મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૪)

દયારામ

વાંકું મા જોશો વરણાગિયા! જોતાં કાળજડામાં કાંઈકાંઈ થાય છે!          હો જી રે!
અણિયાળી આંખે વ્હાલમ! પ્રાણ મારા પ્રોયા છે;
મોહન મુખડું જોઈ મન મારું મોહાય છે,          હો જી રે!

મંદમીઠી હસણી તે તો મોહનીનો ફંદ છે;
તેમાં પડ્યા પછી કેણે નીકળાય છે?          હો જી રે!

નખશિખ રૂપ રસિક, મધુર, મનોહર;
જ્યાં જોઉં ત્યાં આંખ ઠરી જાય છે!          હો જી રે!

નાસિકાનું મોતી ઝૂમી રહ્યું છે અધર પર;
તેમ મન મારું હાં રે ઝોલા ખાય છે!          હો જી રે!

અબળાજન મોહાય તેમાં કૌતક કહેવાય નહીં;
મોટા કામ જેવા ફૂટડા વ્હેવાય છે!          હો જી રે!

આતુરતા આગે અંતર દોષ દર્દ છે,
તે પર આધીન થકી સહેવાય છે,          હો જી રે!

નટવર નાગર રસિક મુગટમણિટ;
જગમોહન રૂપ શાસ્ર ગાય છે,          હો જી રે!

દયાના પ્રીતમની મીઠી મોરલી સૂણી જેણે
તે તો વણમૂલે સર્વ વેચાય છે!          હો જી રે!