મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૯)

દયારામ

ઘેલી મુને કીધી શ્રીનંદજીના નંદે! ઘેલી મુને કીધી.
સખી રે! હું તો જમનાજી ગઈ હતી પાણી, ત્યાં મેં નંદકુંવર દીઠો ને લોભાણી,
એ પણ મારા અંતરની વાત ગયો જાણી.          ઘેલી

વ્હાલાજી હુંપે વાંકી નજર વડે જોયું, સાહેલી! મારું ત્યારે તો અધિક મન મોહ્યું,
કાળજ મારું કુટિલ કટાક્ષે પ્રોયું.          ઘેલી

વ્હાલવશીકરણભરી મીઠી વાણી, સુણી હું તો મૂલ વિના રે વેચાણી,
જાણે મન પ્રીતપીડા જાય ના વખાણી!          ઘેલી

સખી રે! એની અલબેલી આંખ અણિયાળી, રૂપ-રસ-રંગ ભરેલી રતનાળી,
ભૂરકીની ભરી વાંકી ભ્રૂકુટિ મેં ભાળી.          ઘેલી

સખી રે! એનું મુખડું મદનમોહનકારી, અંગોઅંગ માધુરી મનોહર ભારી.
મંદમંદ મધુરે હસી મુને મારી!          ઘેલી

નટવર એ નખશિખ કામણે ભર્યો છે, આવડો રૂપાળો એને કોણે કર્યો છે?
મેં તો મારા મન થકી એને વર્યો છે!          ઘેલી

સખી! એની મોરલીમાં મોહની ભરી છે, તેણે મુને ઘણી વ્રેહવિકળ કરી છે,
સખી! મારી સુધબુધ એણે હરી છે!          ઘેલી

કાળજાનું દર્દ નથી કોઈને કહેવાતું, લાગી લાહ્ય રોમેરોમ! નથી મેં રહેવાતું!
કર કશો ઉપાય, હવે નથી મેં સ્હેવાતું!          ઘેલી

તાલાવેલી લાગી, તરફડું છું, મેં મરાશે, કેમ કરી મેળવ્યે મોહન સુખ થાશે;
લાજને લગાડ પરી, જીવ મારો જાશે!          ઘેલી

વિરહવહ્નિમાં બળે છે સમઝી ગઈ સાહેલી,  
 ખાનપાનભાન કશું નથી, લાજ મેલી!
રખે એની થાય અવસ્થા છેલ્લી!          ઘેલી

એવે સમે દયાના પ્રીતમજી પધાર્યા, અંક ભરી કુંજસદનમાં સધાર્યા,
આપ્યો આનંદ, વ્રેહતાપ સૌ નિવાર્યા!          ઘેલી