ભાષા, સમાજ અને સાહિત્ય/રમણભાઈ—ભાષાશાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫

રમણભાઈ—ભાષાશાસ્ત્રી

“આપણા સાહિત્યક્ષેત્રે રમણભાઈ તંત્રી, વિવાદકાર, તત્ત્વવેત્તા, નિબંધકાર, વિવેચક, ભાષાશાસ્ત્રી, હાસ્યકાર, નાટયકાર એવા અનેક રૂપે વિલસ્યા છે.” (‘રમણભાઈ નીલકંઠ' પૃ. ૫ર૦. લે. બિપિન ઝવેરી). કદાચ આ વિધાન વાંચીને પુસ્તકના સંપાદકને થયું હશે કે રમણભાઈ ભાષાશાસ્ત્રી તરીકે પણ સ્વીકારાયા છે. (આપણે ત્યાં જે જે વિદ્વાનોએ(?) કોઈપણ સાહિત્યકાર ઉપર પીએચ.ડી. પદવી માટેનો મહાનિબંધ લખ્યો છે તે તે સાહિત્યકાર વિશે તે તે પીએચ. ડી. પદવીધારીઓ અંતિમ નિર્ણાયકો મનાયા છે !) તો આ પુસ્તકમાં એમનાં એ અનેક રૂપમાંથી ભાષાશાસ્ત્રી તરીકેના વ્યક્તિત્વને મૂલવતો લેખ પણ હોવો જોઈએ. લેખકના ભાષાશાસ્ત્ર વિષયક ચાર (પાંચ પણ ગણી શકાય) લેખો અને થેાડા છૂટક વિચારોની તપાસ એમના એ વ્યક્તિત્વને મૂલવવા માટે કરવાની રહેશે. ‘ગુજરાતી ભાષાનો આરંભ' લેખમાં સ્વ. કે. હ. ધ્રુવ અને સ્વ. વ્રજલાલ શાસ્ત્રીનાં ગુજરાતી ભાષાના આરંભ વિશેનાં મંતવ્યેાને કેન્દ્રમાં રાખીને લેખકે કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે, મોટે ભાગે તો થોડાક છૂટક શબ્દની વ્યુત્પત્તિને આધારે ભાષાપરિવર્તનને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે તથા ગુજરાતી ભાષાના કેટલાંક લક્ષણો દર્શાવતા ચૌદમી સદી પછીના ગદ્ય ફકરાઓના ઉતારાઓ આપ્યા છે. સ્વ. ધ્રુવે ગુજરાતી ભાષાની જે ત્રણ ભૂમિકાઓ આપી છે તેને તેઓ સ્વીકારે છે અને એમનું મતવ્ય સાચું છે એમ દૃઢપણે માને છે. “અહીંથી પ્રાચીન ભાષાની હદ પૂરી થઈ અને અહીંથી અર્વાચીન હદ શરૂ થઈ એવો સુરેખ વિભાગ થઈ શકતો નથી. તેથી અપભ્રંશનું નામ વિકલ્પે જૂની ગુજરાતી કહીએ તો અયથાર્થતા નથી; માત્ર જાણીતી થયેલી વિભાગપદ્ધતિનો ત્યાગ થાય છે.” (‘કવિતા અને સાહિત્ય ' વો. ક. પૃ.૧૧૯) લેખકનો આ નિર્ણય કોઈ ચોક્કસ ભાષાકીય તત્ત્વોની તપાસને આધારે તારવવામાં આવેલો નથી; પરંતુ સ્વ. ધ્રુવનું મંતવ્ય સાચું છે એ માન્યતામાંથી જન્મેલો છે. અપભ્રંશ અને ગુજરાતી વચ્ચે ચોક્કસપણે ભેદરેખા દેરી આપતાં કેટલાંક લક્ષણો તારવી શકાય છે તેનું જ્ઞાન આ લેખમાં વ્યક્ત થતું નથી. નરસિંહરાવે એમાંનાં કેટલાંક લક્ષણોનો નિર્દેશ કર્યો હતો. ખાસ કરીતે શબ્દની શરૂઆતમાં ન હોય તેવા સંયુક્ત વ્યંજનોનો લોપ અને તેમની આગળના અક્ષરમાં રહેલા સ્વરનું (પાછલા અક્ષરમાં દીર્ઘ સ્વર ન હોય તો ) દીર્ઘ થવું તે ધ્વનિપરિવર્તન, નામિકી રૂપોમાં વિભક્તિના પ્રત્યયોની સાથે સાથે અને કેટલેક તો તેમને બદલે વપરાતા થયેલા અનુગો (અને એ રીતે ભાષાનું વ્યસ્તતા તરફ ઢળવું) અને રવાનુકારી શબ્દોનો વધવા માંડેલો વપરાશ એ ત્રણ અગત્યનાં લક્ષણોથી ગુજરાતી ભાષાનું આગવું રૂપ ઘડાવા માંડયુ હતું તેની સાક્ષીરૂપે છે. આ લક્ષણોનું સાતત્ય વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર બાહુબલિ ઘોર’ (ઈ.સ. ૧૧૬૯ લગભગ), શાલિભદ્રકૃત ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ (ઈ.સ. ૧૧૭૫), ધર્મકૃત ‘જંબુસામિચરિત્ર’ (ઈ.સ. ૧૨૧૦) અને વિજયસેનકૃત ‘રેવંતગિરિરાસુ’ (ઈ.સ. ૧૨૩૦)માં મળે છે. આ કૃતિઓથી ગુજરાતી ભાષાનો આરંભ ગણી શકાય. લેખકની એ વાત સાચી છે કે “ભાષા કંઈ એક દિવસમાં કે એક વર્ષમાં બંધાતી નથી.” (એજન પૃ.૧૦૭) વળી એમાં થતા પરિવર્તનોમાંનાં એક પ્રકારનું સાતત્ય હોય છે એ પણ સાચું; પરંતુ એ પરિવર્તનોમાંનાં કેટલાંક મહત્ત્વનાં પરિવર્તનો સ્થિર થાય પછી પાછળથી એ પરિવર્તનો કયા ગાળામાં થયાં એ વિશે ચોક્કસ વિધાનો થઈ શકે છે, જે પરિવર્તનો ભાષામાં છૂટક છૂટક ન હોય. પરંતુ ભાષાના સમગ્ર માળખામાં વ્યાપ્ત હોય તેવાં પરિવર્તનોને મહત્ત્વનાં ગણવાં પડે. ઉપર ગણાવ્યાં તે ત્રણ મહત્ત્વનાં પરિવર્તનો જ્યારથી સ્થિર થયાં તે સમયથી ગુજરાતી ભાષાનો આરંભ થયાનું ગણી શકાય. “ગુજરાતી ભાષાનું બંધારણ આ રીતે સંસ્કૃત ભાષાના બંધારણમાંથી અપ્રભ્રંશ દ્વારા ઉતરી આવ્યું છે. શબ્દોમાં અને પ્રત્યયોમાં ફેરફાર થયો છે. પણ ભાષારચનાનું ખોખું ઘણુંખરૂં એનું એ રહ્યું છે.” ‘ગુજરાતી ભાષાનું બંધારણ'1[1] લેખમાંનું આ અને આવાં કેટલાંક અન્ય વિધાનો તપાસવા જેવાં છે. “અપભ્રંશમાં તેમ જ ગુજરાતીમાં આવતાં મૂળ શબ્દોમાંના કેટલાક અક્ષર બદલાઇ ગયા છે અને કેટલાક અક્ષર જત રહ્યા છે. પ્રત્યયોમાં એથી પણ વધારે ફેરફાર થયા છે. કેટલેક ઠેકાણે મૂળના પ્રત્યયો બદલાઈ ગયા છે અને કેટલેક ઠેકાણે પ્રત્યયો સમૂળગા જતા રહ્યા છે. પરંતુ વાક્યરચના સંસ્કૃત જેવી જ રહી છે.” જો “શબ્દોમાં અને પ્રત્યયોમાં ફેરફાર થયા” હોય તો “ભાષારચનાનું ખોખું ઘણુંખરૂં એનું એ” કેવી રીતે રહે એ પ્રશ્ન છે. કારણ કે શબ્દો બદલાઈ ગયા હોય અને પ્રત્યયો બદલાતાં એમના પરસ્પરના સંબંધો બદલાયા હોય તો ભાષાનું માળખું તો શબ્દોના પરસ્પરના સંબધો ઉપર આધારિત હોય છે. પ્રત્યયો બદલાતાં અને શબ્દો પોતે બદલાતાં, શબ્દોનો વ્યાકરણી મોભો પણ બદલાતો હોય છે. એટલે ગુજરાતીનું વ્યાકરણ કે ગુજરાતીનું બંધારણ તપાસતી વખતે સંસ્કૃત કે અપભ્રંશનું બંધારણ કેવું હતું તે તપાસવાની અનિવાર્ય આવશ્યક્તા નથી. ભાષાની એકકાલીન ભૂમિકાને જ માત્ર કેન્દ્રમાં રાખીને તેનું બંધારણ તપાસી શકાય એ પ્રકારની વાત જ રમણભાઈના જમાનાને ગળે ઊતરે એમ ન હતી.2[2]

‘જિપ્સી અને ગુજરાતી ભાષાઓમાંનો સામાન્ય અંશ' એ સામાન્ય પરિચયાત્મક લેખ છે. એ તો જાણીતું છે કે નવ્ય ભારતીય ભાષાઓના આરંભનાં લક્ષણો દેખાવાં શરૂ થયાં એ જ અરસામાં જિપ્સીઓ ભારતમાંથી અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, જ્યેાર્જિયા, કોકેસસ અને ભારતમાંથી ઇરાન, આરમેનિયા, બલ્ગેરીઆ થઈને યુરોપમાં ગયા. વળી કેટલીક ટોળીઓ આરમેનિઆ, સિરીઆ, ઈજિપ્ત એમ પણ ફેલાઈ. આ લોકો ઈ.સ.ની દસમીથી બારમી સદીની વચ્ચે ગયા હોવાથી એમની ભાષામાં નવ્ય ભારતીય આર્ય ભાષાઓનાં કેટલાંક લક્ષણો સ્પષ્ટપણે જોવા મળે છે. તત્ત્વતઃ તો જિપ્સી બોલીઓ રાજસ્થાની, કાશ્મિરી, ગુજરાતી, હિન્દી૩ [3] અને મરાઠી એ બધી નવ્ય ભારતીય આર્ય ભાષાઓનાં ઘણાં લક્ષણો ધરાવે છે, રમણભાઈએ ગુજરાતી સાથેનું તેનું વિશેષ મળતાપણું ગુજરાતીમાં અને જિપ્સીમાં નરજાતિનાં ઓકારાન્ત નામો, ‘કેરું' એ અનુગ, છોકરા માટે રકલો અને છોકરી માટે રકલી, છૈયો માટે ચાવો અને છૈયાં માટે ચાવ્યે જેવાં નામો વગેરેને આધારે દર્શાવ્યું છે પણ એવું તો કેટલુંક ખાસ મળતાપણું હિન્દી સાથે પણ દર્શાવી શકાય એમ છે. ઉદાહરણ તરીકે રોમાનિયન, ગ્રીક અને આર્મેનિયન જિપ્સીમાં ‘બે’ માટેનો શબ્દ दूइ હિન્દી दो સાથે મળતો આવે છે. ત્યાં સંસ્કૃત द्वयનું પરિવર્તન હિન્દીમાં થયેલા પરિવર્તનની નજીક છે. તો ‘કાળો’ (Black) માટેનો શબ્દ જિપ્સી ‘કાલો ' કે ' કાલી ' હિન્દીમાં પણ 'કાલો' જ છે. (ત્યાં ल નું ळ માં પરિવર્તન નથી થયું તે નોંધો.) આ બાબત દર્શાવે છે કે ઈ.સ.ની દસમી-બારમી સદીમાં છૂટી પડેલી આ બોલીઓએ પોતપોતાની રીતે ઘણી અસરો હેઠળ પોતપોતાનું રૂપ પકડ્યું છે. એટલું ખરું કે ગુજરાતી, હિન્દી, મરાઠી, રાજસ્થાની અને જિપ્સી બોલીઓના મૂળ સ્રોત એક છે એ કારણે એ બધી બોલીઓ કે ભાષાઓમાં સામ્ય જોવા મળે છે.

‘ગુજરાતી અને મારવાડી ભાષાઓનું સગપણ' એ લેખમાં ભાષાકીય સામ્યને તપાસવાનો પ્રયત્ન ઘણો ઓછો છે. થોડા છૂટક શબ્દોનું સામ્ય અને થોડાક દુહાઓનાં ઉદાહરણથી એમણે કામ પતાવ્યું છે. જોકે એ પણ ડૉ. તેસિતરી આમ કહે છે અને ડૉ.ગ્રિયર્સન તેમ કહે છે તેના પર આધારિત છે. આ લેખમાં તેમણે કરેલાં કેટલાંક વિધાનો તદ્દન બેજવાબદાર છે. “નામની વિભક્તિઓની તેમ જ ક્રિયાપદના ભેદ, કાળ, પ્રયોગ વગેરેની વિવિધતા અને વિપુલતા ગુજરાતીમાં હિન્દી કરતાં વધારે છે. આ રીતે, વિકાસની સામગ્રી ગુજરાતી ભાષામાં હિન્દી કરતાં વિશેષ છે.” લેખકે હિન્દી અને ગુજરાતી ભાષાની આ ભાષાકીય લાક્ષણિકતાઓનો વિગતે અભ્યાસ કર્યા વિના આવું બેજવાબદાર વિધાન કર્યું છે. દેખીતી રીતે આવાં વિધાનોનો કોઈ અર્થ હોતો નથી. વળી લેખક વડીલની રીતે શિખામણ પણ આપે છે. “મારવાડી ભાષા જો ગુજરાતી ભાષા તરફ વળશે તો નજીકની પેઢીની તેની મોટી બહેન વૃદ્ધિ પામવામાં તેને ઘણી સહાયભૂત થશે એ નિસ્સંદેહ છે.” અને આવી વડીલશાહી શિખામણનો એમના અભ્યાસી જયજયકાર ગજવે છે. “રમણભાઈનું હિન્દીની સ્થિતિ વિશેનું આ નિદાન અને મારવાડી લેખકોને આપેલી સલાહ બહુ જ સાચાં છે.” (‘રમણભાઈ નીલકંઠ', પૃ. ૩૧૭, લે. બિપિન ઝવેરી) લેખકે આ ચારે લેખોમાં જ્યાં જ્યાં આવી ભાષાવિષયક વિગતો આપી છે કે ખાસ પ્રકારનાં વિધાનો કર્યાં છે તેમાં તેઓ ઘણા દોષોમાં ઊતરી ગયા છે. “थउ, थकउ હાલની ગુજરાતીમાં થી, થકી રૂપે છે, પણ (પ્રાકૃત કે) અપભ્રંશમાં નથી.' (પૃ. ૧૨૦ ‘કવિતા અને સાહિત્ય' વો. ૩) મૂળ તો સંસ્કૃત स्थितમાંથી અપભ્રંશમાં ‘ठ्ठीउ’ મળે છે. “हिअय ठ्ठीउ जइ नीसरहिं जाणउं मुंज स रोस” ‘જો હૃદય થકી નીકળી જાય તો હે મુંજ, હું જાણું કે, તું રોષે ભરાયો છે.” એ દુહામાં “हिअय ठ्ठीउ” ‘હૃદય થકી’ માં ‘ठ्ठीउ’ અપભ્રંશમાં વપરાયો જ છે અને હેમચંદ્રે એનું ઉદાહરણ આપ્યું જ છે. “જિપ્સીઓના પૂર્વજો પશ્ચિમાભિમુખ થઈ હિન્દુસ્તાનમાંથી નીકળ્યા તે સમય ઈસવીસનની ૧૦૦૦ની સાલથી પછીનો હોવો ન જોઈએ.” (પૃ. ૧૫૬ એજન) “જિપ્સી લોકો દસમા સૈકા પહેલાં હિન્દુસ્તાનમાંથી નીકળ્યા હોય એવો સંભવ ઘણો ઓછો છે.” (પૃ. ૧૫૭. એજન). એ બંને વિધાન એકબીજાથી વિરોધી અર્થ પ્રગટ કરે છે એ નોંધી શકાય એમ છે. “હાલની ગુજરાતીમાં આ अइનું ‘એ’ થયું છે અને अउનું ‘ઓ' થયું છે” (પૃ. ૧૭૧, એજન) રમણભાઇ એ બાબતથી જ્ઞાત નથી કે કયા કયા સંદર્ભમાં अइનો સંવૃત ‘એ' અને अउનો સંવૃત્ત 'ઓ’ થયો અને કયા કયા સંદર્ભમાં એ વિવૃત્ત ‘ઍ' અને ‘ઑ' તરીકે પરિવર્તિત થયો. એટલે આવું એક સામાન્ય વિધાન કરીને એમને અટકી જવું પડયું છે. “તેમ જ રોમાની ગુજરાતી રૂપો પાકૃત રૂપોને જેટલાં મળતાં આવે છે તેટલાં હિન્દી કે પંજાબી રૂપ મળતાં આવતાં નથી.” (પૃ. ૧૬૩, એજન) આ વિધાન સાવ ઉપરચોટિયું છે. “પાકૃત રૂપોને મળતાં આવવું” એટલે કઈ પ્રાકૃત ભાષાનાં રૂપોને મળતાં આવવું એ સ્પષ્ટ થતું નથી. રમણભાઈના મનમાં પ્રાકૃત એટલે એક જ ભાષા એવું હશે? અને એવું હોય તોય હિન્દી-પંજાબી રૂપો પ્રાકૃતને એટલા પ્રમાણમાં મળતાં આવતાં નથી એવું વિધાન કઈ તપાસને આધારે થયું હશે? આ ચારે લેખો ઉપરથી એમ કહી શકાય કે ભાષા વિશેનાં એમના જમાનાનાં જે વલણો હતાં તેને રમણભાઈ “स्थितस्य समर्थनम्”ની જેમ અનુસર્યા છે. ભાષા વિશે ભાષાશાસ્ત્રીની હેસિયતથી કહેવાનું કંઈ ખાસ એમની પાસે નથી પણ એક અભ્યાસીની રીતે કેટલીક વિગતોને તેઓએ આ લેખોમાં ભેગી કરી આપી છે. ભાષા એ તેમનો મુખ્ય અભ્યાસવિષય ન હોવાથી કેટલેક ઠેકાણે એમણે ગંભીર ક્ષતિઓ પણ કરી છે. અન્ય કેટલાક લેખોમાં એમણે ભાષા વિશે જે સામાન્ય વિધાનો કર્યાં છે તે દાદ માગી લે તેવાં છે. ખાસ કરીને શૈલી, કોશ, જોડણી, લિપિ, પરિભાષા, ભાષાનું સામર્થ્ય એવા મુદ્દાઓ ઉપર છૂટક છૂટક એમણે થોડું થોડું કહ્યું છે તેના તરફ વિદ્વાનોએ ગંભીર રીતે ધ્યાન આપ્યું હોત તો આજે કોશ, પરિભાષા, જોડણી વગેરેની બાબતમાં આપણી સ્થિતિ પ્રમાણમાં સારી હોત એમાં શંકા નથી. “ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ” એ બે વ્યાખ્યાનોમાંનું બીજું ‘વિચારની વાહિની જે ભાષા' તેની ચર્ચા કરે છે. આમ તો એ સ્વતંત્ર લેખ પણ ગણાય. આ વ્યાખ્યાનમાં તેમણે “વિચારના સ્તર પ્રમાણે ભાષા બંધાય છે.” (પૃ. ૨૧૯ એજન.) એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ગુજરાતી ભાષાના સામર્થ્યની ચર્ચા કરી છે. ગુજરાતી ભાષાની સુંદરતા વિશે અને કોમળતા વિશેનાં અવતરણો આપી, ‘ગુજરાતી ભાષા હજી પૂરેપૂરી કેળવાઈ નથી,' (પૃ. ૨૨૨. ક. અને સા. વો. ૩ ) એવો અભિપ્રાય ઉચ્ચારી તેમણે બારમી-તેરમી સદીથી માંડી સંવત ૧૮૭૬માં લખાયેલા ‘વચનામૃત' સુધીના કેટલાક ગદ્ય લખાણોના નમૂના આપ્યા છે. આ નમૂનાઓ ઉપરથી તેઓ એવું તારણ કાઢે છે કે, “ગુજરાતી સાહિત્યની ભાષા બંધાતી ગઈ છે. તે વિધાન સમજવું દેખીતી રીતે અઘરું છે કારણ કે એ કેવી રીતે બંધાતી ગઈ છે તેનું કોઈ સૂચન લેખકે ક્યાંય કર્યું નથી. વ્યાખ્યાનના ઉત્તરાર્ધમાં નર્મદથી માંડી તત્કાલીન પારસી લેખકો સુધીના સાહિત્યકારો ભાષામાં કેવી ભાષાંતરિયા શૈલીનો ઉપયોગ કરે છે અને અશુદ્ધ ભાષા વાપરે છે તે દર્શાવ્યું છે. આ ચર્ચા ઉપયોગી એ દૃષ્ટિએ ગણાય કે ઈ.સ, ૧૮૯૮માં રમણભાઈએ ભાષાની એકવાક્યતા તરફ આડકતરો અંગુલીનિર્દેશ કર્યો હતો. ભાષામાં એકવાક્યતાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને એમણે કોશ, લિપિ, પરિભાષા, ‘શુદ્ધ લખાણ,' વ્યાકરણ એ બધા વિશે છૂટક છૂટક વિચારો રજૂ કર્યા છે. ઉપર જોયું એમ આ વિચારો એટલા માટે અગત્યના છે કે મહદ્અંશે ભાષાના લખાણમાં એકવાક્યતા (uniformity)ના આગ્રહને કેન્દ્રમાં રાખીને એમણે આ વિચારો વ્યક્ત કર્યા છે એવું અર્થઘટન થઈ શકે છે. “ભાષાના ઉચ્ચારણ, લેખન, અર્થગ્રહણ અને ઉક્તિપ્રકારમાં સુસ્થતા અને સ્પષ્ટતા આણવી એ ઘણું જરૂરનું છે.” આ ‘સુસ્થતા' અને ‘સ્પષ્ટતા' એકવાક્યતા તરફ અંગુલીનિર્દેશ કરે છે. એમની ફરિયાદ છે કે સરકારી દરબારી લખાણમાં ‘મંજૂર’ ને બદલે ‘મજૂર' લખાય અને ‘સિંધી’ ને બદલે ‘સિધી ' લખાય એ કેવું? તેમણે ગુજરાતી પુસ્તકો દેવનાગરી કે ગુજરાતી એમાંથી કઈ લિપિમાં છપાતાં હોય તો સારું એ મુદ્દો પણ છેડ્યો છે અને બંનેના લાભાલાભ જણાવ્યા છે. જોકે તેઓ કોઇ ચોક્કસ નિર્ણય આપતા નથી તે મર્યાદા ગણાય. છતાં વિદ્વાનોને એ વિશે વિચારતા કરવાનો પ્રયત્ન એમણે ઈ.સ. ૧૯૦૫ની પહેલી સાહિત્યપરિષદના વ્યાખ્યાનમાં કર્યો હતો તે બાબત અગત્યની છે. ‘ગુજરાતના જુદા જુદા ભાગના અને જુદા જુદા ધંધાના ખાસ શબ્દોનો ઉમેરો કરી, અને, શબ્દોની વ્યુત્પત્તિ, શબ્દોના અને શબ્દરચનાના ઉપયોગનાં ઉદાહરણરૂપ શિષ્ટ ગ્રંથોમાંના ઉતારા, અને પ્રાણીઓ અને પદાર્થનાં ચિત્ર, સંસ્કૃત, બંગાળી, હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષામાંના સમાનાર્થ શબ્દો, એ વગેરેની સામગ્રી સાથે એ વિસ્તારી કોશ રચાય એ અભિલાષ સહુ કોઈને થશે.” (પૃ. ૪૬, ૪૭, ક. અને સા. વો. ૩ ) આ વાક્યો રમણભાઈએ આજથી એકાવન વરસ પહેલાં છઠ્ઠી સાહિત્યપરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ઉચ્ચાર્યાં હતાં અને આઠમી સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે ફરીથી લગભગ આ જ શબ્દોમાં દોહરાવ્યાં હતાં; છતાં આપણી પ્રજા હજુય એ જ અભિલાષ સેવે એવી પરિસ્થિતિ છે. એમાં આશ્ચર્ય પામવા જેવું નથી, જોકે છેલ્લાં પચાસ વરસમાં વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ' અને ‘ભગવદ્ ગોમંડળ' જેવા સમર્થ (?) ગણાતા પ્રયત્નો કોશની રચના માટે થયા જ છે. છતાં રમણભાઈનો એ અભિલાષ સંતોષાવો બાકી છે એ હકીક્ત છે. રમણભાઇ આવા કોશની રચના કેટલી મુશ્કેલ છે તે પણ જાણે છે. ‘એ કાર્ય લાંબા વખતનું અને ભારે શ્રમનું છે, અમુક વિદ્વાનો મળીને પ્રથમ કોષની પદ્ધતિ નક્કી કરી કામની વહેંચણી કરી લે તો જ એ પ્રયાસ શરૂ થાય અને પાર પડે એમ છે,' (પૃ.૪૬,૪૭ એજન) કોશની રચનાનું કામ ‘લાંબા વખતનું અને ભારે શ્રમનું’ તથા ‘અમુક વિદ્વાનો મળીને ‘તે કરે તો જ એ ‘પ્રયાસ શરૂ થાય અને પાર પડે’ એવી એમની જે સૂઝ છે તે એમનો આ વિષય પરત્વેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. કોશ કેવો હોવો જોઈએ તે વિશેનો વ્યક્ત થયેલો અભિલાષ પણ એમની વૈજ્ઞાનિક દૃષ્ટિનો નમૂનો છે. હું, બાવો ને મંગળદાસ મળીને ચાર-પાંચ વરસમાં કોશ તૈયાર કરવાની હોંશવાળા આપણા કોશકારો Oxford Dictionaryનો ઇતિહાસ નહીં જાણતા હોય એમ માનવાને કારણ નથી. ઈ.સ. ૧૮૩૭માં ‘A New English Dictionary’ રૂપે એ કાર્ય આરંભાયું અને ઈ.સ. ૧૮૮૪માં જેમ્સ મરેના નેતૃત્વ હેઠળના વિદ્ધમંડળે તેના પહેલા વોલ્યુમનો પહેલો ભાગ બહાર પાડ્યો. આખો કોશ તૈયાર કરતાં એ વિદ્વદમંડળને નેવું વર્ષ લાગ્યાં હતાં. કોશ વિશેનો એવો વૈજ્ઞાનિક ખ્યાલ રમણભાઈને હતો તેની નોંધ આ જ કારણે લીધા વિના ચાલે એમ નથી. એમના ભાષાવિષયક લેખો અને આવા છૂટક વિચારો જોતાં એટલું તો કહી શકાય કે રમણભાઈને ભાષાના અભ્યાસમાં રસ પડ્યો હતો. પોતે એક અસરકારક પ્રતિભાશાળી વ્યક્તિ હોવાથી આ લેખો દ્વારા પ્રજા તથા વિદ્વાનોને આ વિષયમાં રસ પડી શકે એ છે એમ તેમણે દર્શાવ્યું. ગુજરાતી ભાષાશાસ્ત્રના અભ્યાસમાં એમનું એ પ્રદાન ગણવું હોય તો ગણી શકાય. બાકી ભાષાશાસ્ત્રના અભ્યાસને થોડોય આગળ લઈ જવામાં એમણે કોઈ ફાળો આપ્યો નથી એ સ્વીકારવું જોઈશે.


  1. 1 [આ લેખમાં અપાયેલાં કેટલાંક રૂપોની અને વાક્યરચના વિશેની ચર્ચાની ઘણી ક્ષતિઓ નરસિંહરાવે ‘મનો મુકુર-૪’માં બતાવી છે. જો કે અહીં ચર્ચેલા મુદ્દાઓને નરસિંહરાવ સ્પર્શ્યા નથી અને તેમના લેખમાં પણ ઘણી વિસંગતિઓ છે.
  2. 2 [પરદેશમાં પણ વીસમી સદીની શરુઆત સુધી (ખાસ કરીને ફર્ડીનાંડ ડી સુસુરે ભાષાની એકકાલીન ભુમિકાના અભ્યાસ ઉપર ભાર મૂક્યો ત્યાં સુધી) ભાષાના સ્વરૂપને એના ઐતિહાસિક સંદર્ભોની મદદથી જ તપાસી શકાય એવી બળવાન માન્યતા હતી. ઓગણીસમી સદીના અંતમાં મીલેટ (Meillet ) નિર્દેશે છે કે, “Facts of language, which can not be explained on the basis of the human nature in general, must be explained on the basis of their historical development.” ]
  3. ૩ [“Its fundamental Vocabalary is fairly close to that of Hindi.” Pierre Meile, professor of modern oriental languages-National School of oriental languages. France. Quoled frem ‘The Gypsies’—Jean-paul clebert, penguin.]