મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ

સહૃદયો સાથે વાતોનું બીડું ફેરવવું ન પડે. તે તો ફરતું જ રહે. વાતમાંથી વાત નીકળે, ફણગા ફૂટે, ફંટાય, વચ્ચે હાસ્યના ઠહાકા ઊછળે. વાત ક્યારેક અટકે. તેનો દોર હાથમાંથી છટકે, તૂટે ને ફરી સહજ રીતે જ સંધાય. એમ વાતનું બીડું અદીઠ રીતે ફરતું રહે. ગોષ્ઠિનો આ જ તો મહિમા. વ્યક્તિને અને વ્યક્તિત્વને સાચી રીતે પામવું હોય તો તે તેના પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાનોમાં, સેમિનારો, સિંપોઝિયામાં નહીં પમાય પણ વ્યક્તિ ઘરે હૂંફાળા માહોલમાં બેઠી હોય - ઘરેલું કપડાં પહેરી આરામથી, સહજ રીતે જ ભાવોની સાથે સાથે હાથોની મુદ્રા બદલાતી રહેતી હોય, વાતવાતમાં ભાષાની અનેક ભંગિમાઓ પ્રગટ થયા કરતી હોય; કોઈ ‘વિન્ડો ડ્રેસીંગ' કે ઈમેજ બનાવવા-તૂટવાની સભાનતા વગર નિખાલસ રીતે જ અભિપ્રાયો, પૂર્વગ્રહો દૂરાગ્રહો, મંતવ્યો આવતાં જતાં હોય. ચહેરાની રેખાઓ અને અવાજના કાકુઓ બદલાતા રહેતા હોય, આંકોમાં કશુંક ચમકી રહેતું હોય ત્યારે જ અહીં ઘરના ખૂણે જ તે ખીલે. પૂરાતત્ત્વ સ્થાપત્યવિદ્ મધુસૂદન ઢાંકીને જાહેરમાં બોલતાં ઓછાં સાંભળ્યાં છે. તેમના ક્ષેત્રના પ્રત્યુત્પન્નમતિ વિદ્વાન સેમિનારો – સિમ્પોઝિયામાં જામતાં જ હશે. મેં તો તેમને પામ્યાં છે તેમની સાથે તેમના ઘેર કલાકો સુધી ચાલતી વાતોમાં, ગોષ્ઠિમાં. આપણા પ્રાચીનોએ વૃદ્ધોને સેવવાનો કેમ મહિમા કર્યો હશે તે હવે સમજાય છે. પ્રાચીનો ધારત તો 'મિલન' શબ્દ ય વાપરી શકત. પણ તેમણે શબ્દ વાપર્યો ‘સેવન’. જેમાં અંગત હૂંફ હોય અને નિત્ય સાતત્ય હોય. સહૃદય વિદ્વાનના સેવનમાં અજાણપણે જ અધ્યાપન ચાલતું હોય. તેમનાં જ્ઞાન, અનુભવ, નિરીક્ષણનો લાભ એમની સાથેની અનૌપચારિક વાતોમાંય મળતો રહે. કઈ ક્ષણે શું સૂઝે ને એમ જ ક્યારે પ્રસાદી મળી જાય તે કહેવાય નહીં. સંગીત જેવી કલાઓમાં પણ આથી જ ગુરુપરંપરાનો આટલો મહિમા થતો હશેને ? હું બડભાગી કે આવા કેટલાક વયસ્ક વિદ્વાનોનું યથાશક્તિ, યથાવકાશ સેવન કરવાનો મોકો મને મળતો રહે છે. ‘કુમાર'માં ઢાંકીસાહેબના લેખો વાંચેલાં ત્યારે નામ જાણીતું થયેલું. અચાનક જ મારી ‘અશ્વત્થામા’ કવિતામાં પાત્ર રૂપે જ ટપકી પડ્યાં. તેમને મળ્યા વગર જ મારા અશ્વત્થામાએ કવિતામાં તેમની સાથે વાતો કરેલી. દસેક વરસ પહેલાં એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટમાં પહેલી વાર મળ્યો ત્યારે જ અમારું ટ્યુનિંગ થઈ ગયેલું – ઉંમરમાં પચીસેકનો ફેર છતાંય. એ પછી હું અમદાવાદ હતો ને તેઓ વારાણસી ત્યારે જ્યારે અમદાવાદ આવે ત્યારે બે-ત્રણ મિત્રો તેમના ભાઈને ઘરે પહોંચી જઈને ને વાતો ચાલે રાતના અગિયાર-બાર સુધી. હવે હું રાજકોટ છું અને તેઓ અર્ધા અમદાવાદમાં સ્થાયી થયાં છે. છ મહિના ગુરગાંવ – દિલ્હી અમેરિકન ઈન્સ્ટિટટમાં કામ ક૨વા માટે રહે છે, છ મહિના અમદાવાદમાં. અમદાવાદ જ્યારે જવાનું થાય ત્યારે તેમના ઘરે બેઠકો ચાલે. દરેક વખતે, દરેક પ્રસંગે જ્યારે તેમના ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે કશુંક ને કશુંક ભાથું બંધાવ્યું જ હોય. મારી માધુકરી વ્યર્થ ન જાવ. એક વાર હું અને કાર્તિક અજંતા-ઈલોરા ફરી આવેલાં. તે પછી તેમને મળવાનું થયેલું. અજંતા-ઈલોરા નામ સાથે બોલાય કારણ કે પર્યટનની રીતે બંનેને સાથે જોવાનું થાય. બાકી આમ એક બૌદ્ધ ગુફાઓ જ્યારે બીજામાં વિશેષ શિવના Monolithic, એક શૈલ કૈલાસ મંદિર આદિ શૈવ-વૈષ્ણવ અને જૈન શિલ્પો ધરાવતી ગુફાઓ. ઢાંકીસાહેબે બંનેની કલાને તેના વૈશિષ્ટ્ય સાથે સરસ રીતે વ્યાખ્યાયિત કરી આપી. કહે, અજંતાની કલા તિરોભાવની કલા. ત્યાં તિરોહીત થઈ જવાનું. ભૌગોલિક સ્થાનથી માંડુ ગુફા પ્રવેશ અને ત્યાંની વિશાળ શાંત ગુફાઓનાં શિલ્પ પ્રતિમાઓ અને ચિત્રોમાં તિરોભાવ. પહાડો વચ્ચે શાંત ખીણ, નાળ આકારની ઝરણયુક્ત નિભૃત નાળી, પહાડ પરથી ખીણ, નાળીમાં ને ત્યાંથી અંદર ઠંડી શાંત વિશાળ ગુફાઓ. ગુફાઓમાં પ્રશમરસથી દિપ્ત શિલ્પો - આંખો અને મનને શાતા આપે તેવાં ચિત્રો. પહાડ પરથી ખીણમાં, ખીણમાંથી ગુફામાં, ગુફામાંથી ચિત્રોમાં અને ચિત્રોમાંથી ચિત્તમાં એક શાંતિ - અનિર્વચનીય શાંતિ - તમને ભીતરમાં ઉતારતી જાય. શિલ્પોના ભંગો, ચિત્રના રંગો, વળાંકદાર લલિત રેખાઓ, સંયોજનો બધું જ એક શાતા આપે તમને તિરોહિત કરે : જ્યારે ઈલોરાની કળા આવિર્ભાવની કલા – મેનીફેસ્ટેશનની કલા. અહીંના શિલ્પોમાં એક સ્ફૂર્ત ગતિ છે. વિચ્છુરિત આકારો છે. જીવનનો ઉત્સવ, ઉત્સાહ ઉલ્લાસ છે. એક જ સીલાખંડમાંથી આખું સ્થાપત્ય આર્વિભૂત થયેલું છે - જગતી, સ્થંભો, ભીંતો, મંડપો, વિતાનો, મૂર્તિઓ બધું જ. અહીંની ગુફાઓમાં શિલ્પો છે તેમાંય એક આદિમ આર્વિભાવ અને ઊર્જા. ગુફાઓ અને ચિત્રોની વાત નીકળી અને તેમાંથી જ દેરાણી જેઠાણીના ડાબલાની જે બીતી સરસ વાત નીકળી. શામળાજીના ગુપ્તકાલીન પાર્વતીના શિલ્પનો એક વિદ્વાને ઉલ્લેખ કરેલો ‘ભીલડીના વેશમાં પાર્વતી'. ઢાંકીસાહેબ કહે, જે તે સમયના શિલ્પ-સ્થાપત્ય - ચિત્રની વાત કરતી વખતે તે તે સમયની પરિભાષા, તે વખતની ‘સેંસીબીલીટી' સાહિત્યના સંદર્ભોનો વિનિયોગ કરી ભાષાને પ્રયોજવી જોઈએ ‘ભીલડીના વેશમાં પાર્વતી'માં એ શબ્દોમાં શિલ્પની પ્રશિષ્ટતા, દેવીનું દૈવત્વ ક્યાંય પ્રગટતું નથી. એ મૂર્તિનું આભિજાત્ય તો પ્રગટ થાય બાણભટ્ટના ‘ચંડીશતક'ના વિશેષણ ‘કિરાતવેશા ભવાની' શબ્દમાં. એ શબ્દમાં દેવીનું આભિજાત્ય, પ્રચ્છન્ન રૌદ્રરૂપ અને દૈવીત્વ પ્રગટ થાય. ઢાંકીસાહેબ આમ તો પ્રાચ્યવિદ્યાવિદ્ અને કલા-ઇતિહાસના શોધક પણ એમના રસ-રુચિ- જ્ઞાનના પ્રદેશો ઘણા. સંગીત અને રત્નશાસ્ત્ર ૫૨ તો અધિકારથી બોલી શકે અને જૈનદર્શનનો પણ અઢી દાયકાથી અભ્યાસ. તેમનું કૉલેજશિક્ષણ થયું ભૂસ્તરશાસ્ત્રમાં અને પિતાના વારસાએ સંશોધન કર્યું બાગાયતી અને પાકની જાતો પર. આમ વિજ્ઞાન સાથેનો સંબંધ હતો અને જળવાઈ રહ્યો. એટમોસ્ફીયરની વાત કરતાં કરતાં ફોટોસ્ફીયર અને ફોનોસ્ફીયરની વાત કાઢી શકે. પ્રજનનવિદ્યા (જીનેટીક્સ)ની વાત નીકળતાં તેમણે અનુભવ આધારિત નિરીક્ષણો કહ્યાં. અત્યારે આપણું માણસ જાતનું લોહી તે મિશ્ર લોહી, અનેક જાતિ-પ્રજાતિઓનાં લક્ષણો આપણામાં હોઈ મૂળ જાતિનો ચહેરો તો ક્યાંય જોવા ન મળે. આપણું સંકરણ સતત ચાલ્યા જ કરતું હોય. આપણા પૂરાણાં શિલ્પો – ચિત્રોમાં તે વખતની જાતિઓના લોકોનાં ચહેરાઓ અને મુદ્રાઓ- જેસ્ચર્સ - જોઈ શકાય. આપણાં સંકરજનીનમાં તે દેશકાળની જાતિઓનાં મૂળ જનીનો પડેલાં હોય – અલ્પ અને પ્રચ્છન્ન. ક્યારેક કોઈક વ્યક્તિમાં ઢંકાઈ રહેલાં જનીનો એકાએક જ ખુલ્લાં થાય અને આપણે વીસમી સદીમાંય પામીએ સદીઓ પહેલાંનો અભિજાત પ્રમાણભૂત ચહેરો. એ જ નેણ, એ જ નાક એ જ વપુભાષા -ગત સદીઓનું કોઈ વિલુપ્ત પાત્ર જાણે આ સદીમાં ભૂલું પડ્યું. બનારસના ઍરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના સમુદાયમાં એક વાર તેમણે વિશ્વવિજેતા ઐતિહાસિક રાજા ‘એલેકઝાન્ડર ધ ગ્રેઈટ' જોયો. એ જ પ્રતાપી ચહેરો, એ જ નાકનકશા, એવી જ યુનાની હસ્ત મુદ્રાઓ. એક વાર એ જ ઍરપોર્ટ પર ચેદિ સુંદરી જોઈ - એ જ ચહેરો, એ જ ભંગિમા એ જ હાથ પગ અંગોની વપુભાષા. જાણે મંદિરના મંડોવરના પરિકરમાંથી હેઠી ઊતરી ન આવી હોય ! અદ્દલ ચૌલયુગની ધાતુપ્રતિમાઓમાં કંડારિત છે તેવી જ. લાખો વ્યક્તિઓમાં કોઈએકમાં પૂર્વ જાતિનાં આવાં મૂળ જનીનોનું પાછું પૂર્વ મિલન થાય - આને ‘થ્રો બૅક જીન ફિનોમિનન' કહેવાય. સારું છે કુદરતમાં જીનના આવા પરમ્યુટેશન-કોમ્બીનેશનથી આપણે ક્યારેક આપણી આગલી સદીઓની જાતિના ચહેરા જોઈ શકીએ છીએ તો ખરાં ! દેવાલય-સ્થાપત્ય તો તેમનો જ વિષય તેથી તેની વાત કરતાં વાણી રસળતી જાય. તેમની રેડિયો મુલાકાતમાં તેમણે મંદિર વાસ્તુ જેવી મૂર્તકલાને સંગીત જેવી અમૂર્તકળા સાથે નવતર રીતે જોડી આપી. તેમણે મુદ્દો એ ઉપસાવ્યો કે જે તે પ્રદેશમાં ઉદ્ભવતી કળાઓ કોઈ એક બિંદુ પ્રતિ કેંદ્રાભિસારિત થઈ કેંદ્રીભૂત થતી હોય છે. ઉત્તર ભારતના હિંદુસ્તાની સંગીતમાં જે મીંડયુક્ત ગોળાઈવાળા ઢોળાવો, પ્રવાહિતાનું સાતત્ય છે તે ઉત્તર ભારતના મંદિરોનાં શિખરોની ચાપ સમાન ઢળતી રેખાઓમાં ગોચર થાય. જ્યારે દક્ષિણના કર્ણાટક સંગીતમાં ગોળાઈ નથી, સ્વરોના ઢોળાવો નથી : ત્યાં છે સૂક્ષ્મ મધુર કંપનો જે દક્ષિણનાં મંદિરોના અલંકરણખચિત હાર, કૂટ, શાખાદિ સંરચનોના ભૂમિયુક્ત ઊધ્વગામી આયોજનોમાં દેખાય. દક્ષિણનાં મંદિરોમાં ગોળાઈ નથી. ત્યાં છે કોણો. જે દિવસોમાં ઢાંકી સાહેબે આ વાત કરી એ જ ગાળામાં જાણીતાં કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાની આર્કાઈવ્ઝ માટેની લાંબી મુલાકાત અમદાવાદ આકાશવાણીએ રેકોર્ડ કરી. તેમણે નૃત્યકળા અને સ્થાપત્યના સંબંધને સ્પષ્ટ કર્યો. જે લયાત્મક વળાંક, જે પ્રવાહિતા, લયાત્મક રેખાઓ ઉત્તર ભારતના કથક નૃત્યમાં છે તે જ પ્રવાહી રેખાઓ ઉત્તર ભારતનાં મંદિર અને અન્ય વાસ્તુ રચનાઓમાં દેખાય. જ્યારે દક્ષિણની નૃત્યશૈલીઓ - ભરતનાટ્યમ્ કુચુપુડીમાં ક્યાંય વળાંકદાર પ્રવાહી રેખાઓ નથી. તેનાં કારણોની રેખાઓ કોણીય – એંગ્યુલર છે. હાથ, પગ, કટિ, ગ્રીવા બધાંની ભંગિમાઓનાં કૉમ્બીનેશન કોણીય છે જે દક્ષિણનાં ગોપુરમમાં ગોચર થાય. આને ટેલીપથી કહીશું કે એક વિભાવ – કૉન્સેપ્ટની સાર્વત્રિકતા ? ઢાંકીસાહેબે બીજી એક સરસ વાત કરી. કહે, જે તે ધર્મોનાં દેવસ્થાનોમાં જે તે ધર્મોની ઈશ્વર વા અંતિમ યથાર્થતા વિશેનો, ધર્મ વિશેનો વિભાવ ડોકાય. ભારતીય મંદિરોના મંડપો વિતાનો, તોરણો, ગવાક્ષો, ગોપુરો, સૂક્ષ્મ કળાકીય અલંકરણો, સ્તંભો, મૂર્તિઓમાં લીલાભાવ ડોકાય, તો કેથેડ્રલો, ખ્રિસ્તી દેવળોની ઊંચેરી છતો, તેની ભવ્યતા, શાંતિમાં ઈશુનો કરુણાભાવ દેખાય; તો મસ્જિદોની સાદગી, તેની ભવ્ય વિશાળતા અને ખુલ્લા અવકાશમાં અમૂર્ત એકેશ્વરવાદી વિચારધારાનો પ્રભાવ વરતાય. યુરોપનાં ગૉથિક કેથેડ્રલો અને પછી બંધાયેલાં કેથેડ્રલોની વાત નીકળતા એક સરસ મુદ્દો તેમણે ઉપસાવ્યો. આજનાં કે ગૉથિકકાળ પહેલાંનાં કેથેડ્રલો તેની વિશાળતા, તેની આકૃતિથી દૂરથી તમને આંજી દે પણ નજીક જાવ કે અંદર જાવ ત્યારે નજર લપસી પડે. નજીકથી એટલા બધાં અપીલીંગ ન લાગે. જ્યારે ગૉથિક કેથેડ્રલો તમને તેની વિશાળતા, તેના પ્રમાણભાર, નમણા ટાવરો અને સ્પાયરોની (spires) સંકુલતાથી દૂરથી તો મોહી જ લે પણ જેમ જેમ નજીક જતા જાવ તેમ તેના અલંકરણખચિત સૂક્ષ્મતાથી તમારા પર વધુ ને વધુ ભૂરકી નાખતા જાય. અંદર પણ રંગબેરંગી સુચિત્રિત કાચથી મઢેલ જાળીઓ – આખું કેથેડ્રલ ઉંચે ઈંચે તમને મોહી લે. સારા સ્થાપત્યની ખૂબી જ એ કે જે દૂરથી કે નજીકથી, બહારથી કે અંદરથી તમને એક સરખો જ તોષ આપે, આનંદ આપે. આમ ઢાંકીસાહેબની સહજ વાતોમાં, ચેતનાનો, સમજણનો કોઈ ને કોઈ બંધ ઓરડો ઊઘડતો જાય. વિદ્વાન ખરા પણ જેમની હાજરીનું વજન લાગે તેવા ભારેખમ નહીં. કંઠ તો છે જ સરસ. ક્યારેક મુડમાં આવી જાય તો કર્ણાટક સંગીતના ઓજસ્વી, કંપાયમાન સ્વરો લહેરાવે, ક્યારેક હિંદુસ્તાની સંગીતનો ગંભીર આલાપ ગુંજરે તો ક્યારેક વળી, બાળપણમાં સાંભળેલી સૌરાષ્ટ્રની ગરબીની મૂળ હલક પણ સંભળાવે. મિમિક્રીના તો માસ્ટર. અનેક દેશોની વ્યક્તિઓના પરિચય આવેલાં તેથી ફ્રેંચ, જર્મન, અમેરિકન ભાષીઓ કેવું અંગ્રેજી બોલે તેની આબાદ નકલ કરી બતાવે. વાતોમાં બે-ત્રણ કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે. રૂ-બ-રૂ મળવાનું ન થાય ત્યારે પત્રવ્યવહા૨ અને ફોનથી સંપર્ક રહે. પત્રવ્યવહાર ક્રીસ્પ ઈંગ્લીશમાં. અંગ્રેજી શબ્દોનાં ચયન અને ભાષાની અભિવ્યક્તિથી ખુશ થઈ જવાય. તો વખતોવખત ફોન ૫૨ સહેજ હિંદી છાંટવાળી કાઠિયાવાડી ગુજરાતીમાં તેમનું અંતરંગ ડોકાય. તેમના ક્ષેત્રના વિદ્વાનોની પેઢીના છેલ્લા માણસ. નવાઈ લાગે કે તેમને હજી સુધી ‘પદ્મશ્રી' સરખી રાષ્ટ્રીય નવાજેશ કેમ નથી થઈ. અરે, ગુજરાતમાંથી જ અપાતું વિશ્વગુર્જરી સન્માન પણ કેમ ચુકાઈ ગયું છે ? વિશ્વસ્તરે જેમનું નામ તેમનાં કામ થકી હોય તેવા અલ્પસંખ્યક ગુજરાતીઓમાંના એક છે. આપણે તેમને ન જાણીએ તો કાંઈ નહીં તેમની વેબ સાઈટની મુલાકાત લેનારા વિશ્વના અનેક વિદ્યાનો, કળામર્મજ્ઞો તેમને જાણે છે.

***