મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૯)


પદ (૯)- દાણલીલા

નરસિંહ મહેતા

જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માતા;
જાગો રે સહુ જન જાગિયા, જાગોને હુઓ પ્રભાત.

જશોદાએ જદુપતિ જગાવિયા, ઝાલી સુવર્ણઝારી હાથ;
વદન પખાળો મારા માવજી રે, આરોગો શ્રી જદુનાથ.

જશોદાએ જદુપતિ જગાવિયા, આરોગાવ્યા જગદાધાર;
ધેન છોડીને વાહાલો સંચર્યા, મોહન મદન ગોપાળ.

મોરે તે શ્રીરંગ શામળા, જી રે કેડે તે સઘળી ગાય;
બળદેવ કોટે બાંયડી, પ્રભુ વૃંદાવનમાં જાય.

ઇંદ્રાદિક જગ મોહી રહ્યું, મોહન મધુરો ચરાવે ગાય;
જી રે બજાવે રુડી મોરલી, દુ:ખ દળદર ભંજન થાય.

ગાયો ચારે છે ચોફેર ફરી, જી રે ગોવર્ધનને માળ;
બળભદ્રે ફાંસો પાડિયો, શીંકું બાંધ્યું ડાળ.

કો કહે છે કૌવચ લહી, વાહાલા અંબરીષને કર આળ;
અન્યોઅન્ય માને નહીં, હરિ દેવા લાગે ગાળ.

જ્યમ જ્યમ કૌવચ ખાજુએ, જીરે ત્યમ ત્યમ રુએ બાળ;
બળભદ્ર સામું જોઈને, હરિ હસિયા મદન ગોપાળ.

મરકટ કોટે સાંકળાં, જી રે ફૂમતડાં લળકે કાન;
શૃંગાર સર્વ સજાવિયા, તેણે વિચિત્ર શોભે વાન..

છોડી છોડી નાંખે માંકડાં, બાંધે બાંધે નંદકિશોર;
મરકટ માને નહીં માવનું, ત્યારે કરે ઝાઝું જોર.

ઉખાણો સાચો થયો, જી રે મરકટ કોટે હાર;
છોડી છોડી નાખે માંકડાં, બાંધે બાંધે નંદકુમાર.

ગોવાળિયા મંડળી મળી, ઊભી ગોવર્ધનને માથ;
કૃષ્ણ આરોગે રુડો કરમદો, આહીરડાંની સાથ.
ચાખે ને ચખવી જુવે, વહાલો પીએ પીવડાવે ખીર;
જમી જમાડી પોતે જમે, હરી હળધર કેરો વીર.

બમણું તે લે વહાલો વેંહેચતાં, તતક્ષણ આરોગી જાય;
જેનું દેખે વહાલો વાધતું, તેનું પડાવી ખાય.

ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણું એક લાગી વાર;
વારો આવ્યો પ્રભુ તમ તણો, તમો વાળોને દીનદયાળ.

કર ગેડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.

સિંચાણી બગલી ને સારસી, પારેવી ચાતોર મોર;
પીળી ધોળી ને કાજળી, બોલાવે નંદકિશોર.

ગોવર્ધન ચઢી વાહાલે ચિંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં, જી રે નરખે નંદકુમાર.

દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું કેની તમો છો નાર;
હીંડો છો રે મલપતી, નચવો ઘુંઘટમાં નેણ ઝલકાર.

છો રે રંભા કે રે મોહની, કે છો રે આનંદ કે ચંદ;
કે રે પાતાળમાંની પદ્મની, એવો વિચાર કરે ગોવિંદ.

નહિ રે રંભા નહિ રંનાદેવી, જી રે નહિ આનંદ કે ચંદ;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાલમુકુંદ.
ગોકુળ મથુરાં જાઉં આવું ને, શું રે થયા અણજાણ;
હું રે ગોકુળની ગોવાલણી, પ્રભુ ના આપું મહીનાં દાણ.

મુખ ભર્યું એનું મોતીએ, જી રે અમર વાસિક વેખ;
સુંદર સોહિયે રાખડી, નયણે કાજળ રેખ.

ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ;
વૃન્દાવનમાં સંચર્યાં, જી રે સજીને શણગાર સોળ.

મોર મુકુટ વાહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ;
પીતાંબર વાહાલે પેહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.

કેસરનાં તિલક શિર ધયાં, પેહેર્યો ગળે ગુંજાનો હાર;
પાલવ સાહ્યો પીતાંબરે, દાણ આપ્ય ને જા-ની નાર.

મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ શાનાં માગો છો દાણ?’

કનક કલશ તારે શિર ધર્યો, નિરખે તે નંદકુમાર;
આંખો નચાવે શાનિયો, શીખ ન માનું લગાર.

કોણે તે દાણી બેસાડિયો, જી રે કોણે લીધી છે છાપ;
આણે મારગ જાઉં એકલી, હું તો કોને ન દેઉં જબાપ.

નવ રે દીઠું નવ રે સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત;
દાણ માગો કેવાં દૂધનાં, કો’ને કિયા તે દેશની રીત?
આધેવાયાં નથી અમ સાથે, કે નથી બળદ કે પોઠ;
એક બે ટકાનું ગોરસડું, તેમાં શાની તે માગો ગોઠ?’

ગંગા ને જમુના વચે, જી રે ચોકી બેસે આદ;
માણસ જોઈને માગીએ રે, જેવો માલ તેવી રે જકાત.

વિત કેટલું છે દાણનું, જી રે જોતા નથી એમાં માલ;
દાણનું લેખું નથી રાધે, સહસ્ર કોટી કે મોંઘી માલ.’

બોલ્યાં રાધા રાણી, હૈડે રીસ આણી, ઘેલા ગોવાળા ઘેર;
છબીલે મોહીની નાંખી ત્યારે, રાધે થઈ પેર પેર.

હાર આપું હૈડાતણો, જી રે ઘરાણે મૂકું ઝાલ;
મથુરામાંથી આવીને, છોડાવી લેઈશું કાલ.

તે વિદ્યા તો શીખ્યા નથી, નથી ભણ્યા કોની પાસ;
હાથમાંથી હરાવીને પછે, કયાં માંડિયે અભ્યાસ?

કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ;
મન મનાવોને માવજી, વાઓને વેણુ રસાળ.

કૃષ્ણજીએ વેણુ વાઈને, જી રે રાધે કીધાં રળિયાત;
હસી હસી પૂછે હે સખી, સંભળાવો નવલી વાત.
દાણલીલા ગાઈશું જી રે, હોસે વૈકુંઠ વાસ;
ગાયે શીખે ને સાંભળે, નરસંઈયો હરિની પાસ.