મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩૨)

દયારામ

કામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!
ભોળું ભાખ મા રે! કામણ દીસે છે અલબેલા!
મંદ હસીને ચિત્તડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કોર્યું;
અદપડિયાળી આંખે ઝીણું ઝાંખ મા રે, ભોળું ભાખ.          કામણ.

નખશિખરૂપ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું;
છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે, ભોળું ભાખ.          કામણ.

વ્હાલભરી રસવરણી વાણી, તારુણીનું મન લે છે તાણી;
ભ્રૂકુટીમાં મટકાવી ભૂરકી નાંખ મા રે, ભોળું ભાખ.          કામણ.

દયાપ્રીતમ નિરખ્યે જે થાયે તે મેં મુખડે નવ કહેવાયે;
આ વિનતી આતુરતા આવડું સાંખ મા રે, ભોળું ભાખ.          કામણ.