મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૧)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩૧)

દયારામ

આવોને અલબેલા! મારે આંગણે,
નવ દીઠે મુને થાય ઘણો સંતાપ જો,
મોહનજી! મ્હેલ્લામાં નિશ્ચે આવજો,
હૈડા મધ્યે જુઓ વિચારી આપ જો.          આવોને.

રાસ રમંતાં બોલ્યા તે તો પાતળિએ,
શીદને જૂઠું આપ્યું મુને વચન જો?
વચન આપેલું વેચી આવા કેમ થયા?
પ્રથમ જાણ્યે સોંપત નહીં તનમન જો.          આવોને.

પ્રીતલડી કીધી તો તે હવે પાળીએ,
વચન બોલ્યા તે મિથ્યા કાંઈ નવ જાય જો.
સમઝાવી શીખામણ દેઉં શ્યામળા!
વાયદા દઈને શીદ અમને તું વ્હાય જો?          આવોને.

કામણગારા! કહ્યાં અમારાં માનીએ,
કહ્યા વિના તો મુજથી નવ રહેવાય જો.
મનમાં અકળાઉં પણ જાતે છું માનવી,
શ્રીવિઠ્ઠલવર! કરજો મારી સા’ય જો.          આવોને.

આજ એકાંતે આપણા મળીએ આ સ્થળે,
રસ્તે દુરિજન દેખી કરશે વાત જો.
દયાપ્રીતમના સ્વામી! શરણે રાખજો,
તરછોડીને શીદ કરો છો ઘાત જો?          આવોને.