મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૧)


પદ (૨૧)

દયારામ

માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે,
ઝૂલે લાડકડા પુરુષોત્તમ આનંદભેર;
હરખી નિરખીને ગોપીજન જાયે વારણે,
અતિ આનંદ શ્રીનંદજીને ઘેર.          માતા

હરિના મુખડા ઉપર વારું કોટિક ચંદ્રમા,
પંકજલોચન સુંદર વિશાળ કપોળ,
દીપકશિખા સરખી દીપે નિર્મળ નાસિકા,
કોમળ અધર અરુણ છે રાતાચોળ.          માતા

મેઘશ્યામ કાંતિ ભ્રકુટિ છે વાંકડી,
ખીટળિયાળા ભાલ ઉપર ઝૂમે કેશ;
હસતાં દંતૂડી દીસે બેઉ હીરાકણી,
જોતાં લાજે કોટિક મદનમનોહર વેશ.          માતા

સિંહનખે મઢેલું શોભે સોવ્રણ સાંગલું,
નાજુક આભ્રણ સઘળાં કંચન, મોતીહાર;
ચરણઅંગૂઠો ધાવે હરિ બે હાથે ગ્રહી,
કોઈ બોલાવે તો કરે કિલકાર.          માતા

લાલે લલાટે કીધો છે કુમકુમ ચાંદલો
શોભે જડિત્ર જાણે મરકતમણિમાં લાલ;
જનની જુગતે આંજે અણિયાળી બેઉ આંખડી,
સુંદર કાજળકેરું ટપકું કીધું ગાલ.          માતા

સાવ સોનાનું જડિત્ર મણિયમ પારણું,
ઝૂલવે ઝણણણ બોલે ઘૂઘરીને ઘમકાર;
માતા વિવિધ વચને હરખે ગાયે હાલડાં,
ખેંચે ફૂમતિયાળી રેશમદોરી સાર.          માતા

હંસ-કારંડવ ને કોકિલપોપટ પારણે,
બપૈયા ને સારસ-ચકોર-મેના-મોર;
મૂક્યાં રમકડાં રમવા શ્રીમોહનલાલને,
ઘમઘમ ઘૂઘરડો વજાડો નંદકિશોર.          માતા

મારા કહાનાને સમાણી કન્યા લાવશું,
મારા લાલને પરણાવીશ મોટે ઘેર;
મારો જાયો વરરાજા થઈ ઘોડે બેસશે,
મારો ક્હાનો કરશે સદાય લીલાલ્હેર.          માતા

મારો લાડકવાયો સખા સંગ રમવા જશે,
સારી સુખલડી હું આપીશ હરિને હાથ;
જમવાવેળા રૂમઝૂમ કરતો ઘરમાં આવશે,
હું તો ધાઈને ભીડીશ ક્દયા સાથ.          માતા

જેનો શંકરશેષ સરીખા પાર પામે નહીં,
‘નેતિ નેતિ’ કહે છે નિગમ વારંવાર;
તેને નંદરાણી હુલરાવી ગાયે હાલડાં,
નથી નથી એના ભાગ્યતણો કંઈ પાર!          માતા

વ્રજવાસી સૌ સર્વથિ સુભાગી ઘણાં,
તેથી નંદજશોદા કેરું ભાગ્ય વિશેષ;
તે સર્વેથી ગોપીજનનું ભાગ્ય અતિઘણું,
જેની કરે પ્રશંસા બ્રહ્મા શિવ ને શેષ.          માતા

ધન્ય! ધન્ય! વ્રજવાસી ગોપીજન નંદ જસોમતીઓ!
ધન્ય! ધન્ય! વૃંદાવન હરિકેરો જ્યાં છે વાસ;
સદા જુગલકિશોર જ્યહાં લીલા કરે,
સદા બલિહરી જાયે દયોદાસ!          માતા