મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫)


પદ (૫)

નરસિંહ મહેતા

ચાલો ચાલો સખી! જોવાને જઈએ, શ્રીગોકુલ આંબો મોર્યો;
સહસ્રશાખ લાગી એણે આંબે, ત્રિભુવન છાયા ધરી રહ્યો.
ચાલો૦
જાદવ કુળ વસુદેવે વાવિયો, ઉદર દેવકીને ઉદિયો;
થાણું દેઈને નંદઘેર આણ્યો, જશોમતી પયોધર સીંચિયો.
ચાલો૦
સોલ સહસ્ર કોકિલા કલરવ કરે, ઇંદ્ર લગે ઘણું મેમયો,
શેષનાગની વેણ્ય સાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો.
ચાલો૦
ધ્રુવ અંબરીષ રુકમાંગદ રાજા, ભક્ત પ્રહ્લાદે વેડ્યો;
ભણે નરસૈંયો સેવાનાં ફળ: વૈષ્ણવને રુદે રહ્યો રે.
ચાલો૦