મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૮)


પદ (૮)

દયારામ

હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગે;
મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.

ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે;
પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે.

તે કરતાં ‘ચંદ્રવદની’ કહી તો કર્યાં હું ને ચંદ્ર એક રાસે રે;
ત્યારે મુજ મુખ પાખે શું અટક્યું છે? જાશે ચંદ્ર આકાશે.

નહીં તો શિવને સમીપ રાખશે ને ભાલે ચંદ્ર દેખાશે રે;
પ્રસન્ન થઈ પાસે રહેશે, નહિ તો કહેવાય નહીં નિજ દાસે.

એવડો શ્રમ પણ શીદ કરે? જુઓ, ચંદ્ર પોતાની પાસે રે;
વામ ચરણમાં ઈંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે?

દયાના પ્રીતમને કહે સખી, જુઓ, શશીમુખ સરખું સુખ પાસે રે;
કોટિ પ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે.