મંગલમ્/પ્રાણી માત્રને…

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રાણી માત્રને…

પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને.

જનસેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને,
સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને.

એકપત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણીને જીવતરમાં,
ન્યાય નીતિરૂપ રામ રહેજે, સદા અમારા અંતરમાં.

સઘળાં કામો કર્યાં છતાંયે, રહ્યા હંમેશાં નિર્લેપી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખૂંપી.

પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિંધુને વંદન હો,
રહમ નેકીના પરમ પ્રચારક, હઝરત મહંમદ દિલે રહો.

જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો.

સહિષ્ણુતા ને ઐક્યભાવના, નાનકના હૈયે વસજો,
સત્ય અહિંસા ગાંધીજીનાં, અમ જીવનમાં વિસ્તરજો.

— સંતબાલજી