મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૮)


પદ (૧૮)

દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે,
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે.          પ્રેમરસ

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે.          પ્રેમરસ

સોમવેલીરસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે.          પ્રેમરસ

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.          પ્રેમરસ

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠે ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર વર, પ્રેમભક્તિએ વરે.          પ્રેમરસ