ભૂપેશ ધીરુભાઈ અધ્વર્યુ

અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ (૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬માં એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭રમાં એ જ વિષય સાથે એમ.એ.; ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપન. પરંતુ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપન છોડ્યું અને સ્વતંત્ર સાહિત્યલેખન સ્વીકાર્યું. છેલ્લે કલા અને સાહિત્યની સાર્થકતા અંગે પણ સાશંક. ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અવસાન. ‘હનુમાન લવ કુશ મિલન' (૧૯૮૨) રમણ સોની, જયદેવ શુક્લ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે. અહીં ૧૬ વાર્તાઓમાં ભાષાના વિવિધ સ્તરેથી જન્મતાં સંવેદનો તેમ જ સંદિગ્ધતાઓના આલેખ છે. દૃશ્યાંકન અને મનોસ્થિતિનો દ્યોતક આલેખ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘પ્રથમ સ્નાન' (૧૯૮૬) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાનું કલેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે. ‘પ્રથમ સ્નાન' કે ‘બૂટકાવ્યો’ જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે.