મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચિત્તવિચાર સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચિત્તવિચાર સંવાદ

અખાજી

ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, હું તું મલી કીજે નિરધાર,
માહરે તાં પરિવાર છે બહુ, કામ ક્રોધ મોહાદિક સહુ.          ૧

બીજો પરિવાર વિવેક તુજ આદ્ય, પણ શુદ્ધ મારગ તે તાહારે સાધ્ય.
પ્રવૃત્તિમારગ માંહાં તું મુખ્ય હૂતો, સહુ પહેલોહું તું ને પૂછતો.          ૨

અનંત શાસ્ત્ર કીધા તુજ વડે હું સત્ય માનું જે હું તુજ વડે,
ચૌદ વિદ્યા અષ્ટાદશ પુરાણ, તુજ વડે બાંધ્યાં બંધાણ.          ૩

સુર અસુર ખટ દરશન વેદ, તુજ વડે બહુ ભેદાભેદ,
જ્યારે હું જે ઉપર્ય થયો, ત્યારે તુંએ તે ઉપર્ય આવી ગયો.          ૪

વિષેભોગ રચ્યા પરપંચ, તેએ ત્યેં જ દેખાડ્યા સંચ,
જ્યાહારે જેહેવું માહારું સ્વરૂપ, ત્યારે તું થાએ તદ્રુપ.          ૫
હવે જે ઉમેદ છે મુને, જોને તે ગમે છે તુંને,
વિચાર કહે કહોજી પિતા અમ્હ્યો છું તમ્હારા હુતા.          ૬

જેહેવો આશે દેખેશ તમતણો તેહેવો ઉકેલ ઉકેલેશ ઘણો,
મુજ સભાવ દીપકની જોત્ય, આગલ આગલ્ય ચાલે ઉદ્યોત.          ૭

મોરો સુભાવ છે પાણી તણો, સંગ સરીખો રંગ આપણો,
જેહેવો આશે પૂછશોજી પિતા, તેહેવા અમ્હ્યો પડીશું છતા.          ૮

ચિત્ત કહે ઊંડો આશે છે મુજ તણો, જો લાગી શકશે લક્ષ આપણો
આગે મેં ઉપનિષદ કર્યા, ઊપનાં તત્ત્વ પાછાં ઊધર્યાં.          ૯

ઊપનાં કેરો કીધો નિષેધ, પણ અમથો રહ્યો અવશેષ ઉમેદ,
વિચાર કહે ઊપનું જો ટલ્યું, તો અવશેષ તો વણમેલ્યું મલ્યું.          ૧૦

ચિત્ત કહે માહારું કર્યું ન થાઈ, તો વસ્તુરૂપ તે ક્યમ કેહેવાઈ,
વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવપણાની ચાલી રૂંસ.          ૧૧

ચિત્ત કહે જીવ તે સ્થાનો રહ્યો, પોતે ટલ્યાથી પોતે થયો,
વિચાર કહે તું વાતે વદે, પણ તદ્રુપી થયું નથી રદે.          ૧૨

કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુક્ત્ય.
ગુરુ સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ.          ૪૦૬

જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે,
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઈ આતમભોગ.          ૪૦૭

સમઝયો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ,
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશળ કોહો કેહી.          ૪૦૮

અહીં તો છે ટલવાનું કામ, અહં ટલતે રહે આતમરામ,
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય.          ૪૦૯

ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ,
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ.          ૪૧૦

મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ,
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત્.          ૪૧૧

જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો, હું, તેહેવા સરખા હું ને તું,
અહં બ્રહ્મ સ્વે જ સાક્ષાત્, સ્વે માંહે એ સઘળી વાત.          ૪૧૨