મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭)


પદ (૭)

નરસિંહ મહેતા

‘જશોદા! તારે કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે?
જશોદા૦
શીંકું તોડ્યું, ગોરસ, ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાખ્યું, સરવે કીધું ખુવાર રે.
જશોદા૦
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે!
જશોદા૦
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ? રહેવું નગર મુઝાર રે.’
જશોદા૦
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે.
જશોદા૦
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે!
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે.
જશોદા૦