ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા

ભાષા શું છે? એ પ્રશ્નના બે ઉત્તરો છે. પહેલો ઉત્તર સહેલો છે જ્યારે બીજો ઉત્તર એટલો અઘરો છે કે તેને પૂરેપૂરી સંતોષકારક રીતે રજૂ કરવાનું હજુ બાકી છે. સહેલો ઉત્તર તો એ છે કે આપણે જેની મદદથી કે જેના વડે વાતચીત કરીએ છીએ, વાર્તાઓ કહીએ છીએ, વર્ણનો કરીએ છીએ, ભાષણો કરીએ છીએ, લખાણો લખીએ છીએ, યાદ રાખીએ છીએ, વિચારીએ છીએ તે ભાષા છે.

પરંતુ પ્રશ્નનો જે ઉત્તર અઘરો છે તેને રજૂ કરવા માટે મથવાનું ભાષાવિજ્ઞાનના અભ્યાસીને પસંદ છે. સંરચનાવાદી ભાષાવિજ્ઞાને આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ભાષાના સ્વરૂપને નજર સામે રાખ્યું. ધ્વનિઓ, ધ્વનિઓની શ્રેણીઓ, શબ્દો અને વાક્યોરૂપે ભાષાના સ્વરૂપને આપણે વર્ણવી શકીએ. ભાષાનાં આ બધાં જુદાં જુદાં અંગો છે. એના સ્વરૂપનું પ્રાથમિક અને મૂળભૂત માધ્યમ કે પાસું ધ્વનિ છે. ભાષા પ્રાથમિક રીતે ધ્વનિની શ્રેણીના રૂપમાં એટલે કે હવાનાં આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે છે. વધુ ઝીણવટપૂર્વક ચોકસાઈથી કહીએ તો માનવ મુખમાંના વાગ્અવયવોએ નિર્મેલા ધ્વનિઓની શ્રેણીરૂપે ભાષા અસ્તિત્વ ધરાવે છે. આમ તો માનવમુખમાંના વાગ્અવયવોનું પ્રાથમિક કાર્ય ખોરાકને પાચનયોગ્ય બનાવી હોજરી સુધી પહોંચાડવાનું અને શ્વાસોચ્છ્વાસ લેવાનું છે જે દરેક પ્રાણી માટે પણ સ્વાભાવિક છે. વળી પ્રકૃતિથી જ દરેક પ્રાણી આ અવયવોની મદદથી ફેફસાંમાંથી આવતી હવાને અમુક કક્ષાએ (શ્રાવ્ય બને એટલી કક્ષાએ) આંદોલિત કરી શકે છે એટલે ધ્વનિએ નિષ્પન્ન કરવા એ પણ પ્રાણી તરીકે પ્રકૃતિદત્ત વારસો છે. જન્મ પછીની થોડી ક્ષણો પછી કોઈ તકલીફની ફરિયાદરૂપે રડે છે કે વૃત્તિજન્ય અવાજ કે બરાડો પાડે છે તે પ્રાણીની પહેલી અભિવ્યક્તિ હોય છે. જગતનાં બધાં પ્રાણીઓની શરીરરચના વત્તેઓછે અંશે સરખી હોય છે, અને તેથી જગતનાં બધાં પ્રાણીઓના પ્રાથમિક અવાજો એકસરખા હોય છે. ધ્વનિઓ પેદા કરવા એ દરેક પ્રાણીબાળને મળેલી જન્મજાત દેન છે. બહેરાં બાળકો પણ અવાજો પેદા કરી શકે છે તે દર્શાવે છે કે ધ્વનિ નિષ્પન્ન કરવા તે સાંસ્કૃતિક બાબત કે સંસ્કૃતિદત્ત ઘટના નથી પરંતુ પ્રાકૃતિક કે આનુવંશિક ઘટના છે. અમુક પ્રકારનાં જીવજંતુઓ અને સાવ પ્રાથમિક અવસ્થા ધરાવતાં કોઈ જૂજ પ્રાણીઓને બાદ કરતાં આ જગતનાં બધાં પ્રાણી ધ્વનિઓ નિષ્પન્ન કરવાની આ પ્રાકૃતિક ઘટનાની મદદથી અવગમન વ્યવહાર કરે છે. કેટલાંક મધમાખી જેવાં જંતુઓ ધ્વનિઓ સિવાયના અન્ય માધ્યમની મદદથી અવગમન વ્યવહાર કરે છે અને અમુક પ્રકારનું મધ ધરાવતું ફૂલ કઈ દિશામાં, કેટલે અંતરે, કયા વળાંકો વળ્યા પછી છે તે વિશની માહિતી પાંખોના આવર્તનથી અન્ય બિરાદરોને પહોંચાડી શકે છે, એ સાચું છતાં મોટા ભાગનાં પ્રાણીઓ જેને આપણે પ્રાથમિક કહીએ એવો પ્રાથમિક અવગમન વ્યવહાર ધ્વનિઓની મદદથી કરે છે. આ ધ્વનિ વાગ્અવયવોની મદદથી નિષ્પન્ન થતા હોઈ તેમના અવગમન વ્યવહારને વાગ્વ્યવહાર પણ કહી શકાય. છતાં એ વાગ્વ્યવહાર કોઇ સંકુલ વ્યવસ્થારૂપે અસ્તિત્વ ધરાવતો ન હોવાથી તેને ભાષા ન કહી શકાય. અમુક ધ્વનિઓને અમુક પરિસ્થિતિઓ સાથે સાંકળવાની વ્યવસ્થા અલબત્ત, પ્રાણીઓના અવગમન વ્યવહારમાં પણ જોવા મળે છે પરંતુ તે વૃત્તિજન્ય વ્યવસ્થા છે. તેને વધુ ને વધુ સંકુલ રૂપ આપીને તેને વધુ ને વધુ અભિવ્યક્તિક્ષમ બનાવવાનું વલણ પ્રાણીઓમાં જણાતું નથી.

સંરચનાવાદી ભાષાવિજ્ઞાને વાજબી રીતે જ ભાષાને યાદૃચ્છિક વ્યવસ્થા તરીકે વર્ણવવાનો પ્રયત્ન કર્યો.[1] વ્યવસ્થા એટલે એ વ્યવસ્થામાં પ્રવેશેલા ઘટકોના આંતરસંબધો એવું વર્ણન કરવામાં આવ્યું પણ એની ચોકસાઇપૂર્વકથી ઝીણવટભરી વિગતો પૂરેપૂરી કાળજીથી સંપૂર્ણ પણે વર્ણવવામાં આવી નહીં. આ કારણે ધ્વનિઘટકોના આંતરસંબધોને ધ્વનિતંત્ર અને રૂપતંત્રના વિભાગોમાં ઘણી ચોકસાઈભરી કરકસરયુક્ત પરિભાષામાં ઠીક ઠીક સફળ રીતે વર્ણવ્યા પરંતુ વાક્યનાં માળખાંને તેના સમગ્રરૂપમાં વર્ણવવામાં ઘણી અપૂર્ણતાઓ રહી ગઈ. “અર્થને વચ્ચે લાવ્યા વિના ભાષાના માળખાની તપાસ” કરવાની પ્રતિજ્ઞા છતાં રૂપતંત્રની અને વાક્યના અન્વયની ચર્ચામાં અર્થ પાછલે બારણે પ્રવેશે એવું બન્યું. ભાષાના બાહ્ય માળખાને અને એ રીતે ભાષાના બોલાતા રૂપને વર્ણવવાનો પ્રયત્ન કરવા જતાં અર્થનું કેન્દ્રીય મહત્ત્વ છે તેના તરફ ધ્યાન ન ગયું. આ કારણે મૂંઝવણભરી સ્થિતિ તો એ થઈ કે ભાષાનાં વાક્યોમાં દેખાતી ઘણી બધી અસંગતિઓને વર્ણવવાનું ન ફાવ્યું અને વાક્યના પદક્રમની અને પૃથક્કરણની કેટલીક ચર્ચા કરીને વાક્યની કેટલીક સંકુલ રચનાઓનું પૃથક્કરણ અને વર્ણન કરવાનું માંડી વાળવું પડ્યું.

આનું કારણ આપણે જોયું એમ અર્થ તરફ પૂરતું ધ્યાન ન અપાયું તે હતું. આ અર્થ વ્યવસ્થાનો એક અતિમહત્ત્વનો ભાગ છે અને વાચિક ધ્વનિઓની શ્રેણીરૂપે વ્યવસ્થા અસ્તિત્વમાં આવે તે પહેલાં અને તે પછી ચાલતી અગત્યની પ્રક્રિયા સાથે એ સંકળાયેલો છે. આ અગત્યની પ્રક્રિયાની તપાસ આપણને બે પ્રશ્નો તરફ દોરી જાય છે. પહેલો પ્રશ્ન છે, ભાષક ભાષા કઈ રીતે હાંસલ કરે છે ? અને બીજો પ્રશ્ન છે ભાષક તેને કઈ રીતે પ્રયોજે છે? બાળક ભાષા પ્રાપ્ત કરે તે પહેલાં આ જગતનો અનુભવ પ્રાપ્ત કરે છે, એની પાસે જે ઇન્દ્રિયો હોય છે તેનાથી સ્પર્શનો, ગંધનો, સ્વાદનો, શ્રવણનો, દૃશ્યનો એમ વિવિધ અનુભવો તે મેળવે છે અને થાડેઘણે અંશે તેના પ્રત્યાઘાત પણ પાડે છે. વળી અનુકરણની વૃત્તિ પશુ પ્રાણી તરીકે તેને પ્રાપ્ત થઈ હોય છે. વડીલો જ્યારે બાળક સાથે ‘વાતો’ કરતાં હોય છે ત્યારે તેણે આપેલા પ્રત્યુત્તરમાં અને કૂતરા કે પોપટ સાથે ‘વાત' કરતી વખતે તેણે આપેલા પ્રત્યુત્તરમાં ( જે ઓળખી ન શકાય તેવા ધ્વનિઓ હોય છે) તાત્ત્વિક રીતે તફાવત નથી.

ધ્વનિઓ નિષ્પન્ન કરવાનું, સામેથી પરિચિત ધ્વનિઓ થયા હોય તો તેનું અનુકરણ કરીને પ્રત્યુત્તર આપવાનું અને વિવિધ અનુભવો મેળવવાનું તથા તેના પ્રત્યાઘાત પાડવાનું બધાં પ્રાણીઓમાં સામાન્ય છે. આ જ કારણે ગાયોના ધણમાં રહેલી કોઈ એક ગાય પોતાના ભરવાડનો અવાજ સાંભળીને કાન ઊંચા કરીને પ્રત્યુત્તરમાં બરાડો પાડીને પૂંછડું ઉલાળતી ઘર તરફ દોડવા માંડે છે જ્યારે બીજી ગાયો નિરાંતે ચરતી હોય છે. આ જ કારણે ‘પોપટ મીઠું, બોલો સીતારામ' એમ વારંવાર પઢાવેલો પોપટ, પોતાના ધ્વનિઓથી પરંતુ પેલા સાંભળેલા આરોહઅવરોહથી જ આ કાવ્ય ‘બોલતો' હોય છે. જાણીતું કે અજાણ્યું માણસ આવે ત્યારે ઇરાદાપૂર્વકના, પરિચિત માણસને જાણે કે આવકારતા અને અજાણ્યા માણસના આગમનના સમાચારરૂપ, વિવિધ ધ્વનિઓ પોપટ અને અન્ય પ્રાણીઓ કરતાં હોય છે. આમ એક રીતે સાદી પરિસ્થિતિ સાથે એટલે કે એક રીતે અર્થ સાથે ધ્વનિને સીધો સાંકળવાનું પણ પ્રાણીઓમાં જોવા મળે છે.

પ્રાણીઓ અનુભવોને પૃથક્કૃત કરવાનું એટલે કે અનુભવોને એકબીજાથી અળગા પાડવાનું, તે તે અનુભવો સાથે ધ્વનિઓને સાંકળવાનું, અનુકરણ કરવાનું આનુવંશિક રીતે જાણતાં હોય છે એટલે કેટલીક બાબતો તેઓ પણ શીખી શકે છે. પરંતુ માનવ પાસે અન્ય પ્રાણીઓ કરતાં પ્રમાણમાં ઘણી વધારે સંકુલ ચિત્તરચના હોય છે. વડીલો બાળકને અનુકરણ કરવા પ્રેરે છે. તેઓ તેને અનુકૂળ થઈ શકે એટલા માટે ‘બાળભાષા'નો ઉપયોગ તેની સાથેના વાગ્વ્યવહાર વખતે કરતાં હોય છે. બાળકે પોતાની પાસેથી ભાષા હાંસલ કરવાની છે એ વાત વડીલો સારી પેઠે જાણતાં હોય છે. બાળક માટેનો ગ્રીક શબ્દ infans (જે બોલવાને શક્તિમાન નથી તે) વડીલોની આ બાબતની સભાનતાનો સૂચક ગણી શકાય.

સામે પક્ષે ધીમે ધીમે બાળકને પણ એની પાસે સંકુલ ચિત્તરચના હોવાને કારણે સમજાવા માંડે છે કે તે તેની ફરિયાદો માટે, તેની જરૂરિયાતોની માગણી માટે અને એમ અનેક હેતુઓ માટે ભાષા શીખશે નહીં તો ચાલશે નહીં. જે બાળકોની અતિકાળજી રાખવામાં આવી હોય અને જરૂરિયાતને મેળવવાની ચિંતા થઈ ન હોય તેવાં બાળકો પ્રમાણમાં મોડાં ભાષા શીખે છે અને આયાઓ પાસે ઊછરેલાં કે અનાથાશ્રમમાં ઊછરેલાં અને તેથી વડીલો સાથે વાગ્વ્યવહાર કરવાની ઓછી તકો પ્રાપ્ત થઈ હોય તેવાં બાળકો પણ મોડાં ભાષા શીખે છે એટલું જ નહીં ભાષાક્ષમતા પણ તેઓમાં ઓછી હોય છે.

શરૂઆતમાં બાળક અનુકરણની મદદથી ભાષાના ધ્વનિઓની શ્રેણીઓ સાથે અર્થોને સાંકળીને (જે અર્થો તેના ચિત્તમાં વિવિધ અનુભવો, પરિસ્થિતિઓ રૂપે ભાષા હાંસલ કર્યા પહેલાં પણ અસ્તિત્વ ધરાવે છે) સમાજનો સભ્ય થવાની મથામણ કરતું હોય છે. આ મથામણ અનુકરણના પ્રયત્નો, ભૂલો અને સુધારણાની રીતે આગળ વધતી હોય છે. એ જે ધ્વનિઓ સાંભળે છે તેનાં શ્રુતિચિત્રો તેના ચિત્ત ઉપર અંકાય છે. એ શ્રુતિચિત્રો શરૂઆતમાં ધૂંધળાં, અસ્પષ્ટ અને સેળભેળિયાં હોય છે. ધીમે ધીમે તે એ ધ્વનિઓને અળગા રાખતાં શીખે છે અને તે રીતે પોતે પણ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં દેખીતી રીતે ભૂલો થયા કરે છે અને ‘કાકા'ને બદલે ‘તાતા', ‘ખાખરે।'ને બદલે ‘થાથરો', ‘પેન'ને બદલે ‘પેમ' એમ બોલતું હોય છે. ધીમે ધીમે એ જે ધ્વનિઓને અલગ રૂપે સાંભળતું હોય છે તેમને અલગરૂપે ઉચ્ચારતાં શીખે છે. કેટલીક વાર ધ્વનિઓને અલગરૂપે ઉચ્ચારવા માટે તેને વધુ મથવું પડે છે. આ મથામણમાંથી બાળક કેટલા સમયમાં બહાર આવે તેનો આધાર ઘણાં પરિબળો ઉપર હોય છે પણ કેટલાંક બાળકો ધ્વનિઓને અલગરૂપે ઓળખ્યા છતાં લાંબા સમય સુધી અલગ રીતે ઉચ્ચારી શકતાં નથી. વડીલોએ આવા કિસ્સામાં અગત્યનો ભાગ ભજવવાનો છે. વડીલો પણ બાળકો સાથે લાડમાં થાથરો, તાતા કે પેમ બોલ્યા કરે તો શ્રુતિચિત્રોને ચોકસાઈથી પોતાના ઉચ્ચારણમાં રૂપાંતરિત કરવાની કે ઢાળવાની પ્રક્રિયા વિલંબમાં પડે છે.

અવલોકાયું છે કે શરૂઆતમાં જ્યારે બાળક અનુકરણની મદદથી સંભળાતી ધ્વનિશ્રેણિઓ સાથે એને સાંકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે અભિવ્યક્તિરૂપે તો આખી ધ્વનિશ્રેણિને બદલે કોઈ એક ઉચ્ચાર જ કરે છે. ધીમેધીમે તે બે, ત્રણ, ચાર અક્ષરોની શ્રેણીઓમાં અભિવ્યક્તિ સાધે છે. આ આખી પ્રક્રિયા દરમ્યાન તેનું બોલવાનું ઘણું અસ્પષ્ટ, ગૂંચવાડાભર્યું અને મોટે ભાગે તો ટેવાઈ ગયેલાં મા–બાપ કે નજીકનાં સબંધીઓ સમજી શકે તેવું હોય છે.

મનાય છે કે આમ તો આ પ્રક્રિયા છેક ગર્ભાવસ્થા દરમ્યાન આરંભાય છે. માના હૃદયના ધબકારા બાળક સાંભળે છે તેને વાગ્પ્રવાહમાંથી અક્ષરો ઓળખવાની પ્રક્રિયા સાથે સંબંધ છે. પહેલાં માને અને જન્મ પછી બાળકને મળતા યોગ્ય-પોષક ખોરાક અને આવેલી ઓછી કે નહીંવત્ માંદગીઓ બાળકના જન્મ પહેલાંના અને પછીના માનસિક-શારીરિક ઉછેર માટે ખૂબ આવશ્યક મનાયાં છે. યોગ્ય શારીરિક ઉછેર સાથે માનસિક વિકાસને અને યોગ્ય માનસિક વિકાસ સાથે ભાષાને હાંસલ કરવાની પ્રક્રિયાને ગાઢ સંબંધ છે. મોટી માંદગીમાં સપડાયેલું રહેતું બાળક ઘણું મોડું ભાષા હાંસલ કરે છે એટલું જ નહીં બે–ત્રણ વરસનું બાળક થોડુંઘણું બોલતું થયું હોય અને ચાર-છ મહિનાની સખત માંદગીમાં સપડાય તો કાં તો તે ભાષા ભૂલી જાય છે અને માંદગીમાંથી ઊઠ્યા પછી નવેસરથી (પરંતુ ઉંમરને કારણે અમુક કક્ષાનો માનસિક વિકાસ થયો હોવાને કારણે અલબત્ત, ઝડપથી) ભાષા હાંસલ કરે છે અથવા તો ભાષા હાંસલ કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ભાષાના અભ્યાસીને રસ પડે એવો મુદ્દો એ છે કે ભાષા હાંસલ કરવાની પ્રક્રિયા અને માનસિક વિકાસની પ્રક્રિયા અરસપરસ પૂરક છે. બાળક વરસ–સવા વરસનું થતાં એ અનુકરણની પ્રક્રિયામાંથી મુક્ત થઈ જાય છે. આજુબાજુની અનેક વ્યક્તિઓ દ્વારા બોલાતી ભાષાને ધ્વનિશ્રેણીઓ રૂપે સાંભળે છે અને એ ધ્વનિશ્રેણીઓ જગતના કયા કયા વિભાવો, અનુભવો, પદાર્થો વગેરે માટે હોય છે તેનું પૃથક્કરણ કરવા માંડે છે. ધીમે ધીમે એ ભાષાના અભિવ્યક્ત થયેલા ઘટકો, એ ઘટકોના અરસપરસના આંતરસંબંધો અને સૌથી મહત્ત્વના તો એ આંતરસંબંધોના વળી પાછા એના પોતાના અને અન્યના અનુભવજગત સાથેના સંબંધોને તથા એ સંબંધો પાછળ કામ કરી રહેલા નિયમોને તારવવા માંડે છે. આપણે આગળ નોંધ્યું કે વધુ ને વધુ વડીલોની વચ્ચે ઊછરેલાં બાળકો ભાષા ઝડપથી હાંસલ કરે છે અને અભિવ્યક્તિની ક્ષમતા તેમની ભાષામાં પ્રમાણમાં વધુ હોય છે તેનું કારણ આ છે. તેઓને વધુ ભાષા સાંભળવા મળે છે અને એ અમર્યાદિત કાચી સામગ્રીમાંથી તેમનું ચિત્ત વ્યવસ્થાને અને વ્યવસ્થાના ઘટકોને તારવે છે. રૂપાંતરણીય અભિગમે આ પ્રક્રિયાને વર્ણવવાનો પ્રયત્ન કર્યો. ભાષાના અભિવ્યક્તિના સ્તર ઉપર સંભળાતા, વારંવાર સંભળાતા ઘટકો જુદી જુદી પરિસ્થિતિ, સંદર્ભો વગેરે અનુસાર જુદી જુદી રચનામાં પ્રવેશતા હોય છે. બાળકનું ચિત્ત વાક્યોના બંધારણના એકમો કે ઘટકોને ઓળખતું થઈ જાય છે અને એ મર્યાદિત ઘટકો અન્ય ભાષકોના અમર્યાદિત અનુભવજગતના વિવિધ સંદર્ભોને કેવી રીતે અભિવ્યક્ત કરે છે તે એ સાંભળ્યા કરે છે, એ સાંભળવા દ્વારા પેલા ઘટકો અને પેલા વિવિધ સંદર્ભોને સાંકળનારા કે જોડનારા નિયમો એ તારવે છે. સમાજમાં જુદા જુદા અનેક સંદર્ભોમાં ભાષા કેવી રીતે, કઈ જાતની કામગીરી બજાવે છે તે અંગેનાં નિયમનો અને નિયમો એ તારવે છે. એ રીતે તારવેલા નિયમો કે નિયમનોને આધારે એ એની ભાષાસૂઝ કે ભાષા વિશેની આંતરસૂઝ કેળવે છે. એ રીતે કેળવાયેલી આંતરસૂઝને આધારે ભાષાનો ખરેખરા વાસ્તવમાં રોજિંદો ઉપયોગ કે વપરાશ તે કરે છે. એક દૃષ્ટાંત લઈએ : ત્રણેક ફૂટ ઊંચા ઓટલા ઉપર નાખેલા દાણા ચણતો મોર, માણસ આવ્યો ને ઓટલા ઉપરથી ઊતરીને આંગણામાં ચાલ્યો ગયો. માણસે કહ્યું, ‘મોર ઊડી ગયો', એવું જ એ જ ઓટલા પર ચણતા કબૂતરનું અને કૂકડાનું કોઈ અન્ય પ્રસંગે બન્યું અને માણસે ‘કબૂતર ઊડી ગયું ' કે 'કૂકડો ઊડી ગયો ' એમ કહ્યું, આ ત્રણે પ્રસંગે મોર, કબૂતર કે કૂકડાને ઓટલેથી ઊતરીને આંગણામાં પહોંચવા પાંખ ભાગ્યે જ ફફડાવવી પડી છે. બાળકે આ ત્રણે પ્રસંગે આ ત્રણે વાક્યો સાંભળ્યાં છે ને એક વાર એ જ રીતે ઓટલા પરથી દેડકો નીચે આંગણામાં ઊતરતાં બાળક બોલે છે ‘દેડકો ઊડી ગયો’. સાંભળનાર વડીલ આ અભિવ્યક્તિને નહીં સુધારે તોપણ એ બાળક મોટું થયા પછી ‘દેડકો ઊડી ગયો' બોલવાનું નથી છતાં વડીલ આ ‘ભૂલ’ને સુધારે તો વાર્તા આગળ ચાલે ખરી વડીલ કહેશે ‘દેડકો કૂદ્યો એમ કહેવાય.’ બાળક પૂછશે, ‘કેમ?’ જવાબ શોધવામાં આવે કે ‘જેને પાંખ હોય તે ઊડે એમ કહેવાય.’ બાળક સ્વીકારી લે છે. પણ પછી જુએ છે કે એ જ વડીલ ‘ટેબલ પરથી કાગળ ઊડ્યો' કે 'પતંગ ઊડ્યો' એમ જેને પાંખો નથી એ પદાર્થોને પણ ઊડે છે એમ કહે છે. કદાચ બાળક પ્રશ્ન કરશે તે વડીલ પાસે જવાબ નહીં હોય તોય વડીલ જાણે છે કે કહેવાય તો આમ જ. બાળક પણ સમય જતાં કદાચ ખુલ્લી રીતે ન વર્ણવી શકે છતાં એક નિયમ તારવી લે છે કે જેની મદદથી પછી ‘કપડાં ઊડી ગયાં' કે ‘ધૂળ ઊડી' જેવાં ક્યારેય ન સાંભળ્યાં હોય તેવાં વાક્યોનો અર્થ સમજી લે છે એટલું જ નહીં આગળ જતાં ‘મને કિન્નરે એવો ઉડાવ્યો !' કે ‘પૈસા ઉડાવ્યા’ કે ‘મોજ ઉડાવી’ જેવાં કદી ન સાંભળેલાં વાક્યો સરજીને તેનો ઉપયોગ કરે છે. એક છેડે ભાષા વિશેની કેળવાયેલી આંતરસૂઝ હોય છે જેની મદદથી ભાષક ભાષાવપરાશ માટે સજ્જ થયો હોય છે અને બીજી બાજુ ભાષાનો ખરેખરો વાસ્તવિક વપરાશ હોય છે. એ આંતરસૂઝથી સજ્જ થયેલો ભાષક ભાષાને અનેક સંદર્ભોમાં વિવિધ રીતે પ્રયોજે છે. અને નવી ને નવી અભિવ્યક્તિઓ સરજી શકે છે. આ દૃષ્ટિએ ભાષા એ માત્ર અનુકરણની નહીં પણ સર્જનાત્મક પ્રવૃત્તિ પણ છે. ભાષાની મર્યાદિત સામગ્રીને અમર્યાદિત રીતે ઉપયોગમાં લેવા માટે જે નિયમો ભાષકને મદદરૂપ થાય છે તે પ્રમાણમાં મર્યાદિત હોય છે. આવા મૂળભૂત કે મુખ્ય નિયમોની મદદથી ભાષાની એની એ સામગ્રીનું તે વિવિધ માળખામાં રૂપાંતર કરે છે અને નવાં નવાં વાક્યોનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે, કૌશલે તેજસને કહ્યું હોય કે ‘ધવલને કહેજે કે મને કાલે મળે’, હવે તેજસના ચિત્તમાં તો આ અર્થ રહેલો છે કે ‘મને કૌશલે, ધવલને એમ કહેવાનું કહ્યું છે કે તે એને કાલે મળે’, હવે તેજસ ધવલને મળે ત્યારે ‘કૌશલે તેજસને કહ્યું છે કે ધવલને કહેજે કે મને કાલે મળે’ અથવા તો ‘મને કૌશલે કહ્યું છે કે ધવલને કહેજે કે તે મને કાલે મળે.’ અથવા તો ‘કૌશલે તને કાલે મળવાનું કહ્યું છે ' અથવા તો ‘કૌશલે સંદેશો મોકલ્યો છે કે કાલે તારે એને મળવું' અથવા તો ‘કૌશલ તને કાલે મળવા માંગે છે.’ વગેરેમાંથી કોઈ એક વાક્ય કહેશે. આનો અર્થ એ થયો કે એક જ પ્રકારનો અર્થ ધરાવતું એટલે કે એક જ પ્રકારનું આંતરિક માળખું ધરાવતું વાક્ય અનેક બાહ્ય સ્વરૂપોમાં અભિવ્યક્ત થઈ શકે. ભાવકના ચિત્તમાં જે નિયમો હોય છે તે અનુસાર પેલા આંતરિક વાક્યનું તે બાહ્ય વાક્યમાં ખરેખરી અભિવ્યક્તિરૂપે રૂપાંતર કરે છે. આ નિયમો ક્રમબદ્ધ હોય છે અને કેટલાક મૂળભૂત નિયમો તો જગતની બધી ભાષાના ભાષકો ઉપયોગમાં લેતા હોય છે. આ નિયમોની મદદથી જેને આપણે અવ્યાકરણી વાક્યો કહીએ તેમને પણ તેઓ ઓળખી કાઢે છે. વાક્યોમાંના વિસંવાદને પારખે છે, એકસરખો અર્થ ધરાવતાં વાક્યોમાંથી યોગ્ય અર્થ કાઢી લે છે અને વાક્યોને સમજી અને સરજી શકે છે. આ બાબત સૂચવે છે કે વાક્ય પોતે ભાષા નથી. ભાષાની વ્યવસ્થાનો એ પણ એક ઘટક છે. ભાષાનું વર્ણન કરતી વખતે વાક્યને વર્ણવવાનું ટાળી ન શકાય છતાં વાક્ય જે વાર્તાલાપ, સંભાષણ કે કોઈ એક સંદર્ભનો ભાગ હોય છે તેનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય. ખરેખર તો અનુભવોનો સમગ્ર સંદર્ભ કેન્દ્રસ્થાને છે કારણ કે તેના પ્રાથમિક રૂપમાં પણ એ માનવ જન્મ્યો ત્યારે એના ચિત્તમાં પ્રથમ ઝિલાયો છે અને પછીથી તેની સાથે ભાષાકીય અનુસંધાન જોડાયું છે. જગતના અનુભવોના સમગ્ર સંદર્ભને જો અર્થ કહીએ તો અર્થ સાથે અભિવ્યક્તિ જોડાય છે અને ભાષા બને છે. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં વાક્યનો સંપૂર્ણ સંદર્ભ (એટલે કે વાક્ય જે વાર્તાલાપ, સંવાદ, વર્ણન, સંભાષણ વગેરેમાંથી જેનો એક ભાગ હોય છે તે સમગ્ર સંદર્ભ) હોય છે તેથી વાક્યને એ સંદર્ભ બહાર એકલું તપાસવાનો પ્રયત્ન કરીએ ત્યારે વાક્યમાં દેખાતી વિસંવાદિતા બોલનાર–સાંભળનારને નડતી નથી અથવા તો સંદર્ભની બહાર તપાસાતા વાક્યમાં દેખાતા બે કે તેથી વધારે અર્થોમાંથી કયો અર્થ અભિપ્રેત છે તેની મૂઝવણમાં બોલનાર–સાંભળનાર પડતો નથી. ‘સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે' એ વાક્યના એના સમગ્ર સંદર્ભની બહાર દેખીતા બે અર્થો છે. આ વાક્ય સાંભળનાર કેાઈ પહેલવાન હોય તો તરત જ બોલનારને અભિપ્રેત ન હોય તેવો અર્થ લઈને સાંબેલું બરાબર વગાડી બતાવી શકે અને સાંબેલું પણ વાગી શકે તેનું સમર્થન એ વાક્ય બોલનારનું શરીર પણ કરે. પરંતુ શરણાઈવાળો સાંભળનારો હોય અને ‘પોલું છે તે વાગ્યું' એનો સંદર્ભમાં હોય તો સાંબેલું વગાડવાની ‘કારીગરી' થઈ શકે નહીં. ‘વગડે વગડે ઢોલ' એવા વાક્યના ઓછામાં ઓછા ત્રણ અર્થ થઈ શકે. એટલે તેના સમગ્ર સંદર્ભને નજર સામે રાખ્યા વિના એ વાક્યનું પૃથક્કરણ-વર્ણન કરવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. વાક્યમાં વપરાયેલાં પદોના સૌથી નજીકના સંબંધોને શોધી કાઢીને તેનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન આ કારણે અપર્યાપ્ત સાબિત થયો અને આ કારણે વાક્ય નામના ઘટકને છેડેથી ભાષકના ચિત્તમાં રહેલી ભાષાસૂઝને અને તેના નિયમોને વર્ણવવાના ચોમ્સ્કીના પ્રયત્નોમાં સુધારાવધારા થતાં રહ્યાં. ‘તમે સૌ અભ્યાસનિષ્ઠ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ’, એવા સંબોધનમાં વપરાયેલી ઉક્તિના પૃથક્કરણ વખતે આ સંબોધન કોણે, ક્યારે અને કોને ઉદ્દેશીને કર્યું છે તે ત્રણે બાબતો નજર સામે ન હોય તો પૃથક્કરણ કરનાર ‘અભ્યાસનિષ્ઠ' વિશેષણ માત્ર અધ્યાપકોને જ લાગ્યું છે કે તે ‘અધ્યાપકો' અને ‘અભ્યાસીઓ' એ બંનેને લાગ્યું છે તેનો નિર્ણય કરી શકશે નહીં. એવું જ ‘ધોળી ગાય અને બકરી દોડ્યાં.’ વાક્યના પૃથક્કરણ સમયે થવાનું. આપણે આગળ જોયું કે ભાષા વાચિક ધ્વનિઓની શ્રેણીઓ રૂપે અસ્તિત્વમાં આવે ત્યારે એ વ્યવસ્થા તો જ બને કે અસ્તિવમાં આવે એ પહેલાં અને પછી ચાલતી પ્રક્રિયા સાથે એ સંકળાયેલી હોય. એ પ્રક્રિયાનાં મુખ્ય ત્રણ બિંદુઓ છે. પહેલું બિંદુ છે બોલનાર પોતે. બીજું બિંદુ છે પરિસ્થિતિ અને ત્રીજું બિંદુ સાંભળનાર. એટલે કે બોલનારે, કઈ મનઃસ્થિતિમાં પરિસ્થિતિ કે સંદર્ભમાં કયા સાંભનારને એ સાંભળનારની કઈ મનઃસ્થિતિ સમયે એ વાક્ય કહ્યું છે તેને આધારે એ વાક્યનું સ્વરૂપ નક્કી થાય છે. કોઈ વ્યક્તિ ઇચ્છે છે કે અત્યારે જતો મિત્ર કાલે આવે. તે આમાંથી કોઈ પણ એક વાક્ય પ્રયોજી શકે. ‘તું કાલે આવજે’, ‘તું કાલે આવવાનો ને?’ ‘તું કાલે આવશે ને.' ‘તું કાલે આવીશ ને?’ ‘કાલે જરૂર આવજે.' ‘તું કાલે આવે એમ હું ઇચ્છું છું.' ‘તું કાલે પણ આવી રહેજે' અને આવાં તો ઘણાં બધાં. આમાંથી કયું વાક્ય બોલનાર પ્રયોજશે એનો આધાર દેખીતી રીતે કેવી પરિસ્થિતિમાં મિત્રો છૂટા પડે છે, બોલનારની મનઃસ્થિતિ કેવી છે અને સાંભળનાર મિત્રની સાથેનો તેનો સંબંધ કેવો છે તથા સાંભળનાર મિત્રની મનઃસ્થિતિ કેવી છે તે સમગ્ર સંદર્ભ ઉપર રહેશે. આ ઉપરાંત આ સમગ્ર સંદર્ભમાં બોલનારે, ભાષક તરીકે ભાષાને કઈ રીતે કેટલી ક્ષમતાથી હાંસલ કરી છે તેનો પણ સમાવેશ કરવો પડવાનો.

આમ ભાષાની વ્યવસ્થામાં એક બાજુ ભાષક કઇ રીતે ભાષા હાંસલ કરે છે તેનો અને બીજી બાજુ એ તેને કઈ રીતે પ્રયોજે છે તેનો સમાવેશ કરવો પડવાનો. આ બંને બાબતો ભાષાના જુદા જુદા સ્તર ઉપરના વપરાશની વ્યક્તિગત ક્ષમતા અને તેના વિવિધ સ્તર ઉપરના વપરાશની ભિન્નતા સાથે સંકળાયેલી છે. ભાષાના જુદા જુદા સ્તર ઉપરના વપરાશની વ્યક્તિગત ક્ષમતા અને તેના વિવિધ સ્તર ઉપરના વપરાશની ભિન્નતા ભાષાના ઉપયોગ સાથે જ માત્ર નહીં પરંતુ ભાષાના સ્વરૂપ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલી છે એટલે ભાષાનું વ્યવસ્થા તરીકેનું અસ્તિત્વ દેખીતી રીતે આ બન્ને ઉપર આધારિત હોય છે. આ કારણે ભાષાને વ્યવસ્થા તરીકે વર્ણવતી વખતે તેને સામાજિક પરંપરાએ વાચિક ધ્વનિઓની શ્રેણીઓમાં ઢાળેલી અને માનવબાળના ચિત્ત દ્વારા માનસિક પ્રક્રિયાની મદદથી વ્યવસ્થારૂપે હાંસલ થયેલી સાંસ્કૃતિક ઘટના કે સામાજિક પ્રવૃત્તિરૂપે વર્ણવવાથી ભાષાના સ્વરૂપને સમજવાની દિશામાં કેટલીક સ્પષ્ટતાઓ થશે. અન્ય પ્રાણીઓની જેમ જ ઇન્દ્રિયોથી નક્કર રૂપે અનુભવાતા આ જગતને કઈ રીતે ધ્વનિસંકેતોની વ્યવસ્થામાં ઢાળીને અમૂર્ત વિચારણારૂપે માનવચિત્ત ગ્રહણ કરી શકે છે કે જેથી એ અનુભવોને ચિત્તમાં લાંબો સમય યાદ રાખી શકાય, એમનું વિગતે ઝીણવણથી અવગમન સાધી શકાય, એ અનુભવોનો સમગ્ર માનવજાતના સહિયારા વારસા તરીકે ઉપયોગ કરીને ભૌતિક તથા આધ્યાત્મિક વિકાસ સાધી શકાય અને તેના વિકાસની યોજનાઓ ઘડી શકાય એ વિચારણામાં આજના મનોવિજ્ઞાન, એનેટોમી, ગણિત, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરેએ ભાષાવિજ્ઞાનને જે કેટલીક ઉપયોગી સાધન-સામગ્રી પૂરી પાડી છે તે કારણે ભાષાના સ્વરૂપને સમજવાની દિશામાં કેટલાક મહત્ત્વનાં ડગ ભરી શકાયાં છે. અત્યારે તો આ બધાં વિજ્ઞાનોએ આપેલી વિચારણાના તંતુઓના છેડાઓને ભેગા કરીને ભાષાને કારણે માણસ અન્ય પ્રાણીઓથી કઈ રીતે જુદો પડે છે અને ‘ભાષાનો ઉપયોગ કરતું અને તેથી ઘણું બધું કરી શકતું પ્રાણી' થયો છે તે સમજવાની દિશામાં ભાષાવિજ્ઞાનનો અભ્યાસ પ્રયત્ન કરે છે અને ‘ભાષા એટલે શું ?' એ એક રીતે સહેલા પ્રશ્નનો અઘરો ઉત્તર આપવા મથે છે.


  1. (1 બધા ભાષાવિજ્ઞાનીઓ ‘યાદૃચ્છિક’ વિશેષણ ‘વાચિક ધ્વનિ સંકેતો’ને લગાડે છે એ વાજબી છે. માનવ પાસે અનંત પ્રકારના ‘વાચિક ધ્વનિ સંકેતો' નિષ્પન્ન કરવાની શક્તિ છે. તેમાંથી દરેક ભાષાના ભાષકોએ યાદૃચ્છિક રીતે અમુકને જ ‘ઉપયોગી ધ્વનિઓ' તરીકે વાપર્યા હોય છે જે પરંપરાથી દૃઢ થયા હોય છે, પરંતુ એ સંકેતોની વ્યવસ્થાનું યાદૃચ્છિકપણું પણ ધ્યાન બહાર ન જવું જોઇએ. એટલે કે એ વ્યવસ્થા, વ્યવસ્થા તરીકે સંપૂર્ણપણે યાદૃચ્છિક છે. આ કારણે ‘યાદૃચ્છિક’ વિશેષણ ‘વ્યવસ્થા’ને પણ લગાડવું જોઇએ અને કદાચ એ બેમાંથી કોઈપણ પદને ન લગાડ્યું હોય તો ત્યાં તે ગૃહિત છે એમ માનીને ચાલવું જોઈએ.)