મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/આ સંપાદન વિશે


આ સંપાદન વિશે

મધ્યકાલીન કવિતાનું, લગભગ ૧૦૦૦ પાનાંમાં વિસ્તરેલું આ બૃહદ સંપાદન, ૧૨મીથી ૧૯મી સદી સુધીનાં લગભગ ૭૦૦ વર્ષના વિસ્તીર્ણ સાહિત્યના એક આચમન જેવું છે, પરંતુ એ સઘન સંચયરૂપે ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્ય-સંપદા’ને સૌ સામે ધરે છે.

આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી, અલબત્ત, ચુસ્ત નહીં પણ ખુલ્લી અને મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર યુગનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.

આ સંપાદનમાં, કવિઓની ઉત્તમ લઘુ પદકવિતાની, તેમજ આખ્યાન/રાસ/ચોપાઈ/પદ્યવાર્તા જેવાં દીર્ઘ કાવ્યોમાંથી મહત્ત્વના લાગેલા અંશોની પસંદગી કરેલી છે. જરૂર લાગી ત્યાં લાંબી કૃતિઓની પરિચયદર્શક નોંધો પણ કરી છે.જાણીતા ઉત્કૃષ્ટ કવિઓની કવિતા સાથે અહીં ઓછા પરિચિત કવિઓની પણ માર્મિક કવિતા છે.

અનુક્રમ બે રીતે કર્યો છે. પહેલો અનુક્રમ કવિઓના અકારાદિ વર્ણક્રમે કર્યો છે. ત્યાં કેવળ કવિનામોનો જ નિર્દેશ છે. બીજો અનુક્રમ સમય-અનુસાર કર્યો છે. એમાં કવિનામ, સમયનિર્દેશ તથા પસંદ કરેલી કૃતિઓનો નિર્દેશ મૂકેલાં છે.

પછી પાઠ (Text): એમાં (દરેક) કવિનો ટૂંકો પરિચય, પસંદ કરેલી કૃતિઓનાં નામ-સંખ્યા (જેમકે ૩૦ પદો; ‘ઓખાહરણ; વગેરે) એ પછી કાવ્યકૃતિઓ. શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત લાગવાનું, એટલે એવી કૃતિઓ સાથે સહાયક સારાનુવાદ પણ મૂક્યા છે. લોક-કવિતાનાં રચના-સંકલન પણ મધ્યકાળના સમયગાળામાં આવી જાય એથી, કવિઓની કૃતિઓ પછી, છેલ્લે પસંદગીનાં લોકગીતો પણ મૂક્યાં છે.

દરેક પદ/કૃતિ કયા સ્રોત-ગ્રંથ/સંપાદનમાંથી લીધી એ દરેક કૃતિને છેડે મૂક્યું નથી પરંતુ, છેલ્લે, Text પૂરી થયા પછી સ્રોત ગ્રંથો અને સંદર્ભના ગ્રંથોની વિગતવાર સૂચિ મૂકી છે.

આ મધ્યકાલીન કૃતિઓનું પહેલું લિખિત રૂપ હસ્તપ્રતો છે – હસ્તપ્રતોની પણ એક આગવી ઓળખ-મુદ્રા હોય છે એ માટે કેટલીક નમૂનાની હસ્તપ્રતો, વાચકોના જિજ્ઞાસા-સંતોષને અર્થે, અહીં મૂકી છે. મહત્ત્વના કવિઓનાં સુલભ હતાં એ ચિત્રો પણ તે તે કવિનાં કાવ્યોના આરંભે મૂક્યાં છે.

કેટલાક સ્રોતગ્રંથો મુદ્રિત રૂપે કે ઑનલાઈન સુલભ કરાવવામાં, તથા હસ્તપ્રતો અને કવિઓનાં ચિત્રો મેળવવામાં કેટલાંક મિત્રોની મદદ લીધી છે. એ મિત્રો – નિરંજન રાજ્યગુર,ુ કિશોર વ્યાસ, કીર્તિદા શાહ, અભય દોશી, રાજેશ પંડ્યા, સેજલ શાહ, તોરલ પટેલનો આભારી છું, વિશેષ ઉલ્લેખ એ કરવાનો કે હેમચંદ્રાચાર્ય, નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો, શામળ, દયારામનાં જાણીતાં ખ્યાત ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળનાં છે. એમનું સૌજન્ય વિનીતભાવે સ્વીકારું છું. અન્ય કવિ-ચિત્રો જે સંદર્ભોમાંથી મળ્યાં ત્યાં ચિત્રકાર-નામો લખેલાં ન હતાં, પરંતુ એ સૌ અ-નામી કલાકારોનો પણ આભારી છું. જેને આધારે આ કાવ્યરાશિનું ચયન કર્યું છે એ સ્રોત ગ્રંથોના સંપાદકોનો; કોશકારો ને ઇતિહાસલેખકોનો સવિશેષ ઋણી છું.

આ ઇ-પ્રકાશન માટે એકત્ર ફાઉન્ડેશન અને એના દૃષ્ટિવાન ઉત્સાહી સંચાલક અતુલ રાવલને હું અભિનંદન આપું છું. એકત્રની નિસ્વાર્થ સાહિત્યપ્રીતિને કારણે આવું ગંજાવર સંપાદન-કાર્ય હાથ ધરવાનું શક્ય બનતું હોય છે.

આ સંપાદન કૉપીરાઈટથી રક્ષિત છે. એનો ઇ-પ્રકાશન કે મુદ્રિત કોઈપણ રૂપે ઉપયોગ કરવા માટે સંપાદકની પરવાનગી આવશ્યક છે. સંપર્ક: ramansoni46@gmail.com

– સંપાદક