મંગલમ્/ગુર્જરીના ગૃહકુંજે
Jump to navigation
Jump to search
ગુર્જરીના ગૃહકુંજે
ગુર્જરીના ગૃહકુંજે…
ગુર્જરીના ગૃહકુંજે… અમારું જીવન ગુંજે ગુંજે
આંખ અમારી ખૂલી અહીં પહેલી
અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી
અહીં શિયાળે તાપ્યાં સગડી, કોકિલ સૂણી વસંતે,
અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, ઝણઝણતા ઉર તંતે.
અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં
નદીઓમાં ન્હાયા આળોટ્યા કુદરત પાનેતરમાં
અહીં અમારાં તન મન અર્પ્યાં, પૌરુષ, પ્રાણ સમર્પ્યાં
વિશ્વવાડીને સુફલિત કરવા,અંતરથી રસ અર્ચ્યા
અહીં અમે રોયાં કલ્લોલ્યાં, અહીં ઊઠ્યાં પછડાયાં;
જીવન જંગે જગત ભમ્યાં પણ વિસર્યાં નહીં ગૃહમાયા