મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૯)

દયારામ

રાધે! રૂપાળી તારી આંખડી જો;
જોડી કૃષ્ણસમાન છબિ ફાંકડી જો!          રાધે! રૂપાળી.

ઉપમાએ અધિક નહિ તુંથી મૃગલોચની જો,

વિના અંજન મનરંજન ભવમોચની જો.          રાધે! રૂપાળી.
તારું ચંદ્રવદન કહેતાં લાજાું તારુણી! જો;
એક તો કલંકી વિષબિંદુ વારુણી જો.          રાધે! રૂપાળી.

વેણ વાસુકી, જડિત્રરત્નરાખડી જો;
તને જોતાં બીજું જોવાની થાય આખડી. જો.          રાધે! રૂપાળી.

રતિ રૂપતણો ગર્વ મૂકીને ખસી જો;
રસિકરાયના હૃદેમાં તું સદા વસી જો.          રાધે! રૂપાળી.

મદનમોહનનું મન હર તું મનમોહની! જો:
નથી વિરંચિએ રચી તુજ છબિ સોહની જો.રાધે! રૂપાળી.

સકળ ભૂપમાં જોતાં તું લાધ્યો શ્રીહરિ જો;
ઉમા, રમા ને સાવિત્રી શ્રીપરંદરી જો.          રાધે! રૂપાળી.

તારી ઉપમાસરખું બીજું કોઈ નથી જો;
થાક્યા ઉત્તમ કવિ વેદસ્મૃતિને મથી જો.          રાધે! રૂપાળી.

રસિકરૂપ જુગલ! વસો હૃદેમાં ઠરી જો;
દાસદયાને સુખદાતા એક તુ હરિ! જો.          રાધે! રૂપાળી.