મંગલમ્/એક જ દે ચિનગારી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી મહાનલ… એક જ૦

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો
ખૂટી ધીરજ મારી… મહાનલ૦

ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો
સળગી આભ અટારી,
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી… મહાનલ૦

ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું
માગું એક ચિનગારી… મહાનલ૦