મંગલમ્/મા વસુંધરાને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મા વસુંધરાને

મા વસુંધરાને (૩) વ્હાલાં વ્હાલાં સૌ સંતાન,
વસુંધરાને વ્હાલાં વ્હાલાં સૌ સંતાન૦
મોંઘેરી માવડી,
માયાળુ માવડી,
એ તો કણનાં કરે મણ ધાન,
વસુંધરા કણનાં કરે મણ ધાન. — વસુંધરાને૦
તેજ વાયુ નીરનાં દેવે દીધેલ દાન,
હૈયે મા-ભોમને છલકાયે ખાનપાન,
એને રોકે ત્યાં જાગે તૂફાન,
વસુંધરાને રોકે ત્યાં જાગે તુફાન. — વસુંધરાને૦
એને ન રાય-૨ંક ભેદની પિછાન,
ફૂદડી ફરે સદા સ્નેહે ગુલતાન,
નિત્યે ગુંજે સમાનતાનું ગાન,
વસુંધરા ગુંજે સમાનતાનું ગાન. — વસુંધરાને૦
ભેદોની ભીંત ૨ચે, ભૂલે જે ભાન,
ખેડે તે ખાય નહિ, ખોતાં સ્વમાન,
જાય જોતાં જનેતાનો જાન,
હાય! થાય નંદનવનનું વેરાન. — વસુંધરાને૦
આવો આવો કુબેર, આવો કિસાન,
સમજીને સાન આજ મૂકી ગુમાન,
પ્રેમરંગે મહાલો મસ્તાન,
વસુંધરાને ખોળે મહાલો મસ્તાન. — વસુંધરાને૦