મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૯)


પદ (૯)

દયારામ

હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું!

હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠેપૂંઠે આવે;
વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે.

વઢું ને તરછોડું તો યે રીસ ન લાવે;
કાંઈકાંઈ મિશે મારે ઘેર આવી બોલાવે.

દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે;
પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે.

એકલડી દેખે ત્યાં મુને પાવલે રે લાગે;
રંક થઈને કાંઈકાંઈ મારી પાસે માગે.

જ્યાંજ્યાં જાતી જાણે ત્યાંત્યાં એ આડો આવી ઢૂંકે;
બહેની! દયાનો પ્રીતમ મારી કેડ નવ મૂકે.