મંગલમ્/થાકે ન થાકે
થાકે ન થાકે
થાકે ન થાકે છતાંયે હો માનવી, ન લેજે વિસામો (૨)
ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી…
તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉદ્ધ૨વાનાં જીવન દયામણાં,
હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી…
જીવનને પંથ જતાં તાપ થાક લાગશે
વધતી વિટંબણા સહતાં તું થાકશે
સહતાં સંકટ એ બધાંયે…હો માનવી…
જાજે વટાવી તુજ આફતનો ટેકરો,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો,
ખંતે ખેડે એ બધાંયે…હો માનવી…
ઝાંખા જગતમાં રહેજે પ્રકાશતો,
આવે અંધાર એને રહેજે વિદારતો,
છોને આ આયખું હણાયે…હો માનવી.