મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩)


પદ (૩)

નરસિંહ મહેતા

જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના ધેનમાં કોણ જાશે? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે?

જાગને૦

દહીં તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયલ દૂધ તે કોણ પીશે? હરિ તાર્યો હાથિયો, કાળીનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે?

જાગને૦

જમુનાને તીરે ગોધણ ચરાવતાં મધુરી શી મોરલી કોણ વાહશે? ભણે નરસૈંયો તુજ ગુણ ગાઈ રીઝીએ, બૂડતાં બાંહડી કોણ સાહશે?

જાગને૦