મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૩)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૩)

દયારામ

શું જાણે વ્યાકરણી? વસ્તુને શું જાણે વ્યાકરણી?
મુખપર્યત ભર્યું ઘૃત તદપિ સ્વાદ ન જાણે બરણી.          વસ્તુને

સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી,
અંતરમાંહે અગ્નિ વસે પણ આનંદ પામે ન અરણી.          વસ્તુને

નિજ નાભિમાં કસ્તુરી પણ હર્ષ ન પામે હરણી,
દયો કહે, ધન દાટ્યું ઘણું, જ્યમ ધનવંત કહાવે નિર્ધણી.          વસ્તુને