મંગલમ્/અમ્મારા અમ્મારા બાપુજી

અમ્મારા અમ્મારા બાપુજી

અમ્મારા અમ્મારા બાપુજી અમ્મારા રે,
અમ્મારા અમ્મારા ગાંધીજી અમ્મારા રે.
જ્યાં જાય ત્યાં એની જનમભૂમિ,
સૌએ સગાં પ્રાણ પ્યારા. — બાપુજી.
દરિયા રે દેવને સૌ દેશ સરખા,
દ્વીપ દ્વીપ એના કિનારા. — બાપુજી.
સૂરજદેવ એ તો વિશ્વ પ્રવાસી,
સગાં છે નવલખ તારા. — બાપુજી.
આવો હૂંફાળા મારા બાપુને ખોળલે,
આવો જે દીન દુઃખિયારા. — બાપુજી.
આવો બાપુજીનું સૈન્ય ઉભરાવો,
સતના જે હોય જોરવાળા. — બાપુજી.
એકલા જાય એ, આપણે શું પાંગળા?
ચાલો ચાલો ચેતનવાળા. — બાપુજી.

— જુગતરામ દવે