મણિલાલ હ. પટેલ/૯. હેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. હેલી


હેલી છે, લાગટ છ દિવસથી. ઝરમરિયો વરસાદ. મથુરકાકા પડસાળે બેઠા-બેઠા પડિયા-પતરાળાં કરે છે. ખેતી કરી નીંદવા-ગોડવાનું પતાવ્યા કેડ્યે શ્રાવણમાં કણબીએ કશું કરવાનું નથી હોતું. વાઢણાંની વાટ જોતાં-જોતાં ખેતર સાચવવાનાં ને ઢોર માટે લીલી ચાર લાવવાની રહીરહીને હુક્કો પીવાનો. બસ – મથુરકાકાએ તો હવે એય નથી કરવાનું. પણ એ માની નથી શકતા કે પોતે આ વર્ષે ખેતી કરી નથી. ને બળદ તો જેઠ મહિનામાં, માથે વરસાદ ગાજતો’તો ત્યારે ભત્રીજાએ બળજબરી કરી વેચી દીધેલા – ‘તમારાથી હવે ખેતી ના થાય. ઘણાં વર્ષો મજૂરી કૂટી. હવે એકલપંડને બીજું શું જોઈએ! ટંકે રોટલો આપનારાં અમે સાબદાં છીએ. પછી?! દુનિયા અમને કહે કે સગો ભત્રીજો કાકાની ખબર નથી લેતો, એ તે કેવું? ના. ના. આ ફેરે તો હું તમારી એકેય વાત સાંભળવાનો નથી.’ એ સાવ સૂનમૂન થઈ ગયેલા. પોતે આટલા ઢીલા કેમ? પંદર વર્ષના હતા ત્યારથી હળનો છડો પકડેલો, આજે નહીં-નહીં તોય પંચોતેર થવા આવ્યાં હશે... તોય મથુરકાકાથી ખેતી છૂટતી નહોતી. આમ જોવા જઈએ તો એમને આગળ બેઠે ધરાળ નહીં ને પાછળ બેઠે ઉલાળ નહીં – જેવું હતું. છતાં એમણે કદી પાછું વાળીને જોયું નથી. એ એકેય વાતે હાર્યા નહોતા. એટલે તો આજે થતું’તું : મારું પેટ હું પાછું, મારો રોટલો મારે કમાઈ ખાવાનો હોય, દન ઊગે ને પારકા ચૂલેથી રોટલો આવે એવી વાટ જોઉં તો ધૂળ પડી આટલું જીવ્યામાં – ‘તમારો ત્રીજો છે એ તમારા છોકરા બરાબર છે, ને અમારું ઘર એ તમારું –’ ભત્રીજાવહુ કહેતી ત્યારે મથુરકાકા પોતાના પતાળમાં ઊતરી જતા... ‘મારે દીકરો નહીં, બબ્બે બૈરીએ વંશવારસ નહીં ત્યારે જ આ પારકા ગામની છોકરી મારા કુળની માલિક થઈને મને આવું કહે –’ પ્રેમથી કહેવાયેલી વાત મથુરકાકાની ભીતર અવળી થઈને વાગતી. એ પાછા સાવ મૂંગામંતર થઈ જતા, હુક્કો પીતા ત્યારે કૈંક જીવ ઠરતો. પડિયાને સળીથી ટાંકો મારતા-મારતાં એમના હાથ અધવચાળે અટકી ગયા. હેલીમાં હવાઈ ગયેલાં ખાખરાનાં સૂકાં પાન એ જોઈ રહ્યા. આ પાન ખાખરીએ હતાં ત્યારે કેવાં લીલાંછમ હતાં. ઉનાળે તોડ્યાં, હારડામાં પરોવી કરાની ખીંટીએ લટકાવ્યાં ત્યારે ચીમળાઈને સુકાઈ ગયેલાં. બરડ, અડીએ ને ફાટી જાય. તૂટી જાય. મથુરકાકા પોતાના ઘરડા શરીર પર લબડી પડેલી ચામડી અને ખાખરાના પાનને અદલાબદલી થતાં ભાળીને પાછા બહાર આવ્યા, તોપણ વિચાર તૂટ્યો નહીં. સૂકાં બરડ પાન વરસાદી ભેજલ વાતાવરણમાં સુંવાળાં ને કૂણાં, જેમ વાળો તેમ વળે એવાં થઈ જાય છે. એટલે હેલીના દિવસોમાં પડિયા-પતરાળાં કરવાની મજા આવે છે. પોતે વર્ષોથી આ પ્રમાણે – ‘ઉપરવાળોય મારો વહાલો ખરો છે, હોં! કાંઈ વનીવનીની ઋતુઓ બનાવી, કંઈ ભાતભાતના રંગરાગ... તાગ મેળવવો અઘરો એની અલકમલકનો.. મથુરકાકા અધૂરા પડિયાને ફેરવી-ફેરવીને જુએ છે. થયું – આ પડિયાને પૂરો જ ના કરું – કોણ જમશે એમાં? મારે ને એ જમનારને શું? એને થોડી ખબર પડવાની છે કે પડિયો મથુરકાકાએ બનાવ્યો છે! એ તો ખાઈને હાથ ધોઈ નાખશે. ગંદું-ગોબરું કરી મેલશે બધું. એમણે યંત્રવત્‌ હાથે સળીનો ટાંકો લીધો પડિયો પૂરો થયો. કેવો સપાટ બેઠકવાળો, બેઠાઘાટનો – નાના બાળક જેવો! મથુરકાકા – એકઝાટકે ઊભા થઈ ગયા – આવા તો કેટકેટલા પડિયા બનાવ્યા જિંદગીમાં! શું મળ્યું જાતને? ખાખરીઓ ફૂટે ને પાન કઠણાય એટલે લેવા જવાનું. નાગા પગે ખૂંદી વળવાનો વગડો. માથે મોટલા બાંધી ચૈત્ર-વૈશાખના તડકામાં નાગધરાની ભુલભુલામણીવાળી ટેકરીઓ વળોટી ઘેર આવવાનું. પછી રોટલા-છાશ-મરચું, ઉપર બે કળશ્યા પાણી... સાથલગો હુક્કો સપાટો. ધાન ને ધૂણીને છેટું ન પડે. તમાકુનો કૅફ ને બપોરી ઘેન, ઉખરખોલા ખાટલામાં આડા પડવાનું, ઊઠીએ એટલે પીઠ પર ખાટલાની દોરડીઓનું ભરત છપાઈ ગયેલું હોય. આજે તો ડિલ ડડળી ચાલ્યું, લોહી વગરની ચામડી દૂધ વગરના આંચળ જેવી. છાતી સુકાયેલા ઝાડનો ડાળી-માળો, ચહેરો કોસિયા કૂવાના ઠેબાવાળો, પેટ અલાણી જેવું ને આંખો પાછલી ઓરડીના આંધળા કૉલા જેવી... બહુ દન ચૂંટ્યાં લીલાં પાન, ડાબા-જમણા ને વચલાં પાનની વગ પ્રમાણે હારડા ભફાંગફુસ્સ તૂટી ગયા તો ફરી લટકાવ્યા. અષાઢે આ હાથોએ ઉકેલ્યા હારડા ને બાંધ્યા મોટલા, ઉનાળે વીણી રાખી લીમડાની સૂકી સળીઓ. ઘર ચાળતાં તૂટેલા હેડણની વાંસચીપો કાઢી રાખેલી તેમાંથી કાઢી સળીઓ. સળીઓ કાઢવા ધારિયું-ચપ્પુ જોઈએ... કટાઈ ગયેલા ચપ્પાને નહાવાના પથ્થર સાથે ઘસી-ઘસીને ધાર કાઢવાની... તોય પછી ધાર પડતાં વાર નહીં, કાટ ચડતાં વાર નહીં – મથુરકાકામાં આ બધું આઘુંપાછું થાય છે. આજે તો હવે ધાર પડી ને કાટ ચડ્યા તોય જિદ્દી મન – આ પડિયા-પતરાળાંની વાત લ્યો ને! હેલી બેઠી નથી કે જીવ પાંદડે પેઠો નથી. ઘણી વાર તો મથુરકાકા ટોપલામાં પાંદડાં-સળીઓ ને હોકલી ઘાલીને મકાઈને ખેતરમાં સાચવણી સારુ ઘાલેલા માળે પહોંચી જતા. એય વરસાદ રમઝટ બોલાવતો જાય, દૂર કોઈ અમથું-અમથું ગાતું હોય. પોતે હોકલી પીતાં-પીતાં પહેલી વહુ ને નવી વહુના આણાના દા’ડા સંભારતા હોય... માથોડું મકાઈમાં બે તરસ્યા જીવો! પોતે પડિયા-પતરાળાં કરતા જાય ને વચ્ચે-વચ્ચે હોકલીના ટેસડા... ના, ભત્રીજો તો કે’કે તમાકુ નથી પીવાની હવે. દાક્તર છોને બીક ઘાલે કે ઉધરસમાંથી ટી.બી. થઈ જશે. તે ભલે ને થાય! અહીં કઈ જાગી૨ી લૂંટાઈ જવાની – ને આમ જુઓ તો લૂંટાઈ જવામાં હવે બાકી પણ શું છે! એક આ મારી હોકલી ના લૂંટાય તો બસ... જીરણ લૂગડાં જેવાનો એ તો એક જોડીદાર... બધાં છોડી ગયાં, એક આ મારી હોકલીએ સાથ છોડ્યો નથી.... મથુરકાકાને આ ખાલી પડસાળ વર્ષો જેટલી લાંબી કેમ લાગે છે એ સમજાતું નથી. આવડા મોટા આંગણામાં, અંદરની વિશાળ ચોપાડમાં વર્ષોનાં વર્ષો પથરાઈ પડ્યાં છે. પોતે સાવ એકલા છે. વર્ષોથી માળિયામાં મુકાયેલી કોઈ વસ જેવા હવડ, એવા ને એવા! છેક પડસાળ સુધી ધસી આવી છે અંદરના ઓરડાની અવાવરું વાસ.... ઘેરા ઘાલી રહ્યું છે બટાઈ ગયેલી હવાનું ટોળું. પોતે તો એકાકી અબોલ. આ લીંપણના ઊખડી ગયેલા ઓળપાઓ જેવા સૂના. એક એક ઑકળી જાણે ટેકરી. આખું ઘર એવી ટેકરીઓથી ભરેલું, એની હારમાળાઓ, એની આંટી-ઘૂંટીઓમાંથી રસ્તો કરતાં-કરતાં મથુરકાકા તમાકુ ખાંડવા માટે જૂના કાકમનો ભોટવો શોધે છે, ચારેકોર. કોઢિયું, પછીત તાકાં, આળિયા, ગોખલા, શીકાં બધે શોધતા જાય છે ને વીતેલી જિંદગીનાં બબ્બે-ચચ્ચાર વર્ષો એમાંથી મળતાં જાય છે. તૂટેલી રાશ- દોરડીઓ ને દામણાંની સાથે એ ડબાડૂબી બધું પાછું ગોઠવી દે છે, મદારી કરંડિયામાં ઢબૂરી દે ભોરિંગને એમ મથુરકાકા પણ મથતા જાય છે... છેવટે ભોટવો જડ્યો ખરો. ધૂળવાળો, મેલોદાટ. ધનભાગ્ય એમાં કાકમ હતો. હાશ! કેટલો જૂનો હશે કાકમ? પાંચ-પંદર કે પંચોતેર વર્ષ?! લાકડાનાં ખોયણી-સાંબેલી કાઢ્યાં. થેપાડાના છેડાથી ઝાપટ્યાં. હવે કપડાના કકડા ક્યાં ખોળવા? બહુ સાફ કર્યા કર્યું જીવતરમાં – એમ બબડતાં-બબડતાં તમાકુનો ભૂકો નાખ્યો ખાંયણીમાં. ભોટવાની કૂખમાં ખોતરી કાઢ્યું કાકમ કાઢવાનું કાણું, પડસાળમાં ખંડાતી તમાકુની જુગજૂની વાસ ફોરી વળી. મહેમાન-પરોણા માટે ખાસ ખંડાતી આવી તમાકુ... મથુરકાકા ખાંડ્યે જાય છે, દૂર પોતાની પડસાળના છેડેથી ભત્રીજો તમાકુ ખાંડવા મંડેલા કાકાને જુએ છે – ‘ખરો છે આ ડોસલો; ભલે મરતો તમાકુ પીપીને –’ એવા કે અશાકશા ભાવ સાથે સળગતી બીડી હોઠોમાં દબાવી, છત્રી ઉઘાડી એ ફદફદી ગયેલા ફોલ્લા જેવા ફળિયામાં નીકળી ગયો. મથુરકાકાનાં ભરાવદાર બાવડાં ને પઠ્ઠાદાર ડિલ વર્ષોની સાથે આમ ખંડાતાં-ખંડાતાં સાવ લબડી પડ્યાં ના હોય જાણે! પણ એ જાણે છે; તમાકુ ને કાકમ મસળાય એમ મહેકે ને ખંડાય એમ સ્વાદે ઘટ્ટ પછેડી જાણે. એની ધૂણીની મારો તો થેપાડે પીળો ડાઘ ઊગી આવે. ગબ-ખબ અચ-કચ, અબ-કબ! ખાંડો મારા સવાદિયા જીવ! મથુરકાકા હાંફી ગયા, થાકી ગયા. તમાકુ ખાંડતાં-ખાંડતાં જાણે આખું આયખું ના કાઢ્યું હોય! એક-બે ઘડીના સ્વાદ સારુ આ ધખારા! પણ એ સ્વાદ કેવો... આભનો રાયો લોભાય એવો. આવી હેલીમાં જેજીનાં પાનની બીડીનું ગજું નહિ. મથુરકાકાની હોકલી બરોબર સળગી ઊઠી છે. ચલમ પરથી, ને’-માંથી ને નાક-મોંમાંથી ધુમાડા નીકળતા જાય છે. ધુમાડો-ઝરમર હેલી અને પેલી વાદળીઓ બધું એકાકાર. કાકા જાણે ઓગળી ગયા છે. ધૂણીમાં એ કળાય છે ઝાંખા ને જરાક અમથા. ઓગળતા, ઘટ્ટ થતા ને વળી આછરતા ધુમાડામાં મથુરકાકા લાં...બી ને લાં...બી થતી પડસાળને છેક વાદળીઓના મલક લગે આઘી-ઓરી થતી જોઈ રહ્યા. હોકલી ઠરવા આવી ત્યાં આથમતી વેળાના વરસાદે જોર પકડ્યું. ‘તુંય દે, દેતો જા! કાંઈ બાકી રહ્યું હોય તો બગાડતો જા. ખેતરોમાં ને આ આયખામાંય’ મથુરકાકા સ્વગત બોલતા હોકલી ભીંતે ટેકવવા ઊભા થાય. ‘નહિ ત્યારે કોરાધાકોર, ધૂળ ને ધખારા; ને નહીં ત્યારે આવે કાદવ-ગારા, લીલ, ઉંબ ને કાળા લાળા... વરસે ત્યાં જળબંબાકાર ને જ્યાં જરૂર હોય ત્યાં ધોળો ભેંકાર...’ બાજુનાં બે બંધ મકાનો વરસાદમાં ચૂપચાપ પલળતાં ઊભાં છે. મથુરકાકા જોઈ રહ્યા. માટી ધોવાતી જાય છે. ભીંતોના ઊખડી ગયેલા પોપડા! લાકડાં મોભ-કુંભીઓ-વળીઓ કાળાં પડી ગયાં છે. ખવાઈ ગયું છે ઘણુંઘણું, નળિયાંની લીલ ફુગાઈને કાળીભમ્મર થઈ છે. મોભ પર મૂકેલો પતરાનો મોર કટાઈ ગયો છે. પડુંપડું થતાં આ બેઉ મકાનો, એની બેવડ બની ગયેલી દીવાલો, ને ગોબા પડી ગયેલાં પડાળો, ઝૂકી ગયેલી મેડીઓ, હવડ રવેશો... એકધારો વરસાદ થપાટો મારીમારીને બધું ભોંયભેગું કરવા મથે છે વર્ષોવર્ષ. આ માટીના રેલાઓ, દડબાંઓ – મથુરકાકા બેસી પડ્યા. પડુંપડું થતાં એ મકાનો બચાવી લેવા ઝૂઝતા હોય એમ બાથ ભરી રહ્યા કશાકને. એ તો થયેલાં પતરાળાનો ઢગ હતો. પાછા થપ્પીઓ ગોઠવવા લાગ્યા... શો વૈભવ હતો આ મેડીઓનો. પોતે પહેલી વાર પરણ્યા ત્યારે આ મેડીવાળા પરભુદાનો ભીખો પણ પરણેલો. એની આ મેડીઓ કેવી તો રંગાયેલી, શહેરથી મીણબત્તીઓ લાવીને રોશની કરેલી ને જમણમાં ગામડા-ગામમાં પહેલવારકી બુંદી-જલેબી બનાવેલી. પોતે આ બધું ઉત્સાહથી નવી આવેલી વહુને કહેતા’તા. પછી તો ભીખો શહેરમાં રહીને ભણ્યો. નોકરી કરતો ત્યાં વહુને લઈ ગયેલો. કહે છે ત્યાંથી દેશાવર ગયો ને માબાપને બોલાવી લીધેલાં વિલાયતમાં કે રામ જાણે કયા મુલકમાં! ઘરડાં માબાપ પછી પરાયા મલકમાં મૂવાં. વતનગામની માટીય ના પામ્યાં બિચારાં! ને આજે આ હવડ અવાવરું ઘરમાં ભૂત ભૂસકા મારે છે. દીકરા હોઈનેય શું? ના, પોતે તો અહીં જ મરશે. આ ઘરની ચોપાડમાં પોતાનો ચૉકો થશે. મુખમાં મૂકવાનું ગંગાજળ સુધ્ધાં લાવી રાખ્યું છે. સાલું મરવું તો સારી રીતે મરવું, મથુરકાકા પડસાળે બેઠાંબેઠાં પાછા વિચારે ચઢી ગયા : ‘ચારધામની જાત્રાનું પુણ્ય આગળ આવ્યા વિના થોડું રહેશે! આ પડિયા- પતરાળાં કરું છું તે અમસ્થો નહીં. મારાં કારજપાણી રંગેચંગે થશે. ભત્રીજાને સોંપતો જઈશ કબાટની જણસો, ચાંદી અને રોકડ રૂપિયા....’ અચાનક એ ઊભા થયા. ત્રીજે ભેંત્યામાં લાકડાના મોટા કબાટ પાસે જઈને ઊભા રહ્યા. સૂનકારને ભરી દેતી બટાઈ ગયેલી વાસ સિવાય કશું જ નહોતું. કબાટને હળવેથી હાથ અડકાડી મથુરકાકાએ જાણે જણસોની ખાતરી કરી લીધી. એમને યાદ આવ્યું; એમાં જૂનીના દાગીના હતા, એની મહેનત પોતે ઓળવી લીધેલી, દીકરા માટે થઈને પોતે નવી વહુ લાવ્યા. બેઉ શોક્યને ન જ બને એવું કાંઈ નહોતું. જૂનીનો સ્વભાવ સહનશીલ, વ્યવહારુ. પણ નવીને વટ પાડવો હતો, મથુરકાકા પહેલી વાર એના આગળ લાચાર થયેલા. પછી તો... બેઉએ મળીને જૂનીને બે દીકરીઓ સાથે આ ભેંત્યામાં અલગ કરી વચલું બારણું કાયમ માટે બંધ કરી દીધેલું. ગામે જૂનીને થોડી જમીન અપાવેલી. એમાં જાત ઘસી નાખીને જૂનીએ બેઉ દીકરીઓ પરણાવી-પૂંખાવી એમનાં જિયાળાં કર્યાં, ને ભાણેજોનાં મોસાળાં પૂરીને એ મૂઈ. વાતને ઝાઝાં વર્ષો નથી થયાં. કદી કોઈ ભાણેજે મથુરકાકાને આંગણે પગ દીધો નથી. અંધારા કોલામાં એમની આંખો, એ વાતે આજે ભરાઈ આવી. પોતે કોળિયો અન્નદાનમાંથીય ગયા! સાપ જોતા હોય એમ એ કબાટ પાસેથી હટી ગયા. માળિયા પરનાં પેટી-પતરાં, મજૂસ; વાસણકૂસણ ભરેલો માળો, કૈંક ને કૈંક વસ્તુઓથી ભરેલાં પીપ, કોઠીઆ ખાટલા પાટ, ગાદલાં ગોદડીઓ.... રૂપિયાનો પાર નહીં... હમણાં લથડી જવાશે, તમ્મર આવી જશે... જીવ નીકળી જશે... મથુરકાકા પરસાળે આવી બેસી પડ્યા, હાંફ હજી બેસતી નહોતી... કેટકેટલા ઘડાઊથલા-કજિયા ને કાવાદાવા-ડખાડખીનો પાર નહીં. નવી નિત્ય નવાં ભોજન કરતી. નવાં કપડાં ને બદલાતા દાગીના. ઘ૨કામ ને ખેતીકામમાં મથુરકાકા આગળ ને આગળ, હળલાકડે કે મજૂરો સાથે. સવારે વહેલા ઊઠીને ઊંડા કૂવાનું પાણી ખેંચી આપવાનું. ઢોરને છોડવાં-બાંધવાં ને ઘાસ પાણી કરવાં... આટલું પરવારીને એ ખેતર જતા... નવી તો મોટા ભાગે માંદી હોય ને સાજી હોય તો પિયર ગઈ હોય, ત્યાં એનાં છાનગપતિયાં ચાલતાં. કોઈ કોઈ મથુરકાકાને કહેતું. એ સમસમીને રહી જતા, પાછા ખેતીમાં ડૂબી જતા. તમાકુના ગોટેગોટામાં જાતને ધરબી દેતા, નવીની દાનત ન તો ઘર માંડવાની હતી, ન તો કૂખ – મથુરકાકાએ બધું અધવચ માંડી વાળેલું, તોય જમીનનો સાથરો મોટો, કામની ટેવ ને આબરૂની ચિંતા. શું કર્યા વગર ચાલે? પોતે કામ કૂટતા જતા. જાત માટે જરાય ન વાપરે. કપડે સાબુ નહીં ને કેડિયે બુટન નહીં. એમને તો બધું ચાલે. બે ટંક ખાવાનું ને ચા મળ્યાં તો બસ. દિવસમાં દશબાર વાર એમની હોકલી ને એ મળે એટલે હોકારા! નવી ના ગુજર્યા કેડ્યેય પાંચસાત વર્ષ બે-ત્રણ ભેંસો દોહી, ઘી કાઢ્યું પણ ખાધું નહિ, વેચીને પૈસા કર્યા. વાપરે તો વાપરે શેમાં? ડાહ્યો ભત્રીજો ધી૨જવાળો ને સમજુ. ધીમે ધીમે ભેંસો છોડાવી ને છેવટે બળદ-ખેતી, મથુરકાકાને આ નવરાશ ભારે પડતી. આ મોટું જીર્ણજર્જર ઘર આ હેલીમાં પોતાના ઉપર બેસી પડશે કે શું? ઢોર વગરનું આંગણું ખાવા દોડે છે. સીમવગડાની વાટે જતાં હોય તો લથડી જવાય છે તોય જીવની તો લાલર્યો... આ પડસાળ – સૌ વાતની સાક્ષી. લાં...બી આયખા જેવી. ઊબડખાબડ, ખાલી સૂની ને ખુલ્લી ફટાક! એમાં પેલાં ખાંયણી-સાંબેલી ને હોકલી... મથુરકાકા. હવડવાસ ને ખંડાતી તમાકુ... મથુરકાકા હોકલી સળગાવે છે. ગડડગડ... ગડડગડ... એક આ ધુમાડો હાથવગો સાથી. ચાહો કે હાજર... ખાંડો ને ખંડાતા જાવ, પીવો ને પિવાતા જાવ - મથુરકાકાના કાનમાં સાંજનાં તમરાં બોલે છે. એ તો બેઠા છે. એમના હાથ ચપોચપ પડિયા કરે છે. સળીઓના ટાંકા વાગતા જાય છે... વરસાદ વધે-ઘટે પણ અટકતો નથી. મેડીઓ ધોવાય છે. કરામાં ગાબડાં પડે છે, પલળી ગયેલો સૂનકાર જાડોપાડો થઈને પડસાળ આખી રોકીને પડ્યો છે. પેલી અંદરના ઓરડાની અવાવરું વાસ સોડે છે, અહીં પડસાળ સુધી છેક મથુરકાકાના નાક સુધી, અંદર ઊંડે સુધી... આ વાસ આટલી બધી પાસે આવી છે.... કદી કોઈ આટલું પાસે નથી આવ્યું જીવતરમાં, કાં તો પોતે તમા નથી કરી કોઈનીઃ ખાંડીખાંડીને તમાકુ પીવામાં જ વખત – સાંજનાં અંધારાં ઊતરી આવ્યાં છે, ભીની માટી જેવાં લથબથ. રાઈના દાણા-દાણા થઈને વેરાઈ રહ્યું છે આભલું – બધું જ... ધીમે-ધીમે ફળિયું, બાજુનાં મકાનો, પડસાળ, ખાંયણી-સાંબેલી બધું ઓગળી રહ્યું છે... કોઈ નથી દેખાતું.. કશું નથી કળાતું... મથુરકાકાને ખાવા સારુ બોલાવે છે ભત્રીજાનું ઘર. અવાજ આવ્યે જાય છે... નથી જવું, કોઈ ઓરડે નથી જવું હવે. નથી છોડવી આ પડસાળ. પડિયા પતરાળાં કરતા હાથ થંભી ગયા છે. ક્યારના... મથુરકાકા હાલતા નથી, જવાબ વાળતા નથી. બોલાવનારનો અવાજ હલકો થતો-થતો છેવટે ઓલવાઈ જાય છે – દૂર... બેસી પડવાને વાંકે ઊભેલાં ઘરડાંખમ્મ મકાનો ઉપર વરસાદનું જોર વધે છે... અને અંધારાનાં જળ ચારે દિશાને આંબી વળે છે...