મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૨)


પદ (૨૨)

નરસિંહ મહેતા

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
આજ રે૦
શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.
આજ રે૦
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
એક પલક આંખ મળી ત્યારે ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.
આજ રે૦
ધમણ ધપાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે.
આજ રે૦
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માયે રે;
આપો રે, હરિ! હાર અમારો, નહિતર જીવડો જાયે રે.
આજ રે૦
થાળ ભરી શગ માેતી મગાવ્યાં, અણવીંધ્યાં પરાેવ્યાં રે,
ભલે રે મળ્યાે નરસૈંયાનાે સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.
આજ રે૦