ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૬. પંખીલોક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. પંખીલોક


છે, પંખીઓ હજી ગામ છોડીને – સીમ-ખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ-સ્થળો બદલાયાં છે. પેલાં દેશી નળિયાંવાળાં બબ્બે પડાળિયાં — મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં – રસાણે ચઢેલાં – દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ – ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા; વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે – જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે; કૂવાય જૂના થયા ને પડ્યા કે પુરાયા – કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડ પંપ’ કે ‘સબમર્સિબલ પંપ’ આવી ગયાં છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગનતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે!

ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયાં. સીમનાં વૃક્ષોને નહેરનાં પાણી લાગ્યાં તે એય સુકાયાં. ઝાડમાં ‘લાકડું’ જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાંનાં ટોળાં તો ઘર-વાડાથી લઈને સીમ-વગડો માથે લઈને હજીય કલકલાટ કરી મૂકતાં ઊઠે છે. પણ ચકલી-હોલા ઘટી ગયાં છે. અરે, ચિકચિકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ-કાળી કાબરોય ઓછી દેખાય છે… ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એકસામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે… એવી સંખ્યામાં એ ક્રાક્રા કરતા ટોળે વળતા. જ્યારે કોઈ ‘કાગડાનું શબ’ – જોતા. અમે કહેતા ‘કાગડા લોકાચારે’ મળ્યા છે. હવે એકસામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે હાથવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીંના કોહરામ સાથે ભેગી થતી; નદીકાંઠાનાં ખેતરોમાં ફરીને સૂડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવાં વહેંચી લીધાં હતાં! એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોંધારા થઈને ઊડી ગયાં છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઊડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડાં થઈ ગઈ છે. ગામ ટહુકાઓ વિના પણ મજામાં રહેતું હશે? કેમ કરીને? રામ જાણે!

હા, ખેતરોમાં હજી ટીંટોડીઓ ‘વક્તીતી વક્તીતી’ રટતી જીવતરની આશા બંધાવે છે. પણ તળાવનાં પાણી સાથે કમળ તો ગયાં; સાથે પેલી જળકૂકડીઓય ખપી ખૂટી!

ઘર પાસેની ટેકરીઓનાં તેતર છેક વાડા સુધી આવી જતાં. ને જરાક અવાજ થતાં ફરુક કરતાં ઊડીને અમને છળાવી દેતાં. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા – એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેનાં વાડ-પાન ફંફોસું છું ત્યારે ભાળવા મળે છે એકાદબે ગભરુ તેતરો! ત્યારે તો સવારે સીમની વાટે ‘લોટો ઢોળવા’ નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી – એનાં પીંછાં પરનાં ટપકાંની ભાત – જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે છે. અરે, એકબીજા વિના ઝૂરી ઝૂરીને મરી જતાં – હમેશાં યુગલમાં જ રહેતાં – સારસ હવે વિરલ થતાં જાય છે. ત્યારે તો અમારાં ખેતરોમાં અમે કામ કરતાં હોઈએ અને થોડેક દૂર આ સારસબેલડીઓ ચરતાં હોય – ગમ્મત કરતાં હોય. કેટકેટલાં યુગલો હતાં – ઊડે કે આકાશ ભરાઈ જતું! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ… બે મોટી પાંખો – અમને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકાદાર અવાજો તો રાત્રિના પ્રહરેપ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાંય એકાદબે સારસબેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયાં એ મહાકાવ્ય યુગનાં ઋષિમુનિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ!

ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેંક અને બગલાં આવી બેસે છે. લણણી થયેલાં ખેતરોમાં દીવાળીઘોડાઓ પૂંછડી હલાવતા ઊડે છે. કાળિયોકોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટાફેરો મારતો ઊડે છે. જાણે કશાકનું ‘સુપરવિઝન’ કરતો રહે છે એ. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ને ઊડતાંવેંત પીંછાંના અંદરના રંગોની આભને – સીમને છાંટી દેતાં ચાસ વીજળીની તારલાઈનો ઉપર મૂંગા મૂંગા બેસી રહે છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. શરદ ઊતરતાં કંસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં રહેતાં… હવે તો એનાં દર્શન પણ દુર્લભ થયાં છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે; પણ દૈયડના ઝીણા ટહુકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણુંતીણું ટહુકતાં શક્કરખોર ફૂલો શોધતાં આવે છે. ક્યારેક ઝાડડાળે ચંચળ નાચણ જોવા મળી જાય છે. દૂધિયા લટોરા અને રંગબેરંગી શોબિંગો તો આખી સીમ ફરતાંય નથી જોવા મળતા. થોડા કરકડિયા કુંભાર વાડ-ઝાડમાં લપાતા ફરે છે – કાચિંડાના શિકારનો એમને શોખ છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વપરાવા માંડ્યાં ને જીવજંતુ ઘટવા માંડ્યાં ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડ્યે પોચી રાખતાં પેલાં જમીનખેડુ અળસિયાંય નથી બચ્યાં! ઝેરી દવાનો પટ તો અનાજનેય લાગ્યો છે ને હવાનેય! જામે રહ્યાંસહ્યાં પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ‘ખમૈયા કરવાનું’ કહે છે! પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી.

ગીધ-સમડી-ઘૂવડ-ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતાં મૂંઝાવાં લાગ્યાં છે. હોલો-ચકલી-કાગડો માળા માટેની જગા શોધવા બાવરાં લાગે છે. થોડાં ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે – એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ! ક્યારેક જ જોવા મળતું લક્કડખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે… હું મને પૂછું છું – ‘ક્યાં છે મારો પંખીલોક?’

[૧૫-૫-૧૯૯૯]