ભાષાવિજ્ઞાન/ભાષાઅધ્યયનની તુલનાત્મક પદ્ધતિ –

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભાષા – અધ્યયનની તુલનાત્મક પદ્ધતિ

ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિ — ભાષા – અધ્યયન બે વિશિષ્ટ પદ્ધતિએ કરી શકાય. એક પદ્ધતિમાં વર્તમાન ભાષાનું મૂળ શોધતાં શોધતાં એનાં પૂર્વરૂપો એક પછી એક તપાસતાં તપાસતાં પાછળ જવાનું હોય છે — જેમ કોઈ નદીના મુખ તરફથી એનું મૂળ શોધતાં શોધતાં પાછા જઈએ તેમ. એને ઐતિહાસિક અધ્યયન-પદ્ધતિ કહે છે. ઉ. ત. વર્તમાન અંગ્રેજીનું મૂળ મધ્યકાલીન અંગ્રેજી (Middle English) માં, એનું મૂળ પ્રાચીન અંગ્રેજી (Old English)માં, અને એનો ઉદ્ગમ ગૉથિક (Gothic) માં મળે છે. તેવી રીતે વર્તમાન ફ્રેન્ચનું મૂળ ગૉલ (Gaul) ની કથ્ય લૅટિન (Vulgar Latin) માં મળે છે. ગુજરાતીનો ઉદ્ગમ પ્રાચીન ગુજરાતીમાંથી (જે પ્રાચીન પશ્ચિમ રાજસ્થાનીથી અભિન્ન છે), એનો પશ્ચિમી અપભ્રંશમાંથી (જેને વિદ્વાનોએ ‘નાગર’ કે ‘ગૌર્જર’ અપભ્રંશનું નામ આપ્યું છે), એ અપભ્રંશ એની પુરોગામી પશ્ચિમી પ્રાકૃતમાંથી, અને એ પ્રાકૃત આદિમ પ્રાકૃતમાંથી (જે અશોકના સમયમાં અને એની પૂર્વે સામાન્ય જનતાની કથ્ય બોલી હતી) વ્યુત્પન્ન થઈ છે. આ રીતે આપણે કોઈ પણ ભાષાના પ્રાચીનતમ ઐતિહાસિક સ્વરૂપ સુધી પહોંચી શકીએ છીએ. પણ ભાષાનો ઉત્ક્રાંતિ મ કેવળ ઐતિહાસિક યુગમાં જ સીમિત થઈ જતો નથી. એથી ઘણા પુરાતન સમય સુધી એનાં મૂળ ગયેલાં હોય છે. ત્યાં સુધી પહોંચવાને તુલનાત્મક ભાષા–અધ્યયનની પદ્ધતિનો આશ્રય લેવો પડે છે. જે પદ્ધતિએ આપણે ઐતિહાસિક સમયમાં ભાષાના પ્રાચીનતમ સ્વરૂપ સુધી પહોંચીએ છીએ, એ જ પદ્ધતિએ ભિન્ન ભિન્ન સંબદ્ધ ભાષાઓના પ્રાચીનતમ સ્વરૂપોના તુલનાત્મક અભ્યાસ દ્વારા આપણે એથીયે પુરાતન પ્રાગૈતિહાસિક સમય સુધી પહોંચવાનું છે અને એ વિભિન્ન સંબદ્ધ ભાષાઓનાં મૂળ આદિમ રૂપને શોધવાનું છે.[1] આ રીતે અંગ્રેજીનું મૂળ શોધતાં શોધતાં આદિમ પશ્ચિમી જર્મૅનિક (Primitive West Germanic) નું સ્વરૂપ આપણે ઘટાવીએ છીએ. ફ્રેન્ચનું મૂળ શોધતાં શોધતાં કથ્ય લૅટિનની સંભવિત રેખાઓ સ્પષ્ટ થાય છે. બલ્ગેરિઅન–રશિયનનાં મૂળ શોધતાં આદિમ સ્લાવિક (Primitive Slavic) ભાષારૂપ બંધાય છે. ગુજરાતી આદિ નૂતન ભારતીય ભાષાઓનું મૂળ શોધતાં શોધતાં વૈદિક ભાષાની પુરોગામી ઈન્ડો–ઈરાનિયન ભાષાસ્વરૂપ સુધી આપણે પહોંચીએ છીએ. આ સર્વ પુરાતન સ્વરૂપોના ઐતિહાસિક ઉલ્લેખ ભાગ્યે જ મળી શકે; છતાં એમાંથી નીકળેલી ભિન્ન ભિન્ન ભાષાઓના પોતપોતાનાં વિશિષ્ટ લક્ષણોની તુલના કરીને એ સર્વના પ્રભવસ્થાનરૂપ આદિમ સ્વરૂપની શાસ્ત્રીય પદ્ધતિએ સંભાવના કરી હોવાથી તાત્ત્વિક રીતે એ અવાસ્તવિક ઠરવા સંભવ નથી. કોઈ મૂળ ભાષામાંથી કાળક્રમે ભિન્ન ભિન્ન પ્રાદેશિક ભાષાઓ ઉત્પન્ન થાય — ઉ. ત. લૅટિનમાંથી ઈટાલિયન, ફ્રેન્ચ, સ્પૅનિશ, રુમાનિઅન આદિ; કે આદિમ પશ્ચિમી જર્મૅનિકમાંથી અંગ્રેજી, ડચ, જર્મન, ડેનિશ, સ્વીડિશ આદિ — ત્યારે એ દરેક ઉત્તરકાલીન વ્યુત્પન્ન ભાષામાં પોતપોતાની રીતે મૂળ ભાષાના ધ્વનિઓનાં રૂપાંતરો થાય છે. એ ધ્વનિરૂપાંતરો ઉપરથી પાછળ (ભૂતકાળ તરફ) ગતિ કરતાં એ સર્વને સમાવિષ્ટ કરી લે એવું એક પૂર્વકાલીન સ્વરૂપ અવશ્ય કલ્પી શકાય, જેમાંથી પોતપોતાની રીતે વ્યુત્પન્ન થતી ભાષાઓ પોતપોતાનાં લાક્ષણિક ધ્વનિરૂપાન્તરો સરજાવતી હોય છે

ઉપરનાં પુરાતન ભાષારૂપોને (આદિમ પશ્ચિમી જર્મૅનિક, લૅટિન, આદિમ સ્લાવિક, ઈન્ડો-ઈરાનિયન, આદિને) સહગ્રથિત કરીને એમનો તુલનાત્મક અભ્યાસ કરતાં એ સર્વનાં લક્ષણો અંતર્ગત થઈ શકે એવી સૌથી પુરાતન આર્યભાષા, આદિમ ઈન્ડો–યુરોપિયન (Primitive Indo–European)ની કલ્પના ભાષાવિદોએ કરી છે, અને એનું સંભવિત સ્વરૂપ બાંધ્યું છે. એ વિષે આગળ ઉદાહરણો આપીને ચર્ચા કરીશું. આ પ્રકારનો ભાષાઓ વચ્ચેનો પારિવારિક સંબંધ કલ્પવા માટે આકસ્મિક સામ્ય નિરુપયોગી છે. ઉ. ત. અર્વાચીન ગ્રીક ભાષામાં ।mati = `આંખ’ એવો અર્થ છે; તેમ મલય (Malay) ભાષામાં પણ mata = ‘આંખ’ એવો અર્થ થાય છે. અહીં બે ભાષાઓ વચ્ચેનું સામ્ય કેવળ આકસ્મિક જ છે; એનાથી બંને વચ્ચે કોઈ પ્રકારનો પારિવારિક સંબંધ કલ્પી શકાતો નથી. એવું જ બહિરંગ સામ્ય એક ભાષા બીજી ભાષામાંથી શબ્દો ઉછીના લે ત્યારે પણ સંભવે છે. ઉ. ત. ફિન્નીશ ભાષાએ — જે ઈન્ડોયુરોપિયન નહીં પણ ફિન્નો-ઉગ્રીઅન (Finno–Ugrian) છે — યુરોપિયન ભાષાઓમાંથી abstractine (= abstract), almanakka (= almanac), arkkitehti (= architect) આદિ શબ્દો ઉછીના લીધા છે.[2] પણ તેટલા કારણથી જ ફિન્નીશનો યુરોપિયન ભાષા સાથે સંબંધ સ્થાપિત થઈ શકતો નથી. બે ભાષાઓ વચ્ચેનો પારિવારિક સંબંધ સ્થાપવાને બંનેમાં ભાષાના અંતસ્તલ સુધી પહોંચેલા દૈનંદિન જીવનવ્યવહારના અનેક શબ્દો ઉ. ત. અંકસંખ્યા (numerals), કૌટુંબિક સંબંધદર્શક (kinship) શબ્દો, ઈ૰ સમાન હોવા જોઈએ. ઉપરાંત એ શબ્દોનું સ્વરૂપ પણ બંનેમાં કેવળ એકસરખું – અભિન્ન – ન હોવું જોઈએ, પણ બંનેમાં પોતપોતાના ધ્વનિતંત્ર અનુસાર ઘટતું રૂપાંતર થયેલું હોવું જોઈએ. આ બંને તત્ત્વો ઉપસ્થિત હોય તો જ એ ભાષાઓ પરસ્પર સંબદ્ધ છે–એક જ મૂળમાંથી નિષ્પન્ન થઈ છે – એમ કલ્પી શકાય.

કેટલીક વાર પરસ્પર સંબદ્ધ ભાષાઓને માતા, પુત્રી આદિ સંજ્ઞાઓ આપવામાં આવે છે, જે સમુચિત નથી. એક મૂળ ભાષા એની અનુગામી ભાષામાં રૂપાંતરિત થાય છે. (ઉ. ત. પ્રાકૃતમાંથી અપભ્રંશ કે અપભ્રંશમાંથી પ્રાચીન ગુજરાતી કે લૅટિનમાંથી ફ્રેન્ચ) ત્યારે પુરોગામી ભાષાનું (કથ્ય સ્વરૂપે) વિલોપન થઈને કેવળ અનુગામી ભાષા જ અસ્તિત્વમાં રહે છે, જ્યારે સંસારમાં માતા અને પુત્રી બંનેનું કેટલાક કાલાવધિમાં એક સાથે અસ્તિત્વ હોય છે. એટલે મૂળ પૂર્વ ભાષા (ઉ. ત. પ્રાચીન પશ્ચિમ જર્મૅનિક કે લૅટિન) માંથી ઉત્તરભાષા ઉત્ક્રાંત થઈ, અર્થાત્ પૂર્વ ભાષાએ કાળક્રમે વિકાસ પામીને ઉત્તર ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું એમ કહેવું વધારે સમુચિત ગણાશે.

આદિમ જર્મેનિક (Primitive Germanic) —

અંગ્રેજી, ડચ, જર્મન, ડેનિશ અને સ્વીડિશ ભાષાઓમાં પરસ્પર અત્યંત નિકટવર્તી સામ્ય છે. ઉ. ત.

English Dutch German Danish Swedish
man man man man ? man
hand hant hant hɔn ? hand
foot vu:t fu:s fo:ʔð fo:t
finger vinger finer fengʔer finer
winter winter vinter venʔder vinter
bring bring brinen brenә brina

આવા તો અનેક સમાન શબ્દોનાં ઉદાહરણો આપી શકાય. એ શબ્દો ભાષાના અંતસ્તલના છે — ઉછીના લીધેલા નથી. તો એ સર્વ ભાષાઓનું મૂળ એકજ છે એમ નિઃસંકોચ પ્રતિપાદિત કરી શકાય. ભાષાવિદોએ એને આદિમ જર્મૅનિક (Primitive Germanic)ની સંજ્ઞા આપી છે. ઉપરની ભાષાઓનાં શક્ય તેટલાં પુરાતન રૂપોના તુલનાત્મક અભ્યાસ ઉપરથી એનું સ્વરૂપ નિર્ણીત કર્યું છે. ઉ. ત. અંગ્રેજી father એ શબ્દ લઈએ તો ઉપરની જર્મૅનિક કુળની વિભિન્ન ભાષાઓના પ્રાચીનતમ ઉલ્લેખોમાં એનાં આવાં સ્વરૂપો મળે છે: ગૉથિક (Gothic) (ઈ. સ. ચોથાથી છઠ્ઠા સૈકા સુધીમાં ) લિખિતરૂપ *fadar, ઉચ્ચારણ [।fadar]; પ્રાચીન નૉર્સ (Old Norse) (અતિ પુરાતન લેખ, પણ ૧૩મા સૈકામાં લેખબદ્ધ) લિખિતરૂપ faðer, faðir, ઉચ્ચારણ [।faðer]; પ્રાચીન અંગ્રેજી (Old English) (ઈ. સ. ના ૯મા સૈકાના લેખોમાં) લિખિતરૂપ fæder, ઉચ્ચારણ [।fԑder]; પ્રાચીન ફ્રિઝીઅન (Old Frisian) (ઈ. સ. ના ૧૩મા સૈકાના લેખોમાં) feder, ઉચ્ચારણ [।feder]; પ્રાચીન સેક્ષન (Old Saxon, ઉત્તરીય ડચ-જર્મન પ્રદેશની) (ઈ.સ. ના ૯મા સૈકાના લેખોમાં) fater, ઉચ્ચારણ [।fater]; પ્રાચીન ઉપરિ જર્મન (Old High German, દક્ષિણ ડચ-જર્મન પ્રદેશની) (૯ મા સૈકાના લેખોમાં) fater, ઉચ્ચારણ [।fater]. આ બધાં રૂપોની તુલના કરીને એ પ્રત્યેકનો વિકાસક્રમ લક્ષમાં રાખીને એ સર્વને અંતર્ગત કરે એવું આદિમ જર્મૅનિક સંભાવ્યરૂપ *।fader કલ્પવામાં આવ્યું છે.[3] આવી રીતે અંગ્રેજી mother (અને એનાં જર્મન ડચ આદિ જર્મૅનિક ભાષાઓમાં મળતાં પ્રતિરૂપો)નું આદિમ જર્મેનિકમાં *।mo:der સંભાવ્ય રૂપ કલ્પવામાં આવ્યું છે. એ પ્રમાણે અંગ્રેજી water, day, guest, horn આદિનાં આદિમ જર્મૅનિક રૂપો *water કે *।wato:, *।dagaz, *।gastiz, અને *।hornan સંભવે છે. આ કેવળ ભાષાવૈજ્ઞાનિકોએ સરજેલાં કલ્પનોત્થ રૂપો નથી, પણ શાસ્ત્રીય રીતે સર્વ સંબદ્ધ ભાષારૂપોના પુરાતન સ્વરૂપના સૂક્ષ્મ અભ્યાસ વડે નિર્ધારિત થયેલાં છે. એના સમર્થક પુરાવાઓ મળી રહે છે. ઉ. ત. ડેન્માર્કમાં ગેલેહુસ (Gallehus) પાસે મળેલા એક સોનાના રણશીંગા ઉપરના ઈ. સ. ૪૦૦ ના રૂનિક ઉત્કીર્ણ લેખ (runic inscription) માં ઉપરનાં સંભાવ્ય રૂપો યથાસ્થિત મળે છે : ek hlewagastiz holtinaz horna tawido [અંગ્રેજી અનુવાદ: I, Fame-Guest, the Holting (man of the family of Holt), made the horn.][4]

ઉપરાંત, વિભિન્ન કુળની ફિન્નીશ (Finnish) ભાષામાં અતિ પુરાતન કાળમાં – ઈ. સ. ના આરંભના અરસામાં – જર્મૅનિક ભાષાસ્વરૂપમાંથી ઉછીના લેવાયેલા શબ્દો પણ પુરાતનકાળની આદિમ જર્મૅનિક ભાષાના સ્વરૂપ ઉપર પ્રકાશ નાખે છે, અને સમર્થિત કરે છે. ઉ. ત. અંગ્રેજી ring કે king (પ્રાચીન અંગ્રેજીમાં hring અને ।kyning) નાં આદિમ જર્મૅનિક રૂપો *।hringaz અને ।kuningaz ફિન્નીશ ગૃહીત શબ્દો (loan - words) rengaz અને kuningas સાથે અત્યંત મળતાં આવે છે.[5]

આદિમ રોમાન્સ (Primitive Romance) કે કથ્ય લૅટિન (Vulgar Latin) ભાષાસ્વરૂપ – આ જ પ્રમાણે ઈટાલિયન, લૅડિન (Ladin)[6], ફ્રેન્ચ, સ્પૅનિશ, રોમાનિયન (Roumanian) ભાષારૂપોના સામ્ય ઉપરથી એક આદિમ સ્વરૂપ કલ્પી શકાય છે, જે લૅટિનયુગમાં આમ જનતાની કથ્ય ભાષા હશે; અર્થાત્, સાહિત્યકારો જ્યારે સાહિત્યકીય લૅટિનનો વ્યવહાર કરતા હશે ત્યારે સામાન્ય જનતાના પરસ્પર વ્યવહારમાં એ કથ્ય રૂપનો ઉપયોગ થતો હશે. સાહિત્યકીય લૅટિન સાથે એનું નિકટનું સામ્ય હશે, જેમ સંસ્કૃત સાથે પ્રાકૃતોનું સામ્ય છે તેમ. ઉ. ત.

શબ્દાર્થ Italian Ladin French Spanish Roumanian
nose naso nas ne naso nas
head kapo kaf ʃef kabo kap
flower fjore flur flœ:r floarə
gold ɔro ɔ:r oro aur
tail koda kua kola koadə

આનાં સમાંતર લૅટિન રૂપો છે nasum, caput, florem, aurum, caudam. અહીં તુલનાત્મક પદ્ધતિએ ઉપરના છેલ્લા શબ્દનું સંભાવ્ય આદિમ રોમાન્સ રૂપ થાય *coda ઉચ્ચાર [ko:dam]. એ રૂપ કથ્ય લૅટિનમાં પ્રચલિત હશે એમ લાગે છે, કારણકે શિષ્ટ લૅટિનના au ને સ્થાને દૈનંદિન વ્યવહારમાં. o ઉચ્ચારણ થયાનાં નિદર્શનો ક્વચિત્ કોઈ કોઈ લેખમાં મળી જાય છે. એ એમ સૂચવે છે કે તુલનાત્મક પદ્ધતિએ જેની સંભાવના કરવામાં આવે છે એ રૂપોનું કથ્ય ભાષામાં અસ્તિત્વ અવશ્ય હતું.[7]

આદિમ સ્લાવિક (Primitive Slavic) — આ જ રીતે બલ્ગેરિઅન, રશિયન આદિ સ્લાવ કુળની ભાષાઓના તુલનાત્મક અભ્યાસ દ્વારા આદિમ સ્લાવિક સંભાવ્ય સ્વરૂપ નિર્ધારિત કરી શકાય છે. ઉ. ત. પ્રાચીન બલ્ગેરિઅન (Old Bulgarian) gosti (= guest) અને રશિયન gost ઉપરથી આદિમ સ્લાવિક- રૂપ *ˇgosti કલ્પી શકાય. તે જ પ્રમાણે પ્રાચીન બલ્ગેરિઅન igo (= pair) અને રશિયન ।igo ઉપરથી આદિમ સ્લાવિક *।igo રૂપની સંભાવના કરી શકાય.

આદિમ કેલ્ટિક (Primitive Celtic) — કૉર્નિશ (Cornish), વેલ્શ (Welsh), આઈરિશ (Irish) આદિ ભાષાઓની તુલના કરીને એમનાં પુરાતન રૂપો ઉપરથી આદિમ કેલ્ટિક રૂપોની સંભાવના સ્થાપિત કરી શકાય. ઉ. ત. કૉર્નિશ iou (= pair), વેલ્શ iau ઉપરથી આદિમ કેલ્ટિક * ।jugom. આદિમ જર્મૅનિક કે લૅટિનના આદિ વ્યંજનધ્વનિ કેલ્ટિકમાં લુપ્ત થઈ જાય છે. ઉ. ત. આદિમ જર્મૅનિક * ।fader, લૅટિન ।pater, પણ પ્રાચીન આઇરિશ ।aðir; આદિમ જર્મૅનિક ।farhaz (= pig), લૅટિન । porkus, પ્રાચીન આઇરિશ ork ઈ૰

પ્રાચીન ઇન્ડો-આર્યન — નૂતન ભારતીય આર્ય ભાષાઓ – ગુજરાતી, મરાઠી, હિંદી, પંજાબી, બંગાળી આદિ — પ્રાચીન ઇન્ડો–આર્યન (પ્રાચીન વૈદિક અને સંસ્કૃત ભાષાયુગની સામાન્ય જનતાની કથ્ય ભાષા)માંથી મધ્ય ઇન્ડોઆર્યન (Middle Indo-Aryan) પ્રાકૃત–અપભ્રંશ દ્વારા, ઉદ્ભવી છે એ સુવિદિત છે. છતાં તુલનાત્મક અધ્યયનની દૃષ્ટિથી ભિન્ન ભિન્ન વર્તમાન આર્યભાષાઓના શબ્દો (લિખિત રૂપો) નીચે આપ્યાં છે તે જુઓ.[8]

संस्कृत ગુજરાતી મરાઠી હિંદી પંજાબી કશ્મીરી બંગાળી અસમિયા ઉડિયા
दन्त દાંત दांत दाँत दंद दँद दाँत दाँत दाँत
पाद પગ/પાય पाय/पाऊल पाँव/पैर पैर/पाव पाव पा/पाय भरि पाहुल
हस्त હાથ हात हाथ हत्थ अथु हात हात हात
भ्राता ભાઈ भाऊ भाई भाई बोयी भाइ भाइ भाइ
भगिनी બહેન बहीण बहिन भैण बेञि बैन भनी भउणी
माता મા आई मा मा मा मा, माता मा, आई मा
द्वि બે दोन दो दो दोयी दुइ दुइ दुइ
त्रीणि ત્રણ तीन तीन तिन्न त्रे तिन तिनि तिनी
सप्त સાત सात सात सत सत सात सात सात
दश દસ दहा दस दस दह् दश दह दश

આ શબ્દરૂપો બધી વર્તમાન ભારતીય આર્યભાષાઓનો ઉદ્ગમ પ્રાચીન ઈન્ડો-આર્યન (Old Indo-Aryan) માંથી — સાહિત્યભાષા સંસ્કૃતને મળતી એ પુરાતન કાળની કથ્યભાષામાંથી — હતો એ નિઃશંકપણે પુરવાર કરે છે. એનો સંસ્કૃત સાથે, લૅટિન અને કથ્ય લૅટિન વચ્ચે હતો તેવો સંબંધ હશે એમ ધારી શકાય છે. એનાં લિખિત ઉદાહરણોને અભાવે એની અતિ સમીપવર્તિની એવી સંસ્કૃત ભાષાનાં શબ્દરૂપોનાં ઉદાહરણો આપવામાં આવે છે.

સંસ્કૃત અને અવેસ્તન ભાષા — આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં ઈરાનના પ્રદેશમાં વસ્યા હશે એવું ભાષાવિદોનું સપ્રમાણ અનુમાન છે. તેથી જ સંસ્કૃત અને અવેસ્તન (પારસીઓના ધર્મગ્રંથોની પ્રાચીન ભાષા) વચ્ચે અતિ નિકટનું સામ્ય છે. નીચેનાં ઉદાહરણો એની સાક્ષી પૂરશે.

संस्कृत અવેસ્તા
भूमि बूमि [bumi]
धेनु दएनु [daenu]
सप्त हप्त [hapta]
सिन्धु हिन्दु [hindu]
हस्त ज़स्त [zasta]
मरामि बरमि [barami]
दधामि ददामि [dadāmi][9]

એકાદ બે વર્ણમાં ફેરફાર કરતાં સંસ્કૃતમાંથી અવેસ્તનમાં કેવું સહજપણે સરળતાથી રૂપાન્તર થઈ જાય છે! ડૉ. સુનીતિકુમાર ચેટરજીએ સંસ્કૃતના સુપ્રસિદ્ધ ગાયત્રી મંત્રનું અવેસ્તામાં નીચે પ્રમાણે રૂપાંતર કર્યું છે તે જુઓ : [10]

સંસ્કૃત : तत्सवितु र्वरेण्यं भर्गो देवस्व धीमहि ।
धियो यो न: प्रचोदयात् ॥
અવેસ્તન રૂપાન્તર * तत्सवितुझ् वरइनिअम् भर्गझ् दइवस्य धीमधि।
धियझ् यझ् नस् प्रकौदयात् ॥
[* tat sawituž warainiam bhargaz daiwasya dhīmadhi dhiyaz yaz nas prak’audayāt. ]

સંસ્કૃત અને અવેસ્તન બંને ભાષાઓનો વિકાસ એના પુરોગામી ઈન્ડો–ઈરાનિયન ભાષાસ્વરૂપમાંથી થયો છે એમાં શંકા નથી.

આદિમઈન્ડો–યુરોપિયન (Primitive Indo-European)–

અહીં સુધી આપણે (પ્રાચીન ગ્રીક સિવાયની) આર્યભાષાઓનાં આદિમ સ્વરૂપો—ઉલ્લિખિત તેમજ સંભાવ્ય—જોયાં. પ્રાચીન ગ્રીક સહિત એ સર્વરૂપોને મેળવીને, એનો તુલનાત્મક અભ્યાસ કરીને ભાષાવૈજ્ઞાનિકોએ મૂળ પ્રાચીનતમ આર્યભાષા — આદિમ ઈન્ડો–યુરોપિઅનની રેખાઓ ઉપસાવી છે. ઈ. સ. પૂર્વે અઢી હજાર વર્ષના અરસામાં એ બોલાતી હશે, અને એમાંથી ઉપરિનિર્દિષ્ટ ભિન્ન ભિન્ન ભાષાકુળો કાળાન્તરે ક્રમે ક્રમે છૂટાં પડ્યાં હશે એમ કલ્પના કરવામાં આવી છે. નીચે કેટલાંક આદિમ ઈન્ડો–યુરોપિયન ભાષાનાં સંભાવ્ય શબ્દરૂપો કલ્પવામાં આવ્યાં છે તે જુઓઃ[11]

Primitive Germanic Greek Latin Sanskrit Primitive Indo-European
* ।jokan zu।gon ।jugum ju।gam * ju।gom
* ।fader pa।te:r ।pater pi।ta: * pə।te:r
* ।bro:θer ।phra:te:r ।fra:ter ।bhra:ta: * ।bhra:te:r
* θri:z ˇtrejs tre:s ।trajah * ।trejes
twa (Gothic) dyō duo dvā *duō, dwō
sibun ( ,, ) hepta septem sapta * septṃ
taihun ( ,, ) deca decem daśa * dek̂ṃ

તુલનાત્મક ભાષા–અધ્યયન પદ્ધતિ આ પ્રમાણે કોઈ પણ પ્રાગૈતિહાસિક ભાષાના પુનર્ઘટન માટેનું આપણું એકમાત્ર સાધન છે—જ્યાં એ ભાષાના કોઈ લિખિત પ્રલેખ (documents) સંભવતા નથી, ત્યાં એમાંથી ઉદ્ભવેલી વિભિન્ન ભાષાઓની તુલના વડે આદિમ ભાષાનું સ્વરૂપ લગભગ યથાવત્ ઘટાવી શકાય છે.

તો આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ સમજી લેવી ઘટે છે. આ પ્રકારના પુનઃસંસ્કરણમાં મૂળ આદિમ ભાષાના કોઈ પ્રાદેશિક રૂપાન્તરો (dialectal differences) હોય તો તુલનાત્મક અધ્યયન દ્વારા નિર્મિત પુનઃસર્જનમાં એની રેખાઓનું સ્પષ્ટ પ્રતિફલન થશે નહીં. ઉપરાંત આદિમ વ્યાકરણકોટિઓ અને શબ્દમૂળોનો તુલનાત્મક અધ્યયનથી નિર્ણય કરી શકાય છે. છતાં કોઈ પણ કાળબિંદુએ ઈન્ડો-યુરોપિયન પ્રજા બોલતી હશે તેવી રીતે કોઈ પણ વાક્ય યથાસ્થિત પુનર્નિર્મિત કરવું અશક્ય છે.[12]

આ આદિમ ભાષાનો કાળનિર્ણય કરી શકાય છે. ઉ. ત. વૈદિક ભાષા કે હોમરની ભાષા પૂર્વે હજાર વર્ષ એટલે કે આશરે ઇ. સ. પૂર્વે ૨૨૦૦ –૨૫૦૦ ના અરસામાં ઈન્ડોયુરોપિયન ભાષા બોલાતી હશે એમ ધારી શકાય. પણ એ બોલનાર લોકો કઈ જાતિના હતા, એમનું મૂળ નિવાસસ્થાન ક્યાં હતું, એમનું જીવન કયા પ્રકારનું હતું, એમની સંસ્કૃતિ, એમની સામાજિક સંસ્થાઓ કેવી હતી, ઈ૰ સર્વ વિષે ખાતરીપૂર્વક કાંઈ જ કહેવું મુશ્કેલ છે.[13]

આદિમ ઈન્ડો–યુરોપિયનમાંથી ઉદ્ભવેલી ભાષાઓ – આદિમ ઈન્ડોયુરોપિયનમાંથી કાળક્રમે વિકસેલી ભાષાઓમાં ઈન્ડો–ઈરાનિઅન (Indo-Iranian), આર્મેનિઅન, ગ્રીક, આલ્બેનિઅન (Albanian), ઈટાલિક, કેલ્ટિક, જર્મૅનિક, બાલ્ટો–સ્લાવિક, અને તોખારિઅન (Tokharian), એટલી જાણીતી છે. આ સર્વ ભાષાઓ આદિમ ભાષામાંથી કોઈ એક સમયે, એક સાથે છૂટી પડેલી નથી. એક તરફ ઈન્ડો–ઈરાનિઅન તો બીજી તરફ ગ્રીક જેવી ભાષાઓનાં મૂળ આ વિકાસના ઇતિહાસમાં સૌથી વધારે પુરાતન સમય સુધી લંબાય છે. ભવિષ્યમાં હજી પણ કોઈ એવી ભાષાઓ મળી આવે, જેમનો સંબંધ આદિમ ઈન્ડો–યુરોપિયન સાથે જોડી શકાય, જે એ બોલનારી પ્રજાઓ અશિક્ષિત હોવાને કારણે એનું કોઈ લિખિત સાહિત્ય ઉપલબ્ધ ન હોવાથી તેમ એનો ઇતિહાસ જ્ઞાત ન હોવાથી વિસ્મૃતિના ગર્તમાં દટાયેલી પડી હોય એમ બને.[14]

ઉપર નિર્દેશેલી પુરાતન આદિમ જર્મૅનિક ભાષા (Primitive Germanic કે Proto-Germanic) ની ત્રણ શાખાઓ હતી— પુરાતન પૂર્વ જર્મૅનિક (જેમાંથી ગૉથિક, વૅન્ડાલિક–Vandalic ઈ૰ નીકળી), પુરાતન ઉત્તર જર્મૅનિક (જેમાંથી સ્વીડીશ નૉર્વેજિઅન–ડેનિશ ભાષાકુળ, અને આઈસ્લૅન્ડિક ભાષા નીકળી), અને પુરાતન પશ્ચિમ જર્મૅનિક (જેમાંથી ઍંગ્લો–ફ્રિઝિઅન—અંગ્રેજી અને ફ્રિજિઅનની જનની ભાષા, તેમજ ડચ–જર્મન ભાષાકુલ નીકળ્યાં).[15] ઈન્ડો–ઇરાનિયનમાંથી છૂટી પડેલી પુરાતન ઈન્ડો–આર્યન (Old Indo-Aryan)—જેનું સૌથી પ્રાચીન શિષ્ટ સાહિત્યબદ્ધ સ્વરૂપ વૈદિક ભાષા (ઋગ્વેદ આદિ સંહિતાઓની ભાષા) છે, અને જેનું એથી ઉત્તર કાળનું કથ્ય સ્વરૂપ અશોકના શિલાલેખોની ભાષા છે, એનાં ત્રણ મુખ્ય સ્વરૂપો જોઈ શકાય છે: ઉત્તરીય પ્રાચીન ઈન્ડો–આર્યન (જેમાંથી પંજાબી, સિંધી, હિંદી આદિ ભાષાઓ નીકળી છે), પશ્ચિમી પ્રાચીન ઈન્ડો–આર્યન (જેમાંથી ગુજરાતી, રાજસ્થાની જેવી ભાષાઓ વિકસી છે), અને પૂર્વીય પ્રાચીન ઈન્ડો–આર્યન (જેમાંથી બંગાળી, અસમીયા આદિ ભાષાઓ વ્યુત્પન્ન થઈ છે).

કેટલાક વિદ્વાનો ઈન્ડો–યુરોપિયન કુળની ઉપરની ભાષાઓના બે મુખ્ય પ્રભેદો માને છે—એક પશ્ચિમની ગ્રીક, લૅટિન, પ્રાચીન આઇરિશ જેવી केन्तुम् (centum) વર્ગની ભાષાઓ, જેમાં આદિમ ઈન્ડોયુરોપિયન તાલવ્યીકૃત કંઠ્ય ધ્વનિઓ (palatalized velars) માંથી શુદ્ધ કંઠ્ય ધ્વનિઓ વિકસ્યા; અને બીજી પૂર્વીય, સંસ્કૃત, અવેસ્તન, લિથુએનિયન જેવી शतम् વર્ગની ભાષાઓ, જેમાં એ ધ્વનિઓ તાલવ્યઘર્ષક ધ્વનિમાં રૂપાંતરિત થયા. ઉ. ત. આદિમ ઈન્ડો–યુરોપિયન * [km।tom], સંસ્કૃત शतम् [śa।t’am], અવેસ્તન सतम् [satəm], લિથુએનિયન [ˇʃimtas]; ગ્રીક [heka।ton], લૅટિન [।kentum], પ્રાચીન આઈરિશ [ke : ð].[16]

હિટ્ટાઈટ (Hittite)—એક નવશોધિત પુરાતન ભાષા–

ઈ. સ. ૧૯૧૫ માં તુલનાત્મક ભાષા–અધ્યયન માટે એક અત્યંત મહત્ત્વની શોધ થઈ. ત્યારે એશિયા માઈનરના ઈશાન પ્રદેશમાં એક એવી ભાષાના લેખો પ્રાપ્ત થયા, જે આદિમ ઈન્ડો–યુરોપિયનની સમાન, એજ વર્ગની, આદિમ ઈન્ડો–યુરોપિયનની સમકાલીન ભાષા હતી. એ લેખો કીલાકૃતિ અક્ષરો (cuneiform syllabary)માં લખાયેલા હતા. એના ઘણા શબ્દો ઈન્ડો–યુરોપિયન ભાષા સાથે ઉત્કટ રીતે સમાન છે. ઉ. ત.

હિટ્ટાઈટ રૂપ અન્ય પ્રાચીન ભાષાઓનાં સમાન રૂપો અર્થ
genu : संस्कृत जानु: લૅટિન genū, (= ઘૂંટણ)
gunantsi : सं. घ्नन्ति (= તેઓ મારે છે.)
nebes : सं. नभः (= આકાશ), ગ્રીક nephos, (= વાદળ)
newas : सं. नवः ગ્રીક neos, લૅ. Novus (= નવું)
septamas : सं. सप्तमः લૅ. Septimus (= સાતમું)
tres : सं. त्रयः ગ્રીક treis, લૅ. trēs (= ત્રણ)
yugan : सं. युगं ગ્રીક zygon, લૅ. iugum, ગોથિક juk (= ધૂંસરી).

એના નામિક વિભક્તિ–પ્રત્યયો પણ સંસ્કૃત આદિ ઈન્ડો–યુરોપિયન ભાષાઓના વિભક્તિ–પ્રત્યયોને ઘણા મળતા આવે છે. ઉ. ત. પ્રથમા (કર્તા વિભક્તિ) નો સ્ (–s) પ્રત્યય, દ્વિતીયા (કર્મ વિભક્તિ) નો न् (–n), તૃતીયા (કરણ વિભક્તિ) નો त् (–t), ચતુર્થી (સંપ્રદાન વિભક્તિ) નો इ (–i), પંચમી (અપાદાન વિભક્તિ)નો ts ; પ્રથમા (કર્તા વિભક્તિ) બહુવચનનો एस् (–es) પ્રત્યય. સામાન્ય રીતે નાન્યતર નામોને પ્રથમા દ્વિતીયા એકવચનમાં વિભક્તિપ્રત્યય લાગતા નથી. attash (= પિતા) એ નામનાં રૂપો આ પ્રમાણે થાય છે : કર્તાવિભક્તિ attash, કર્મ વિ૰ attan, કરણ વિ૰ (attit), સંપ્રદાન (–અધિકરણ) વિ૰ atti, અપાદાન વિ૰ attanza, સંબંધ વિ૰ attash; કર્તા વિ૰ બહુ૰ attêsh, કર્મ વિ૰ બહુ૰ attush, સંબંધ–સંપ્રદાન–અધિકરણ વિ૰ બહુ૰ Attâsh.[17]

कुइस् (kuis), कुएस् (kues) (= who) એ સર્વનામ છે.

ક્રિયાપદોમાં વર્તમાનમાં ૧ લા ગણના ધાતુઓને પહેલા પુરુષ એકવચનમાં मि (–mi), બીજા પુરુષ એકવચનમાં सि (–si) અને ત્રીજા પુરુષ એકવચનમાં त्सि (–tsi) પ્રત્યય લાગે છે. ઉ. ત. एद्मि (= edmi) = ‘હું ખાઉં છું’, अदन्झि (= adanzi) = ‘તેઓ ખાય છે’ (અહીં ૩જા પુ૰ બહુ૰નો પ્રત્યય (a)ntsi લાગ્યો છે); एस्मि (esmi) = ‘હું છું’; एस्त्सि (estsi) = ‘તે છે’, असन्झि (asanzi) = ‘તેઓ છે’, ઇ૰[18]

હિટ્ટાઈટની ક્રિયાપદયોજના (verbal system) અન્ય (સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી) પ્રાચીન ઈન્ડો–યુરોપિયન ભાષાઓ કરતાં ઘણી રીતે જુદી પડે છે. હિટ્ટાઈટમાં બે પ્રયોગો (voices) છે—કર્તરિ (active) અને મધ્યકર્મણિ (medio-passive); બે અર્થ (moods) છે—નિશ્ચયાર્થ (indicative) અને આજ્ઞાર્થ; બે કાળ છે—વર્તમાન–ભવિષ્ય (present-future) અને ભૂત. (એ ઉપરાંત કેટલાક મિશ્રકાળ—compound tenses—ઉ. ત. અંગ્રેજી પૂર્ણ વર્તમાન is gone, has made જેવા, પ્રયોજાય છે.) હિટ્ટાઈટમાં त (ta), सु (su), नु (nu) જેવા વાક્ય–સંયોજકો પછીનાં વાક્યો જોડવાને કે માત્ર વાક્યારંભ અર્થે આવે છે, જે પ્રાચીન સંસ્કૃતના तु, सઅને नु નું સ્મરણ કરાવે છે.[19] આ સર્વ ઉપરથી ઈન્ડોયુરોપિયન સાથે આ પુરાતન ભાષા–હિટ્ટાઈટનો સંબંધ તો સ્વયંસ્પષ્ટ છે. આથી કેટલાક વિદ્વાનોએ એને આદિમ ઈન્ડોયુરોપિયનમાંથી સૌથી પહેલી છૂટી પડેલી શાખા ગણી હતી. પરંતુ આજે વિદ્વાનો એથી પણ આગળ જઈને એને આદિમ ઈન્ડોયુરોપિયનના સમાન કુળની સમકક્ષ ભાષા માને છે. એનું સ્વરૂપ ઈન્ડોયુરોપિયન જેટલું જ પુરાતનિક (archaic) છે, અને ઈન્ડો–યુરોપિયનને ઘણી રીતે મળતી આવતી હોવા છતાં ઘણા મહત્ત્વના અંશોમાં એ ઈન્ડોયુરોપિયનથી જુદી પડે છે. એટલે અન્ય કોઈ એથી યે પ્રાચીનતર ભાષામાંથી ઈન્ડોયુરોપિયન અને હિટ્ટાઈટ બંને ભાષાઓ નીકળી હશે એમ તેઓ પ્રતિપાદિત કરે છે. આ બંનેથી પ્રાચીનતર ભાષાસ્વરૂપને એમણે આદિમ ઈન્ડો–હિટ્ટાઈટ (Proto Indo–Hittite) નું નામ આપ્યું છે.

આદિમ ઈન્ડો–હિટ્ટાઈટમાંથી પુરાતન કાળમાં હિટ્ટાઈટની લગભગ સાથે જ એ જ વર્ગની Luwian અને Palaic ભાષાઓ, અને પછી (લગભગ પ્રાચીન ગ્રીકના સમકાલમાં) Lycian અને Lydian ભાષાઓ નીકળી છે. (આ સર્વના પૂર્વ ભાષા–સ્વરૂપને Proto-Anatolianની સંજ્ઞા આપવામાં આવી છે; એ આદિમ ઈન્ડો–હિટ્ટાઈટમાંથી ઉદ્ભવી, જેનાં ઉત્તરકાલીન રૂપાન્તરો હિટ્ટાઈટ, લુવિઅન આદિ થયાં). આ સમગ્ર ભાષાકુળમાં કેટલાક એવા ધ્વનિઓ સચવાયા છે, જે ઈન્ડો–યુરોપિયન ભાષાઓમાંથી લુપ્ત થઈ ગયા છે. ઉ. ત. આદિમ ઈન્ડોહિટ્ટાઈટમાં *xauxos (= grand-father) હશે, એમાંથી x ધ્વનિ આદિમ ઈન્ડો–યુરોપિયનમાંથી લુપ્ત થઈ જતાં *awos રૂપ અવશિષ્ટ રહ્યું (સર૰ લૅ. avus); જ્યારે Proto-Anatolian (ઈન્ડો–હિટ્ટાઈટ અને હિટ્ટાઈટ વચ્ચેનું સ્વરૂપ)માં xauxas કે xuxos રૂપ વિકસ્યું, જેમાંથી હિટ્ટાઈટ xuxas અને લિસિઅન xugas રૂપો વિકસ્યાં.[20] તુલનાત્મક ભાષા–અધ્યયન દ્વારા કેવી રીતે આદિમ ભાષારૂપોનું પુનર્ઘટન (reconstruction) થાય એનું આ એક સુંદર ઉદાહરણ છે.

આદિમ ઈન્ડોનેશિયન (Primitive Indonesian)–

આ પ્રકારે અન્ય ભાષાકુળોની ભાષાઓનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે અને એમાં પણ આદિમ સ્વરૂપની પુનર્ઘટના કરી શકાય છે. ઉ. ત. ફિલિપ્પાઇન્સના લુઝોન ટાપુની ભાષા Tagalog, જાવાની ભાષા Javanese, અને સુમાત્રાની ભાષા Batakનો તુલનાત્મક અભ્યાસ કરીને એના આદિમ રૂપનું પુનર્ઘટન કરવાનો વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે.[21] ઉ.ત.

શબ્દાર્થ Tagalog Javanese Batak Primitive Indonesian
પસંદ કરવું ।pi : liʔ pilik pili *pilik
નાક i।luŋ iruŋ iguŋ *iguŋ
ઈચ્છા ।hi : lam iDam idam *hiDam
દર્શાવવું ।tu : ruʔ tuduk tudu *tuduk
એડી (= spur) ।ta : riʔ tadi tadi *tadi

વિવિધ ભાષાકુલો વચ્ચે સંબંધ — વર્તમાન ભાષાશાસ્ત્રીઓ વિવિધ ભાષાકુલો વચ્ચેનું સામ્ય શોધવા મથી રહ્યા છે. એ રીતે વિદ્વાનોએ ઈન્ડો–યુરોપિયનનું ફિન્નો–ઉગ્રિઅન (Finno-Ugrian)— જે આમ તો ઈન્ડો–યુરોપિયનથી વિભિન્ન કુળની ભાષા છે — સાથે કેટલાક અંશોમાં સામ્ય દર્શાવ્યું છે. અન્ય ભાષાવિદો ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક કુળની ભાષાઓ વચ્ચેનું સામ્ય શોધી રહ્યા છે. વસ્તુતઃ અન્ય ભાષાકુલો કરતાં ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક ભાષાકુળોમાં વિશેષ સમાનતા નજરે પડે છે. ભવિષ્યમાં જો બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થઈ શકે તો આ બંને મહાન ભાષાકુલોનું પ્રભવસ્થાન એક જ હતું એમ નિર્ણય કરી શકાય. તો આજે જેમ સંસ્કૃત અને અંગ્રેજી કે ફ્રેન્ચ એક જ કુળની ભાષાઓ ગણાય છે, તેમ અંગ્રેજી કે ફ્રેન્ચ અને અરબી ભાષાઓ એક જ કુળની સ્થાપિત થાય. ઉપરના સિવાય ભાષાશાસ્ત્રીઓએ બાન્ટૂ (Bantu) અને મલયો–પોલિનેશિયન એ બે મોટા ભાષાવર્ગો પાડેલા છે. એની સવિસ્તર ચર્ચા બીજા ખંડમાં આવશે. આ ભાષાકુલો વચ્ચે પણ ભવિષ્યનો ભાષાવૈજ્ઞાનિક સંબંધ શોધી શકે તો ક્રમે ક્રમે માનવ ભાષાના આદિમતમ મૂળ સુધી પહોંચવાનું શક્ય થાય. અત્યારે તો એ માત્ર એક તર્કકોટિ જ લેખાય.


  1. સરખાવો : “The comparative method is simply the historical method applied to the past. It consists in extending the reasoning which holds good for historical periods to epochs for which documents are absent,” — Vendryes, op. cit., p. 300.
  2. સરખાવો : Bloomfiled, op cit. P. 298
  3. સરખાવો : Bloomfield, op. cit., p. 303
  4. જુઓ : Bloomfield, op. cit., p. 305-6.
  5. જુઓ : Bloomfield, op. cit., p. 306.
  6. "the Rhaeto-Romance sub-division of the Italo-Celtic language family—strictly the name of the chief dialect of the sub-division, spoken in Grisons and the Tyrol."
    — Encyclopaedia Britannica, (1946) vol 13, p. 583.
  7. સરખાવો : Bloomfield, op. cit., pp. 300-302.
  8. જુઓ : विश्वनाथ दिनकर नरवणे, संपादित, `भारतीय व्यवहारकोश’ मुंबई, १९६१; R. L. Turner, Dictionary of the Nepali Language, (London), (1931).
  9. જુઓ : ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन पृ. ७८-८०
  10. જુઓ : Dr. SunitiKumar Chatterjee, Indo-Aryan and Hindi, p. 54.
  11. સરખાવો : Bloomfield, op. cit., pp. 307-8.
    E. H. Sturtevant, op. cit., p. 157.
  12. કોઈ પણ પુનર્નિર્માણમાં શબ્દવિકારનું સ્વરૂપ राम : नगरम्मि गयउની માફક ભિન્ન ભિન્ન કક્ષાનું બની રહેવા સંભવ છે.
  13. કેટલાક વિદ્વાનોએ આદિમ ઈન્ડો–યુરોપિયન ભાષાના શબ્દકોષ ઉપરથી એ બોલનાર પ્રજાનાં જીવન અને સંસ્કૃતિ સંબંધે કેટલીક કલ્પનાઓ કરી છે. એ સંબંધે સવિસ્તર ચર્ચા બીજા ખંડમાં આવશે.
  14. જુઓ : Vendryes, op. cit., p. 308; Bloomfield, op. cit., p. 312.
  15. જુઓ : Sturtevant, op. cit., p. 158.
  16. આ સર્વ લિખિત નહીં, પણ ઉચ્ચાર્ય રૂપો છે. જુઓ : Bloomfield, op. cit., p. 315.
  17. સરખાવો : Encyclopaedia Britannica, (1946), Vol II, pp. 600-601.
  18. સંસ્કૃત સાથે હિટ્ટાઈટનાં રૂપો સરખાવવા જેવાં છે :

    હિટ્ટાઇટ સંસ્કૃત
    ૧ લો પુ૰ એક૰ jami (= I make) yāmi
    ૨ જો પુ૰ એક૰ Jashi yāsi
    ૩ જો પુ૰ એક૰ Jazi yāti
    ૧ લો પુ૰ બહુ૰ javeni (javani) yāmah
    ૨ જો પુ૰ બહુ૰ jatteni (jattani) yātha
    ૩ જો પુ૰ બહુ૰ Janzi yānti
    જુઓ : Encyclopaedia Britannica (1946), Vol II, p. 601.

  19. સરખાવો : Sturtevant, op. cit., pp. 158-162.
  20. જુઓ : Sturtevant, op. cit., p. 163
  21. સરખાવો : Bloomfield, op. cit., p. 310.