મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુરુશિષ્યસંવાદ

અખાજી

પ્રથમ ખંડ: ભૂતના ભેદ

દોહરા
ગુરુચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ;
પદપંકજ પાવન સદા, નમો નમો પરધામ.          ૧

તપત થયો મહારાજ હું, ભવતાપ અંતર્બહુલ;
તમ કૃપારૂપી વચન જે, તે વહી આવિયો મુજ તુલ.          ૨

મંદબુદ્ધિ હું પૂછવા, સામર્થ્ય નહિ ગુરુરાય;
પ્રભુ પધારો અંતરે તો, મારું સાર્થક થાય.           ૩

ગુરુ: ભલે ભલે શિષ્ય ઉગ્રબુદ્ધિ, મહાઆશય તું વીર;
હું જાણું તુજ બોલતાં, તું પરંપદ પૂછીશ ધીર.          ૪

શિષ્ય: સત્ય સત્ય સ્વામી ગુરુ, તમે હાર્દ લહ્યું હરિરૂપ;
પરમપદ તે મુજને કહો, ટળે પ્રપંચ અંધકૂપ.          ૫

ગુરુ: ગુરુ કહે શિષ્ય પરંપદનો, રસનાએ નહિ થાપ;
કરે ગ્રહી નથી આપવા, તે સમજે સન્મુખી આપ.          ૬

પ્રકૃતિ પુરુષનો વિવેક એ, જો બુદ્ધિ ગોચર થાય;
તો જન્મમરણ સંશય ટળે, મન તુર્યાતીત ઠહેરાય.          ૭

વિધિ વિવેકે પ્રીછતાં, દીસે આપોપું અલગ;
આત્મઅર્ક ઉદે હવો, તાં તેજ છે તત્ત્વ સળંગ.          ૮

ખંડ ૪

સંસાર દીર્ધ રોગને, ટાળવા હીંડે જેહ;
તેને ઔષધ આ ઘટે, હોય જીવન્મુક્ત વિદેહ.          ૮૦

મોહકળણે કળ્યો કંઠ લગી, મનની તજવા ધાંખ;
તેને હરિ હીંડે કાઢવા, તો તેને એ પાંખ.          ૮૧

અજ્ઞાન અર્ણવે માનવી, ડૂબ્યો ભટકે ભૂર;
હીંડે નિજ ગૃહ પામવા, તો તેને આ સૂર.          ૮૨

અંતર આશય, મુગટનો, મુમુક્ષુને ઉપાસ્ય;
મૂરખને કાંઈએ નહીં, શ્રીફળ વાનર પાસ.           ૮૩

ગુરુ-શિષ્યનામે ગ્રંથ એ, જેમાં ખંડ છે ચાર;
હરિચરણે જેને વાસ કરવો, હોય તે સુણો નરનાર.          ૮૪

અંતરજામીએ જે કહ્યું, તે અખે કીધો વિવેક;
દૂષણભૂષણ હરિ ભણી, એંશી ઉપર વળી એક.          ૮૫

ઈતિ શ્રીગુરુશિષ્યસંવાદે તત્ત્વજ્ઞાનનિરુપણં નામ ચતુર્થખંડ: ||૧||