મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬)


પદ (૬)

નરસિંહ મહેતા

કાનજી કાનજી સૌ કો કહે રે, અમે ગોવાળિયો કહેશું રે;
જો તું અમને આળ ચઢાવીશ તો મથુરા જઈ રહેશું રે.
કાનજી૦
આજકાલનો કીકલો રે, છોકરડો છાશ પીતો રે;
હાથ સાહી હકલાવતાં ત્યારે બાપલડો બહુ બીતો રે.
કાનજી૦
શુક બ્રહ્માદિક શંકર સરખા જોગી જેને સાધે રે,
આટલાએક માખણને કાજે માતા ઊખળે બાંધે રે.
કાનજી૦
સકળ વિશ્વમાં સહુ કો જાણે: ગાય તણો ગોવાળો રે;
નરસૈંયાનો સ્વામી ભલે મળિયો, પૂરણ બ્રહ્મ દયાળો રે.
કાનજી૦