ભાષા, સમાજ અને સાહિત્ય/નિરંજન ભગતની કાવ્યશૈલી— એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧

નિરંજન ભગતની કાવ્યશૈલી
—એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ

શ્રી નિરંજન ભગતનું એક કાવ્ય ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ અહીં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે. કવિના કેટલાક અન્ય કાવ્યેાના સંદર્ભને દૃષ્ટિ સમક્ષ રાખીને આ કાવ્યની ભાષાના પૃથક્કરણ –અર્થઘટન દ્વારા કવિની મન:સ્થિતિ (mood) સ્પષ્ટ કરવાનો અને કવિની શૈલીનાં કેટલાંક અગત્યનાં લક્ષણો તારવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નકારાત્મક વિધાનોની સહોપસ્થિતિમાં આવતાં હકારાત્મક અથવા વિધેયાત્મક વિધાનો :

‘અહીં ન હેસ્પિટલ, ન સ્લેાટર હાઉસ, ને વળી નથી સ્મશાન,
તે છતાં અહીં હવા છ ઉષ્ણ મ્લાન.'
‘ખીલતાં અહીં ન ફૂલ,છતાં ય મોસમો બધી કળાય છે.'
‘ફૂલથી નહીં, ન શીત-લૂ થકી,
પરંતુ સ્મોલ પૉક્સ, ટાઈફૅાઈડ ફલૂ થકી.’
‘અહીં કશું ન મુક્ત, સૈા વસે છ ચીડિયાઘરે.’
‘આ હવા નથી, અગણ્ય આ નિસાસ’
  ‘અગ્નિ ના છતાં ય ધૂમ !' .
‘હજુ ન સૂર્ય અસ્તમાન, મદ, મંદ પશ્ચિમે શમે,'
‘દર્પણે ન, પથ્થરે પડ્યું શમે’
  ‘ન શોક, શબ્દ ના વિરોધનો ય,
મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતા;’
‘પરંતુ લાશ તો નથી ખભે, છતાં ય લાગતું વજન.'
‘વિદેહ કો થયું નથી સગું સ્વજન;
પરંતુ હા, સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી
અતીતમાં વિલુપ્ત ‘આજ' ગૈ સરી !’
‘ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;
જિંદગી અનંત શું કથા ન હોય. કારુણી !’
‘કોઈનું ન નામ જાણતો, પરંતુ એક વાત તો પ્રમાણતો:'
‘થતો ન અર્થ માત્ર અક્ષરો.’

કવિતાના અંત સુધીની પંક્તિઓમાં આવતી નકારાત્મક અને વિધેયાત્મક વિધાનોની આ સહોપસ્થિતિ કવિની ભાષાની એક વિશિષ્ટ ભાતને સ્પષ્ટ કરી આપે છે. નકારાત્મક વિધાન પછી તરત શરૂ થતું વિધેયાત્મક વિધાન મોટે ભાગે ‘છતાંય’ કે ‘પરંતુ’થી શરૂ થાય છે. કવિની અપેક્ષા તે છે હર્યાભર્યા, જીવંત સંવેદનરૂપે થતા જીવનના અસ્તિત્વના અનુભવની. પણ જે જે વસ્તુના (અને પોતાના વ્યક્તિત્વના પણ) અસ્તિત્વની અનુભૂતિ થાય છે તે અનુભૂતિ કશાકના અભાવના વિરોધમાં થાય છે. અહીં “મોસમો બધી કળાય છે.” એ મોસમોનું અસ્તિત્વ અનુભવાય. “ફૂલથી નહીં. ન શીત-લૂ થકી પરંતુ સ્મોલ પૉકસ, ટાઈફોઈડ, ફ્લૂ થકી.” જીવનની મોસમો અહીં અનુભવાય છે પણ એ જે મોસમી પુષ્પોની સુગંધરૂપે અનુભવાવી જોઈએ એવો સુગંધભર્યો અનુભવ નથી થતો. એ અનુભવ કોઇ જીવંત સંવેદનરૂપે નથી થતો પરંતુ ઋગ્ણતા અને મૃત્યુના અનુભવને કારણે—એ ઋગ્ણતા અને મૃત્યુ છે એટલે જીવન વિના એ કેવી રીતે હોય એ જાતનો જીવનનો અનુભવ થાય છે. એટલે અનુભૂતિ કશુંક ન હોવાપણાની છે અને કશુંક ન હોવાપણાની જે અનુભૂતિ છે એને કારણે કશુંક હોવાપણાની, કશાકના અસ્તિત્વની અનુભૂતિ થાય છે. હા, “ઊગ્યાં છે એમ તો અહીંય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ” એમ જીવનનો જૂજ હર્યોભર્યો સ્પર્શ અહીં ક્યારેક ઊગી નીકળે છે ખરો. પણ કવિનું શંકિત મન પ્રશ્ન કર્યા વિના રહેતું નથી, ‘ભૂલથી જ?' કદાચ એવા અનુભવો અકસ્માત્ રૂપે જ થાય છે, બાકી તો “અહીં કશું ન મુક્ત.” એટલે આ અનુભૂતિ ‘પરંતુ' ‘છતાં ય' એવાં ઉભયાન્વયી અવયવો (connectors)થી નિરૂપાઈ છે. “લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન.” જે ઢસરડો છે, આવી અનુભૂતિનો જે ભાર છે તે તેને ‘છતાંય’ ‘પરંતુ' એનાથી વ્યક્ત કરવામાં આવ્યો છે.1[1]

આમ કવિને મન જે સ્વાભાવિક જીવનક્રમ છે એવા જીવનક્રમનું અસ્તિત્વ અનુભવાતું નથી. જીવનનો અસ્વાભાવિક જીવનક્રમ કવિતામાં ‘નકાર'ની ઉક્તિઓને જન્મ આપે છે.2[2] જીવનની એ અસ્વાભાવિકતાનું સ્વષ્ટ દર્શન કવિ આ પંક્તિઓમાં કરાવે છે.

“એકમેકની પૂંઠે થતા જતા ખભેખભા ઘસી;
છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એક બે જ વેંત દૂર બે ઉરો રચે.”

પરિસ્થિતિ આ હોવાનું કારણ આ છે, “ભર્યો છ અંતરે અપાર ભેજ”. અંતરમાં ‘અપાર ભેજ' ભર્યો છે એની પ્રતીતિ એમના “કોઈને મુખે ન ભાવ,” એવી જે સ્થિતિ છે તેને કારણે થાય છે. કોઈને મુખે ભાવ નથી, અંતરે અપાર ભેજ ભર્યો છે એનું કારણ બહુ સ્પષ્ટ છે.

“સ્વયં હજૂ જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ,
કિંતુ જન્મ તો થયો ન વા થયોય હોય એ જ એક ભીતિ,
એટલે સદાય જન્મનું પ્રમાણપત્ર સાથ રાખતા,
ન અન્ય કોઈ એમની કને મતા!”

પોતે જીવે છે, અસ્તિત્વ ધરાવે છે એનો પુરાવો પેલું ‘પ્રમાણપત્ર’ સાથે છે એ સિવાય બીજું કંઈ નથી. અલબત્ત, એમની આ સ્થિતિનું કારણ એમણે પોતે ઊભો કરેલો અસ્વાભાવિક જીવનક્રમ છે.

“ન નિંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;
જિંદગી અનંત શું કથા ન હોય કારુણી !”3[3]

આ અસ્વાભાવિક જીવનક્રમ એક વાર સ્થપાઈ ચૂક્યો પછી એ પ્રવાહમાં બધાય સંરકારી ગણાતા માણસોએ જીવવાનું. એ ગૂંગળામણ, એ મૂંઝવણ અસ્તિત્વને બેચેન બનાવી દે છે,4 [4] જિંદગી કારુણ્યની અનંતકથા છે એનો સતત અનુભવ કરાવ્યા કરે છે. એ બેચેની, એ વ્યથા, કારુણ્યની અનંતકથા5[5] કવિના આ જ નહીં મોટા ભાગના કાવ્યોમાં ડોકાયા કરે છે. માનવજિંદગીનું આવું ‘નકારાત્મકતા'માં અનુભવાતું અસ્તિત્વ વ્યક્તિના નામનો ‘થતો ન અર્થ, માત્ર અક્ષરો,’ એમ કહેવા કવિને પ્રેરે છે. જિંદગી ‘ન સ્વપ્ન કે ન જાગૃતિ’ એવી સ્થિતિમાં જીવાયે જાય છે.6[6] પોતાના અસ્તિત્વનો ‘ન રવપ્ન કે ન જાગૃતિ' કે પાદટીપ નં. ૬માં નોંધ્યો એવો ‘નહીં જીવંત કે નહીં મૃત' એવો જે અનુભવ છે એ અનુભવ કવિને ‘નકાર' (સ્વપ્ન કે મૃત,) અને ‘હકાર’(જાગૃતિ કે જીવંતપણું) એની વચ્ચે સતત રાખ્યા કરે છે. કવિની કાવ્યભાષામાં Negative (નકારાત્મક) અને Affirmative (હકારાત્મક કે વિધેયાત્મક) વાક્યો વચ્ચેની જે સહોપસ્થિતિ (juxta position) છે એનું કારણ જીવનમાં આવો સહોપસ્થિત (juxta posed) અનુભવ છે. આ અનુભવને કારણે “ મને જ હું અજાણ લાગતો. એમ કહેવાનું કવિને પ્રાપ્ત થાય છે.

સ્થિતિદર્શક કે અસ્તિવાચક ક્રિયાપદો :

કવિએ જ્યાં જ્યાં સ્થિતિદર્શક કે અસ્તિવાચક ક્રિયાપદો વાપર્યા છે તેની તપાસ પણ આ ‘નકાર' કે અપેક્ષિતથી સામી દિશાને થતો જીવનના અસ્તિત્વનો અનુભવ'ના સંદર્ભમાં ઉપયોગી થઈ શકે એમ છે. અહીં પહેલાં ‘હોવું’નું વર્તમાનકાળનું 'છે' એ રૂપ જોઈએ.

‘તે છતાં અહીં હવા છ ઉષ્ણ મ્લાન.'
‘છતાં ય મોસમો બધી કળાય છે.'
‘ઊગ્યાં છે એમ તો અહીં ય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ,’
‘સૌ વસે છ ચીડિયાધરે.'
  ‘રચ્યું છ મ્યૂઝિયમ. '
‘ભર્યો છ અંતરે અપાર ભેજ;'
‘સહે છ સર્વ દીન,’

આખા કાવ્યમાં કવિએ 'છે'નો સાતવાર ઉપયોગ કર્યો છે, એમાં છ વાર ‘છ' વાપર્યો છે. અહીં ‘છે’ એ અસ્તિત્વસૂચક ક્રિયાપદ પણ ‘છ' એમ અસ્વાભાવિક રીતે (જાણે કે half-heartedly) કવિ પ્રયોજે છે.7[7] અહીં એક રસપ્રદ મુદ્દો નોંધ માગી લે છે. ગુલબંકી છંદનું બંધારણ જ એવું છે કે ઉપર નોંધેલી પંક્તિઓમાં કવિને તે જગ્યાએ ‘છે’ ગુરુને બદલે લઘુ ‘છ' જ વાપરવો પડે.8[8] અમુક જ પ્રકારની શબ્દપસંદગીનું કારણ છંદ હોય છે એ મુદ્દો સ્વીકાર્ય છે અને અભ્યાસ માટેનો વિષય છે પરંતુ એ ધ્યાનમાં રાખવું ઘટે કે માત્રામેળ છંદો નહીં પણ અક્ષરમેળ છંદો શબ્દપસંદગી ઉપર ઘણું મોટું નિયમન લાદવા માટે પ્રમાણમાં વધુ શક્તિમાન હોય છે. એમ તો ‘છતાં ય મોસમો બધી કળાય છે’ એ પંક્તિમાં કવિએ 'છે'નો ઉપયોગ કર્યો જ છે9 [9] એટલે છંદને કારણે જ ‘છ’નો ઉપયોગ અહીં થયો છે એ મુદ્દો ટકતો નથી.

આમ તો કવિ ઘણાં ઓછાં ક્રિયાપદોનો ઉપયોગ કરે છે. (ક્રિયાપદ કોઈ ગતિ કે સ્થિતિનું નિદર્શન કરતાં હોય છે તે જાણીતી વાત છે જેનો ઉપયોગ કરીને ગતિ કે સ્થિતિ કવિ નિરૂપી શકે પણ કવિ એ લગભગ સતત ટાળે છે.) પણ જે થોડાં ગતિ-સ્થિતિ સૂચવતા ધાતુઓનો ઉપયોગ આ કાવ્યમાં થયો છે તે ઘસ, રચ, છવા, ધસ, ભર અને ધર એ ધાતુઓ ધરાવતી પંક્તિઓ જોઈએ. આ માણસો ‘જતા ખભેખભા ઘસી, છતાં ન કંપ.’ બે વસ્તુ ઘસાય એ તો ઉષ્મા પ્રગટાવે, અહીં તો ‘છતાં ન કંપ.’ અંતરમાં કશુંક ભરેલું છે પણ એ ઉષ્મા નથી, સ્નેહ કે મમતા નથી, છે ભેજ. ચિત્ત છવાયેલું છે પણ પ્રેમથી નહીં, ધુમ્મસથી, ધૂંધળાપણાથી. મુખ ઉપર આ લોકોએ કંઈક ધારણ કર્યું છે પણ એ હૂંફાળી આત્મીયતા નથી પણ છે ‘ગંભીર મૌન.' આ અનુભૂતિને કારણે જ ઘસ કે ધસ જેવા ધાતુઓ કે જેમાં અસ્ (હોવું, હોવાપણું) રણકાય છે તેનો ઉપયોગ પણ કવિ ‘તમિસ્ત્રલોકની ભણી ધસી રહ્યા' અને ‘જતા ખભેખભા ઘસી, છતાં ન કંપ.' જેવા સંદર્ભોમાં કરે છે.10 [10]

આપણે કવિની કાવ્યભાષાની તપાસમાં શબ્દપસંદગી અને ધ્વનિઘટકોની મેળવણી- ગોઠવણીની ઝીણવટ સુધી જવા માગતા નથી (એ પણ તપાસનો વિષય છે જ), પણ આપણા વિવેચને જેનો ક્યારેય સ્પર્શ કર્યો નથી તે વાક્ય-અન્વય કે પદક્રમ (syntax)ની તપાસને જ કેન્દ્રમાં રાખી છે, એ તપાસમાં કેટલાક નમૂનારૂપ ધાતુઓના ઉપયોગની નોંધ આપણા અર્થઘટન માટે ઉપયોગી થઈ છે તેવી જ ઉપયોગી કવિએ વાપરેલાં કેટલાંક ચોક્કસ પ્રકારનાં વિશેષણોની તપાસ પણ થઈ શકે એમ છે. કવિએ જે જે પ્રકારનાં વિશેષણોનો ઉપયોગ કર્યો છે એમાંનાં મોટાભાગનાં ‘નકારાત્મક' અથવા તો ‘અભાવસૂચક’ વિશેષણો છે; ‘અવાક્ વાહનોય' (પૃ. ૧૫૧); ‘અશબ્દ કિંતુ સર્વ' (પૃ. ૧૫૩); ‘અધન્ય શું કદીય ક્યાંક આચર્યા અધર્મથી' (પૃ. ૧૫૪); ‘અશક્ય હ્યાં સ્મૃતિ’ (પૃ, ૧૫૪); ‘અચેત અન્ય ફૂટપાથ પે ઢળી જતો' (પૃ. ૧૫૫). આમાં અવાક, અશબ્દ, અધન્ય, અચેત એ વિશેષણો છે, અશક્ય એ પ્રયોગ પણ વિશેષણરૂપે આવી શકે એવો પ્રયોગ છે. અધર્મ નામ છે પણ એ ય ‘અભાવસૂચક’ ‘અ' લઈને આવે છે. આ ‘અ’ માત્ર તે તે પ્રયોગોને ‘અભાવસૂચક' બનાવે છે એમ નથી પણ આખા વાક્યના અન્વયને નકારાત્મક બનાવે છે. કવિ ‘કિંતુ સર્વ શબ્દહીન' એમ પણ નિરૂપી શક્યા હોત પણ 'અ' કે 'અન્' એ ઉપસર્ગની મદદથી નિષેધ કે નકારની અનુભૂતિને નિરૂપવાનું કવિએ પસંદ કર્યું છે એ સૂચક છે. 11 [11]

શ્રી નિરંજનની શૈલીની આ ત્રણ અગત્યની લાક્ષણિકતાઓ નોંધી શકાય, નકારદર્શક ઉક્તિઓની સહોપસ્થિતિમાં ‘હકારદર્શક’ કે વિધેત્યામક ઉક્તિઓના નિરૂપણનું પુનરાવર્તન, ‘અભાવદર્શક’ વિશેષણો અને નામોના ઉપયોગ દ્વારા માન્યભાષાની સમધારણ ભાતોની વિરુદ્ધ અસમધારણ ભાતો ઉભી કરવાની રીત અને 'છે' અને ‘अस्'નો રણકો જેમાં થતો હોય તેવાં ક્રિયાપદોની વિશિષ્ટ સંદર્ભમાં પસંદગી—આ ત્રણે બાબતોનો સમુચ્ચય અન્ય કેટલીક ગૌણ લાક્ષણિકતાઓ સાથે સંકળાઈને શ્રી નિરંજનની શૈલીને આકાર આપે છે. કવિની પોતાના અને જગતના અસ્તિત્વને પ્રમાણવાની દૃષ્ટિ કે મનઃસ્થિતિ જ એવી થઈ ગઈ છે કે કવિતાની અભિવ્યક્તિની શૈલી જ એવી બની ગઇ છે એમ કહેવું આ પૃથક્કરણ -અર્થઘટનને આધારે ભાગ્યે જ વધુ પડતું ગણાય.

‘ખાલી ખોબે બહાર ઊભો છું,
અંદર રસની ધાર.’ પુ. ૮૦
અને ‘આ માનવીનું જગ
કોઈ કાળે સંવાદના જ્યાં, લયભંગ તાલે,
સૌન્દર્ય સૌ ખંડિત’
એ અનુભૂતિ આવી શૈલીમાં જ આકાર શોધે ને ?


  1. 1 કવિની અન્ય કવિતાઓમાં પણ આ પ્રકારની સહોપસ્થિતિ જોવા મળે છે. શ્રી ભગતની કવિતાનું આ એક સૌથી વધુ તરી આવતું લક્ષણ છે. ‘આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંઆ
    ××

    ન શ્હેર આ કુરૂપની કથા ન શ્હેર આ, વિરાટ કો વ્યથા.’ પૃ. ૧૦૦ ‘અમદાવાદ’ આ પંક્તિઓમાંનું ‘આ ન શ્હેર' અને ‘ન શ્હેર આ’ એનું પુનરાવર્તન નોંધો. એ જેવું ઇચ્છે છે તેવું ‘આ ન શ્હેર' એટલે ફેરવી ફેરવીને, જુદી જુદી રીતે ભાર મૂકી મૂકીને તેને કહે છે.

    “વિહંગ નહીં, રેડિયો ટહૂકતો પૂરે વોલ્યુમે;
    નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની,
    ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કંઈ ઘાટની,
    પરીગણ ન, ટ્રામકાર દિનરાત અહીં તહીં ઘૂમે.’’
    પૃ. ૧૪૨ ‘આધુનિક અરણ્ય.’

    જે અપેક્ષિત છે તેનું અસ્તિત્વ નથી અને અસ્તિત્વ છે યાંત્રિકતા અને જડતાનું. આ યાંત્રિકતા અને જડતા ઝરણની ગતિના, વિહંગના ટહૂકાના અને પરીગણના અસ્તિત્વની કલ્પના કરાવે છે એ જે જીવનની કરુણતા છે એ ‘પણ’થી (અને ‘પરંતુ' શબ્દપ્રયોગ કર્યા વિના, એના થયેલા ઉપયોગથી) સ્પષ્ટ થાય છે.

    ‘ન નીડમાં નભે જ ગીત ગાય એક સૂર' પૃ.૧૪૬.‘એરોડ્રામ પર’
    ‘તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ' પૃ. ૧૪૪. ‘ઝૂમાં સિંહને જોઈને.’
    ‘વિરાટ વનમાં નહીં, પંથ પે.’ પૃ. ૧૨૬. ‘પંથ-૧.’
    “નવું હૃદય ના, હશે કરુણતા જ એમાં વસી.’ પૃ. ૧૨૮. ‘મિત્રમડિયાને.’
    “ભણ્યાં જ નહીં માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે.”
    પૃ. ૧૩૦ ‘અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય.’
    પૃ. ૧૪૨ ‘આધુનિક અરણ્ય.’

    આ બધી પંકિતઓ શ્રી નિરંજનની કથયિતવ્યને કહેવાની એક આગવી લઢણને સ્પષ્ટ કરે છે. ‘નકારાત્મક' વિધાનથી કથયિતવ્ય શરૂ થાય અને ‘પરંતુ’ ‘કિંતુ’ ‘પણ' ‘છતાંય' જે કહેવું છે તેને પછીની પંકિતમાં સ્પષ્ટ કરવામાં આવે.

  2. 2 જુઓ ‘વસંતવિજયની સંરચના—એક તપાસ' એ આગળનો લેખ.
  3. 3 સરખાવો, ‘સ્તબ્ધમૂઢ સર્વને મુખે અપાર શૂન્યતા.’ પૃ. ૧૫૮ ‘ચર્ચગેટથી લોકલમાં.'
  4. 4 પાંખ પસારી સ્હેલનારાનું
    આકાશે ટહેલનારાનું
    મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી?' પૃ. ૫૦ ‘પારેવાં’
  5. 5 'કથા' અને ‘વ્યથા'નો પ્રાસ કંઈ શોખ ખાતર કવિએ વારંવાર મેળવ્યા કર્યો છે એમ નથી, પણ માનવ અસ્તિત્વની જે કંઈ કથા છે તેનો પ્રાસ વ્યથા સાથે જ મળ્યા કરે છે એની અનુભૂતિ એ શબ્દયુગ્મને વારેવારે સાથેસાથે મૂકવા માટે કવિને પ્રેરે છે.
  6. 6 આ જ સ્થિતિને કવિ ‘ચર્ચગેટથી લોકલમાં' કાવ્યમાં જરાક જુદી રીતે પણ આવી નકારાત્મક ઉક્તિઓની મદદથી જ નિરૂપે છે તે નોંધો, ‘સમુદ્ર એક કાર એક કોર કબ્રભોમ. બેઉને ય ડારતી, (સ્વયં નહીં જીવંત કે મૃત)." પૃ. ૧૫૮
  7. 7 કવિને એ અસ્તિત્વ વિશે ભારે શંકા છે.
    “સવાલ સહેજ ચિત્તમાં રમે;
    અહો, બધા ય ક્યાં જતાં હશે જ આ સમે?'
    તહીં જ પંથ, જેહ પાયનું ન ચિહ્ન એક ધારતો,
    કહેઃ ‘ધરા પરે જ ક્યાં હતા?” પૃ. ૧૬૧ ‘હોર્ન્બી રોડ.’
  8. 8 આ મુદ્દાના સમર્થનમાં નીચેની પંક્તિઓ ટાંકી શકાય :
    ‘તરે છ માછલી, ન જિંદગી સ્મરે છે પાછલી' પૃ.૧૪૫ ‘એકવેરિયમમાં’.
    ‘ઈન્ડીકેટરે લખ્યું છે; '
    ‘ન કબ્રને છ એહની વિશાળતા, ગતિ;’ ચર્ચગેટથી લોકલમાં.’
    ‘ભેાંય જેહની છ આસમાન.’ ‘હોર્ન્બી રોડ.’
    ‘ઊભી છ વિશ્વ માલણી... .
    બેઉ હાથમાં ધર્યા છ શલ્યફૂલ.' ફ્લોરા ફાઉન્ટન.'
  9. 9 વળી,
    ‘પરંતુ અવ વિશ્વમાનવ તણું છ સેવ્યું જગે મહાસ્વપન,’
    પૃ. ૧૨૯. ‘મિત્ર મડિયાને ’.
    ‘અધરનું જ પલાશ વિશે છ હાસ્ય.’
    ‘અવ ધરા ને ધરા છ ઋતંભરા’—પૃ. ૧૨૫, ‘શિશિર ને વસંત’ ‘સભાન સઘળી કળા છ, કવિતા ય’ પૃ. ૧૦૯, ‘બલ્લુકાકાને-છબીની ભેટ પ્રસંગે.’ જેવી ગુલબંકી છંદમાં ન હોય, તેવી પંક્તિઓમાં પણ સામે પક્ષે ‘છ'નો પ્રયોગ મળે છે.
  10. 10 ‘હોર્ન્બી રોડ’ કાવ્યની શરૂઆતની પંકિતમાં આવા ચાર ધાતુઓ એક પછી એક એમ સાથે આવે છે.
    ‘સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતનાં નિયોન ફાનસો;
    રલંબ ટ્રામના પટાપરે ઘસે પ્રકાશ કાનસો,
    ન સૂર્ય તેજમાં હસ્યાપટા હવે હસે,
    બધો જ પંથ લોહહાસ્યથી રસે,’ પૃ. ૧૫૯. અહીં પણ વસ, ઘસ, હસ, રસ આ ચારે ધાતુઓમાં असનો (હોવાપણાનો) ભાવ રણકાય છે પણ જે સંદર્ભમાં એ ધાતુઓ પ્રયોજાય છે તે સંદર્ભ જડતાનો, અસ્વાભાવિકતાનો છે. ‘અનેક' છે ‘કિંતુ એક જાતનાં.' કોઇને પોતાનું આગવું વ્યકિતત્વ નથી. એટલે એમના હોવા–ન હોવાની કોઈ જીવંત અનુભૂતિ થતી નથી. આ ‘નિયોન ફાનસો’ (‘માણસ છે કે ફાનસ’ એ સંદર્ભમાંના ‘ફાનસ'ના અર્થને કવિ કેવી રીતે exploit કરે છે તે નોંધો,) જિંદગીના પ્રલંબ પાટા ઉપર આભાસી અનુભૂતિઓનાં પ્રકાશકાનસો ઘસે છે જે જિંદગીનો પથ ‘સૂર્ય તેજ’માં એટલે કે સ્વાભાવિક પરિસ્થિતિમાં હસવો જોઇતો હતો તે આવી અસ્વાભાવિક, આભાસી અનુભૂતિઓનાં પ્રકાશમાં હસે છે. જિંદગીનો બધો જ પથ રસાઇ તો જાય છે પણ એ ‘લોહહાસ્યથી’.
  11. 11 કવિએ 'અ' કે ‘અન્’ કે ‘અણ’ એ નિષેધવાચક ઉપસર્ગનો વારંવાર કર્યો છે. ‘અજાણ એવી પ્રીત કોઇ એના પ્રાણને કરી જાય’ પૃ. ૬૪.
    ‘અજાણ એવો તો ય હૂં એને મન ભરીને માણું.' પૃ. ૬૯.
    ‘અણજાય, ક્યહીં વસે! એ તો નહીં જાણું?’
    ××

    ‘આજનું આ અણગાયું ગીત ત્યારે નિજસંગ લાવું’ પૃ. ૭૬.
    ‘પરંતુ અણજાણ તું પ્રણયની જુદી રીતથી.' પૃ. ૯૬.
    ‘અજાણ એ મંજરી થૈ મૃદુ કોઈ કાળે પ્રફુલ્લશે.’ પૃ. ૯પ.
    ‘એ જ ક્ષણે કોઈ અણજાણવને મ્હોરે ઓરે.' પૃ. ૧૦૨
    ‘મારે એક એના પ્રીત, ને તો પણ અજાણી આજ લાગે.’ પૃ.૧૬૬
    ‘અદીઠાં સ્વપ્ને શાં.’ પૃ. ૨.
    ‘અગમ્ય શો અંકાય.' પુ. ૩ર.
    ‘અરવ એકાંત.' પૃ. ૪૮.
    ‘અનિદ્ર નયને.’ પૃ. ૪૯.
    ‘અધીર વ્યથા.’ પૃ. પપ
    ‘અચલનાં યે દલેદલ.' પૃ. ૫૯.
    ‘અબુધ અંતરની હું નારી' પૃ. ૬૫.
    ‘અનિમિષ રહી જે દીપી' પૃ: ૬૯.
    ‘અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા' પૃ. ૧૦૦.
    ‘અફાટ અંતર’ પૃ. ૧૦૧.
    ‘અકલ્પી કેવી આ મિલન ક્ષણ!' પૃ. ૧૨૨.
    ‘અપૂર્ણ જિંદગી અપૂર્ણ માનવી' પૃ. ૧૭૮-૧૭૯.