મંગલમ્/આવ્યો મેહુલિયો
આવ્યો મેહુલિયો
આવ્યો મેહુલિયો ને ધરતી નાવલિયો,
વીજ કરે ચમકાર (૨)
રિમઝિમ રિમઝિમ વરસે મેહુલો.
ધરતી છંટાણી એની કાયા ભીંજાણી,
પ્રાણે જાગ્યા પલકાર…રિમઝિમ૦
બાંધો સાંતીડા ને હાલો ખેતરિયે,
ખેતર કરે લલકાર…રિમઝિમ૦
હૈયાને ઘૂંટતી વાગી રે વાંસળી,
મનવો નાચે રે થનકાર…રિમઝિમ૦
છલક્યા સાગર ને છલકી તલાવડી,
ઉરે ઝરણના ઝણકાર…રિમઝિમ૦