મણિશંકર જટાશંકર કિકાણી
કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ ‘કાઠિયાવાડ એજન્સી’માં દાખલ થયા. ૧૮૪૦થી ૧૮૭૪ દરમિયાન એજન્સીમાં કોષાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચીને એ પદેથી નિવૃત્ત. સૌરાષ્ટ્રના પહેલા સંરક્ષક સુધારાવાદી. ૧૮૫૪માં જૂનાગઢમાં ‘સુપંથપ્રવર્તક મંડળી’ની સ્થાપના કરેલી. ૧૮૬૪માં જૂનાગઢમાં ‘જ્ઞાનગ્રાહક સભા’ સ્થાપી એના તરફથી ‘સૌરાષ્ટ્ર દર્પણ’ માસિક પ્રગટ કરેલું. એમના નામે ગદ્યપદ્યાત્મક લેખસંગ્રહ ‘ધર્મમાળા’ (૧૮૭૧) અને નિબંધ ‘સૂતકનિર્ણય’ (૧૮૭૦) છે. વળી, ‘ગાયનાવલિ', ‘કાયિક વાચિક માનસિક પૂજા’, ‘છોટીબહેનની પાઠાવલિ : ભા. ૧-૨’, ‘બાળકોનો નિત્યપાઠ’ જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ‘મણિશંકરના લેખોનો સંગ્રહ’ એ એમના લેખોનું ચમનરાય શિવશંકર વૈષ્ણવે કરેલું સંપાદન છે. ‘કાઠિયાવાડી શબ્દોનો સંગ્રહ પણ એમણે પ્રગટ કરેલ છે.