મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

પ્રથમ હું પ્રણમૂં શ્રી ગુરૂના પાયજી, માંગલ્યરૂપ શ્રીવલ્લભરાયજી;
શ્રીવિઠ્ઠલ ગિરિધરલાલજી, જેને સમરે થૈયે ન્યાહાલજી.          ૧

અષ્ટ સખાને કરૂં પ્રાણામજી, શ્રીકૃષ્ણ ગુણકેરાં ધામજી;
મુજ રૂદિયામાં પુરો નિવાસજી, શુભ મતિ જ્યમ થાય પ્રકાશજી.          ૨

ઢાળ.

થાય પ્રકાશ તો વર્ણન કરૂં, પ્રેમરસગીતાતણૂં;
વૃજવનિતા ઉદ્ધવતણૂં, જેમાં ઉત્તર પ્રતિ ઉત્તર ઘણૂં.          ૩

એક સમે ઉદ્વેગી સરખા, અવલોકી વૃજનાથને;
પૂછીયૂં ત્યાંહાં તે સમે, ઉધ્ધવે જોડી હાથને.          ૪

કોહો પ્રભૂ અભિપ્રાય શો ચિત, ઉદાસી સરખૂં થયૂં;
કૃપા કરી નીજ દાસને, હોય કારણ જોઈયે તે કહ્યૂં.          ૫

શ્રી વિઠ્ઠલજી વદ્યા વળતૂં, શૂં કહૂં અથથી તે કથા;
શ્રીગોકુળના ભક્તનો સ્નેહ, વિસરતો નથી સર્વથા.          ૬

લોક વેદની લાજ તજી, મુજમાટે દુખ સરવે સહ્યૂં;
દયાના પ્રભૂ પ્રાણવલ્લભ, તેણે ઉદ્ધવસું કહ્યૂં.          ૭