મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૪)


પદ (૧૪)

નરસિંહ મહેતા

હીંડોલે તો હીંચું, મારા વાલા, અમને ઘૂમણ ઘાલ રે,
ઘુમણડી ઘાલીને, મારા વાલા, પ્રેમે-શું બોલાવ રે.
હીંડોલે૦
હીંડોલે તો હીંચુ, મારા વાલા, ઘૂમણ ઘાલો લાંબી રે,
પડખો રે પડખો, મારા વાલા, સંમારું પગની કાંબી રે.
હીંડોલે૦
પાલવ છૂટે, ચીર વછૂટે, વેણ ઉઘાડી થાયે રે,
પડખો રે પડખો, મારા વાલા, હીંડોલે ન રહેવાયે રે.
હીંડોલે૦
તમારે પીતાંબર, અમારે ચીર, વાલા, આપણ બેહુ બાંધેશું રે,
તમે નાનડિયા, હું નાનકડી, નવનવા રંગ રમેશું રે.
હીંડોલે૦
આંબા-ડાલે સરોવર-પાલે સહિયર રમતાં રંગ લાગો રે,
આવો રે આવો, સાહેલી, કાન કને કાંઈ માગો રે.
હીંડોલે૦
ચૂઆ ચંદન ને કસ્તૂરી છંટાવો લઈ અંગે રે,
આવો રે આવો, સાહેલી, કાહાન-શું રમીએ રંગે રે.
હીંડોલે૦
શ્રાવણ કેરી મધ્ય શ્રાવણી રે હીંચી હીંચી ધ્રાયા રે,
નારસિંયાચો સ્વામી ભલે મલિયો શ્રીગોકુલ કેરો રાયા રે.
હીંડોલે૦