઉચ્ચારણ ઊંચેથી થતું હોઈ વાણીસ્થાનનો પ્રયત્ન આરોહાત્મક હોય, ત્યાં તરત અનુદાત્ત સ્વર આવતાં વાણીસ્થાનનો પ્રયત્ન મૃદુ, અવરોહાત્મક બને તે અક્ષર સ્વરિતસ્વરયુક્ત ગણાય છે. ત્યાં યુગપદ્ બે સ્થિતિ પ્રવર્તતી હોઈ એમાં બંને સ્વરોનું મિશ્રણ છે એમ મનાયું છે. ઉદાત્તની સંજ્ઞા નથી, અનુદાત્ત સ્વર વ્યક્ત કરવાને માટે અક્ષરની નીચે _ આડી લીટી મૂકવામાં આવે છે; સ્વરિત અક્ષર ઉપર ઊભી લીટી, દંડ (।) મૂકવામાં આવે છે. ઉ. ત. अ॒ग्निनां॑ માં પ્રથમ અક્ષર अ॒ અનુદાત્ત છે, દ્વિતીય અક્ષર ग्नि ઉદાત્ત છે; છેલ્લો ना અનુદાત્ત છે, પરંતુ ઉદાત્તની પછી તરત આવવાને કારણે એ સ્વરિત બન્યો છે. દ્વ્યક્ષરી પદો(disyllables)માં ઉદાત્ત સ્વર બહુધા પ્રથમ અક્ષર ઉપર આવે છે. પદમાં એક જ સ્વર ઉદાત્ત હોય છે. ક્વચિત્, ક્રિયાપદ જેવાં પદોમાં સર્વ અક્ષરો અનુદાત્ત હોય છે. ઉ. ત. अ॒ग्निमीळे॒ पु॒रो॒हितम् । પદોનો સમાસ થાય ત્યારે, દ્વન્દ્વમાં બંને પદો પ્રધાન હોઈ બંને પદાંશોમાં ઉદાત્ત સ્વર આવે છે. ઉ. ત. मि॒त्रा - व॒रुणा॒. કર્મધારય અને તત્પુરુષ સમાસમાં ઉદાત્ત સ્વર અંતિમ અક્ષર ઉપર આવે છે, કારણ કે એ બંને સમાસોમાં ઉત્તર પદ પ્રધાન છે. બહુવ્રીહિમાં ઉદાત્ત સ્વર પ્રથમ અક્ષર ઉપર આવે છે કારણ કે એમાં (સમાસગત પદો કરતાં) અન્ય પદનું પ્રાધાન્ય છે.

આ કારણથી યજ્ઞ વડે ઈન્દ્રનો હણનાર માગનારા અસુરોએ ભ્રાન્તિથી इ॒न्द्र॒श॒त्रु॒: (= ‘ઈન્દ્રનો હણનાર’; તત્પુરુષ સમાસ) ઉચ્ચારવાને બદલે इन्द्रंशत्रुः (= ‘ઈન્દ્ર જેને હણનાર છે તેવો’ (અસુર); બહુવ્રીહિ સમાસ) ઉચ્ચારીને પોતાનો વિનાશ વહોરી લીધો હતો, એ પૌરાણિક આખ્યાયિકામાં સૂરભેદે અર્થભેદનું ઉદાહરણ સચવાયેલું છે. વર્તમાન આર્ય ભાષાઓમાં આ પ્રકારનાં શબ્દાન્તર્ગત સૂરનાં ઉદાહરણો મળવાં અતિ વિરલ છે. પરંતુ વાક્યમાં (બહુધા છેલ્લા) શબ્દના સૂરમાં પરિવર્તન કરીને વાક્યના મુખ્ય અર્થ ઉપરાંત મનની લાગણીઓ કે ભાવાતિરેક, તેમ વિધિ, નિષેધ, પ્રશ્ન, ઉત્તર, વિસ્મય, સંતોષ ઈ૰ વિશેષ અર્થો દર્શાવવામાં આવે છે. આથી બ્લૂમફીલ્ડ જેવા ભાષાવૈજ્ઞાનિકોએ સૂરભેદને ગૌણ ધ્વનિગ્રામો ગણ્યા છે.[95]

ઉ. ત. અંગ્રેજીમાં જેવાં વાક્યમાં અંતિમ શબ્દ નીચલા સૂરે (falling accentથી) ઉચ્ચારાય ત્યારે ‘એ આવે છે’ એવા માત્ર વિધાનનો અર્થ દર્શાવે છે. પરંતુ, જો એમાં છેલ્લો શબ્દ ઉચ્ચ સૂરે (rising pitch થી) ઉચ્ચારાય— —તો સમગ્ર વાક્યમાં પ્રશ્નનો અર્થ આવે છે. છેલ્લો શબ્દ નીચ સૂર કરતાં જરા ઊંચેથી, પરંતુ ઉચ્ચ સૂર કરતાં ઠીક ઠીક નીચેને સૂરે ઉચ્ચારાય ત્યારે વાક્યમાં વિસ્મયનો અર્થ આવે છે : ઉપર પ્રમાણે શબ્દ ઉપરની રેખાઓ વડે સૂરભેદ ચિહ્નિત કરવાને બદલે કેટલાક ભાષાવૈજ્ઞાનિકો વિરામચિહ્નો દ્વારા (.  ?  !) આ સૂરપરિવર્તન સૂચવવાનું વધારે પસંદ કરે છે.[96] સામાન્ય રીતે એકજ શ્વાસમાં સહજ રીતે જેટલા ધ્વનિઓ ઉચ્ચારી શકાય તેને breath-group (શ્વાસવર્ગ) કહે છે. એ ॥ કે (.) પૂર્ણવિરામથી દર્શાવાય છે. કેટલીક વાર અર્થ સ્પષ્ટ કરવાને માટે, બે કે ત્રણ શબ્દો વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ દર્શાવવાને વચ્ચે શ્વાસ લેવામાં આવે છે; ત્યારે એકસાથે ઉચ્ચારાયેલા એટલા ધ્વનિ-સમુદાયને sense-group (બોધ-વર્ગ) કહેવામાં આવે છે. એ । થી અથવા (,) અલ્પવિરામથી દર્શાવાય છે. (જુઓ: Daniel Jones, op. cit., p. 254.)

ઉપરનાં ઉદાહરણોમાં પૂર્ણવિરામ ચિહ્ન નીચેના સૂરનું સૂચક છે. ઉ. ત. It’s ten o’clock. I must go to the college. અહીં o’clock શબ્દ પછીનું પૂર્ણવિરામ સૂરની નિમ્નગતિ અને વિરામ સૂચવે છે. પૂર્ણવિરામ સ્વતંત્ર, સ્વાયત્ત વાક્યનું નિદર્શક છે: એનાથી વિરામ પામતા વાક્યને પછીના વાક્ય સાથે કાંઈ સીધો સંબંધ નથી, એમ એ દર્શાવે છે. અલ્પવિરામ (,) તે સ્થાને કિંચિત્ માત્ર વિરામ દર્શાવે છે—ત્યાં આગળના શબ્દનો સૂર નીચે જતો નથી—જેથી વાક્ય હજી ચાલુ જ છે એમ ખ્યાલ આવે છે. ઉ. ત. ઉપરના જ વાક્યમાં o’clock પછી અલ્પવિરામ આવ્યું હોય તો સૂર લગભગ મધ્ય સ્થિતિએ રહે, અને એના પૂર્વનો વાક્યાંશ પછીના વાક્યાંશ સાથે સંબદ્ધ (અહીં, કાર્યકારણ સંબંધથી સંબદ્ધ) રહે. કોઈક વાર એક જ શબ્દના ઉચ્ચારણમાં પણ સૂરભેદે અર્થભેદ સંભવે છે. ઉ. ત. ‘John.’ (નીચલા સૂરે ઉચ્ચારેલા ‘જૉહ્ન’ પછી પૂર્ણવિરામ) કોઈએ નામ પૂછ્યું હશે તેનો ઉત્તર છે. ‘John!’ (‘જૉહ્ન’ પછી ઉદ્ગારચિહ્ન, જે નીચલા કરતાં સહેજ વધારે ઊંચે—લગભગ મધ્યમ—સૂરે શબ્દ બોલાયેલો છે એમ સૂચવે છે) એ જૉહ્ન નામની વ્યક્તિને કોઈએ બોલાવી છે—સંબોધી છે—એમ દર્શાવે છે. John? ઉચ્ચ સૂરે બોલાયેલો હોઈ માત્ર પ્રશ્ન સૂચવે છે. એની સાથે વિસ્મયસૂચક સૂર ઉમેરાય તો John?! (અરે! આ જૉહ્ન છે શું?) એવો આશ્ચર્યસહિત પ્રશ્ન સૂચવે છે.[97] ગુજરાતી તેમજ અન્ય નૂતન ભારતીય આર્યભાષાઓ (New Indo-Aryan) માં પણ સૂરભેદે વાક્યાર્થભેદનાં આવાં પ્રચુર ઉદાહરણો મળશે. ઉ.ત. ‘રામભાઈ.’—કોઈએ પૂછેલા નામનો ઉત્તર છે. ‘રામભાઈ?’—એ નામની વ્યક્તિને કોઈ બોલાવે છે એમ સૂચવે છે. ‘રામભાઈ!’ — અચાનક એ નામની વ્યક્તિ મળી જવાથી થયેલું આશ્ચર્ય સૂચવે છે.

સૂરભેદે શબ્દનો અર્થ ફરી જતો હોય તેનું ઉદાહરણ ચીની ભાષા છે. ઉત્તર ચીની ભાષા (North Chinese)માં ચાર પ્રકારના સૂર (tones) છે—એકનો એક શબ્દ ભિન્ન સૂરે ઉચ્ચારવામાં આવે તો અર્થ તદ્દન ફરી જાય છે. ઉ. ત. શબ્દ [ma] લઈએ. એ ઊંચે સમ સૂરે (high level) ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘માતા’ થાય છે; ઊંચે ચઢતા સૂરે (high rising) ઉચ્ચારાયો હોય તો એનો અર્થ ‘શણ’ થાય છે; નીચલા ચઢતા સૂરે (low rising) ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘ઘોડો’ થાય છે; અને નીચલા પડતા (low falling) સૂરે ઉચ્ચારાયો હોય ત્યારે એનો અર્થ ‘ઠપકો આપવો’ એવો થાય છે. ચીની ભાષાની કેન્તોનીઝ બોલીમાં આવા છ સૂરભેદ (tones) નોંધાયા છે.[98] આ કારણથી ચીની ભાષાને ભાષાવૈજ્ઞાનિકો (tone language) કહે છે. સિયામી, બર્મી, અમેરિકન ઈન્ડિયન, ઈ૰ ભાષાઓ પણ આ પ્રકારની છે. નૉર્વેજિયન ભાષામાં પણ એક જ શબ્દના સૂરભેદે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ઊંચે સૂરે ઉચ્ચારાયેલા [।aksel] શબ્દનો અર્થ ‘ખભો’ (shoulder) થાય છે; તો નીચે સૂરે ઉચ્ચારાયેલા એ જ[vaksel] શબ્દનો અર્થ ‘ધરી’ (axle) થાય છે.[99] કેટલીક આફ્રિકન ભાષાઓમાં પણ આ રીતે સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. આફ્રિકાની ‘ફુલ’ નામની ભાષામાં ‘મિવરત’નો અર્થ અંતિમ ‘અ’ વાક્યના ધ્વનિઓના સમાન સૂરમાં ઉચ્ચારાયો હોય તો, ‘હું મારી નાંખીશ’ એવો થાય છે; પરંતુ, જો એ અંત્ય ‘અ’ અન્ય ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાયો હોય તો એનો એથી બરાબર ઊલટો, નિષેધાર્થક અર્થ (‘હું નહીં મારું’) એવો થાય છે.[100] બલાઘાત (stress accent) નો પ્રયોગ આર્યકુલની ભાષાઓમાં, વિશેષતઃ યુરોપની અંગ્રેજી જેવી ભાષાઓમાં, વિપુલ પ્રમાણમાં થયેલો મળે છે. બલાઘાતમાં કોઈ ધ્વનિ કે ધ્વનિસમૂહનું અપેક્ષા કરતાં અધિક બલપૂર્વક – તાર સ્વરે ઉચ્ચારણ થાય છે.[101] ધ્વનિની દીર્ઘતા કે ઉચ્ચ સૂરથી ઉચ્ચારણ કરતાં આ જુદું (independent) તત્ત્વ છે, જોકે આ બંને સાથે એ આવી શકે છે એટલું યાદ રાખવું આવશ્યક છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં બલાઘાતનું નિદર્શન મળે છે, પરંતુ એ ભાષાઓનું નિયામક તત્ત્વ તો માત્રામાન છે. એથી ભારતીય ભાષાઓની લિપિઓમાં એ વ્યક્ત કરવાની કોઈ વિશેષ સંજ્ઞા નથી; જ્યારે અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષાઓ માટે આંતરરાષ્ટ્રીય ધ્વનિવિજ્ઞાનપરિષદે (International Phonetic Association) સૂચવ્યા પ્રમાણે, જેના ઉપર બલાઘાત પડતો હોય તે અક્ષરની પૂર્વે જરા ઉપર ઊભી લીટી (દંડ) મૂકવામાં આવે છે. અંગ્રેજીમાં શબ્દોના અમુક ધ્વનિ બલાઘાતયુક્ત (stressed) અને બાકીના બલાઘાતરહિત (unstressed) હોય છે. એમાં કેટલીક વાર બલાઘાત જ સમાનધ્વનિ શબ્દો વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરી આપે છે. ઉ. ત. increase એ શબ્દનો પ્રથમ અક્ષર (syllable) વધારે તાર સ્વરે (louder) ઉચ્ચારાયો હોય (જેમકે, ।in-crease) તો એ નામ છે; પણ દ્વિતીય અક્ષર જો વધારે મોટેથી ઉચ્ચારાયો હોય (જેમકે, in-।crease) તો એ ક્રિયાપદ છે. ભારતીય ભાષાઓમાં શબ્દમાં આમ બલાઘાતનું સ્થાન પરિવર્તિત કરવાથી અર્થમાં ફરક પડતો નથી. અંગ્રેજીના વાક્યગત ઉચ્ચારણમાં ભાષાવૈજ્ઞાનિકોએ બલાઘાતના ત્રણ પ્રભેદ નોંધ્યા છે, અને એમને ગૌણ ધ્વનિગ્રામ ગણ્યા છે: ઉચ્ચતમ બલાઘાત (highest stress)[ ।। ] જેમાં શબ્દ ઉપર સહેતુક સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હોય છે; ઉચ્ચ બલાઘાત (high stress, or, ordinary stress) [ । ], જે સામાન્ય રીતે ભાષાના આંતરિક ગ્રથન (સંઘટના) અનુસાર પ્રત્યેક શબ્દના એક અક્ષર ઉપર આવે છે; અને મંદ આઘાત (low stress or secondary stress) [ । ] જે સમાસાત્મક શબ્દો અને લાંબા શબ્દોના એક કે વધારે અંગભૂત અક્ષરો ઉપર આવે છે. ઉ. ત. । This is ।। my book [ðis iz ।। maj । buk]. I’m । going. [aj m ।gowiŋ]. ।Lets ।go ।out.[ ।lets ।gow ।awt]. ।business-man[।biznis ।mɛn].[102] ।funda।mental [।fʌndəˈmentl]. સામાન્ય રીતે વાક્યમાં મહત્ત્વના શબ્દો – નામ, વિશેષણ, દર્શક કે પ્રશ્નાર્થક સર્વનામ, મુખ્ય ક્રિયાપદો ને ક્રિયાવિશેષણો–ઉપર બલાઘાત આવે છે. ઉ. ત. ‘what do you think of the weather?’ [।wɔt dju: ।θiŋk əv ðə ।weðə]. કોઈક વાર વાક્યના બધા જ શબ્દો મહત્ત્વના હોય ત્યારે એ પ્રત્યેક ઉપર બલાઘાત આવે છે. ઉ. ત. ।John has just bought two large brown dogs’ [।ʤɔn əz ।ʤʌst ।bɔ:t ।tu: ।la:ʤ ।braun ।dɔgz.] (Daniel Jones, op. cit., p. 242.) આને મળતી બલાઘાતપદ્ધતિ બધી જર્મેનિક ભાષાઓમાં તેમજ ઈટાલિયન, સ્પૅનિશ, સ્લાવ ભાષાઓ અને ચીની ભાષામાં પણ મળે છે. ફ્રેન્ચ ભાષામાં સામાન્ય રીતે સમ કે મધ્યમ આઘાત (level stress) છે. એમાં વિશેષ બલાઘાત જ્યારે આવે છે ત્યારે એ ભારપૂર્વક કથન કે મનોરાગ દર્શાવે છે. જર્મન ભાષામાં અંત્યાક્ષર ઉપર મુખ્ય બલાઘાત આવે છે. જુદી જુદી ભાષાઓના બલાઘાતપ્રાપ્ત ધ્વનિઓનું સામાન્ય રીતે અવલોકન કરતાં એમ લાગે છે કે અઘોષ ધ્વનિઓ ઉપર સઘોષ કરતાં કંઈક વિશેષ બલાઘાત પડે છે.

ધ્વનિઓના ગુણો—વિશેષતાઓની આપણે અહીં સુધી ચર્ચા કરી. જુદી જુદી ભાષાઓમાં આ ગુણોનું એકસરખું મહત્ત્વ નથી. ઉ. ત. નૂતન ભારતીય ભાષાઓમાં માત્રામાનનું સવિશેષ મહત્ત્વ છે. એમાં શબ્દમાં એક ધ્વનિ હ્રસ્વરૂપે આવ્યો હોય અને દીર્ઘરૂપે પ્રયોજાયો હોય એમાં અર્થમાં ઘણો ફરક પડી જાય છે. ઉ. ત. ‘મરવું’, ‘મારવું’; ‘સુર’ ‘સૂર’; ‘રસી’, ‘રસ્સી’; ઈ૰ અંગ્રેજી ભાષામાં બલાઘાત (stress accent) નિયામક તત્ત્વ છે. બલાઘાતને કારણે એક જ ધ્વનિના ઉચ્ચારણમાં પણ ફરક પડી જાય છે. ઉ.ત. de ।velop અને ।development. બલાઘાત પડતાં સામાન્ય સ્વર પ્રબળ બની જાય છે, તો બલાઘાતરહિત (unstressed) શબ્દોમાં તેમ અક્ષરોમાં સ્વરોનું ઉચ્ચારણ નિર્બળ બની જાય છે. ઉ. ત. Landed [।lendid], bottom[ ।bɔtəm], bottle [।bɔtl]. ચીની ભાષામાં સૂર(tone)નું આવું મહત્ત્વ છે. આમાંથી માત્રામાન (quantity) છંદોરચનામાં, બલાઘાત (stress) (અભિનયયુક્ત) વક્તૃત્વકલામાં, સૂર (pitch) સંગીતકલામાં સવિશેષ ઉપયોગી છે.

ધ્વનિવિકાસ

ધ્વનિઓની સમીક્ષા કરતાં આપણે જોયું કે ધ્વનિઓનું સ્વરૂપ કાલક્રમે થોડું થોડું બદલાતું જાય છે. એની પાછળ કેટલીક વાર ઐતિહાસિક (historical) તેમજ માનવવંશીય (ethnological) પરિબળો કામ કરતાં હોય છે. ઉ.ત. ગુજ૰ પૅર (=રીત) શબ્દ સંસ્કૃત प्रकार માંથી પ્રાકૃત पआर, पयार, *पयर અને પછી પ્રાચીન ગુજરાતી पइर દ્વારા અવતાર પામ્યો છે. આ રીતે ભાષાના પ્રત્યેક અવયવમાં—ધ્વનિ, અર્થ, પદવિન્યાસ ઈ૰ માં—પરિવર્તન થતું જ રહે છે, અને એને કારણે ભાષાનું સ્વરૂપ પણ વિકાસ-પરિવર્તન પામતું રહે છે. ભાષાના આ વિકાસની પાછળ કામ કરતાં માનસશાસ્ત્રીય પરિબળોની સમીક્ષા આપણે આગળ કરી ગયા છીએ.[103] એમાંથી અહીં, પ્રસ્તુત સંદર્ભમાં, ધ્વનિવિકાસ સંબંધે ઊડતી નજરે થોડીક વિશેષ ચર્ચા કરી લઈએ.

ધ્વનિવિકાસનું સામાન્ય રીતે પ્રવર્તક કારણ હોય છે પ્રયત્ન-લાઘવ. પ્રયત્ન-લાઘવ ક્વચિત્ કઠિન ધ્વનિના શિથિલ ઉચ્ચારણ રૂપે, તો ક્વચિત્ સમાનધ્વનિ કે સમાનાર્થ શબ્દોના સાદૃશ્યથી સરલ ધ્વનિ-રૂપાન્તર રૂપે કામ કરતું હોય છે. પરભાષામાંથી ઉછીના લીધેલા શબ્દોમાં કેટલાક ધ્વનિઓનો (જે બહુધા સંયુક્ત વ્યંજનો હોય છે) ઉચ્ચાર સામાન્ય ભાષક (=બોલનાર) ને દુષ્કર થઈ પડે છે. ત્યાં અર્વાચીન ભારતીય ભાષાઓ પોતાની ધ્વનિપ્રણાલિકા અનુસાર પરિવર્તન કરી લે છે. ઉ. ત. અંગ્રેજી ‘સ્કૂલ’ > ગુજ૰ ‘ઈસ્કોલ’; ‘સ્ટેશન’ > ‘ઈસ્ટેશન’, ‘ઠેસણ’; ‘માસ્ટર’ > ‘માસ્તર’; ‘બૉટલ’ > ‘બાટલી’. ફારસી ज़हर > ગુજ૰ ‘ઝેર’; અરબી जुल्म > ‘જુલમ’; અરબી इल्म > ઇલમ; યા हुसेन > ઝાવસોઈ; અરબી मुआमला > મામલો; અરબી मुआफ > માફ. સંસ્કૃત શબ્દોમાં પણ કઠિન વ્યંજનસંયોગો ગુજરાતીમાં આવતાં પહેલાં ઘટતાં પરિવર્તનો પામ્યા હોય છે. ઉ. ત. સં. कृष्ण > ગુજ૰ કરસન, કહાન; हस्त > હાથ; हर्ष > હરખ; ऋक्ष > રીંછ; उत्सव > ઓચ્છવ; ઈ૰. ધ્વનિવિકાસ પણ ખૂબ ધીમે ધીમે અસંપ્રજ્ઞાતપણે થયાં કરતો હોય છે. ઉ. ત. સં. प्रकारમાંથી પ્રા. पआर થતાં, કે સં. उष्णમાંથી પ્રા. उण्ह થતાં અનેક સૈકાંઓ વીતી ગયાં હશે; અને એ પ્રાકૃત શબ્દોમાંથી ગુજરાતીમાં ‘પૅર’ અને ‘ઊનું’ રૂપાન્તર થતાં પાછી અનેક સદીઓ વીતી ગઈ હશે, એ નિર્વિવાદ છે. આ ફેરફારો બહુજ ધીમે ધીમે, એકાદ બે માનવપેઢી દરમિયાન તો બિલકુલ નજરે પણ ન ચઢે એવી રીતે, થતા હોય છે. ધ્વનિવિકાસ સામાન્ય રીતે એક સુસંગઠિત માનવસમુદાયમાં લગભગ વ્યાપક રીતે પ્રવર્તતો હોય છે. ઉ.ત. ઉત્તર સૌરાષ્ટ્રમાં શિષ્ટ ગુજ. ‘પહેરવું’ (ઉચ્ચારણ ‘પ્હૅરવું’ [pherṿũ])નો આદિ સ્વર ભિન્ન રીતે, ‘પેરવું’ (pervũ) એ પ્રમાણે બોલાય છે. અર્થાત્, ઉત્તર સૌરાષ્ટ્રની ભદ્ર જાતિઓમાં અગ્રસ્થાનીય અર્ધવિવૃત શિષ્ટ ઍ [ɛ] નું પ્રાન્તિક (dialectal) ઉચ્ચારણ અગ્રસ્થાનીય અર્ધસંવૃત ए [e] એ પ્રમાણે થાય છે. ઝાલાવાડમાં ઍ નું ઉચ્ચારણ શિષ્ટ ગુજરાતીમાં થાય છે તેવું જ બરાબર થાય છે. અહીં ધ્વનિવિકાસની વિભિન્નતાથી એવું અનુમાન થઈ શકે કે ઉત્તર સૌરાષ્ટ્ર અને ઝાલાવાડમાં ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન જાતિઓ આવીને વસી હશે, જેમની ભાષાકીય ખાસિયતો એકબીજાથી જુદી હતી. ધ્વનિવિકાસમાં એક મહત્ત્વનું કારણ ધ્વનિનું શબ્દમાં તેમજ વાક્યમાં વિશિષ્ટ સ્થાન એ છે. ઉ.ત. સંસ્કૃતનો એક જ ધ્વનિ આદિ સ્થાને આવ્યો હોય તો પ્રાકૃતમાં એ બહુધા સચવાયો હોય છે, પરંતુ એ જ ધ્વનિ જો શબ્દમાં મધ્ય સ્થાને આવ્યો હોય તો એમાં લગભગ નિશ્ચિતપણે રૂપાન્તર થયા વિના રહેતું નથી. ઉ. ત. સંસ્કૃતનો આદિ स् (सप्त, सुर, सेवा, सर्व) પ્રાકૃતોમાં (सत्त, सुर, सेवा, सव्व એ રૂપોમાં) સચવાયો છે; જ્યારે એ શબ્દની વચ્ચે અન્ય વ્યંજનના સંયોગોમાં આવ્યો હોય ત્યારે (स्नान > ण्हाण, उत्सव > उच्छअ, वयस्य > वयस्स, (जिन) स्य > (जिण) स्स) એનાં નિરનિરાળાં રૂપાન્તરો (स्न > ण्ह, त्स > च्छ, स्य > स्स) થાય છે. આ પ્રમાણે એક જ સ્થાનમાં આવેલા એક જ ધ્વનિનું પરવર્તી ભાષામાં રૂપાન્તર એકસરખું હોય છે. એમાં જો ફેરફાર નજરે પડે તો એમ સમજવું કે, એ શબ્દ કોઈ બીજી ભાષા કે બોલીમાંથી આવ્યો છે. ઉ. ત. સંસ્કૃત व् પ્રાકૃત-અપભ્રંશ દ્વારા ગુજરાતીમાં બહુધા અપરિવર્તિત રહ્યો છે. ઉ. ત. સં. वचन > પ્રા. वयण > ગુજ૰ ‘વૅણ’; સં. वीणा > ગુજ૰ (તત્સમ) વીણા; સં. व्रज > ગુજ૰ ‘વ્રજ’. પણ કેટલીક વાર ‘બીન’ (=વીણા), કે ‘બ્રજભાષા’ કે ‘બાલ’ (=વાળ) જેવા શબ્દો સહજપણે વપરાયેલા મળે છે. ત્યારે સહજ અનુમાન થઈ શકે કે એ શબ્દો હિંદી ભાષા દ્વારા આવ્યા હોવા જોઈએ, જેમાં સંસ્કૃત व् નું ब् રૂપાન્તર અત્યંત વ્યાપક છે. ધ્વનિવિકાસમાં અમુક પ્રકારનાં પરિવર્તનો એકધારાં એક જ દિશામાં થતાં રહ્યાં છે. ઉ. ત. સંસ્કૃત च् વર્ગના ધ્વનિઓ પુરાતન સમયમાં કઠોર તાલુના સ્થાને સ્પર્શથી ઉત્પન્ન થતા હતા, તે આજે નીચેને સ્થાને વર્ત્સભાગે ખસ્યા છે, અને એમનું સ્વરૂપ સ્પર્શસંઘર્ષી (affricate) બન્યું છે. એ જ પ્રકારે સંસ્કૃત સમયમાં ट्–વર્ગનું ઉચ્ચારણ મૂર્ધા (તાલુના domal) સ્થાનથી થતું હતું, તે આજે વર્ત્સ સ્થાનથી સહેજ ઉપરને ભાગે થાય છે. આમ કેટલાક ધ્વનિઓ એક જ દિશામાં નિરન્તર ખસતા રહીને એમનું વર્તમાન રૂપાન્તર પામ્યા છે. તો, બહુધા, એમ તર્ક કરી શકાય કે ભવિષ્યમાં એમની સ્થિતિ ત્યાં, અથવા એ જ દિશામાં જરા આગળ, હશે. આ પ્રકારના ધ્વનિવિકાસની ગતિને લક્ષમાં રાખીને ધ્વનિપરિવર્તનના કેટલાક નિયમો તારવવામાં આવ્યા છે, એમની આગળ, યથાસ્થાન, ચર્ચા કરવામાં આવશે. ક્વચિત્ નૂતન ધ્વનિઓ પણ ભાષામાં સ્થાન પામે છે. સંસ્કૃત સમયમાં મૂર્ધન્ય ધ્વનિઓ આવી રીતે પ્રવેશ પામ્યા છે. એ જ પ્રમાણે શિષ્ટ વર્ગમાં અગાઉ ફારસી-અરબીના કંઠમૂલીય (glottal) क्-વર્ગના ધ્વનિઓનું, અને આજે અંગ્રેજીના (3) કે સ્વરસમ (syllabic) ṃ કે ļ ધ્વનિઓનું વિશુદ્ધ ઉચ્ચારણ થાય તે કાલક્રમે ગુજરાતી ધ્વનિમાલામાં તે તે ધ્વનિગ્રામના અંગભૂત ધ્વનિઓ (allophones) રૂપે પણ સમાવિષ્ટ થાય તો નવાઇ નહીં. ધ્વનિવિકાસને પરિણામે બે વિભિન્નાર્થ શબ્દોનું ધ્વનિસ્વરૂપ કેવળ સમાન બની જાય ત્યારે, સામાન્ય રીતે, પૂર્વાપર સંદર્ભ કે વાક્યસ્થિતિ દ્વારા એમના સાચા અર્થો ગમ્ય થાય છે. ઉ. ત. કામ (< સં. काम), કામ (< સં. कर्मन्); હાર (< સં. हार), હાર (સં. हारिः = પરાજય); વાવ (< સં. वापी, પ્રા. वावी), વાવ (સં. वपते, પ્રા. वावइ); પાય (સં. पाद, પ્રા. पाय), પાય(સં. पाययति, પ્રા. पायए); ડોલ (બાલદી), ડોલ (< સં. दोलयति, પ્રા. डोलइ); ગાય (< સં. गो પ્રા. गाई), ગાય (< સં. गायति, પ્રા. गाअइ). એમાં જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે કોઇક વાર એમાંના એક શબ્દમાં ઉમેરો કરીને, કે એ શબ્દને બદલે સમાન અર્થનો પરંતુ ભિન્ન ધ્વનિવાળો શબ્દ મૂકીને, અર્થસંશયનો પ્રસંગ ટાળવામાં આવે છે. ચીની જેવી ભાષાઓમાં સૂરભેદ વડે આ ગૂંચવાડો ટાળવામાં આવે છે, કારણ કે એક જ સમાનધ્વનિ શબ્દના સૂરભેદે અનેક અર્થ થાય છે. બલાઘાતવાળી ભાષાઓમાં બલાઘાત વડે અર્થભેદ સાધી શકાય છે (ઉ. ત. to in-।crease; an ।in-crease) એ આપણે આગળ જોઈ ગયા છીએ. સાદૃશ્યને કારણે શબ્દોમાં પરિવર્તન થાય છે. ઉ. ત. ‘સવારે’ના સાદૃશ્યથી ‘સાંજરે’; ‘સ્વર્ગ’ ના સાદૃશ્યથી ‘નર્ક’. સાદૃશ્ય દ્વારા થતા ભાષાવિકાસની વીગતે ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. ક્વચિત્ અસ્થાને પાંડિત્યદર્શન પણ ભાષાપરિવર્તનનું એક કારણ થઈ પડે છે. ઉ. ત. સંસ્કૃતના સંખ્યાબંધ શબ્દોમાં र् કારયુક્ત સંયુક્ત વ્યંજનો નજરે પડે છે. એથી, શબ્દને વધારે શિષ્ટ રૂપ આપવાને કેટલીક વાર र् કારનો પ્રક્ષેપ થયેલો હોય છે. ઉ. ત. સં. व्यास > અપ. व्रासु; સં. शाप > ગુજ૰ શ્રાપ (બોલચાલની ભાષામાં); સં. कोटि > પ્રા. कोडि > ગુજ૰ કરોડ. પાલી ગ્રંથોમાં કેટલીક વાર આવા અસ્થાન સંસ્કૃતસમ ધ્વનિ-રૂપાન્તરો નજરે પડે છે. ઉ. ત. धम्मपद् માં મળતાં નીચેનાં ઉદાહરણો નોંધપાત્ર છે. कुसीत (< સં. कुसीद); अलापू (< સં. अलाबू).[104] ક્વચિત્ કવિઓ ભાષા લડાવતાં શબ્દોના ધ્વનિઓમાં રૂપાન્તર કરે છે, જે પછીથી શિષ્ટતાની છાપ પામે છે. ઉ. ત. આંખલડી, તારલિયા, નેનન (=નયનો), ચંદ્રી, નાવલિયો, ઈ૰ આ ઉપરાંત ભાષાવિકાસમાં કામ કરતાં અન્ય પરિબળો, તેમજ તેની પાછળની ભૂમિકાની આપણે પાછળ વીગતે ચર્ચા કરી ગયા છીએ.


  1. બે હાથથી કાન ઢાંકી દઈને આપણે ‘ક’ અને ‘ગ’, કે અંગ્રેજીના [f] અને [v] ધ્વનિઓ ઉચ્ચારીએ તો પછીના ધ્વનિઓના ઉચ્ચારણ વખતે આપણને સ્વરતંત્રીઓના અનુરણન (buzz)નો ખ્યાલ આવશે.
    જુઓ : E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 10.
  2. સરખાવો : Daniel Jones, op. cit., p 48: “A speech-sound is a sound of definite organic formation and definite acoustic quality which is incapable of variation.”
  3. અનાદિ ડ઼, ઢ઼ ને સદ્. નરસિંહરાવ ‘મૂર્ધન્યતર’ ધ્વનિઓ ગણે છે.
  4. સરખાવો: Sturtevant, op. cit. pp. 15-16:
    “A phoneme is either a single speech-sound or a group of similar speech-sounds which in a given language function in the same way.”
    Bloomfield, Language, p. 79: “Phoneme is a minimum unit of distinctive sound-feature.”
    Daniel Jones, The Phoneme, Its Nature and Use,(1950), p. 10:
    “A phoneme is a family of sounds in a given language which are related in character and are used in such a way that no one member ever occurs in a word in the same phonetic context as any other member.
  5. એથી જ વર્તમાન ભારતીય આર્યભાષાઓમાં ઉદ્ભવેલા ગોળ (rounded) વિવૃત (open) ऑ માટે કોઈ ખાસ લિપિસંજ્ઞા યોજાયેલી નથી–જો કે કોઈ કોઈ મધ્યકાલીન રાજસ્થાની હસ્તપ્રતોમાં आ સંજ્ઞા મુકાયેલી મળી આવે છે. ઉ. ત. मकरंदरा मकवाणरा हाय नित जुद्ध हमेश.’
    જુઓ : N. B. Divatia, Gujarati Language and Literature, 1921, Vol. I, p. 157.
  6. સરખાવો : Daniel Jones. An Outline of English Phonetics, (1936), p. 23 :
    “A vowel is defined as a voiced sound in forming which the air issues in a continuous stream through the pharynx and mouth, there being no obstruction and no narrowing such as would cause audible friction”.
  7. સરખાવો : Daniel Jones, op. cit., p. 231
    “Consonants include all sounds in which air has an impeded passage through the mouth,...all sounds in which there is audible friction”.
  8. આ ધ્વનિઓ [म़, ऩ] વર્તમાન અંગ્રેજી bottom [બૉટમ્], pardon [પાડન્] ના અંત્ય ધ્વનિઓને મળતા હશે એવું અનુમાન થઈ શકે છે.
  9. लृનો ઉચ્ચાર અંગ્રેજી little [લિટલ્]ના અંત્ય ધ્વનિને મળતો હશે એમ કલ્પી શકાય છે.
  10. ગુજરાતી તેમજ અંગ્રેજી સ્વરાવલીમાં ક્રમાંક ૪[a] મળતો નથી.
  11. પાશ્ચાત્ય ધ્વનિવિજ્ઞાન અનુસારની આ સંજ્ઞા મુખવિવરની અર્ધવિવૃતિને અનુલક્ષીને અપાયેલી છે; ગુજરાતી ભાષાશાસ્ત્રમાં સદ્. સાક્ષરવર્ય નરસિંહરાવ દીવેટિયાએ એમને ‘વિવૃત’ ધ્વનિઓ તરીકે ઓળખાવ્યા છે.
  12. ભાષાભાષાએ આમાં અપવાદ પણ નીકળે. ઉ. ત. ફ્રેન્ચ અને જર્મન ભાષામાં અગ્રસ્થાનીય ई નો ઉચ્ચાર કરતાં હોઠ उ ની માફક વર્તુલાકાર ધારણ કરતા હોય છે [ઉ. ત vous]; તેમ પશ્ચસ્થાનીય સ્વરોના (उ, ओ આદિના) ઉચ્ચારમાં હોઠ પહોળા થતા હોય છે.
  13. ડૉ. ટી. એન. દવેએ એમની ‘ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા’ (સૂરત, ઈ. સ ૧૯૩૩) એ પુસ્તિકામાં (પૃ. ૨૨, ૨૩ ઉપર) ए [e] કરતાં નીચો, સહેજ પાછળનો, એના કરતાં હ્રસ્વ અને સહેજ પહોળો એવો ઍ [E] સ્વર માન્યો છે, જે એમને મતે ‘જેટલું’, ‘તેટલું’, ‘એટલું’, ‘એવડું’, એ શબ્દોમાં સંભળાય છે. વસ્તુતઃ આ ઉદાહરણોનો સ્વર ઉપરના નં. ૨ ના ‘જે’ ‘તે’ ‘એ’ ના ए[e] કરતાં સ્વરૂપમાં ભિન્ન જણાતો નથી—ઉદાહરણ-રૂપ શબ્દોના વિસ્તારને લીધે ભિન્નતાનો આભાસ ઉત્પન્ન થાય છે એટલુંજ.
  14. વિરલ ઉદાહરણામાં ત્રણ કે ચાર સ્વરો પણ આ રીતે જોડાતા હોય છે. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતીમાં આવાં ઉદાહરણો મળે છે. (ઉ. ત. करिअउ, बोल्लिअइ ઈ૰). વર્તમાન ગુજરાતીમાં સ્વરસંયોગનાં આવાં ઉદાહરણો ખૂબ વિરલ છે. દા. ત. જેઓએ, તેઓએ, ઇ૰.
  15. અંગ્રેજીમાં આ ઉપરાંત નીચે પ્રમાણેનાં સ્વરયુગ્મો મળે છે. ઉ. ત.
    [OU] [=ઓઉ] so, no, go.
    [ai] [=આઇ] my, spy, buy.
    [ei] [=એઈ] make, plain, day.
    [Iə] [=ઈઅ] ear, fear, tear, beer.
    [Eə] [=ઍઅ] air, hair, fair, pair.
    [ɔə] [=ઑઅ] ore, roar, pour.
    [Uə] [=ઉઅ] pure, sure, your.
    ગુજરાતી ભાષામાં એમનાં ઉદાહરણો મળતાં નથી તેથી એમની ચર્ચા કરી નથી.
  16. જેના ઉચ્ચારણમાં સ્વર પછી વ્યંજન આવતો ન હોય, કે સ્વરની સાથે તરત જ (પછીનો) વ્યંજન બોલાતો ન હોય. ઉ. ત. ‘તો’, ‘ઘી’, ‘જો’, ‘આ’, તથા ‘કરો’, ‘ઘડો’, ‘ગમત’, ઈ૰ શબ્દોમાં પ્રથમ અક્ષર ખુલ્લો (open syllable) છે. C V (=consonant+vowel) એની સંજ્ઞા છે.
  17. જેના ઉચ્ચારણમાં સ્વરની પછીનો વ્યંજન સાથે જ બોલાતો હોય તેને બંધ અક્ષર (closed syllable) કહે છે. ઉ. ત. ‘હાથ’, ‘પગ’, ‘કર’, ‘home’ [houm] ઈ૰ ના પ્રથમ અક્ષર બંધ છે. CVC એની સંજ્ઞા છે.
  18. જુઓ: J. Vendryes, Language, p. 22.
  19. જુઓ: E. H. Sturtevant, op. cit., p. 12.
  20. જુઓ: Vendryes, op. cit., p. 32.
  21. જુઓ: Bloomfield, Language, p. 98; તેમજ બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૬૦.
  22. આ અંગ્રેજી ધ્વનિઓ સ્પર્શ [plosives કે stops] નથી, પરંતુ સંઘર્ષી [fricative કે spirant] છે.
  23. આમ સમાન દેખાતા અને સમાન સંજ્ઞાથી નિર્દેશાતા ધ્વનિઓનું વાસ્તવિક સ્વરૂપ ભાષાભાષાએ ભિન્ન હોય છે. ઉ. ત. અંગ્રેજી અને ફ્રેન્ચ સ્વરમાલામાં બંનેમાં સમાન હોય તેવો એક પણ સ્વર નથી. સરખાવો : Vendryes, op. cit., p. 22.
  24. જુઓ : Bloomfield, op. cit., p. 98.
  25. જુઓઃ Sturtevant, op. eit, p. II.
  26. જુઓ: Bloomfield, op. cit., p. 100.
  27. સરખાવો: ‘इचशेयास्तालौ ।’ – शुक्लयजुर्वेदप्रातिशाख्य १–६६.
  28. આથી જ ગ્રામ્ય બોલીઓમાં શિષ્ટ ગુજરાતી (Standard Gujarati) ચ્ નો ઉચ્ચાર સ્ જેવો, છ્ નો ઉચ્ચાર શ્ જેવો, જ્ નો ઝ્ જેવો સંભળાય છે. છતાં ગુજરાતીમાં ચ્ નો ઉચ્ચાર મરાઠીમાં થાય છે તેવો, છેક ત્સ્ જેવો થતો નથી, કારણ કે ગુજરાતીમાં ચ્ [tʃ] નું વાણીસ્થાન [ts] કરતાં જરાક વધારે ઉપરનું છે. (સરખાવો આકૃતિ ૧૦ અને ૧૦ अ) કેટલાક અર્વાચીન ભારતીય ભાષાઓનાં કથ્યરૂપો (dialects) માં च् નું ઉચ્ચારણ બે પ્રકારનું त्स् [ts] જેવું દંત્ય, કે તાલવ્યધ્વનિઓ પૂર્વે त्श् [tʃ] જેવું (તાલવ્ય) થાય છે. ज् નું ઉચ્ચારણ પણ એ જ રીતે બે પ્રકારનું द्+દંત્ય झ् જેવું [dz] જેવું (દંત્ય), અને તાલવ્ય ધ્વનિઓ પૂર્વે द्+તાલવ્ય झ् જેવું(તાલવ્ય) થાય છે. આનાં નિદર્શનો, બહુધા, શિષ્ટ રૂપમાં મળતાં નથી; પણ શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીમાં વિશેષતયા મળે છે — જોકે મરાઠીમાં આ ઉચ્ચારણો શિષ્ટ(Standard) ભાષાનાં અંગભૂત ઉચ્ચારણો છે.
  29. સરખાવો : Bloomfield, Language, p. 100-101.
  30. જુઓ: Vendryes, op. cit., p. 23.
  31. સરખાવો : આકૃતિ ૮ મી. આ આકૃતિના અંગ્રેજી [t, d] ધ્વનિઓ કરતાં નૂતન ભારતીય ભાષાઓના ટ્, ડ્ નું સ્થાન જરા ઉપરનું છે એ લક્ષમાં રાખવું ઘટે છે.
    સ્થાન પરત્વે આ ધ્વનિઓ વર્ત્સની માફક એક પ્રકારના દંત્ય ધ્વનિઓ છે સરખાવો : ‘Cereb als, like the alveolars, are merely special kinds of dentals.’ — Vendryes, op. cit. p. 23.
  32. સરખાવો : जिह्वाग्रेण प्रतिवेष्ट्य मूर्धनि ट-वर्गे।–तैत्तरीय प्रातिशाख्य २-३७; मूर्धन्यानां जिह्वाग्रं प्रतिवेष्टितम् ।–अथर्वप्रातिशाख्य १-२२.
  33. તાલુના (palate) ગોલાકૃતિ (ગુંબજ જેવા) ભાગના (domal position) સ્પર્શથી બનતા હોવાને કારણે બ્લૂમફીલ્ડે આ [T, D] અર્થાત્ [t, d] ધ્વનિઓને Domalsની સંજ્ઞા આપી છે. જુઓઃ Bloomfield, Language, p. 98
  34. સંસ્કૃત વૈયાકરણોએ આ ધ્વનિઓનું જિહ્વામૂલ ગણ્યું છે. સરખાવોઃ `ऋक्कौ जिह्वामूले।’ - शुक्लयजुर्वेदप्रातिशाख्य 1-65.
  35. જુઓઃ Vendryes, op. cit., p. 23.
  36. આ ઉપરાંત અરબીમાં કોમલતાલુજન્ય (velar) क् [k] પણ છે. જુઓઃ Bloomfield, op. cit., p. 99.
  37. જુઓઃ E. H. Sturtevant, op. cit., pp. 10-11.
  38. ૩૮ સરખાવોઃ J. Vendryes, op. cit., p. 25.
  39. જુઓ: Sturtevant, op. cit., p 10
  40. સરખાવો: Bloomfield, op. cit., p 11.
  41. સરખાવો: “A glottal or laryngal stop is produced... ....sometimes before an initial vowel when speaking under a strain.” — Bloomfield, op. cit., p. 99.
  42. સંસ્કૃતમાં વિસર્ગસંધિમાં જ્યાં વિસર્ગનો લોપ થાય છે ત્યાં વિસર્ગને સ્થાને ક્ષણિક વિરામનો ભાસ થાય છે. આ વિરામનું સ્વરૂપ glottal stop ને મળતું આવે છે. ઉ.ત. असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमंगलः । (रुद्रसूक्त) નું ઉચ્ચારણ असौ जस्ताम्रो? अरुण? उत बभ्रुः सुमंगलः । એમ થાય છે. અહીં[?] સંજ્ઞા glottal stop દર્શાવે છે.
    જુઓ: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, (૧૯૫૭), પૃ. ૧૨૧.
  43. Whisper માં બહાર નીકળતો શ્વાસ સ્વરતંત્રીઓમાંથી નહીં, પરંતુ એના છેડા ઉપર આવેલાં બે અસ્થિઓ (artynoids) વચ્ચેની જગામાંથી નીકળતો હોય છે. એથી સ્વરતંત્રીઓનું સ્પંદન થતું નથી, તેથી ઘોષ ધ્વનિને બદલે માત્ર whisper સંભળાય છે; અઘોષ ધ્વનિઓ, સામાન્ય બોલચાલ વખતે સંભળાય તેવા, યથાવત્ રહે છે. — સરખાવો: Bloomfield, op. cit., p. 95. કેટલાક ધ્વનિવિદો સઘોષ અને અઘોષ વચ્ચેની સ્થિતિને whisper માને છે.
  44. જુઓ: Bloomfield, op. cit., p. 95.
  45. સાતત્યધ્વનિઓ (continuants)માં સંઘર્ષી ધ્વનિઓ ઉપરાંત નાસિકય, પાર્શ્વિક અને લોડિત ધ્વનિઓનો પણ સમાવેશ થાય છે. એમને (છેલ્લા ત્રણને) કેટલાક ભાષાવિદોએ પ્રવાહી ધ્વનિઓ (liquids) ની સંજ્ઞા આપી છે. (જુઓ: Daniel Jones, Outline of English Phonetics, p. 47.)
  46. જુઓ: Vendryes, op. cit., p. 24. સરખાવો : ‘સખ્ત’નો ख् તાલવ્ય સંઘર્ષી ધ્વનિ.
  47. ઘર્ષણનું પ્રમાણ પુષ્કળ વત્તુંઓછું કરી શકાય છે; તેથી ઘર્ષણધ્વનિઓ અને (ઈ. કે લ્ જેવા) સંગીતધ્વનિ (musical sounds) વચ્ચે કોઈ સુરેખ ભેદરેખા આંકી શકાતી નથી. – જુઓ: Bloomfield, op.
    cit., p. 97.
  48. સરખાવો: Vendryes, op. cit, p. 25.
  49. સરખાવો: Vendryes, op. cit., p. 26.
  50. સરખાવો: Bloomfield, op. cit., p. 97.
  51. ल् તેમજ र् અર્ધસ્વર જેવા પ્રવાહી કે દ્રવિત (liquid) ધ્વનિઓ છે. જુઓ : Vendryes, op. cit., pp. 26-27. સ્થાન પરત્વે ल् દંત્યસ્થાનીય છે, र् વર્ત્સ્ય છે.
  52. સરખાવો : “Trill in which the tongue-tip vibrates in a few rapid strokes against the gums”. — Bloomfield, op. cit., p. 100. ઉપરાંત, સરખાવો: Vendryes, op. cit., pp 26-27.
  53. સરખાવો : ‘रो दन्तमूले।’ - शुक्लयजुर्वेदप्रातिशाख्य १-५८;
    ‘रेफं वर्त्स्यमेके।’ - ऋग्वेदप्रातिशाख्य १-२०.
  54. સરખાવો: Bloomfield, op. cit., p. 98. આ રીતે અલિજિહ્વીય र् (uvular[R]), દંત્ય (dental) र्, કંઠ્ય (guttural) र् સંભવે છે. જુઓ: Vendryes, op. cit., p. 27.
  55. સરખાવો: Vendryes, op. cit., p. 28
  56. જુઓ : બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान पृ. 62
  57. સરખાવો: “Inspirated phonemes....are due simply to a suction movement; they are often called ‘clicks’.”
    — Vendryes, op. cit., p. 33 બ્લૂમફીલ્ડ (જુઓ op cit. p 94) એમને suction-sounds’ or ‘clicks’ ની સંજ્ઞા આપે છે.
  58. અંગ્રેજી સાહિત્યમાં આ કિલક tut, tut ના સંકેત વડે બતાવી હોય છે. એ આશ્ચર્ય સાથે સહાનુભૂતિ, દયા વ્યક્ત કરે છે. એમાં જીભનો વર્ત્સભાગ (back of the upper teeth) સાથે સંબંધ થાય છે.—
    જુઓ: Bloomfield, op cit., p. 94.
  59. જુઓ: Vendryes, op. cit., p 33.
  60. જુઓ: Sturtevant, op. cit., p. 12.
  61. સરખાવો: “with the velum lowered so that the passage into the nose is opened, we pronounce nasal consonants and all nasalised vowels and consonants”. -- Sturtevant, op. cit., p. 10.
  62. સરખાવો: “A [b] pronounced with the nasal passage open becomes [m]”. — Sturtevant, op. cit., p. 12.
  63. જુઓ: Bloch: L’Indo-Aryan, p. 71.
    Wackernagel નો પણ [Altindische Grammatik (= પ્રાચીન ભારતીય વ્યાકરણ), Vol I, p. 2] માં લગભગ આવો મત છે; માત્ર એ ङ् ને સ્વતન્ત્ર ધ્વનિ ગણે છે. સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. ९१.
  64. ઉ. ત.युङ्धि એ વસ્તુતઃ युङ्ग्धि નું જ રૂપાન્તર છે.
    જુઓ : ભોળાશંકર વ્યાસ, એજન, પૃ. ૧૦૭.
  65. જેની આગળ કે પાછળ સ્વર (ઉચ્ચારાતો) ન હોય તે ધ્વનિને syllabic (= સ્વરસદૃશ ધ્વનિ, સ્વરકારક ધ્વનિ) કહે છે.
  66. ‘इचशेयास्तालौ ।’ — शुक्लयजुर्वेदप्रातिशाख्य, १-६६.
  67. ‘उवोपोपद्मा ओष्ठे ।’ — शुक्लयजुर्वेदप्रातिशाख्य, १-७०.
  68. સરખાવો: Vendryes, op. cit., p 26.
  69. જુઓઃ Vendryes, op. cit., p. 29.
  70. સરખાવો : ‘....followed by a puff of unvoiced breath (aspiration)’.
    — Bloomfield, op. cit., p. 99.
  71. જુઓ : Bloomfield, op. cit., p. 99.
  72. જુઓઃ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 63 અને N. G. Kalelkar, `Dhvani Vicara’, p. 45.
  73. જુઓઃ Bloomfield, op. cit., p. 101
  74. સરખાવોઃ ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. 81
  75. સરખાવો : ‘गुरुर्व्वकारो विज्ञेयः पदादौ पठितो भवेत् ।’—माध्यन्दिनी शिक्षा २-३.
  76. જુઓ: ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, પૃ. ૯૪.
    સરખાવો : N G. Kalelkar, Dhvanivicara, p. 30. શ્રી કાલેલકર ऋનો ઉચ્ચાર અંશતઃ ફ્રેન્ચ chambre જેવો, અને लृનો semble જેવો થતો હશે એમ માને છે.
  77. જુઓ: ભોળાશંકર વ્યાસ, એજન, પૃ. ૯૬.
  78. नृणाम्, कृपण આદિ શબ્દોમાં र् ના પ્રભાવથી न् નો ण् થયો છે. જુઓ: ભોળાશંકર વ્યાસ, એજન, પૃ. ૧૦૨.
  79. જુઓ: ભોળાશંકર વ્યાસ, એજન, પૃ. ૧૧૩-૧૧૫ ઉપરનાં माध्यन्दिनीशिक्षा નાં અવતરણો.
  80. સરખાવોઃ Vendryes, Langauge, p. 23
  81. સરખાવોઃ Vendryes, op. cit., p. 24
  82. જુઓ: Sturtevant, op. cit., p. 12.
    નોંધ:- અંગ્રેજી ભાષાનું નિયામક તત્ત્વ સ્વરભાર છે, જ્યારે ભારતીય ભાષાઓનું નિયામક તત્ત્વ માત્રામાન (quantity) છે એટલે, આ અંગ્રેજી ઉદાહરણોની સ્થિતિ ભારતીય ભાષાઓનાં ઉદાહરણોને સર્વાંશે મળતી આવે એ શક્ય નથી, એટલું અહીં લક્ષમાં રાખવું ઘટે છે.
  83. ગુજરાતી વિદ્વાનોએ આને ‘સ્વરભાર’ની સંજ્ઞા આપી છે. અન્ય કેટલાક વિદ્વાનો એને ‘સ્વરાઘાત’ પણ કહે છે. એ બંને કરતાં ‘બલાઘાત’ સંજ્ઞા (stress accent) વધારે સમુચિત છે.
  84. સરખાવો: “Duration (or quantity) is the relative length of time through which the vocal organs are kept in a position”
    — Bloomfield Language, p. 109.
  85. સરખાવો: “Any vowel or consonant may be made long by simply holding the articulation”
    — Sturtevant, op. cit., p. 14.
  86. અંગ્રેજીમાં phrases (વાક્યખંડ) માં સપ્રત્યય શબ્દોમાં કે સમસ્ત શબ્દો (compound words)માં જ દીર્ઘ વ્યંજનો આવે છે. ઉ. ત. pen-knife, eat two, unknown. જુઓ Bloomfield, op. cit., p. 110.
  87. એથી કેટલાક ભાષાશાસ્ત્રીઓએ એને ‘શાન્ત’ (quiscent) अ ની સંજ્ઞા આપી છે. સરખાવો : N. B. Divatia, Gujarati Language and Literature, Vol I, p. 206-209
  88. જુઓઃ Bloomfield op. cit., p. 110
  89. જુઓ: એજન, પૃ. ૧૧૦.
  90. કેટલાક ઉત્તર ભારતીય પિંગળગ્રંથોમાં વર્ણની ઉપર (અવગ્રહ સમું) ऽ ચિહ્ન દીર્ઘતા અને (દંડ) । હ્રસ્વતા સૂચવે છે.
  91. સરખાવો: “Differences of pitch, that is, frequency of vibration in the musical sound of voice.”
    — Bloomfield, op. cit., p. 114.
  92. સરખાવો: ‘उच्चैरुदात्तः’ – शुक्लयजुःप्रातिशाख्य १-१०१
  93. સરખાવો: ‘नीचैरनुदात्तः।’ – शुक्लयजुःप्रातिशाख्य १-१०१
  94. સરખાવો: ‘उभयवान्स्वरित।’ – शुक्लयजुःप्रातिशाख्य १-११०
  95. સરખાવો: Bloomfield, op. cit., p. 114.
  96. સરખાવો: એજન, પૃ. ૧૧૪.
  97. જુઓ: Bloomfield, Language, p. 115
  98. જુઓ: Bloomfield, op. cit., p. 116.
  99. જુઓ: એજન, પૃ. ૧૧૬
  100. જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૬૭-૬૮.
  101. સરખાવો: “A variation of loudness within the limits of a single utterance is called stress accent.” – Sturtevant, op. cit., p. 14
    “Stress - that is intensity or loudness – consists in greater amplitude of sound-waves, and is produced by means of more energetic movements, such as pumping more breath, bringing the vocal chords together for voicing and using the muscles more vigourously for articulation.”- Bloomfield, op. cit., p. 110-111.
  102. જુઓ: Bloomfield, op, cit., p. III.
  103. જુઓઃ પ્રકરણ ચોથું, પૃ. 70 થી 92.
  104. જુઓઃ બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 83