ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૦. નેળિયું
નેળિયું એટલે નેળ. નેળનો અર્થ થાય છે સાંકડી પટ્ટી, સાંકડી નળી. ‘નેળ’ ઉપરથી અમારા ઇલાકામાં નેળિયું શબ્દ પ્રચલિત બનેલો છે. આમેય ‘નેળ’ શબ્દ પણ તળપદની નીપજ છે. વાડમાં નાનકડું બાકોરું પાડીને અમે મગફળી કે બટાટાનાં ખેતરોમાં ઘૂસ મારતા. આ બાકોરાનેય અમે ‘નેળ’ કહેતા. નેળમાંથી નીકળતાં થોરના કાંટા વાગે, કપડાં ફાટે, ઢીંચણ છોલાય… પણ છીંડું પડતું મૂકીને ‘નેળ’થી પરબારા પેસવામાં જે મજા છે એ મજા તો ગામડું સેવ્યું હોય એ જ જાણે! અમારે ત્યાં તો ‘નકામું કામ કરનારા’ જ નેળ શોધતા હોવાની દંતોક્તિ છે. લોટો ઢોળવા જનારાંય, મારાં પીટ્યાં! નેળિયાને બગાડી મૂકતાં.
સીમસીમાડા સુધી આવાં નેળિયાં પંચમહાલના પૂર્વોત્તર મલકમાં આમ વાત છે. કેટલાંક નેળિયાંના તો ઠાઠમાઠ જુદા, એમનેય ભપકો હોય, પોતાની અલગ ઓળખ અને નોખું નરવું ‘વ્યક્તિત્વ’ હોય. લુણાવાડિયાં લોક નેળિયુંને બદલે ‘નાળિયું’ શબ્દ વાપરે છે. બે ડુંગરો વચ્ચેની આવી સાંકડી પટ્ટીને ‘નાળ’ કહેવાનો ચાલ છે. ‘મળેલા જીવ’નાં જીમી-કાનજી જે કલેશ્વરીના મેળામાં મળેલાં એ મલક મારા ગામથી ઝાઝો વેગળો નથી. એ કલેશ્વરીની નાળ ઘણી પ્રખ્યાત. ડુંગરોની વચ્ચેથી પસાર થતી એ નાળ મોટે ભાગે સૂમસામ રહેતી. પહાડો વૃક્ષોભર્યા ને વસ્તી નહીંવત્, દસેક માઈલની એ ‘નાળ’માં ચોરલૂંટારાઓ લૂંટવા સારુ હાજરાહજૂર હોવાનું કહેવાતું. ધોળે દિવસે માલ લાદીને જતાં ઊંટ લૂંટાતાં. ગાડાં લૂંટાતાં ને જેસલે લૂંટેલી એવી કુંવારી કે પરણીને પાછી વળતી જાન પણ લૂંટાતી. બાળપણમાં અમને આ કલેશ્વરીની ‘નાળ’ની અનેક વાતો કરવામાં આવતી. અમે એ સાંભળીને ડાગળીચૂક થઈ રહેતા… હક્કબક્ક જેવા! અંધારી, બલકે ઘોર અંધારી રાત, રાક્ષસ જેવાં લાગતાં વૃક્ષો. ઊંચા ડુંગરા ને વાંકોચૂંકો સાંકડો એ મારગ. મન ઉપર એવો તો અંકાઈ ગયો છે કે—
‘ઘોર અંધારી રે! રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
કાળે ઘોડે રે કોણ ચડે? — મા! અંબાનો અસવાર…’
ગરબો ગવાતો આજેય સાંભળું છું ત્યારે પેલી કલેશ્વરીની નાળ મનમાં આવી, ઊભી રહી જાય છે. કાળા અસવારોના પડછંદા સંભળાય છે… જોકે આજે એ નાળમાં થઈને લુણાવાડા-માલપુર-મોડાસાને જોડતો, છેક રાજસ્થાન-દિલ્હી લઈ જતો પાકો ધોરી માર્ગ પસાર થાય છે. ડુંગરો ઉઘાડા પડી ગયા છે ને ભય ભાગી ગયો છે. કલેશ્વરી માતા પ્રાચીન વાવને કાંઠે અંગાંગે વળગેલાં કળશી (સોળ) છોકરાં લઈને ઊભાં છે એ માફ! ‘મળેલા જીવ’નાં જીવી-કાનજીને મેળવનારો ‘કળહેરી માતાનો મેળો’ હવે ભરાતો નથી.
નેળિયાને ચરોતરમાં નળી પણ કહે છે. ગામમાં ઘરોની સામસામી પછીતોની વચ્ચેની સાંકડી જગાને પણ નળી કહે છે. અમારે ત્યાં ઘરો વચ્ચેની આવી સાંકડી ગલીકૂચીઓને ‘નવેળી’ કે ‘નવેળિયું’ કહે છે. આ ‘નવેળી’ માત્ર પેશાબપાણીની જગા નથી, ઘણી વાર એ પ્રેમીઓનું મિલનસ્થાન હોય છે. ‘ટીનએજર્સ’ શાળાએથી છૂટતાં છેલ્લે આ નવેળીમાં ચિઠ્ઠીચપાટીની અને પ્રેમાર્દ્ર નજરોની આપલે કરે છે. કોને કોની સાથે પ્રેમ છે? — એનો ખ્યાલ રાખનારા નવરા કે માથાફરેલ એવાં ઉપજાવી કાઢેલાં પ્રેમીઓનાં નામ આ નળી-નવેળીની ભીંતો પર કોલસા કે ચોકથી લખી નાંખે છે. અંદરની વાતો વાંચવા-લખવાની જાણે જાહેર જગા તે નવેળી! વેળા-કવેળાએ વડીલોય આવી જગાએ મળેલા જીવને વધારે નિકટતાથી મળવા આવી ચડે છે… વાટે જવાનું બહાનું અને કામ આંખ ને જીવ ઠારવાનું! નવેળી પાસે આખા ગામની કૂણી-કોમળ લાગણીઓનો ઇતિહાસ લેખ હોય છે. એ મૂક સાક્ષી થઈને ઢંકાય એટલી લાજ ઢાંકી રાખે છે.
આ બધામાં ખરું નેળિયું તો ગામપડખેથી નીકળીને સીમવગડે જતું નેળિયું… એનાં અનેક પાંખિયાં હોય. એ સીમની જુદી જુદી દિશાઓ તરફ જાય તે પાછાં પાદરમાં આવી મળે! અમારાં ગામડાં જરા મોકળાશથી વસેલાં હોય છે. ઘરને પડસાળ, આંગણાં ઉપરાંત ફળિયાં ને પાછળવાડા હોય. એટલે શેરીઓની વચ્ચેય આવાં નેળિયાં હોય છે. થોરની વાડીની બે હાર… વચ્ચે જેતે-ના વાડામાં જવાની ભાગોળ આવે. બાકી આ નેળિયું આખા ગામમાં ફરી વળે. ત્રિભેટે એનાં ત્રણ પાંખિયાં મળે… ત્યાં ભૂતપ્રેત કાઢવા કરેલાં માંલ્લાંનાં ‘ઉતાયણાં’ હોય. કોઈએ કંટાળું કાપીને ભેગ ધરાવ્યો હોય તો કોઈએ ‘ઘરનો મેલ’ કૂલડીમાં વાળી પાણીનું કૂંડાળું કરી ત્રિભેટે વળાવી મેલ્યો હોય! અમે આવા ત્રિભેટે રમીએ, એટલે માંદા પડીએ ત્યારે દાક્તરની દવાને બદલે ભૂવાનો મંતરેલો દોરો પહેરાવવામાં આવતો. પાદરમાં, કૂવામાં ડૂબીને મરેલી ઘાંયજણ વંતરી થઈને સામી મળતી અને ત્રિભેટે બોખી ડોશીનું ભૂત હોવાનું કહેવાતું. નદી બાજુના નેળિયામાં આવતી આંબલી તો લલી લવારણની આંબલી કહેવાતી. એ બાઈ સુવાવડમાં પાછી થયેલી… ને અવગતિયો જીવ એનો બાળકમાં રહી ગયેલો. તે મોંસૂઝણાએ કે સાંજની ધધરી વેળામાં લોટો ઢોળવા જનારાંને એ દેખાતી, ક્યારેક સામે આવીને કરગરતી, ‘મારા મનુને નવી બૈ મારી ના નાંખે એ જોજો હાં… બૂન!’
ગામનાં નેળિયાં ધૂળિયાં!
વગડાંની વાટે જતાં નેળિયામાં કેટલાંક ટેર તો કેટલાંક ધૂળિયાં. ઊંચા ઊંચા થોર… ક્યાંક તો ફાફડા થોર અને હાથી જેવા ફાલેલા-વધેલા… વચ્ચે વાડવેલા ને બોરડી-કંથેરનાં જાળાં… નેળિયામાં આવે વળવળાંકો… ક્યાંક નેળિયું ખેતરોથીય ઊંડે ઊતરી જતું હોય તો ક્યાંક ઢાળ ચઢીને ટેકરીએ કૂટતું હોય! ટેંબાવાળી રાયણોમાં આવાં ચાર ચાર નેળિયાં આવી મળતાં… એ ઊંચી ટેકરીએથી ગામ, તળાવ, ડુંગર ને ઓતરાદી નદીય દેખાતાં.
ક્યારેક સાંકડા નેળિયામાં સામસામે ગાડાં આવીને ઊભાં રહેતાં, ટાળો દેવાની વિપત્ત પડતી. ઝઘડોય થતો. ક્યારેક સમજાવટથી ગાડાં છોડીને ટાળો ગોઠવી લેવાતો. વાઢણાં અને ખાતરની મોસમમાં મેળિયાં ગાડાંથી ધમધમતાં. બળદોને ઘૂઘરમાળ એટલે બાંધવામાં આવતી કે સામસામેથી આવતાં ગાડાં પરખાય ને ટાળાની જગાએ ઊભાં રાખી શકાય. ક્યારેક ગાડામાં વધુ ભાર હોય, ધૂળમાં કે ઢાળ ચઢાવવામાં બળદ લૂલા પડે ત્યારે અનેક લોકો ભેગા થઈને હાકોટા કરતા જાય, બળદનાં પૂંછડાં આમળતા જાય, પૈડાંને ધક્કો મારતા જાય ને એમ નેળમાંથી ગાડાં બહાર કાઢે. ‘નેળનાં ગાડાં કંઈ નેળમાં થોડાં રહેશે?’ — એ કહેવત અમને સાહેબ સમજાવે એ પહેલાં આવા જાતઅનુભવે જ શીખી ગયેલા.
રાતે અંધારામાં ખેતરે જતાં-વળતાં આ નેળિયાં ડરામણાં લાગે. વહેલી સવારે એની ઝાકળભીની ધૂળમાં સાપલિસોટા જોવાની ભયમિશ્રિત મજા આવે. હોલાં, કાબર-લેલાંના ચાલવાથી એમનાં પગલાંની પડેલી છાપો હારબદ્ધ હોવાથી સાંકળરૂપ, હારરૂપ લાગે… ચોમાસે પાણીના રેલા શમી જાય પછી કનડીઓના ઢગલા થાય નેળિયાની ધારે ધારે. પેલી ઇન્દ્રગોપને ગોકળગાય પણ પહેલવહેલી આ નેળિયામાં જોયેલી. હોલીનો માળો કંથેરના જાળામાં અહીં જ જોયેલો. એનાં ઈંડાંનેય હાથમાં લઈને ફેરવી જોયેલાં. મધમાખીના પૂડાય વાડના ગભારામાં બેસતા, ઊડતા ને કરડતા.
દૂરના સીમાડે જતાં નેળિયામાં કોક ઘોડેસવાર મળતો તો થતું કે અવગતિયો રાજકુંવર ભૂત થઈને ફરે છે… શરીરમાં કંપારી થઈ જતી. ક્યારેક અહીં પણ પેલાં પ્રેમીજનો સંગોષ્ઠી કરતાં કરતાં જતાં-વળતાં હોય… ખેતરે જતાં-વળતાં સુખદુઃખની વાતો કરતી વહુવારુઓ પણ મળે. કંકોડાં વીણતી ડોસીઓ, દાતણ કાપતા ડોસાઓ, ટાટિયાં વીણતી ભંગડી ને તેતરની શોધમાં નીકળેલો ભૂરીયો નાયક પણ નેળિયામાં મળી આવે!
ચોમાસામાં નેળિયાંની વાડો ઉપર વેલા છવાઈ જાય. એમાં આસમાની-સફેદ રંગનાં ને પીળા રંગનાં ફૂલો તો પાર વગરનાં… નેળિયાં શોભી ઊઠે. ડોડીનાં ફૂલ ખાવા ને એના ડોડા શાક સારુ વીણી લાવવા અમેય નેળિયે નેળિયે ફરતા. ડોડીના વેલાની ડૂંખ નાકમાં નાખી પચીસપચાસ છીંકો ખાવાની શરતો પડતી તેય નેળિયામાં. ડોડી ખાવાથી માણસ વધારે વીર્યવાન બને છે એ જાણ્યા પછી તો દર રવિવારે અમારો કાર્યક્રમ ડોડી શોધનો રહેતો… કેટલાંય અજાણ્યાં છોડ-વેલ આ નેળિયામાં હોય! પેલી નોળવેલ સમેત! આયુર્વેદ અહીં પણ પાંગર્યું હશે. ગામડે આવનારી બસો આ નેળિયામાંથી આવવા માંડી… ને પછી તો જોતજોતામાં સડકો અમારા નેળિયાને ગળી ગઈ!
[૧૯૯૬]