મંગલમ્/વાયા વંટોળિયા

વાયા વંટોળિયા

વાયરા વનવગડાના વાતા’તા
વાયા વંટોળિયા રે…વાયા૦
હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં
વાયા વંટોળિયા રે…વાયા૦

ગાડાં દોડે ઘૂઘરા બોલે, બળદ કેરાં શીંગડાં ડોલે,
હાં રે અમે એક સાથ સાથે જાતાં’તાં
વાયા વંટોળિયા રે…વાયા૦

ધોમ ધખેલો, આભ તપેલો, ગરમી કેરી ગાર લીંપેલો,
હાં રે અમે ઊની ઊની લૂ મહીં નહાતા’તાં
વાયા વંટોળિયા રે…વાયા૦

પથ ડોલંતી ધૂળ ઊડંતી, ઝાડવાંઓની ઝૂલ ઝૂલંતી
હાં રે અમે ઝીણી ઝીણી આંખ કરી જોતાં’તાં
વાયા વંટોળિયા.