મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૪

ઓધવજી કહે સુણો વૃજની નારીજી, નગણા નથી કાંઈ ગિરવરધારીજી;
સ્વપર નથી હરિને સર્વ સમાનજી, ભક્તને આપે અભય પદદાનજી.          ૧

સાક્ષી સર્વનાં અંતર જાણેજી, વસ્યા સચરાચર સર્વ ઠેકાણેજી.
ઘંટમાં નાદ જ્યમ પુષ્પમાં સુવાસજી, એમ અખિલમાં વસ્યા અવિનાસજી.૨

અવિનાશ એમ વસ્યા સઘળે, વિજોગ તેનો ન સંભવે;
તમો વિવેકી યમ કયમ કહો એ, અજ્ઞાની હોય તે લવે.          ૧

પદ્માસન વાળી કરી, નાસાગ્ર દૃષ્ટી રાખીયે;
ચિત્ત એકાગ્ર કરીને મુન્ય, ધરી સોહમ ભાખીયે.          ૨

પ્રાણાયામ અભ્યાસ કરીને, રાજ્ય મારગે ચાલીયે;
ત્રિકુટી ભેદી ગગંન ચઢીને, બ્રહ્માનંદ સુખ મ્હાલિયે.          ૩

પોતામાં પોતાનો આત્મા, રામ નિત્યે દેખીયે;
જોગ મારસો ઝાંખતાં, પરીબ્રહ્મ પાસે પેખીયે.          ૪

એ જોગનો ઉપદેશ તમને, ઉદ્ધારે હરી કહાવિયો;
દયાના પ્રભૂ પ્રાણવલ્લભે, કૃપા કરીને બતાવિયો.          ૫